03 July, 2025 11:33 AM IST | Mumbai | Dr. Suruchi Desai
પ્રતીકાત્મક તસવીર
જે દીકરીઓને માસિક શરૂ થયું છે એ બાબતે થોડી સ્પષ્ટતા અને માહિતી આજે આપવી છે. ઘણી છોકરીઓને માસિક હજી શરૂ જ થયું હોય તો દર મહિને કે દર ૨૮ દિવસે માસિક આવે જ એવું જરૂરી નથી. ઘણી છોકરીઓને ૨-૩ મહિને એક વાર પણ આવી શકે તો ઘણી છોકરીઓને ૬ મહિને પણ આવે. માસિક હજી ચાલુ જ થયું હોય એટલી નાની ઉંમરે અનિયમિતતા અત્યંત સામાન્ય લક્ષણ છે. અમુક છોકરીઓ હોય જેને ૨૮ દિવસે સાઇકલ રિપીટ થાય પરંતુ મોટા ભાગની છોકરીઓને આ સાઇકલ શરૂઆતમાં અનિયમિત જ હોય છે. એનાથી ગભરાવા જેવું નથી હોતું.
જો છોકરીઓને માસિક શરૂ થયું જ હોય એ વર્ષમાં ઓછું બ્લીડિંગ થતું હોય, થોડુંક જ દેખાય અને પછી ન દેખાય. ધીમે-ધીમે બ્લીડિંગનો ફ્લો ઠીક થઈ જાય છે. પરંતુ જો હેવી બ્લીડિંગ થતું હોય તો ડૉક્ટર પાસે લઈ જવા જરૂરી છે. ઘણી વખત એવું થાય છે ખૂબ હેવી બ્લીડિંગ થતું હોય અને ઘણા દિવસ સુધી એ લંબાઈ જાય છે તો છોકરીને એનીમિયા થઈ જવાનો ભય રહે છે. જો માસિક ૭ દિવસ જેટલું કે એનાથી પણ વધુ લંબાઈ જાય તો ડૉક્ટરને મળવું જરૂરી છે. જેમાં બ્લીડિંગ બંધ થઈ જાય એ માટેની દવા આપવામાં આવે છે અને એનીમિયા હોય તો એનો ઇલાજ કરવો જરૂરી છે.
માસિક શરૂ થયાનાં બે વર્ષ પછી પણ જો માસિક અનિયમિત હોય, હેવી કે ઓછું બ્લીડિંગ હોય, દુખાવો રહેતો જ હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે કારણ કે જો એવું બે કે ત્રણ વર્ષ પછી પણ ચાલુ રહ્યું તો એનો અર્થ એ કે છોકરીને કોઈ ને કોઈ તકલીફ છે. મોટા ભાગે જેમ છોકરીની ઉંમર વધે એમ આ તકલીફ એની જાતે જ ઠીક થઈ જતી હોય છે. જેમ ઉંમર વધે એમ માસિક સાઇકલની એક પૅટર્ન આપોઆપ બની જતી હોય છે. પરંતુ એવું ન થતું હોય તો એક કારણ હોઈ શકે છે હૉર્મોનલ ચેન્જ. હૉર્મોન્સની કોઈ ઊથલપાથલને કારણે છોકરીનું માસિક નિયમિત ન બનતું હોય એ શક્યતા રહે છે જે ટેસ્ટ દ્વારા સમજી શકાય છે.
પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ નામનો એક રોગ આજકાલ ઘણો વ્યાપક બન્યો છે. છોકરીઓની ખોટી લાઇફસ્ટાઇલ એના માટેનું કારણ બનતી હોય છે. જો લાઇફસ્ટાઇલમાં સુધાર લાવવામાં આવે તો એ તકલીફ દૂર થઈ શકે છે. આ રોગ હોય તો બે માસિક સાઇકલ વચ્ચે લાંબો ગૅપ જોવા મળતો હોય છે. મહત્ત્વની વાત એ છે કે માસિક શરૂ થયાના ૨-૩ વર્ષે પણ જો નિયમિતતા આવી ન હોય તો ડૉક્ટરને મળવું અનિવાર્ય છે.