26 April, 2025 06:59 AM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
જીવનમાં જેટલો મહત્ત્વનો ખોરાક છે એટલી જ મહત્ત્વની નિદ્રા છે, એ નિદ્રા જે શરીરને સ્ફૂર્તિ આપે. સમય વગર જરૂર કરતાં વધુ ઊંઘ શરીરને નુકસાન પહોંચાડે છે. કામ કરીને થાકી ગયેલા માઇન્ડને બ્રેકની જરૂર હોય છે ત્યારે રિફ્રેશ થવા લોકો પાવર નૅપ એટલે કે થોડા સમયની ઊંઘ લેતા હોય છે, પણ જો એ સમયે વધુ ઊંઘ થઈ જાય તો માઇન્ડ ફ્રેશ થવાને બદલે વધુ થાકેલું ફીલ કરે છે અને કામ કરવામાં વધુ સુસ્તી ફીલ થાય છે. પાવર નૅપના ફાયદાઓ વિશે લોકો બહુ વાતો કરે છે, પણ એ જ પાવર નૅપનો સમય વધે તો એ ઓવર નૅપમાં પરિવર્તિત થાય છે અને જો એ આદત બની જાય તો લાંબા સમય માટે શરીર અને માઇન્ડ માટે નુકસાનકર્તા સાબિત થાય છે એ વાતથી ઘણા લોકો અજાણ છે ત્યારે ઓવર નૅપના કન્સેપ્ટ અને એનાથી શરીરમાં થતા ફેરફાર વિશે પરેલમાં આવેલી ગ્લેનઈગલ્સ હૉસ્પિટલના બ્રૉન્કોલૉજિસ્ટ અને સ્લીપ ડિસઑર્ડર સ્પેશ્યલિસ્ટ ડૉ. હરીશ ચાફ્લે પાસેથી જાણીએ.
ઓવર નૅપ એટલે?
પાવર નૅપ અને ઓવર નૅપ બન્ને ઊંઘના અલગ પ્રકાર છે. એ શરીર અને મન પર અલગ-અલગ પ્રભાવ પાડે છે. દિવસમાં લંચ બાદ માઇન્ડને રિફ્રેશ કરવા અથવા આરામ આપવા માટે પાવર નૅપ લેવાય છે. ૩૦ મિનિટ અથવા એના કરતાં ઓછા સમય સુધી લેવાતી ઊંઘને પાવર નૅપ કહેવાય છે. પાવર નૅપનો સમયગાળો ૩૦ મિનિટ કરતાં ઓછો હોવાથી શરીર અને માઇન્ડને પૂરતો રેસ્ટ મળે છે અને એ દરમિયાન એનર્જી રીજનરેટ થતી હોવાથી જ્યારે ઊઠીએ ત્યારે કામમાં કૉન્સન્ટ્રેટ થાય છે, પણ આ જ સમયમાં તમે ૩૦ મિનિટ કરતાં વધુ સમય સુધી ઊંઘ લઈ લો તો એને ઓવર નૅપ કહેવાય છે. કોઈ પણ ચીજની અતિ સારી કહેવાય નહીં એ રીતે મગજને રિફ્રેશ કરવા માટે લેવાતી ઊંઘ વધુ થાય તો એ રિફ્રેશ થવાને બદલે સુસ્ત બનાવે છે. દિવસના સમયગાળામાં ૩૦ મિનિટ કરતાં વધુ નીંદર થાય તો એ ગાઢ બને છે અને અચાનક ઊંઘ તૂટવાથી એવું લાગશે જાણે તમારી ઊંઘ પૂરી નથી થઈ, શરીરમાં ડિસકમ્ફર્ટ અનુભવાશે અને એને લીધે પ્રોડક્ટિવિટી પર પણ અસર થાય છે.
આડઅસર જાણી લેજો
માથાનો દુખાવો : જ્યારે દિવસ દરમિયાન લંચ બાદ અડધા કલાક કરતાં વધુ ઊંઘ થાય તો ઊઠવાનું મન નથી થતું અને એ વધુ ગાઢ બનતી જાય છે અને ઊઠવાનું મન થતું નથી. ગાઢ નિદ્રામાંથી જ્યારે ઊઠીએ છીએ તો તરત માથાનો દુખાવો થશે અને એવું લાગશે કે સ્લીપ ડિસ્ટર્બ થઈ ગઈ છે. ક્યારેક પાર્ટી કરી હોય અથવા મોડા સૂતા હોઈએ ત્યારે ઓવર નૅપ લઈએ તો ચાલે, પણ જો એ આદત બની જાય તો માથાનો દુખાવો કાયમની સમસ્યા બની જાય છે.
રાત્રે ઊંઘની સમસ્યા : દિવસમાં જો એક કલાકથી વધુ ઊંઘ થઈ જાય તો રાતની નીંદર ઓછી થઈ જશે. રાતની ઊંઘ ઓછી થશે તો એની અસર તમારી પ્રોડક્ટિવિટી પર થશે. રાત્રે લેટ ઊંઘશો તો સવારે મોડા ઊઠશો અથવા જો નોકરીનો સમય વહેલો હોય તો પ્રમાણસર ઊંઘ થશે નહીં અને આખા દિવસ દરમિયાન સુસ્તી ફીલ થશે, માથું દુખશે, ઊંઘ આવ્યા રાખશે. બપોરે જમીને સૂવાનું મન થશે અને ફરીથી ઓવર નૅપ લેશો. આ આદત તમારી સ્લીપ-સાઇકલને બગાડશે, ડાયટ પર અસર થશે, શારીરિક પ્રવૃત્તિઓ ઓછી થશે, એનર્જી-લેવલ ડાઉન રહેશે. દિવસ દરમિયાન નોકરી અને ઘર પ્રત્યે જે જવાબદારીઓ છે એ તો પૂરી કરવાની રહેશે જ, એમાં કંઈ બાંધછોડ ન ચાલે તેથી સ્લીપ-સાઇકલ ડિસ્ટર્બ થવાથી હાર્ટ અને માઇન્ડનાં ફંક્શન્સ પર લોડ વધશે અને સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ ઉદ્ભવશે.
મગજની કાર્યક્ષમતા ઘટે : ઓવર નૅપની ટેવ વ્યક્તિની અલર્ટનેસ અને કાર્યક્ષમતાને ઘટાડવાની સાથે યાદશક્તિને પણ પ્રભાવિત કરે છે, પરિણામે બ્રેઇન-ફૉગિંગ એટલે કે કામ કરતાં અચાનક માઇન્ડ બ્લૅન્ક થવાની સમસ્યા ઉદ્ભવે છે અને નિર્ણય લેવાની ક્ષમતા ઓછી થવા લાગે છે.
વજન વધશે : દિવસમાં લીધેલી વધુપડતી ઊંઘથી એનર્જી-લેવલ ડાઉન રહે છે અને સુસ્તીને લીધે શારીરિક પ્રવૃત્તિઓ ઓછી થાય છે, પરિણામે વજન વધવાનું શરૂ થાય છે. વહેલી તકે ધ્યાન ન અપાયું તો વજન વધતું જ જાય છે અને પછી એને કન્ટ્રોલમાં લાવવાનું મુશ્કેલ બને છે.
બીમારીઓનું મૂળ બની શકે ઓવર નૅપ : નિર્ધારિત સમય કરતાં વધુ સૂવાથી લોહીમાં શુગરનું પ્રમાણ વધવા લાગે છે અને ડાયાબિટીઝ થવાનું જોખમ વધે છે. અત્યારે ઘણી બીમારી અનિયમિત સ્લીપિંગ સાઇકલને લીધે જ થાય છે. એમાં સૌથી વધુ લોકો ડાયાબિટીઝ અને ઓબેસિટીના શિકાર બની રહ્યા છે. આ ઉપરાંત બ્લડપ્રેશર અને હાર્ટ સંબંધિત સમસ્યાઓ પણ સર્જાય છે. આ કોઈ નવી બીમારી નથી, પણ હવે અનિદ્રા અને વધુપડતી ઊંઘને લીધે લોકોમાં એ વધી રહી છે અને ઘર કરી રહી છે. યોગ્ય પ્રમાણમાં ઊંઘ અને ડાયટ વચ્ચેનું સંતુલન જાળવવામાં આવે તો આ બીમારીઓને આવતાં રોકી શકાશે એ પાકું.
ઓવર નૅપથી બચવા શું કરવું?
તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે જ્યારે તમે બપોરના સમયે ઊંઘો છો તો ૩૦ મિનિટમાં અથવા એનાથી પહેલાં ઊઠી જવું. આ માટે તમે મોબાઇલમાં ટાઇમર અથવા અલાર્મ લગાવી શકો છો.
પાવર નૅપનો ટાઇમિંગ ૧૦થી ૨૦ મિનિટ જેટલો રાખો તો એ સર્વશ્રેષ્ઠ કહેવાશે.
અઠવાડિયામાં એક વાર ઓવર નૅપ ચાલે, પણ જો એની ફ્રીક્વન્સી વધે તો અલર્ટ થવાની જરૂર છે. આ માટે તમને જ્યારે ઊંઘ જેવું લાગે ત્યારે ચા અથવા કૉફી પી લેવી. આ પીણાની પણ આદત પાડવી નહીં, જ્યારે જરૂર હોય ત્યારે જ પીવી.
જો ચા-કૉફી ન પીવી હોય તો કામમાંથી બ્રેક લઈને પાંચ-દસ મિનિટ લટાર મારી લેવી. આવું કરવાથી સુસ્તી ઊડી જશે અને માઇન્ડ પાછું ઍક્ટિવ થશે.
ઓવર નૅપનો ઇશ્યુ ન આવે એ માટે રાત્રે પૂરતી ઊંઘ મળે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઊંઘવાના અડધા કલાક પહેલાં મોબાઇલ, ટીવી જેવાં ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સથી અંતર જાળવી રાખવું. જે જગ્યાએ તમે સૂવો છો એ કમ્ફર્ટેબલ હોવી જોઈએ, શાંત જગ્યા હોવી જોઈએ. રાત્રે ઊંઘ સારી આવે તો ઓવર નૅપની સમસ્યા સર્જાશે જ નહીં.
જેને ઊંઘ આવતાની સાથે નસકોરાં મારવાની સમસ્યા હોય તો સ્લીપ ડિસઑર્ડર્સ હોઈ શકે છે. એનું સમયસર નિવારણ થાય એ માટે તાત્કાલિક સ્લીપ સ્પેશ્યલિસ્ટનો સંપર્ક કરવો જરૂરી છે.