16 July, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રીયુઝેબલ ક્લૉથ પૅડ
ટ્રેડિશનલ સૅનિટરી પૅડ પ્લાસ્ટિક, રસાયણ અને સિન્થેટિક મટીરિયલમાંથી બનેલાં હોય છે જે લાંબા સમય સુધી ડીકમ્પોઝ થતાં નથી અને એને કારણે પ્રદૂષણ વધે છે. ટ્રેડિશનલ સૅનિટરી પૅડને બનાવવા માટે જે રસાયણ અને ફ્રૅગ્રન્સનો યુઝ થાય છે એનાથી સ્કિન-ઇન્ફેક્શન થાય છે એટલે એ હેલ્થ માટે પણ સારાં નથી. આજકાલ જે ઇકો-ફ્રેન્ડ્લી પૅડ, પૅન્ટી, કપ આવે છે એ વારંવાર ઉપયોગમાં લઈ શકાય એવાં અને વધુ સુરિક્ષત હોય છે. એ યુઝ કરવાથી પૈસાની પણ બચત થાય છે. તો ચાલો જાણીએ માર્કેટમાં કયા-કયા વિકલ્પો છે.
સૅનિટરી પૅડ
રીયુઝેબલ ક્લૉથ પૅડ હાઈ ઍબ્સૉર્બન્ટ એટલે કે વધારે પ્રમાણમાં પ્રવાહી શોષી શકે એવા કપડાથી બનેલાં હોય છે. એ પહેરવામાં સૉફ્ટ, લીક-પ્રૂફ, રૅશિસ ન થાય એવાં અને કમ્ફર્ટેબલ હોય છે. આ રીયુઝેબલ ક્લૉથ પૅડનો ઉપયોગ તમે ૭૦થી ૧૦૦ વાર આરામથી કરી શકો. જોકે આ પૅડને ક્લીન કરીને યુઝ કરતી વખતે હાઇજીનનું ધ્યાન રાખવું જરૂરી છે. આ પૅડને સરખી રીતે હળવા ડિટર્જન્ટ અને પાણીથી ધોઈને, સૂકવીને અને બરાબર ડ્રાય થયા પછી જ વપરાશમાં લેવું જોઈએ, નહીંતર સ્કિન પર રૅશિસ થઈ શકે છે. જો તમને રીયુઝેબલ ક્લૉથ પૅડને ધોવાનું પસંદ ન હોય તો તમે બાયોડિગ્રેડેબલ પૅડનો ઉપયોગ કરી શકો. આ પૅડ કૉટન, બામ્બુ ફાઇબર, બનાના ફાઇબર જેવા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે એટલે એ પ્લાસ્ટિકની જેમ પ્રદૂષણ ફેલાવતાં નથી અને થોડા સમયમાં પ્રાકૃતિક તત્ત્વોમાં વિઘટિત થઈ જાય છે. પ્લાસ્ટિક અને સિન્થેટિક ફૅબ્રિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલાં પૅડની સરખામણીમાં આ પૅડ હેલ્થ માટે પણ સારાં હોય છે, કારણ કે એમાં કોઈ કેમિકલનો ઉપયોગ થતો નથી.
પિરિયડ પૅન્ટી-અન્ડરવેઅર
પિરિયડ પૅન્ટી-અન્ડરવેઅર એક ખાસ પ્રકારની અન્ડરવેઅર હોય છે જે માસિક ધર્મ દરમ્યાન બ્લડને ઍબ્સૉર્બ કરવાની ક્ષમતા રાખે છે. એમાં સૅનિટરી પૅડ લગાવવાની કે મેન્સ્ટ્રુઅલ કપની જરૂર નથી પડતી એટલે ઘણી મહિલાઓને એ વધુ કમ્ફર્ટેબલ લાગે છે. એક પિરિયડ પૅન્ટીનો તમે ૭૦થી ૮૦ વાર ધોઈને ઉપયોગ કરી શકો છો. ઘણી ટીનેજ ગર્લના પિરિયડ્સ શરૂ થાય ત્યારે તેમને ઘણી વાર પૅડ બદલવામાં પૅડ પૅન્ટીમાંથી સ્લિપ થઈ જવાનું, પૅડનો શેપ દેખાવાનું સ્ટ્રેસ રહેતું હોય છે. એટલે તેમના માટે પિરિયડ પૅન્ટી સારો વિકલ્પ છે. આ પૅન્ટી પણ પહેરવામાં સૉફ્ટ અને લીકેજ-પ્રૂફ હોય છે, પણ એને ક્લીન કરીને રીયુઝ કરવામાં વિશેષ કાળજી રાખવી પડે છે. જો પ્રૉપર હાઇજીન મેઇન્ટેઇન કરવામાં ન આવે તો સ્કિન પર રૅશિસ, વજાઇનલ ઇન્ફેક્શન, યુરિનરી ટ્રૅક ઇન્ફેક્શન થઈ શકે છે.
મેન્સ્ટ્રુઅલ કપ-ડિસ્ક
મેન્સ્ટ્રુઅલ કપ એક લચીલો, ઘંટી આકારનો સિલિકૉનનો કપ હોય છે જેને માસિક ધર્મ દરમ્યાન બ્લડને એકઠું કરવા માટે યોનિમાં નાખવામાં આવે છે. આ કપને ૧૦-૧૨ કલાક સુધી આરામથી યુઝ કરી શકાય છે. જોકે અનુકૂળ હોય તો એને દર પાંચ-છ કલાકે ખાલી કરવો સારું ગણાય. હેવી બ્લડ-ફ્લો રહેતો હોય તે મહિલાઓ માટે એ સારો વિકલ્પ છે. મેન્સ્ટ્રુઅલ કપ આરામથી પાંચથી સાત વર્ષ સુધી ચાલે છે. મહિલાઓમાં મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ વધ્યો છે, પણ સૅનિટરી પૅડ જેટલો વ્યાપકપણે ઉપયોગ નથી થતો. એની પાછળ ઘણાં કારણો છે. જેમ કે કપને અંદર ઇન્સર્ટ કરવાનો ભય હોય છે, એને રિમૂવ કરતી વખતે ઘણી મહિલાઓ ડિસકમ્ફર્ટ ફીલ કરે છે તો ઘણી મહિલાઓને એનો ઉપયોગ કરતાં નથી આવડતું. મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરતી વખતે પણ કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે કપને રિમૂવ કર્યા પછી એને નવશેકા પાણીથી સરખી રીતે ધોવો જોઈએ અને પછી રીયુઝ કરવો જોઈએ. માસિક ધર્મના અંતમાં કપને પાંચ-દસ મિનિટ માટે ગરમ પાણીમાં નાખીને સ્ટરિલાઇઝ કરવો જોઈએ. એ પછી કપ સાફ કપડાથી લૂછીને એકદમ ડ્રાય થઈ જાય પછી જ એને થેલીમાં રાખવો જોઈએ. આગલા મહિને ફરીથી
એનો ઉપયોગ કરતાં પહેલાં સ્ટરિલાઇઝ કરવાનું ભૂલવું ન જોઈએ. મેન્સ્ટ્રુઅલ કપની જેમ મેન્સ્ટ્રુઅલ ડિસ્ક આવે છે, પણ એનો આકાર ચપટો અને ગોળ હોય છે. મેન્સ્ટ્રુઅલ કપની સરખામણીમાં એ વધુ બ્લડ કલેક્ટ કરી શકે છે. મેન્સ્ટ્રુઅલ ડિસ્ક પહેરીને પેનિટ્રેટિવ સેક્સ થઈ શકે, જ્યારે મેન્સ્ટ્રુઅલ કપ એ માટે આઇડિયલ નથી. એટલું જ નહીં, મેન્સ્ટ્રુઅલ કપ અને ડિસ્કને ઇન્સર્ટ કરવાની, બૉડીમાં પ્લેસ કરવાની અને રિમૂવ કરવાની રીત પણ થોડી અલગ હોય છે. ઇન્સર્શન અને રિમૂવલમાં મેન્સ્ટ્રુઅલ કપ મેન્સ્ટ્રુઅલ ડિસ્કની સરખામણીમાં થોડા વધારે અનુકૂળ હોય છે.