ઊંઘમાંથી અચાનક જાગો અને હાથ પણ ન હલાવી શકો કે મોઢામાંથી એક શબ્દ પણ ન નીકળે તો?

06 September, 2024 07:51 AM IST  |  Mumbai | Krupa Jani

ચાલો આજે આપણે પણ જાણી લઈએ કે સ્લીપ-પૅરૅલિસિસ કઈ બલાનું નામ છે

પ્રતીકાત્મક તસવીર

આ તકલીફને મેડિકલ ભાષામાં સ્લીપ-પૅરૅલિસિસ કહેવાય. બૉલીવુડ ઍક્ટર વિકી કૌશલે થોડા સમય પહેલાં ફૅન્સ સાથેના ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમ્યાન કહેલું કે ભૂતકાળમાં ઘણી વાર તે સ્લીપ-પૅરૅલિસિસનો શિકાર બની ચૂક્યો છે. એ અનુભવ ખૂબ ડરામણો હોય છે એટલે આ બાબતે સતર્ક રહેવું. ચાલો આજે આપણે પણ જાણી લઈએ કે સ્લીપ-પૅરૅલિસિસ કઈ બલાનું નામ છે.

અચાનક રાતે ત્રણ વાગ્યે ૩૫ વર્ષનો નીરવ ઊંઘમાંથી જાગ્યો પણ ન તો તે પોતાનો હાથ હલાવી શકતો નહોતો કે ન તેના મોઢામાંથી શબ્દો બહાર આવતા હતા. તે તેના રૂમમાં બધી જ વસ્તુઓને જોઈ શકતો હતો, જાણે કે તે આઉટ ઑફ બૉડી એક્સ્પીરિયન્સ કરી રહ્યો હોય. પણ તેને કાંઈ મહેસૂસ થતું નહોતું. તે જોરથી બૂમો પાડીને તેના પરિવારને મદદ માટે બોલાવવા માગતો હતો પણ તેનું ગળું સુકાવા લાગ્યું અને એક અલગ જ પ્રકારની ગભરામણની અનુભુતિને કારણે તે પસીનાથી તરબતર થઈ ગયો. આ કોઈ હૉરર ફિલ્મનો સીન નથી પણ વિશ્વના આઠ ટકા લોકો પોતાના જીવનના અમુક તબક્કામાં આવો અનુભવ કરે છે. આ પરિસ્થિતિને સ્લીપ-પૅરૅલિસિસ કહેવાય છે.

સ્લીપ-પૅરૅલિસિસ શું છે?

ઊંઘમાંથી ઊઠતી વખતે કે સૂતી વખતે જે અર્ધજાગ્રત અવસ્થા અનુભવાય છે એ લિટરલી જાણે તમને લકવો થઈ ગયો હોય એવી ફીલ આપે છે, પણ આ ટેમ્પરરી અવસ્થા છે. પૅરૅલિસિસ હોવાની ફીલ થોડીક ક્ષણો માટેની જ હોય છે. અલબત્ત, આ દરમ્યાન વ્યક્તિ હલનચલન કરી શકતી નથી કે બોલી પણ શકતી નથી. મગજ જાગી ગયું હોય છે, પણ શરીર હજી પણ સ્લીપ મોડમાં હોય ત્યારે આવું બને છે. આ એપિસોડ દરમ્યાન વ્યક્તિ પોતાની આસપાસના વાતાવરણથી વાકેફ હોય છે અને થોડા સમય માટે અંગોમાં લકવો અનુભવે છે. બોલવામાં અસમર્થતા, ગૂંગળામણ થવી, ભય-ગભરાટ કે લાચારી અનુભવવી, ગળું ભીંસાતું હોય, પડી રહ્યા હોય કે તરતા હોય એવી અનુભૂતિ થવી, શરીરની બહારના અનુભવો થવા એ સ્લીપ-પૅરૅલિસિસનાં સામાન્ય લક્ષણો છે જેનાથી આપણે આ બીમારીનું નિદાન કરી શકીએ એમ જણાવતાં વીસ વર્ષના અનુભવી કન્સલ્ટન્ટ ન્યુરોલૉજિસ્ટ ડૉ. અમિત શાહ ઉમેરે છે, ‘આ એપિસોડ થોડી સેકન્ડથી માંડીને થોડી મિનિટ સુધી ચાલી શકે છે અને સામાન્ય રીતે જ્યારે તે વ્યક્તિને કોઈ સ્પર્શ કરે છે કે તે કોઈનો અવાજ સાંભળે તો એ તે અવસ્થામાંથી બહાર આવી શકે છે. આ એપિસોડ જો વધુ સમય સુધી ચાલુ રહે તો વ્યક્તિ પાછી ઊંઘી પણ શકે છે અને અમુક કિસ્સામાં ક્યારેક ઊંઘમાંથી ધીમે-ધીમે જાગી પણ શકે છે. આ પરિસ્થિતિ બિહામણી છે પણ જોખમી નથી.’

શા માટે થાય?

સ્લીપ-પૅરૅલિસિસનાં ચોક્કસ કારણો અજ્ઞાત છે પરંતુ આ બીમારી અન્ય બીમારીઓ અને અનિયમિત લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી છે એમ જણાવતાં નાણાવટી, લીલાવતી, રિલાયન્સ અને એચ.એન. જેવી અનેક નામાંકિત હૉસ્પિટલો સાથે સંકળાયેલા જાણીતા ન્યુરોસર્જ્યન ડૉ. હર્ષદ પારેખ કહે છે, ‘નાર્કોલેપ્સી અર્થાત્ ઊંઘ ન આવવી, પોસ્ટ-ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર, ડિપ્રેશન, બહુ ચિંતા કરવી, આલ્કોહોલ અને સિગારેટનો વધુપડતો ઉપયોગ, દવાઓનો વધુપડતો વપરાશ, સતત ડરનો અનુભવ કરવો, નબળી કે કાચી ઊંઘ તેમ જ જિનેટિક (કુટુંબમાં કોઈને હોય તો) સહિતનાં અનેક કારણોને લીધે સ્લીપ-પૅરૅલિસિસ થઈ શકે છે. મોટા ભાગના લોકોને આ બીમારીથી કોઈ મોટી તકલીફ થતી નથી. આ ચિંતાજનક સ્થિતિ નથી. એનાં યોગ્ય કારણોને સમજીને તેમ જ યોગ્ય સારવાર દ્વારા એને દૂર કરી શકાય છે. જેમ કે કોઈ વ્યક્તિને ડિપ્રેશન હોય તો ઍન્ટિ-ડિપ્રેશનની દવાઓ દ્વારા જ આનો ઇલાજ થઈ શકે છે.’

કોને થઈ શકે?

એક સર્વેક્ષણ મુજબ વિશ્વમાં લગભગ ૧૦ ટકા લોકોના જીવનમાં ક્યારેક સ્લીપ-પૅરૅલિસિસ અનુભવે છે. મોટા ભાગે આ બીમારી બાળપણથી કે કિશોરાવસ્થામાં શરૂ થાય છે અને ૩૦ વર્ષની વય સુધીમાં વિકસે છે. મોટા ભાગે આ બીમારી આનુવંશિક હોવાનું નિષ્ણાતો માને છે. 

નિદાન કેવી રીતે?

આ કોઈ ગંભીર બીમારી નથી પણ ડરામણી જરૂર છે. તેથી જો તમને આ કારણે સતત ચિંતા અનુભવાતી હોય, રાત્રે ઊંઘ આવતી ન હોય અથવા ખૂબ થાક લાગતો હોય તો તમારે ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ. તમારા ડૉક્ટર તમને તમારી ઊંઘના સ્વાસ્થ્ય વિશે વધુ માહિતી એકત્ર કરવા, તમારાં લક્ષણોને વર્ણવવા અને થોડાં અઠવાડિયાંઓ માટે સ્લીપ રૂટીનની ડાયરી રાખવા માટે તમને કહી શકે છે. તેમ જ પરિવારમાં કોઈ આવી બીમારી કે અનિદ્રાનો શિકાર છે કે નહીં એ વિશે ચર્ચા કરી શકે છે. 

ઉપાય શું?

સ્લીપ-પૅરૅલિસિસને રોકવા માટે વધુ ઉપાયો નથી, પણ એનું જોખમ ઘટાડવા માટે આપણે ઘણા પ્રયત્નો કરી શકીએ છીએ. આ સંદર્ભે વાત કરતાં ડૉ. અમિત શાહ જણાવે છે, ‘કેટલુંક ધ્યાન રાખી શકાય. જેમ કે સ્લીપ રૂટીન જાળવવું, ૭-૯ કલાકની ઊંઘ લેવી, દારૂ ન પીવો, વ્યસનથી દૂર રહેવું, રાતે લાઇટ ચાલુ રાખીને સૂવું નહીં. બેડરૂમમાં ટીવીનો અવાજ ન કરવો જોઈએ. સૂતા પહેલાં મોબાઇલ ફોનનો વધુપડતો ઉપયોગ ન કરવો જોઈએ. પ્રી-બેડ રૂટીન બનાવવું જોઈએ. દરરોજ નિયમિત વ્યાયામ કરવો જોઈએ. પીઠ પર સૂવાનું ટાળવું અને વાયુ માર્ગને અવરોધ ન થાય તેમ સૂવું જોઈએ. જો વજન વધારે હોય તો એને ઘટાડવાના પ્રયાસો કરવા જોઈએ, કૉગ્નિટિવ બિહેવિયર થેરપી એટલે કે ડૉક્ટર સાથે વાર્તાલાપ કરીને પણ આવા કિસ્સાઓમાં ફાયદો થઈ શકે છે. તેમની વાતને ટેકો આપતાં જાણીતા ન્યુરોસર્જ્યન ડૉ. હર્ષદ પારેખ કહે છે, ‘આ બીમારીથી બચવા દરદીને કૉગ્નિટિવ બિહેવ્યરલ થેરપી (CBT) અને મેડિટેશન-રિલૅક્સેશન MR થેરપીની સલાહ લેવાની સૂચના કરવામાં આવે છે. આ થેરપી તમારી લાઇફસ્ટાઇલને નિયંત્રિત કરવામાં તેમ જ ફરી આ ઘટના બને નહીં અથવા બને તો એની સાથે કઈ રીતે ડીલ કરવું એ શીખવે છે.’ 

સ્લીપ-પૅરૅલિસિસ અને ભ્રાંતિ

સ્લીપ-પૅરૅલિસિસના એપિસોડ દરમિયાન ભ્રાંતિ થવાનું ખૂબ જ સામાન્ય છે. આશરે ૭૫ ટકા લોકો આ પ્રતિસ્થિતિમાં હલુસિનેટ કરે છે. આ કોઈ ડ્રીમ નથી, અલગ છે. તમે કોઈની હાજરીનો અનુભવ કરી શકો છો અથવા આઉટર બૉડી એક્સ્પીરિયન્સ કરી શકો છો. કેટલાક લોકો ભ્રાંતિના આ સમય દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં ભીંસ અનુભવે છે. આ દરમ્યાન બે પ્રકારના વિભ્રમ લોકો અનુભવે છે. એક હિપ્નોગોગિક હલુસિનેશન્સ છે જેમાં નિદ્રામાં વ્યક્તિને દૃશ્યો, ચહેરાઓ કે  આકૃતિઓ દેખાય કે અમુક અવાજો સંભળાય છે. તેમ જ ખૂબ જ ગભરાટ થાય છે. જો સપનાંઓમાં વાર્તાઓ અને સંવાદો હોય તો એને હિપ્નોગોગિક હલુસિનેશન્સ કહી શકાય નહીં. બીજા પ્રકારના હલુસિનેશન્સને હિપ્નોપોમ્પિક હલુસિનેશન્સ કહેવાય છે. આ હલુસિનેશન્સ ત્યારે થાય છે જ્યારે તમે જાગી રહ્યા છો. એમાં પણ વ્યક્તિને ક્યારેક અવાજો કે ભૌતિક અનુભવ થાય છે.

સ્લીપ-પૅરૅલિસિસ ડેમન વિશે જાણો છો?

સોશ્યલ મીડિયામાં સ્લીપ-પૅરૅલિસિસનો અનુભવ કરનારાઓ એક શૅડો પર્સન (એક આકૃતિ અથવા છાયા) વિશે બહુ ચર્ચા કરે છે. સ્લીપ-પૅરૅલિસિસનો અનુભવ કરનારા પૈકીના ઘણા પોતાના આ એક્સ્પીરિયન્સિસ દરમિયાન સ્લીપ-પૅરૅલિસિસ ડેમનની હાજરી વિશે જણાવે છે. આ રહસ્યમય ફિગરને તેઓ શૅડો પર્સન અથવા હેટ મૅન તરીકે વર્ણવે છે, જેના કારણે તેઓ ખૂબ જ ગભરાટ અને ડર અનુભવે છે.

વિવિધ લક્ષણો 

ટેમ્પરરી પૅરૅલિસિસ 

શ્વાસ લેવામાં મુશ્કેલી થવી 

ભ્રાંતિ થવી

છાતીમાં ભીંસ અનુભવવી 

ગભરાટ કે ગૂંગળામણ અનુભવવી

આઉટર બૉડી એક્સ્પીરિન્સ કરવો

સ્લીપ-પૅરૅલિસિસનાં કારણો

ઓછી ઊંઘ

સ્લીપિંગ પૅટર્નમાં બદલાવ

સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવી માનસિક પરિસ્થિતિઓ

પીઠ પર સૂવાની આદત 

નાર્કોલેપ્સી જેવી ઊંઘની સમસ્યાઓ

દવાઓનો ઉપયોગ

આલ્કોહોલ અને સિગારેટનું વ્યસન

health tips life and style columnists