15 July, 2025 07:03 AM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
આજનો આ જે વિષય છે એ માત્ર સેક્સોલૉજીને અસર કરતો જ નહીં, સાઇકોલૉજીને પણ અસર કરનારો છે. ત્રણેક વીક પહેલાં PMS એટલે પ્રી-મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રૉમ વિશે લખ્યું એ પછી બેથી ત્રણ લેડીના ફોન આવ્યા તો એટલી જ છોકરીઓના મેસેજ આવ્યા. તેમનું કહેવું હતું કે તેઓ પ્રયાસ કરે છે એ પછી પણ PMS દરમ્યાન તેમના મૂડ-સ્વિંગ્સમાં કોઈ ફરક પડતો નથી અને સ્વભાવમાં આવી જતું ચીડિયાપણું એવું ને એવું જ રહે છે. સ્વભાવમાં આવતું આ ઇરિટેશન હૉર્મોનલ ચેન્જની અસર છે એટલે અગાઉ સૂચવ્યા હતા એ રસ્તાઓ વાપર્યા પછી પણ એમાં ચેન્જ ન દેખાય એ સ્વાભાવિક છે, પણ એનો અર્થ એવો નહીં કરવાનો કે મૂડ-સ્વિંગ્સ પર કન્ટ્રોલ ન લાવી શકાય.
મૂડ-સ્વિંગ્સ પર કન્ટ્રોલ આવી જ શકે અને એ લાવવો પણ જોઈએ. સાઇકિયાટ્રિસ્ટ તરીકે ઘણા એવા કિસ્સા જોયા છે જેમાં PMSના મૂડ-સ્વિંગ્સે સંબંધો પણ તોડાવ્યા હોય અને પછી એ કપલને ફરીથી જૉઇન પણ ન કરાવી શકાયું હોય. આજના સમયમાં જો કોઈ એક વાત બહુ સામાન્ય બની ગઈ હોય તો એ મૂડ-સ્વિંગ્સની પ્રક્રિયા છે. મૂડ-સ્વિંગ્સ દરમ્યાન બોલાયેલા શબ્દો કે કહેવાયેલી વાતોમાં એવી આક્રમકતા હોય છે કે એ સાંભળનારો ઊભેઊભો ચિરાઈ જાય. પતિ–પત્ની કે બૉયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડની રિલેશનશિપમાં કહેવાતી કડવી અને વરવી વાતોની સીધી અસર લાગણી પર પડતી હોય છે. મૂડ-સ્વિંગ્સની ચરમસીમા જેવી એક વાત તમને કહું.
અંધેરીમાં રહેતું એક કપલ ઘણા લાંબા સમયથી મૅરિડ અને એ પછી પણ બાળકનું પ્લાનિંગ કરે નહીં. ફૅમિલીનું દબાણ પણ ખરું, પરંતુ પતિ વાત ગણકારે નહીં. સમજાવવા માટે ફૅમિલી-ફ્રેન્ડ તરીકે મને કહેવામાં આવ્યું. હસબન્ડ-વાઇફને સાથે મળવાને બદલે થયું કે પહેલાં હસબન્ડ સાથે વાત કરવી જોઈએ એટલે છોકરા સાથે મીટિંગ કરી. મીટિંગ દરમ્યાન છોકરાએ જે વાત કરી એ ભયાનક તો હતી જ, સાથોસાથ અજ્ઞાનતા પણ દર્શાવતી હતી. PMSને કારણે વાઇફમાં દર મહિને જોવા મળતા મૂડ-સ્વિંગ્સ અને મૂડ-સ્વિંગ્સને કારણે ચરમસીમા પર પહોંચતા ઝઘડાઓથી તે મહાશય એ સ્તર પર ડરી ગયા હતા કે તેણે મનોમન નક્કી કરી લીધું કે આવી સિચુએશનમાં તે ફૅમિલી-પ્લાનિંગ નહીં કરે. હસબન્ડનું કહેવું હતું કે મૂડ-સ્વિંગ્સ વચ્ચે વાઇફ ચાર-પાંચ દિવસ સુધી આક્રમક થઈ જાય છે, તેને બોલવાનું ભાન નથી રહેતું અને તે ડિવૉર્સ લેવાની હદ સુધી પહોંચી જાય છે. જો આ જ ચાલુ રહે તો નાહકનું બાળક હેરાન થાય. પહેલી વાત એ કે PMS દરમ્યાનના મૂડ-સ્વિંગ્સને રોકવા માટેના જે સરળ અને ઘરગથ્થુ રસ્તાઓ છે એવા જ એ માટેના ઍલોપથીના રસ્તાઓ પણ છે જે કારગત છે. જો PMS માનસિક કે શારીરિક રીતે હિંસક સ્તર પર પહોંચતું લાગે તો એને ચલાવી લેવાને બદલે ચોક્કસપણે ગાયનેક કે ફૅમિલી ડૉક્ટરને મળવું જોઈએ, જેથી એમાંથી કાયમી છુટકારો મેળવી શકાય.