03 September, 2025 10:44 AM IST | Mumbai | Kajal Rampariya
કાચા પપૈયાનો રસ
આજકાલ લોકોને કુદરતી ઉપચારો, ઉપાય અને નુસખામાં રસ વધી રહ્યો હોવાથી ઇન્ફ્લુઅન્સર્સ સોશ્યલ મીડિયા પર અવનવા પ્રયોગો કરતા હોય છે. કાચા પપૈયાનો રસ પણ એવો જ એક નુસખો છે જે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. એ બૉડી ડીટૉક્સ કરવામાં મદદ કરે છે એવો દાવો થઈ રહ્યો છે ત્યારે એમાં કેટલું તથ્ય છે એ વિશે ક્લિનિકલ ડાયટિશ્યન કોમલ મહેતા પાસેથી વિસ્તારમાં જાણીએ તેમના જ શબ્દોમાં...
પોષક તત્ત્વોનો ખજાનો
કાચા પપૈયાનો રસ ખરેખર શરીર માટે ફાયદાકારક છે. ચોમાસાની સીઝનમાં એનું સેવન ગુણકારી માનવામાં આવે છે. કાચા પપૈયામાં વિટામિન A અને વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચાને ચમકદાર બનાવે છે અને શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ સાથે જ એમાં રહેલું પપેઇન પાચનક્રિયાને સરળ બનાવવા માટે લાભદાયક છે. છોલે, રાજમા કે પાંઉભાજી જેવી હેવી વાનગીઓ ખાધા પછી જે લોકો વારંવાર ઇન્ડાઇજેશન કે ઍસિડિટીની ફરિયાદ કરે છે અને આ સમસ્યા છાશવારે ઉદ્ભવતી હોય એ લોકો માટે કાચા પપૈયાનો રસ કુદરતી દવાનું કામ કરે છે.
ઇમ્યુનિટી માટે લાભદાયક
ફાસ્ટ લાઇફમાં જન્ક ફૂડનું સેવન વધુ થઈ જતાં શરીરમાં ઝેરી તત્ત્વોનું પ્રમાણ વધી જાય છે. આ ઝેરી તત્ત્વોને બહાર કાઢવા માટે કાચા પપૈયાનો રસ પીવાની સલાહ નિષ્ણાતો આપે જ છે. એ લિવરને શુદ્ધ કરીને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. એમાં રહેલું વિટામિન C ઇમ્યુનિટી-બૂસ્ટર છે; જ્યારે વિટામિન A આંખો, ત્વચા અને સેલ ગ્રોથ માટે જરૂરી છે. એટલે નિયમિત સેવન કરવાથી શરીરને કુદરતી રીતે ડીટૉક્સ કરે છે અને ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે. કાચા પપૈયાનો રસ બ્લડ-કાઉન્ટ વધારવામાં મદદરૂપ છે. ખાસ કરીને જેમને એનીમિયાની સમસ્યા હોય તેમના માટે નિયમિત સેવન ફાયદાકારક બની શકે છે. એમાં રહેલાં પોષક તત્ત્વો રક્ત બનાવવામાં મદદ કરે છે તેમ જ પાચનક્રિયાને સરળ બનાવે છે. કાચા પપૈયાનો રસ લીધા પછી ભોજન ઝડપથી પચી જાય છે, પેટ હળવું રહે છે અને લિવર તથા ગૉલ બ્લૅડરનું કાર્ય સુધરે છે. ડાયાબિટીઝ અને હાઈ બ્લડપ્રેશરના દરદીઓ પણ આ જૂસ પી શકે છે. એનાથી બ્લડ-શુગર લેવલ અને બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે.
પિરિયડ્સની સમસ્યામાં રામબાણ ઇલાજ
પપૈયાનો રસ માસિક ધર્મ સંબંધિત ઘણી સમસ્યાઓનું સમાધાન સાબિત થઈ શકે છે. અનિયમિત પિરિયડ્સ, પિરિયડ્સ મોડા અને ઓછા આવવા, PCOS એટલે કે પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ અને PCOD એટલે કે પૉલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ જેવી સમસ્યાઓમાં પપૈયાનો રસ રામબાણ ઇલાજ સાબિત થઈ શકે છે. કાચા પપૈયાનો રસ યુટ્રાઇન મસલ્સનું કાર્ય નૉર્મલ કરે છે, જે પિરિયડ્સને નિયમિત બનાવવામાં સહાયક સાબિત થાય છે. જેમને માસિક આવે જ નહીં અથવા વારંવાર મોડું થાય તેમના માટે આ ઉપયોગી માનવામાં આવે છે. હૉર્મોનલ ઇમ્બૅલૅન્સને સુધારવામાં પણ મદદરૂપ છે. જે સ્ત્રીઓને આ સમય દરમિયાન હેવી બ્લીડિંગ થતું હોય તેમણે આ રસનું પાન ન કરવું જોઈએ. પપૈયાની તાસીર ગરમ હોવાથી એ બ્લીડિંગને વધારી શકે છે જેથી અન્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ગર્ભવતી સ્ત્રીઓએ પણ કાચું પપૈયું ન ખાવું જોઈએ. એ ગર્ભ પર આડઅસર કરી શકે છે.
આરોગવાની યોગ્ય પદ્ધતિ
કાચા પપૈયાનો રસ અલગ-અલગ રીતે બનાવીને લઈ શકાય. એક આંગળી જેટલી ચીરમાં લીંબુનો રસ, જીરું, કાળાં મરી અને લીંબુનો રસ નાખીને બ્લેન્ડ કરીને પીવું સર્વોત્તમ માનવામાં આવે છે. એમાંથી પપૈયાના ગુણોની સાથે જીરું, લીંબુ અને કાળાં મરીનાં પોષક તત્ત્વો પણ મળે છે. ઘણા લોકો પપૈયાના રસમાં પોતાની ઇચ્છા મુજબ હાઇડ્રેશન અને કૂલિંગ માટે કાકડીની એક ચીર, આદુંનો ટુકડો અને થોડું નારિયેળનું પાણી પણ નાખે છે. પપૈયાની તાસીર ગરમ હોવાથી જેમની તાસીર ઠંડી હોય એ લોકો ખાલી પપૈયાનો રસ પણ લઈ શકે છે, પણ જેમની તાસીર ગરમ હોય તેને નારિયેળ પાણી અને કાકડી સાથે લેવાની સલાહ અપાય છે જેથી પપૈયાની ગરમી શરીરને નુકસાન ન પહોંચાડે. આ રસની માત્રા એક કપ જેટલી જ રાખવી. આખા દિવસ માટે આટલો રસ પૂરતો છે. ખાલી પેટે એનું સેવન સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેમને કોઈ પ્રકારની સમસ્યા ન હોય એ લોકો નિયમિત સેવન કરી શકે છે, પણ થોડા સમય બાદ અઠવાડિયામાં એક કે બે વાર એનું સેવન કરવું જેથી પપૈયાના રસનું અતિસેવન ન થાય. જો અતિસેવન થાય તો લૂઝ મોશન અથવા ગળા કે ચામડીમાં ઍલર્જિક રીઍક્શન આવી શકે છે. જો ખાલી પેટે ન જામે તો સવારના નાસ્તા અને બપોરના ભોજન પહેલાંના સમયગાળામાં એટલે કે બે ટાઇમના ભોજનની વચ્ચેના સમય દરમિયાન એને લઈ શકાય. જો તમે બિગિનર છો તો અઠવાડિયામાં એક વાર પી જુઓ, જો તમારા શરીરને સૂટ થતું હોય તો અઠવાડિયામાં બેથી ત્રણ વખત પી શકાય. રસ તરીકે ન પીવું હોય તો ખાલી કાચું પપૈયું પણ ખાઈ શકો. એક આંગળી જેટલી નાની ચીર કરતાં વધુ ન ખાવું જોઈએ. જો કોઈની ડાઇજેસ્ટિવ સિસ્ટમ બહુ નબળી અથવા સેન્સિટિવ હોય તેને પપૈયાનો રસ પીવાની સલાહ અપાતી નથી. જો કોઈને રૉ વેજિટેબલ ખાધા પછી વારંવાર લૂઝ મોશન થાય છે અથવા ઍસિડિટીની સમસ્યા રહે છે તેણે આ રસ ન લેવો જોઈએ. વધુમાં જેમને પેટમાં ગરમ પડે છે તેમણે પણ સાવચેતી રાખવી. દરેક વ્યક્તિની તાસીર અલગ-અલગ હોય છે તેથી જો હેલ્થ નરમગરમ રહેતી હોય તો એનું સેવન કરતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી ફરજિયાત છે.