07 July, 2025 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાત્રે જમ્યા પછી પણ ખાવાનું ક્રેવિંગ થવા પાછળ સાઇકોલૉજિકલ અને બાયોલૉજિકલ બન્ને કારણો હોય છે. આપણું પેટ ભરેલું હોવા છતાં દિમાગ કંઈક બીજું ખાવાનું સિગ્નલ આપતું હોય છે. એની પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. એક તો ઘણા લોકોને માઇન્ડલેસ ઈટિંગ કરવાની આદત હોય છે. એટલે કે તેમનું ધ્યાન જમવા કરતાં ટીવી જોવામાં કે મોબાઇલ સ્ક્રૉલ કરવામાં વધુ હોય છે. એને કારણે દિમાગને એ સંકેત નથી મળતો કે એણે ખાવાનું ખાધું છે. ઘણી વાર લોકો બોર થતા હોય કે સ્ટ્રેસમાં હોય ત્યારે પણ કમ્ફર્ટ ફૂડ એટલે કે કંઈક ગળ્યું અને ચટપટું ખાવાની તેમને ક્રેવિંગ થતું હોય છે. ઘણી વાર ડિનરમાં હાઈ કાર્બવાળું એટલે કે રોટલી, ભાત અને શુગરવાળું ફૂડ જેમ કે ખીર, શીરો વગેરે ખાધું હોય તો પણ બ્લડશુગર સ્પાઇક થયા પછી ક્રૅશ થાય છે, પરિણામે ફરી કંઈક ખાવાનું ક્રેવિંગ થવા લાગે છે. ઘણી વાર રાતમાં રેગ્યુલરલી કંઈક ખાવાની આદત પડી હોય તો બૉડી એ ટાઇમ પર હંગર સિગ્નલ મોકલી દે છે, ભલે તમને વાસ્તવિકતામાં ભૂખ લાગી હોય કે ન લાગી હોય. ઘણી વાર ડિનરમાં પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર ખોરાક ન ખાધો હોય તો પણ પેટ ભરેલું હોવા છતાં સૅટિસ્ફૅક્શન નથી મળતું અને કંઈક ખાવાનું ક્રેવિંગ શરૂ થઈ જાય છે.
રાત્રે જમ્યા પછી બ્રશ કરી લઈએ તો ક્રેવિંગ કન્ટ્રોલમાં આવવા પાછળ વિજ્ઞાન અને સાઇકોલૉજી બન્ને કામ કરે છે. જ્યારે આપણે બ્રેશ કરી લઈએ છીએ ત્યારે દિમાગને સિગ્નલ મળે છે કે હવે ખાવાનું ખતમ થઈ ગયું છે. એનાથી શરીર અને દિમાગ બન્ને રિલૅક્સ થઈ જાય છે અને કંઈક ખાવું છે એવું ક્રેવિંગ કરતાં નથી. બ્રશ કર્યા બાદ ટૂથપેસ્ટનો સ્ટ્રૉન્ગ ટેસ્ટ મોઢામાં આવી જાય છે એટલે એના પછી મીઠું કે નમકીન ખાવાનું એટલું મન થતું નથી. બ્રશ કરવું એ એક સ્લીપ-રૂટીન સિગ્નલ પણ હોય છે. એટલે બ્રશ કર્યા પછી બૉડી સ્લીપ-મોડમાં જાય છે અને હંગર હૉર્મોન ઍક્ટિવિટી ધીમી પડી જાય છે. એટલે જો રાત્રે જમ્યા પછી પણ ક્રેવિંગ થતું હોય તો બ્રશ કરવાનું રાખો અને બ્રશ કર્યા પછી સૂવાનું રાખો. આમ કરવાથી ખાવાના ક્રેવિંગ સાથે તમારું એક ફિક્સ સ્લીપ-શેડ્યુલ પણ બનશે અને તમને ઊંઘ પણ સારી આવશે.
ક્રેવિંગને કન્ટ્રોલ કરવા આટલું ધ્યાન રાખો
ડિનરમાં પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર ખોરાક જેમ કે દાળ, શાક, સૅલડ, પનીર લો. ક્રેવિંગ થતું હોય તો વરિયાળી ખાવાનું કે હર્બલ ટી કે પછી નવશેકા પાણીમાં લીંબુનો રસ નાખીને એ પીવાનું રાખો. એમ છતાં જો કંઈક ખાવું હોય તો થોડા રોસ્ટેડ ચણા, મખાના કે ડ્રાયફ્રૂટ્સ ખાઈ શકો. જમતી વખતે ટીવી જોવાનું કે મોબાઇલ સ્ક્રૉલિંગ કરવાનું ટાળીને ફક્ત ભોજન પર જ ધ્યાન આપો.