16 April, 2025 01:34 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે ગૉસિપ એટલે કે કોઈની નકામી પંચાત કરવી એ ખોટી વાત છે. પંચાતમાં હંમેશાં બીજા વિશે ઘસાતું બોલવામાં આવે છે, તેમને નીચા દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ પંચાત કરવામાં લોકોને ખૂબ રસ પણ હોય છે; કારણ કે એમાં તેમને મજા આવે છે, બીજા વિશે જાણવાની જિજ્ઞાસા સંતોષાય છે અને એક આત્મસંતુષ્ટિ પણ મળે કે બીજા કરતાં તેઓ ચડિયાતા છે. બધાને ખબર છે કે પંચાત કરવી ખોટી વાત છે એમ છતાં તેઓ પોતાની જાતને રોકી શકતા નથી. એવામાં પંચાતને યોગ્ય કઈ રીતે બનાવી શકાય એના પર ધ્યાન આપવું જોઈએ. હેલ્ધી ગૉસિપથી તમારું સ્ટ્રેસ દૂર થાય, કોઈ વસ્તુને લઈને તમારો દૃષ્ટિકોણ બદલાય, તમને નવી-નવી વસ્તુઓ જાણવા અને શીખવા મળે, તમારા સામાજિક સંબંધો મજબૂત બને. હવે સવાલ એ છે કે હેલ્ધી ગૉસિપ કોને કહેવાય? એ કઈ રીતે કરાય? તો એનો જવાબ આપણે સાઇકોલૉજિસ્ટ જિનિશા ભટ્ટ પાસેથી જાણીએ.
હેલ્ધી ગૉસિપ એટલે પૉઝિટિવ ગૉસિપ કરવી. એવી પંચાત કરવી જેમાં કોઈ ગુડ ન્યુઝ હોય, પ્રશંસા હોય, પ્રેરણાત્મક વાતો હોય, કામમાં આવી શકે એવી માહિતી હોય. નીચે જણાવ્યા મુજબ તમે એ કરી શકો.
તમે ઇન્ફર્મેટિવ ગૉસિપ કરી શકો. એટલે કે તમે એવી પંચાત કરો જેનાથી બીજા બધા લોકોને કંઈ જાણવા મળે. જેમ કે તમારી સાથે કોઈ ફ્રૉડ થયો હોય તો એની વાત શૅર કરો. એનાથી બીજા લોકોને પણ સતર્ક રહેવાની ખબર પડે.
પંચાત કરતી વખતે સહાનુભૂતિની ભાવના રાખો. કોઈ વ્યક્તિ તેની આપવીતી સંભળાવી રહી હોય ત્યારે ફક્ત તેની વાતો સાંભળવાને બદલે તેને સમજવાનો પ્રયત્ન કરો.
પંચાત કરતી વખતે તે તો એવી જ છે, તે તો તેવી જ છે, તેની સાથે તો એમ જ થવું જોઈતું હતું એવી બધી નકારાત્મક વાતો કરવા કરતાં કોઈના કામ વિશે તેની પ્રશંસા કરો, તેની મહેનત, તેના સારા ગુણો વિશે વાત કરો.
પંચાતમાં એવી વાતો કરો જેમાં બધા જ તેમના વિચારો રજૂ કરી શકે. જેમ કે તમે કોઈ સામાજિક મુદ્દે વાતચીત કરી શકો. એનો ફાયદો એ થાય કે તમને બીજાના વિચારો જાણવા મળે. તેમની વાતો સાંભળીને તમને એમ પણ લાગી શકે કે અરે, આ રીતે તો મેં વિચાર્યું જ નહોતું.
પંચાતમાં ઘણી વાર એવું થાય કે કોઈ સાથે કંઈક ખરાબ થયું હોય તો તમે તેની સામે એ વસ્તુ જાણીજોઈને ઉખેળીને તેને દુખી કરવા કે ટોણો મારવા કરતાં તેને માર્ગદર્શન આપો, તેનો સાથ સહકાર આપો.
પંચાતમાં કોઈની ગેરહાજરીમાં ઘસાતું બોલવા કરતાં એ વ્યક્તિની હાજરીમાં તેની સાથે ખૂલીને અને ઈમાનદારીથી વાતચીત કરવાનું રાખો.
પંચાત કરતી વખતે કોઈની પ્રાઇવેટ અને સેન્સિટિવ વસ્તુ બીજા સામે જાહેર કરવાનું ટાળો.
ખોટી પંચાતમાંથી હેલ્ધી ગૉસિપ તરફ વળવા માટે સૌથી પહેલાં તો તમારે તમારો ઇરાદો નેક કરવો પડશે. જ્યારે પણ પંચાત કરો ત્યારે સારી અને સકારાત્મક વાતો કરો એનું ધ્યાન રાખવું પડશે.