03 April, 2025 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અનહેલ્ધી લાઇફસ્ટાઇલને લીધે સ્થૂળતાની સમસ્યા તો આવે જ છે સાથે ચહેરા પર પણ બિનજરૂરી ફૅટ જમા થવા લાગે છે અને તમારા લુકને એ ચબી બનાવે છે. ચહેરા પર ગાલ અને ગળાની આસપાસ એટલે દાઢીની નીચેના ભાગમાં જમા થયેલી સંચિત ચરબીને ઘટાડવા માટે બહુ મહેનત કરવી પડે છે. ચહેરાના આ ભાગમાં ચરબી જમા થાય એને ડબલ ચિન કહેવાય છે. આ એવી ફૅટ હોય છે જે આસાનીથી ઓછી થતી નથી. ડબલ ચિનથી છુટકારો મેળવવા પહેલાં એની પાછળનું કારણ જાણવું જરૂરી છે. બિનઆરોગ્યપ્રદ આહાર ખાવાથી ચહેરાની ચરબી વધે છે. જોકે આવું બધા જ કેસમાં થવું જરૂરી નથી. તમારું બૉડી પોશ્ચર પણ ચહેરાની ચરબી વધવા પાછળનું કારણ હોઈ શકે છે, જે સુંદરતાને ફરીથી બગાડી શકે છે અને જો તમારા ફેસમાં પણ ફૅટ જમા થઈ હોય તો એનાથી છુટકારો મેળવવો જરૂરી છે.
પાણી પીઓ
વધારે પાણી પીવાથી વારંવાર લાગતી ભૂખ ઓછી થશે. ભોજન ઓછું ખવાશે એટલે ફૅટ જમા નહીં થાય, તેથી વધુ પાણી પીવાથી પણ ચહેરાની ફૅટ બર્ન થઈ શકે છે.
જન્ક ફૂડને કહો બાય બાય
ખરાબ લાઇફસ્ટાઇલને કારણે પણ શારીરિક રીતે ફિટ હોવા છતાં ચહેરા પર ફૅટ જમા થતી હોય છે. વધુપડતા જન્ક ફૂડના સેવનથી પણ આવું થાય છે તેથી જન્ક ફૂડને રિપ્લેસ કરીને હેલ્ધી વિટામિન, ફાઇબર અને પ્રોટીનયુક્ત આહાર ખાવો જોઈએ તો આ સમસ્યા નહીં સર્જાય.
ફેસ-યોગ
ફેસ-ફૅટને દૂર કરવા માટે નિયમિત રીતે ફેસ-લિફ્ટ એક્સરસાઇઝ કરવી જોઈએ. એમાં ફિશ ફેસ, આઇબ્રો લિફ્ટ, ચિક લિફ્ટ અને જૉ લાઇન પર હાથથી ઉપરની સાઇડ લિફ્ટ કરતા હોઈએ એ રીતે દરરોજ પાંચ મિનિટ સુધી કસરત કરવાથી ચહેરાના મસલ્સ ફ્લેક્સિબલ થશે અને ફૅટ ધીરે-ધીરે બર્ન થશે.
મસાજ ઉપયોગી
ચહેરાની ચરબીને દૂર કરવા ફેસ મસાજ શ્રેષ્ઠ માનવામાં આવે છે. મસાજને લીધે ચરબી ઓગળે છે. ડબલ ચિન હોય એ લોકોને નારિયેળના તેલ અથવા બદામના તેલથી મસાજ કરવામાં આવે તો ફેસ-ફૅટ ઓછી થશે. દરરોજ રાત્રે સૂતાં પહેલાં જો આ મસાજ કરવામાં આવે તો એ ફેસ-ફૅટ બર્ન કરવાની સાથે ચહેરાના મસલ્સને રિલૅક્સ કરવાનું કામ પણ કરશે.
ચ્યુઇંગ ગમ
ફૅટી ફેસને પાછો શેપમાં લાવવા માટે ચ્યુઇંગ ગમને એક સારી ટેક્નિક માનવામાં આવે છે. માર્કેટમાં મળતી મોટા ભાગની ચ્યુઇંગ ગમમાં શુગરનું પ્રમાણ વધુ હોય છે. એ ફેટને વધારવાનું કામ કરે છે અને શરીરની કૅલરીને વધારે છે. તેથી શુગર-ફ્રી અને બ્રૅન્ડેડ ચ્યુઇંગ ગમ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. કામ કરતી વખતે પણ ચ્યુઇંગ ગમ ચાવ્યે રાખવાથી જડબાંની કસરત થાય છે અને ફૅટ બર્ન પણ થાય છે.
ઑઇલ-પુલિંગ મેથડ
એક ચમચી કોકોનટ ઑઇલ અથવા રાંધવામાં વપરાતા તેલની એક ચમચીને ખાલી પેટે મોંમાં રાખીને ૧૫ મિનિટ સુધી કોગળા કરવા અને પછી નવશેકા પાણીના કોગળા કરીને મોં સાફ કરી લેવું. આ પદ્ધતિને ઑઇલ-પુલિંગ પદ્ધતિ કહેવાય છે. એ ફેશ્યલ ચરબીને દૂર કરવામાં અને ડબલ ચિનની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કારગત સાબિત થઈ શકે છે.
ફુગ્ગા ફુલાવો
રોજ ફુગ્ગા ફુલાવવાની એક્સરસાઇઝ કરવામાં આવે તો પણ ફેશ્યલ ફૅટ આપમેળે ઓછી થાય છે. આ કસરત દરરોજ ૧૦થી ૧૫ મિનિટ કરવાથી ફરક પડી શકે છે.
બોલો ‘O’
દૈનિક કાર્યો કરતી વખતે તમારે મોંથી O બોલવાનું અને એ જ પોઝમાં રહેવાનું. આ પ્રક્રિયા ઓછામાં ઓછી ૧૫ વખત કરવાથી ચહેરા પરની ફૅટ બર્ન થશે.