28 April, 2026 02:06 PM IST | Mumbai | Heena Patel
તાડગોળા
તાડગોળા એક અન્ડરરેટેડ ફ્રૂટ ભલે હોય, પણ ઉનાળાનું એ દેશી સુપરફૂડ છે. એ દેખાવમાં બરફ જેવું પારદર્શક, એકદમ નરમ અને જેલી જેવું હોય છે. સ્વાદમાં એ હળવું મીઠું અને નારિયેળ જેવું હોય છે. આ ફળના જેલી જેવા ટેક્સ્ચરને કારણે સોશ્યલ મીડિયા પર એને નૅચરલ બોબા તરીકે પણ પ્રમોટ કરવામાં આવે છે. તમે જ્યારે કૅફેમાં બબલ ટી પીવા જાઓ છો ત્યારે ગ્લાસના તળિયે જે કાળા રંગની નાની-નાની ગોળીઓ દેખાય છે એને બોબા કહેવામાં આવે છે. એ ચાવવામાં એકદમ જેલી જેવી હોય છે. તાડગોળાનું દક્ષિણ ભારતમાં વધારે મહત્ત્વ છે. તાડગોળા જેમાંથી મળે છે એ તાડનું ઝાડ તામિલનાડુનું રાજ્ય-વૃક્ષ છે. તામિલનાડુમાં તાડગોળાની ખીર ખૂબ લોકપ્રિય છે. એને નુન્ગુ પાયસમ કહેવામાં આવે છે. તાડગોળા ખાસ કરીને એની કૂલિંગ પ્રૉપર્ટી માટે વખણાય છે. આજે આપણે તાડગોળાના ફાયદા અને એને ઉપયોગમાં લેવાની રીતો વિશે ન્યુટ્રિશનિસ્ટ રીમા ધોરાજીવાલા પાસેથી તેમના જ શબ્દોમાં જાણીએ.
હાઇડ્રેશન પૂરું પાડે : ઉનાળામાં આપણું શરીર પરસેવા દ્વારા સતત પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ ગુમાવે છે. આવા સમયે તાડગોળા માત્ર એક ફળ નથી પણ પ્રકૃતિએ તૈયાર કરેલી હાઇડ્રેશન કૅપ્સ્યુલ છે. તાડગોળામાં લગભગ ૮૦થી ૯૦ ટકા વૉટર હોય છે. ફક્ત સાદું પાણી પીવાથી હાઇડ્રેશન પૂરું નથી થતું. શરીરમાં સોડિયમ અને પોટૅશિયમનું સંતુલન જાળવવું પણ જરૂરી છે. તાડગોળામાં પોટૅશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે બ્લડપ્રેશરને નિયંત્રિત કરે છે અને મુંબઈના બફારામાં થતા થાકને દૂર કરે છે. આ ફળની તાસીર અત્યંત ઠંડી છે. એનું પાણી પીવાથી જઠરની ગરમી શાંત થાય છે.
આંતરડાંને ચોખ્ખાં રાખે : તાડગોળામાં ડાયટરી ફાઇબર સારી માત્રામાં હોય છે. આ ફાઇબર ખોરાકને પચાવવામાં અને આંતરડાંમાં હલનચલન વધારવામાં મદદ કરે છે જે પાચનક્રિયાને વેગ આપે છે. ઉનાળામાં કબજિયાતની સમસ્યા સામાન્ય છે. તાડગોળામાં રહેલું પાણી અને કુદરતી સૉફ્ટ ટેક્સ્ચર મળને નરમ બનાવે છે. એ આંતરડાંના માર્ગને સાફ રાખે છે, જેનાથી સવારે પેટ સાફ કરવામાં કોઈ તકલીફ પડતી નથી. તાડગોળાની પ્રકૃતિ આલ્કલાઇન હોય છે. તેજ મસાલેદાર ખોરાક કે ગરમીને કારણે છાતીમાં કે પેટમાં બળતરા થાય છે ત્યારે તાડગોળા ઠંડક આપે છે અને વધારાના ઍસિડને શાંત કરે છે. એ આંતરડાંના ગુડ બૅક્ટેરિયા માટે પ્રી-બાયોટિક જેવું કામ કરે છે.
સુગર-ક્રેવિંગ સંતોષાય : તાડગોળામાં કૅલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. ૧૦૦ ગ્રામમાં ફક્ત ૪૩ કૅલરી હોય છે. એટલે તમે પેટ ભરીને ખાશો તો પણ વધારાની કૅલરી શરીરમાં નહીં જાય. તાડગોળામાં ફાઇબરનું પ્રમાણ પણ સારુંએવું હોય છે એટલે એ ખાધા પછી લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રહેશે અને તમને વારંવાર ખાવાની ઇચ્છા નહીં થાય. તાડગોળામાં ફૅટ બિલકુલ હોતી નથી. એની હળવી મીઠાશ તમારા શુગર-ક્રેવિંગને સંતોષે છે, જેથી તમે જન્ક-ફૂડ અને ડ્રિન્કથી દૂર રહી શકો છે. તાડગોળામાં રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ શરીરના મેટાબોલિઝમને સુધારે છે. પાચનતંત્ર અને મેટાબોલિઝમ જ્યારે સારું હોય ત્યારે શરીર વધારાની ચરબીને ઝડપથી બાળી શકે છે.
ઇમ્યુનિટી વધારે : તાડગોળામાં વિટામિન C અને B કૉમ્પ્લેક્સ સારી માત્રામાં હોય છે. વિટામિન C વાઇટ બ્લડ-સેલ્સના ઉત્પાદનમાં મદદ કરે છે, જે આપણને ચેપ અને વાઇરસ સામે લડવામાં મદદ કરે છે. તાડગોળામાં પાવરફુલ ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હોય છે જે શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરે છે. શરીરમાંથી જ્યારે કચરો સાફ થાય ત્યારે ઇમ્યુનિટી આપોઆપ બૂસ્ટ થાય છે. તાડગોળામાં પોટૅશિયમ, કૅલ્શિયમ, આયર્ન જેવાં મિનરલ્સ હોય છે જે શરીરના રોગો સામે લડવાની ક્ષમતા ધરાવે છે. તાડગોળા લિવરને ડીટૉક્સ કરવામાં મદદ કરે છે. તમારું લિવર અને પાંચનતંત્ર સારું હોય તો તમારી ૭૦ ટકા ઇમ્યુનિટી આપોઆપ સુધરી જાય છે.
તડકાને કારણે ઘણી વાર ચામડી પર લાલાશ, બળતરા કે ફોલ્લીઓ જેવી સમસ્યા સામાન્ય રીતે થતી હોય છે. એવામાં આ ફેસપૅક ઠંડક આપવાનું, ટૅનિંગ દૂર કરવાનું અને ડીપ હાઇડ્રેશનનું કામ કરે છે.
સામગ્રી : તાડગોળા ૨ નંગ (છોલેલા), કાકડી બે મોટી ચમચી છીણેલી (અથવા એનો રસ), અલોવેરા જેલ ૧ ચમચી (જો તાજું અલોવેરા હોય તો વધુ સારું), ગુલાબજળ ૧ ચમચી
બનાવવાની અને લગાવવાની રીત: તાડગોળાને હાથેથી મૅશ કરી લો અથવા મિક્સરમાં એની સ્મૂધ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં છીણેલી કાકડી અને અલોવેરા જેલ ઉમેરો. છેલ્લે ગુલાબજળ નાખીને બરાબર મિક્સ કરો. ચહેરા અને ગળા પર આ પૅક લગાવો. આંખો પર કાકડીની બે સ્લાઇસ મૂકીને ૨૦ મિનિટ સુધી શાંતિથી સૂઈ જાઓ. પૅક સુકાઈ જાય એટલે ઠંડા પાણીથી હળવા હાથે મસાજ કરીને ચહેરો ધોઈ લો.
સ્કૅલ્પની ઠંડક અને ડ્રાય-ડૅમેજ્ડ વાળના રિપેરિંગ માટે તાડગોળા અને નારિયેળનું કૉમ્બિનેશન સૌથી બેસ્ટ છે. આ હેરપૅક તમારા વાળને કુદરતી રીતે રિવાઇવ કરશે.
સામગ્રી : તાડગોળા ૪-૫ નંગ (માત્ર અંદરનો જેલી જેવો ભાગ), નારિયેળનું તાજું દૂધ અડધો કપ (જો ન હોય તો નારિયેળની કૂણી મલાઈ પણ ચાલે), અલોવેરા જેલ બે ચમચી (ઠંડક માટે), દહીં બે ચમચી (ડૅન્ડ્રફ દૂર કરવા અને કન્ડિશનિંગ માટે)
બનાવવાની અને લગાવવાની રીત: તાડગોળાને મિક્સરમાં પીસીને એકદમ સ્મૂધ પલ્પ બનાવી લો. એક બાઉલમાં તાડગોળાનો પલ્પ, નારિયેળનું દૂધ, અલોવેરા જેલ અને દહીં ઉમેરીને બરાબર મિક્સ કરો. સ્મૂધ હેરમાસ્ક જેવું તૈયાર થઈ જશે. સૌથી પહેલાં સ્કૅલ્પ પર આ માસ્ક લગાવો. ત્યાર બાદ બાકીનું મિશ્રણ વાળની પૂરી લંબાઈ પર (મૂળથી છેડા સુધી) લગાવો. માથા પર શાવરકૅપ પહેરી લો અને ૩૦થી ૪૦ મિનિટ સુધી રહેવા દો. એ પછી હળવા હર્બલ શૅમ્પૂથી વાળ ધોઈ નાખો.
સામગ્રી : તાડગોળા ૪ નંગ (ઝીણા ટુકડા કરેલા), નારિયેળપાણી બે મોટા ગ્લાસ, તકમરિયા ૧ મોટી ચમચી (૧૫ મિનિટ પાણીમાં પલાળેલા), ગોંદ કતીરા ૧ ચમચી (રાત્રે પાણીમાં પલાળી રાખેલા, જે જેલી જેવા થઈ ગયા હોય), વધારાના સ્વાદ (ઑપ્શનલ) માટે ફુદીનાનાં પાન
આ ચારેય વસ્તુઓનું મિશ્રણ એટલે ઉનાળાનું અલ્ટિમેટ કુલન્ટ. આ ડ્રિન્ક માત્ર સ્વાદિષ્ટ નથી પણ તમારા શરીર માટે એક કુદરતી AC જેવું કામ કરશે.
બનાવવાની રીત : સૌથી પહેલાં તાડગોળાની છાલને કાઢીને એના એકદમ ઝીણા ટુકડા કરી લો. એક મોટા જગમાં ઠંડું નારિયેળપાણી લો. હવે બે સર્વિંગ ગ્લાસ લો. એમાં સૌથી પહેલાં બે ચમચી પલાળેલા તકમરિયા નાખો. એના પર એક મોટી ચમચી પલાળેલા ગોંદ કતીરા ઉમેરો. હવે એમાં તૈયાર કરેલા તાડગોળાના ટુકડા ઉમેરો. ઉપરથી નારિયેળપાણી રેડો. બધું બરાબર મિક્સ કરો અને ઉપર ફુદીનાનાં પાનથી ગાર્નિશ કરો. તમારું સમર રીફ્રેશિંગ ડ્રિન્ક બનીને તૈયાર છે.
સામગ્રી : તાડગોળા છથી ૮ નંગ (અડધાનો પલ્પ બનાવવો અને અડધાના ટુકડા કરવા), ગળપણ માટે ૧ કપ નરમ ખજૂર (બી કાઢીને પલાળેલાં) અથવા અડધો કપ મધ, બેઝ માટે બે નંગ પાકાં કેળાં (ફ્રીઝરમાં બે કલાક ફ્રોઝન કરેલાં જેથી આઇસક્રીમ ક્રીમી બને), ઠંડક માટે અડધો કપ ઘટ્ટ નારિયેળનું દૂધ અથવા ફુલ ક્રીમ મિલ્ક, ફ્લેવર માટે ૧ ચમચી એલચી પાઉડર
બનાવવાની રીત : સૌપ્રથમ તાડગોળાને છોલી લો. અડધા તાડગોળાને મિક્સરમાં ક્રશ કરીને એની સ્મૂધ પ્યુરી બનાવી લો. બાકીના અડધા તાડગોળાના ઝીણા ટુકડા કરી લો જે આપણે છેલ્લે ઉમેરીશું. પલાળેલા ખજૂરને થોડા દૂધ સાથે મિક્સરમાં પીસીને એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે મિક્સરના જારમાં ફ્રોઝન કેળાંના ટુકડા, ખજૂરની પેસ્ટ અને નારિયેળનું દૂધ નાખીને બરાબર બ્લેન્ડ કરો. કેળાને કારણે આઇસક્રીમમાં ક્રીમી ટેક્સ્ચર આવશે. તૈયાર થયેલા આ મિશ્રણને એક બાઉલમાં કાઢો. એમાં તાડગોળાની પ્યુરી અને એલચી પાઉડર મિક્સ કરો. હવે તાડગોળાના જે ટુકડા બાજુ પર રાખ્યા હતા એ પણ એમાં ઉમેરી દો. આ મિશ્રણને ઍર-ટાઇટ ડબ્બામાં ભરી દો. ઉપરથી પ્લાસ્ટિક ફૉઇલ લગાવો જેથી બરફના ક્રિસ્ટલ્સ ન જામી જાય. છથી ૮ કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા દો.