સ્ત્રીઓની બદલાતી લાઇફસ્ટાઇલ તેમને હાર્ટ-ડિસીઝ તરફ ધકેલી રહી છે

12 March, 2025 06:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ત્રીઓમાં સ્ટ્રેસને કારણે હાર્ટ-ડિસીઝનું રિસ્ક વધ્યું છે. આજની સ્ત્રીઓમાં પહેલાંની સ્ત્રીઓ કરતાં સ્ટ્રેસ-ફૅક્ટર ખૂબ વધી ગયું છે. ખાસ કરીને વર્કિંગ સ્ત્રીઓમાં જ્યાં તેણે ઘર અને નોકરી બન્નેનું ધ્યાન રાખવાનું હોય છે

પ્રતીકાત્મક તસવીર

સ્ત્રીઓને જે રોગોનું રિસ્ક રહે છે એ રોગોમાં આજકાલ હાર્ટ-ડિસીઝનો સમાવેશ પણ થવા લાગ્યો છે અને આ રિસ્ક દર વર્ષે વધતું જ જઈ રહ્યું છે એટલે કે જે સ્ત્રીઓ કૉરોનરી આર્ટરી ડિસીઝનો ભોગ બની રહી છે એની સંખ્યામાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે જે ખૂબ જ ચિંતાજનક છે. 

સ્ત્રીઓમાં સ્ટ્રેસને કારણે હાર્ટ-ડિસીઝનું રિસ્ક વધ્યું છે. આજની સ્ત્રીઓમાં પહેલાંની સ્ત્રીઓ કરતાં સ્ટ્રેસ-ફૅક્ટર ખૂબ વધી ગયું છે. ખાસ કરીને વર્કિંગ સ્ત્રીઓમાં જ્યાં તેણે ઘર અને નોકરી બન્નેનું ધ્યાન રાખવાનું હોય છે ત્યાં સ્ટ્રેસ ખૂબ વધી જાય છે. એ વધતા સ્ટ્રેસને કારણે સ્ત્રીઓમાં નાની ઉંમરે ચીડિયાપણું, ગુસ્સો, ડિપ્રેશન જેવા સાઇકોલૉજિકલ પ્રૉબ્લેમ્સની સાથે-સાથે બ્લડપ્રેશર જેવા શારીરિક રોગો પણ થાય છે જે તેને હાર્ટ-ડિસીઝ તરફ લઈ જાય છે.

પહેલાંની સ્ત્રીઓ ઘરકામ જાતે કરતી અને સાધનો અને ટેક્નૉલૉજીના અભાવે તેની જિંદગી ખૂબ હાડમારી ભરેલી હતી. એને લીધે તેનું શરીર કસાયેલું રહેતું પરંતુ આજે સાધનો ભરપૂર છે, ટેક્નૉલૉજીને લીધે કામો સરળ બન્યાં છે અને ઘરકામ માટે હેલ્પ મળી રહે છે. આ બધાં કારણોસર શરીરને શ્રમ પડતો નથી. બહારનું ખાવાનું, બેઠાડુ જીવન વગેરે સમસ્યાઓ પણ સ્ત્રીની માઠી હેલ્થમાં ઉમેરો કરે છે. આ બધાં કારણોસર સ્ત્રીઓ નાની ઉંમરે હાઇપરટેન્શન, કૉલેસ્ટરોલ, ડાયાબિટીઝ કે ઓબેસિટીનો શિકાર બને છે અને આ રિસ્ક-ફૅક્ટર તેમને હાર્ટ-ડિસીઝ સુધી લઈ જાય છે.

જ્યાં સુધી એસ્ટ્રોજન હૉર્મોન સ્ત્રીનું રક્ષણ કરે છે ત્યાં સુધી તેને હાર્ટ-ડિસીઝ થતો નથી, પરંતુ આજકાલ સ્ત્રીઓમાં હાર્ટ-ડિસીઝ જોવા મળે છે એનો સીધો અર્થ એ થયો કે કોઈ પ્રકારનું હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ સ્ત્રીમાં જોવા મળે છે જેને કારણે હાર્ટ-ડિસીઝ થઈ રહ્યો છે.
બર્થ-કન્ટ્રોલ પિલ્સ, ઇમર્જન્સી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ વગેરે જેવી દવાઓ લાંબા ગાળે સ્ત્રીઓમાં હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ માટે જવાબદાર બનતી હોય છે.

 જે સ્ત્રીઓમાં આ રોગ જોવા મળે છે એમાં આ રોગ થવા પાછળનાં કારણોમાં સ્ત્રીઓમાં સ્મોકિંગનું વધતું પ્રમાણ, લાઇફસ્ટાઇલમાં આવેલા મોટા ફેરફારો અને પોષણયુક્ત ખોરાકની કમી જેવાં કારણો છે. આ કારણો તેમના આ રોગ માટે જવાબદાર છે. સ્ત્રીઓમાં વધતા રિસ્કને કારણે જાગ્રત સ્ક્રીનિંગ અને તેમને જે તકલીફ કે રિસ્ક-ફૅક્ટર હોય એનો યોગ્ય ઇલાજ જરૂરી છે.

-ડૉ. લેખા પાઠક (ડૉ. લેખા પાઠક અનુભવી કાર્ડિયોલૉજિસ્ટ છે.)

health tips heart attack diabetes mental health life and style gujarati mid-day columnists mumbai