03 September, 2025 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પહેલાંની તુલનાએ આજકાલ મેન્ટલ હેલ્થના ઇશ્યુઝ વધ્યા છે. ખાસ કરીને અડોલસન્ટ એજ-ગ્રુપ એટલે કે દસ-બાર વર્ષથી લઈને વીસ વર્ષ સુધીના એજ-ગ્રુપનાં બાળકોમાં પહેલાંની તુલનાએ બસો ટકા જેવો વધારો મને મારી પ્રૅક્ટિસમાં દેખાઈ રહ્યો છે. મોટા ભાગના લોકો માને છે કે મેન્ટલ હેલ્થના પ્રૉબ્લેમ્સ મોટા ભાગે એન્વાયર્નમેન્ટ એટલે કે જીવનના સંજોગોને આધીન હોય છે, પણ સાવ એવું નથી. આજકાલ હું જે કેસિસ જોઈ રહ્યો છું એમાં જિનેટિક કારણો વધુ જવાબદાર છે. એમાં પણ તમને કહું કે મેન્ટલ હેલ્થ-ઇશ્યુઝમાં માતાપિતાને ડાયાબિટીઝ હોય તો બાળકને આવે એટલો હિસાબ નથી હોતો. વ્યક્તિના દાદાને હોય, કઝિનને હોય કે પછી ત્રણ પેઢી પહેલાં પણ કોઈને કોઈ પણ પ્રકારનો મેન્ટલ હેલ્થને લગતો પ્રૉબ્લેમ રહ્યો હોય તો એ વારસામાં આવી શકે. બીજું, આજના સમયમાં પ્રીનેટલ બિહેવિયરની અસર બાળકની મેન્ટલ હેલ્થ પર જોવા મળતી હોય એવું પણ પ્રૅક્ટિસમાં મેં જોયું છે. જેમ કે બાળકને કન્સીવ કરતાં પહેલાં ધારો કે મધરની લાઇફસ્ટાઇલ ખરાબ હોય, કન્સીવ કરતાં પહેલાં તેની ખાણીપીણીમાં સમસ્યા હોય તો એ જન્મ લેનારા બાળકના જીન્સને ડિસ્ટર્બ કરે અને એ મેન્ટલ હેલ્થ-ઇશ્યુઝમાં પરિણમે. એ રીતે જુઓ તો આજના સમયમાં મેન્ટલ હેલ્થનાં કારણોને ડીકોડ કરવાં ખૂબ જટિલ બાબત છે અને પ્રાઇવેટ પાર્ટ્સની ખામીને કારણે મેન્ટલ હેલ્થ-ઇશ્યુઝ જન્મ્યા હોય તો એ માટે માત્ર લાઇફસ્ટાઇલ ચેન્જ સંપૂર્ણ પરિણામ આપે એ સંભવ નથી. અફકોર્સ, લાઇફસ્ટાઇલ બદલાવીને તમે એનાં લક્ષણોને હળવાં જરૂર કરી શકો.
આજે જો યુવાન વયે તમે મેન્ટલ હેલ્થ-સમસ્યાઓને ટૅકલ કરવા માગતા હો તો કેટલાક નિયમો છે જેને નાનાં બાળકોથી લઈને દરેકે પાળવા જેવા છે. એમાં સૌથી પહેલા નંબરનો ગોલ્ડન રૂલ છે ઊંઘ. યસ, ઊંઘ મેન્ટલ હેલ્થ-ઇશ્યુઝને ઘટાડવા માટે સૌથી મહત્ત્વની અને સૌથી મુખ્ય બાબત છે. તમે સમયપર સૂઓ અને સમય પર ઊઠો. સંપૂર્ણ ડીપ સ્લીપ લીધી હોય એ મહત્ત્વનું છે. એ પછી આવે છે ડેડિકેટેડ સમય માટે કરેલો વ્યાયામ. જિમમાં જઈને તમે સ્ટેરૉઇડ્સ લઈને બૉડી બનાવવા માટે વેઇટ ઉપાડતા હો એને વ્યાયામ ન કહેવાય. વ્યાયામ એટલે શરીરનું દરેક અંગ સક્રિયતાનો અનુભવ કરે એવી પ્રવૃત્તિ. એ પછી હેલ્ધી ડાયટ. તમે કૅફીન, આલ્કોહોલ જેવા વ્યસનનું સેવન ન કરતા હો, જન્ક ફૂડ ન લેતા હો એ જરૂરી છે.
જાતને રિલૅક્સ કરતાં શીખી લો. આજની પેઢીને ડિસિપ્લિન પસંદ નથી. ઘણાને કહેતા સાંભળ્યા છે કે અમને બુક-ટાઇપ લાઇફ જીવવી નથી ગમતી. પરંતુ સમજી લો કે મેન્ટલ હેલ્થ માટે ડિસિપ્લિન મહત્ત્વની છે. તમને ડિસિપ્લિનમાં રહેતાં આવડવું જોઈએ. ડિસિપ્લિનને તમારે ફૉલો પણ કરવી જ જોઈએ. છેલ્લે હૉબી ડેવલપ કરો અને હૉબીમાં ઍક્ટિવ પાર્ટિસિપેશન લો. જેમ કે ધારો કે તમને મ્યુઝિકનો શોખ હોય તો મ્યુઝિક સાંભળવાનું જ નહીં પણ ગાવાનું ડેવલપ થવું જોઈએ. ધારો કે તમને ફિલ્મોનો શોખ હોય તો ફિલ્મમેકિંગમાં આગળ વધવાના પ્રયાસ કરો. તમે પૂરેપૂરા એમાં ડૂબી શકો એવી રીતે હૉબીમાં આગળ વધો. એવી જ રીતે લૉન્ગ ટર્મ રિલેશનશિપ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ જેવા રસ્તાઓ છે લાંબા સમય સુધી મેન્ટલ હેલ્થને જાળવી રાખવાના.
-ડૉ. અશિત શેઠ