વધુપડતું સ્ટ્રેસ તમને ડાયાબિટીઝ તરફ ધકેલી રહ્યું છે

21 August, 2025 02:17 PM IST  |  Mumbai | Dr. Meeta Shah

મલ્ટિટાસ્કિંગના નામે આપણે આપણી ક્ષમતા બહારનું કામ કરીને જાતને એટલી થકવી દઈએ છીએ કે પછી નાનકડું કામ પણ એક બોજ લાગવા લાગે છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ડાયાબિટીઝ થવા પાછળનાં ઘણાં કારણોમાંનું એક મહત્ત્વનું કારણ વ્યક્તિનું સ્ટ્રેસ છે ઘણા લોકો માને છે કે આજના સમયમાં સ્ટ્રેસ વગર જીવી ન શકાય અને એ જ કારણસર આપણે આપણા સ્વભાવને સ્ટ્રેસફુલ બનાવી દીધો છે. જે બાબતે સ્ટ્રેસ ન લેવું જોઈએ એવી નાની-નાની બાબતમાં પણ આપણે સ્ટ્રેસ લઈએ છીએ. મલ્ટિટાસ્કિંગના નામે આપણે આપણી ક્ષમતા બહારનું કામ કરીને જાતને એટલી થકવી દઈએ છીએ કે પછી નાનકડું કામ પણ એક બોજ લાગવા લાગે છે. આ દરેક પરિસ્થિતિ આપણને રોગો તરફ ધકેલે છે જેમાં ડાયાબિટીઝનું સ્થાન ઘણું આગળ છે.

સ્ટ્રેસ એટલે શું જો એની વ્યાખ્યા કરીએ તો કહી શકાય કે એક એવી માનસિક અવસ્થા જેમાં ઇમોશનલ તાણ કે ટેન્શન ઉદ્ભવે જેને તમે પહોંચી ન વળો. સામાન્ય રીતે સ્ટ્રેસ એ વર્તણૂક સાથે સંબંધિત તકલીફો જેમ કે વધુપડતું ખાવું, હાઈ ફૅટવાળો ખોરાક વધુ ખાવો કે ખોટા ખોરાકની પસંદગી વધુ કરવી, શારીરિક ઍક્ટિવિટી ન કરવી, આળસુ બની રહેવું અને બેઠાડુ જીવન જીવવું વગેરે જેવી તકલીફો જોવા મળે છે. આ ઉપરાંત સ્ટ્રેસને કારણે ઊંઘ સંબંધિત તકલીફો પણ થાય છે. સ્ટ્રેસને કારણે વ્યક્તિની ઊંઘ ઓછી થઈ જાય અથવા તે ઊંઘે પણ એ ગાઢ ઊંઘ ન હોય. સ્ટ્રેસને કારણે વ્યક્તિને માનસિક તકલીફો પણ ઉદ્ભવતી હોય છે જેમ કે તે ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી, અસુરક્ષાની ભાવના વગેરેનો શિકાર બની શકે છે. આ બધા જ પ્રકારના બદલાવ તેને ડાયાબિટીઝ તરફ ધકેલે છે. આ બધા જ બદલાવ એક ટ્રિગર છે જે ડાયાબિટીઝને તાણી લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આમ સ્ટ્રેસ ડાયાબિટીઝનું કારક બને છે.

તમે સ્ટ્રેસમાં હો છો ત્યારે કૉર્ટિઝોલ હૉર્મોન જન્મે છે અને આ સ્ટ્રેસ હૉર્મોન શરીરમાં લોહીમાં રહેલી શુગરનું પ્રમાણ વધારે છે. જેમને ડાયાબિટીઝ છે જ એવી વ્યક્તિને પણ કૉર્ટિઝોલને કારણે ઘણો ખતરો છે કારણ કે તેમનું  શુગર-લેવલ કન્ટ્રોલમાં રહેતું નથી. આમ સ્ટ્રેસને લીધે ડાયાબિટીઝ થઈ શકે છે એની સાથે-સાથે એ પણ મહત્ત્વનું સમજવું કે જો તમને ડાયાબિટીઝ છે જ અથવા ડાયાબિટીઝ જેવો કોઈ પણ લાંબા ગાળાનો રોગ છે તો એ રોગ પોતે પણ ઘણું સ્ટ્રેસ અને પ્રેશર જન્માવે છે જેને કારણે બ્લડ-શુગરને કન્ટ્રોલમાં રાખવી અઘરી બને છે. આમ સ્ટ્રેસને કારણે ડાયાબિટીઝ, ડાયાબિટીઝને કારણે વધુ સ્ટ્રેસ, વધુ સ્ટ્રેસને કારણે અનિયંત્રિત ડાયાબિટીઝ અન અનિયંત્રિત ડાયાબિટીઝને કારણે વધતું જ રહેતું સ્ટ્રેસ એ એક ક્યારેય ખતમ ન થતી સાઇકલ છે. આ સાઇકલને તોડવી સમય જતાં અઘરી પડે છે. એ માટેના પ્રયાસો જેટલા વહેલા શરૂ થાય એ ફાયદેમંદ છે.

diabetes health tips mental health life and style columnists gujarati mid day mumbai