હૉર્મોનલ સમસ્યામાં સીડ સાઇક્લિંગ કેટલું ફાયદાકારક?

21 April, 2026 03:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાઇરૉઇડ, પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ, માસિકની તકલીફ, મેનોપૉઝ જેવી સમસ્યાઓમાં પંદર પંદર દિવસના અંતરે દવા તરીકે તલ, સૂર્યમુખી, કોળું અને અળસીનાં બીજ કઈ રીતે લેવાનાં એ જાણીએ...

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

આજના સમયમાં જે પ્રકારે જીવન બદલાયું છે, શારીરિક અને માનસિક પરિસ્થિતિઓ ઘણી બદલાઈ ગઈ છે એને કારણે સ્ત્રીઓના જીવનમાં હૉર્મોન્સની ઊથલપાથલ વધી ગઈ છે. સ્ત્રીના જીવનમાં અમુક-અમુક સમયગાળે હૉર્મોન્સ ઉપર-નીચે થતાં હોય છે પરંતુ આજના સમયમાં થાઇરાઇડ, પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ, માસિક દરમ્યાન થતી તકલીફો, અનિયમિત માસિક, મેનોપૉઝ દરમ્યાન વધી જતી ઘણી-ઘણી તકલીફોનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. આ હૉર્મોન્સને બૅલૅન્સમાં રાખવાં ખૂબ જ જરૂરી છે.

એના ઉપાય તરીકે સીડ સાઇક્લિંગ ઘણું ઉપયોગી સાબિત થાય છે. સીડ સાઇક્લિંગમાં મુખ્યત્વે ચાર અલગ-અલગ બીજનો ઉપયોગ કરવામાં આવે છે. સીડ સાઇક્લિંગ એક નેચરોપૅથિક રેમેડી છે જેના માટે કહેવાય છે કે એ હૉર્મોન્સને બૅલૅન્સ રાખવામાં મદદરૂપ થાય છે. બીજમાં જરૂરી ઓમેગા-૩, ઓમેગા-૬ ફૅટી ઍસિડ, મિનરલ્સ અને ફાયટોકેમિકલ્સ હોય છે જે હૉર્મોન્સને બૅલૅન્સ કરવામાં ઘણાં મદદરૂપ બને છે.

તલ, સૂર્યમુખી, કોળું અને અળસી આ ચાર પ્રકારનાં બીજ સીડ સાઇક્લિંગમાં વપરાય છે. આ સીડ્સ ખૂબ જ ગુણકારી છે. સીડ સાઇક્લિંગમાં માસિકના પહેલા દિવસથી ૧૪મા દિવસ સુધી અળસીનાં બીજ અને કોળાનાં સૂકાં બીજ ૧-૧ મોટો ચમચો ભરીને ખાવાનાં અને પંદરમા દિવસથી ત્રીસમા દિવસ સુધી તલ અને સૂર્યમુખીનાં બીજ ૧-૧ મોટો ચમચો ભરીને ખાવાં જરૂરી છે. દરેક બીજ આમ તો ગુણકારી છે પરંતુ હૉર્મોન્સના નિયંત્રણ અને બૅલૅન્સ માટે આ પ્રકારે એને વિભાજિત કરવામાં આવ્યાં છે. જે સ્ત્રીઓને અનિયમિત માસિકને કારણે આ દિવસો નક્કી ન હોય ત્યારે જ્યારે પણ પિરિયડ આવે એના પહેલા દિવસથી ગણતરી કરીને ૧૪-૧૪ દિવસના અંતરે બીજ બદલતાં રહેવાનું.

આ બીજને શેકીને ભાવે તો એમ નહીંતર કાચાં પણ ખાઈ શકાય છે. આખાં ચાવીને ભાવે તો એમ નહીંતર વાટીને પણ ખાઈ શકાય છે. ૧-૧ ચમચો ખાવાનાં હોય અને બે ચમચા ભરીને એકસાથે ન ખાઈ શકાય તો દિવસના અલગ-અલગ સમયે પણ એ લઈ શકાય છે. સ્ત્રીઓનાં કોઈ પણ પ્રકારનાં હૉર્મોન્સ સંબંધિત પ્રશ્નોમાં આ પદ્ધતિ ઉપયોગી સાબિત થઈ શકે છે.

સ્ત્રીઓની હેલ્થ એના હૉર્મોન્સ પર ઘણી રીતે આધારિત રહેલી છે. જે સ્ત્રીને માસિક દરમ્યાન કોઈ પણ જાતની તકલીફ થતી હોય, એકને, ખૂબ હેવી બ્લીડિંગ, ઓછું બ્લીડિંગ, ખૂબ વધારે દુખાવો, અશક્તિ, મૂડ સ્વિન્ગ્સ, અનિયમિત માસિક, મેનોપૉઝલ તકલીફો, હૉટ ફ્લેશિઝ, ખૂબ વધારે રક્તસ્રાવ, માસિકની અનિયમિતતાને કારણે ગર્ભધારણમાં મુશ્કેલી જેવાં હૉર્મોનલ ઇશ્યુની સાથે વજન ઓછું કરવા માટે પણ સીડ સાઇક્લિંગ ઉપયોગી સાબિત થાય છે. ૨-૩ મહિના સળંગ એનો ઉપયોગ કરવાથી નિશ્ચિત રિઝલ્ટ જોવા મળી શકે છે.

healthy living health tips life and style lifestyle news news