06 May, 2025 04:28 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
એગ-ફ્રીઝિંગને ઘણી સ્ત્રીઓ એક તકની જેમ જોઈ રહી છે. કરીઅર માટે કે યોગ્ય પાત્ર ન મળે તો એગ-ફ્રીઝિંગ કરાવી લેવું જોઈએ એમ કહીને આ ટેક્નિકની વાત સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. માય બૉડી-માય રૂલ એ વાત લૉજિકલી યોગ્ય છે, પણ માતૃત્વને પાછળ ઠેલવું એ કોઈ ટ્રેન્ડ ન હોઈ શકે, એની પાછળ કયાં કારણો વાજબી કહેવાય અને કયાં નહીં એની સમજ પણ જરૂરી છે
છેલ્લાં ૧૦ વર્ષથી હું આ કંપનીમાં છું. ઘણી સ્ટ્રગલ કરી છે મેં. પણ ખાસ કંઈ હાથ લાગ્યું નથી. માંડ આ વર્ષે એક ઢંગનો પ્રોજેક્ટ હાથ લાગ્યો છે. મને આશા છે કે કંપની આ પ્રોજેક્ટ પછી મારી કદર કરશે. ઉંમર ૩૫ વર્ષની થઈ ગઈ છે એ હું સમજું છું પણ આ પ્રમોશન મારા માટે જરૂરી છે. બાળક વિશે વિચારવાનો હમણાં સમય નથી એટલે એગ ફ્રીઝ કરાવી લેવાં સારાં.
મારાં લગ્નને ૩ વર્ષ થયાં છે પણ હું શ્યૉર નથી કે આ વ્યક્તિ સાથે આખી જિંદગી પસાર કરી શકીશ કે નહીં. અમારા ઝઘડાઓ થતા રહે છે અને ડિવૉર્સ સુધી વાત જતી રહે તો? એટલે બાળક પ્લાન નથી કરી રહ્યાં, પણ જો બન્નેનું ટકી રહ્યું તો ભવિષ્યમાં બાળક વિશેની આશા જાગે ત્યારે તકલીફમાં આવવું નથી એટલે એગ-ફ્રીઝિંગ કરાવી લઈએ.
હજી તો માંડ ફાઇનૅન્શિયલ સ્ટેબિલિટી આવી છે. આપણે દુનિયામાં જોયું છે જ શું? અમને બન્નેને આખી દુનિયા ફરવી છે એમાં બાળક અત્યારે પ્લાન નથી કરવું એટલે એગ-ફ્રીઝિંગ સારો ઑપ્શન છે, કરાવી લઈએ.
૩૨ વર્ષની ઉંમર થઈ ગઈ છે પણ મને લાગતું નથી કે હું મેન્ટલી રેડી છું બાળક માટે. મને ખબર છે કે બાયોલૉજિકલ ક્લૉક ઇસ ટિકિંગ. પણ જ્યાં સુધી અંદરથી ન લાગે ત્યાં સુધી શું કરું? એગ ફ્રીઝ કરાવવામાં કંઈ ખોટું નથી. જ્યારે લાગે કે બાળક જોઈએ છે ત્યારે વિચારીશું.
કોઈ પણ ઇન્ફર્ટિલિટી ક્લિનિકમાં એગ-ફ્રીઝિંગ માટે આવતાં દંપતીઓમાં આ પ્રકારનાં કારણો સાથે આવતાં કપલ્સની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. આ પરિસ્થિતિને એક ઉદાહરણ સાથે સમજીએ. પહેલાંના લોકો સાત માળના બિલ્ડિંગમાં પણ દાદરા ચડીને જતા, લિફ્ટની ખોજ થઈ એ પછી પહેલા માળ પર ઘર હોય તોય લોકો દાદર ચડતા નથી. આવું જ એગ-ફ્રીઝિંગનું થયું છે. સામાન્ય રીતે બાળકને જન્મ આપવાને બદલે હવે તો એગ-ફ્રીઝિંગ છે તો બાળકની ઉતાવળ શું છે, બાળક વિશે આરામથી વિચારીશું એમ માનીને એગ ફ્રીઝ કરાવતી સ્ત્રીઓની સંખ્યા વધી રહી છે. IT સેક્ટરમાં કામ કરતી ૩૫ ટકા સ્ત્રીઓ એગ-ફ્રીઝિંગ કરાવવા ઇચ્છે છે એવું પણ એક સ્ટડી કહે છે. સંખ્યામાં વધારો એક મોટો બદલાવ સૂચવે છે. આમ તો મૉડર્ન વર્લ્ડમાં યોગ્ય-અયોગ્ય જેવું કંઈ નથી, પરંતુ આ નિર્ણય લેતાં પહેલાં આ એક ઇન્ફૉર્મ્ડ ચૉઇસ હોય એ જરૂરી છે. આંધળૂકિયું અનુકરણ પાછળથી ભારે પડી શકે છે.
મેડિકલ કારણો
એગ-ફ્રીઝિંગ ટેક્નિકની શોધ કરવા પાછળનાં કારણો ખૂબ જુદાં હતાં. એ વિશે જણાવતાં આરુષ IVF અને એન્ડોસ્કોપી સેન્ટર, મલાડના ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ, ગાયનેકોલૉજિસ્ટ ડૉ. મુકેશ અગ્રવાલ કહે છે, ‘એક સમયે કૅન્સરપીડિત સ્ત્રીઓ જે કીમો થેરપી અને રેડિએશનમાંથી પસાર થઈ હોય તેમની એગ-ક્વૉલિટી આ ઇલાજથી અસરગ્રસ્ત થવાને લીધે તેમની ભવિષ્યમાં મા બનવાની શક્યતા ઘટી જતી. તેમના ભલા માટે જ્યારે કૅન્સરનું નિદાન થાય ત્યારે ઇલાજ શરૂ કર્યા પહેલાં તેમનાં એગ ફ્રીઝ કરાવી લેવામાં આવતાં જેથી પાછળથી તેઓ મા બની શકે. કૅન્સરપીડિત સ્ત્રીઓ માટે આ ટેક્નિક એક વરદાન સમાન બની. આજે પણ એનો લાભ યુવાન વયે કૅન્સરનો ભોગ બનતી સ્ત્રીઓને મળે છે, જે ખૂબ સારી વાત છે. આ સિવાય પણ અમુક રોગો છે જેમાં પાછળથી મા બનવામાં પડતી તકલીફોમાં એ ઉપયોગી થઈ શકે છે. આ રીતને મેડિકલ એગ-ફ્રીઝિંગ કહે છે, જોકે આજકાલ હવે આ ટેક્નિક ફક્ત કૅન્સરગ્રસ્ત સ્ત્રીઓ જ નહીં, બીજીયે કેટલીયે સ્ત્રીઓ વાપરવા લાગી છે જેની પાછળનું કારણ સામાજિક છે, જેને સોશ્યલ એગ-ફ્રીઝિંગ કહે છે.’
સામાજિક કારણો
સામાજિક કારણોમાં પણ જરૂરી કારણો ઘણાં છે. એ વિશે વાત કરતાં નોવા IVF ફર્ટિલિટી, મુંબઈનાં ક્લિનિકલ ડિરેક્ટર અને ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ ડૉ. સુલભા અરોરા કહે છે, ‘ઘણી છોકરીઓ એવી છે જેને યોગ્ય જીવનસાથી જલદી મળતો નથી. તે તેની તલાશમાં હોય છે. આવી વ્યક્તિને ભવિષ્યમાં સાથી મળે તો બાળક પ્લાન કરવામાં મોડું થઈ જાય એટલે એગ-ફ્રીઝિંગ ઉપયોગી છે. આ સિવાય યુવાન વયે તલાક થઈ ગયા પછી જ્યારે સ્ત્રી બીજાં લગ્ન માટે તૈયાર થાય અને તેને કોઈ યોગ્ય વ્યક્તિ મળે ત્યારે તેના નવા પાર્ટનર સાથે જો તેને બાળક પ્લાન કરવું હોય તો ત્યાં સુધીમાં તેની ઉંમર વધી જાય છે એટલે એગ-ફ્રીઝિંગ કરાવેલું હોય તો એ ઉપયોગી થઈ શકે છે. ઘણી સ્ત્રીઓ એવી છે જેમના માટે એક ઉંમરમાં કમાવું અને સેટલ થવું અત્યંત જરૂરી હોય છે. એની પાછળ તેમની ચાહ કે મજબૂરી કંઈ પણ હોઈ શકે છે એટલે તે બીજી સ્ત્રીઓની જેમ ૨૦-૩૫ વર્ષની વય સુધીમાં માતૃત્વ પ્લાન કરી શકે એમ નથી તો એનો અર્થ એ તો નથી કે તેને જીવનમાં મા બનવાની ઇચ્છા થાય જ નહીં, ચોક્કસ થઈ શકે. તો એ સ્ત્રીઓ માટે એ ઉપયોગી સાબિત થાય છે. આ કારણો આદર્શ પરિસ્થિતિ નથી, પણ સમાજમાં ઘણીબધી સ્ત્રીઓ આ પરિસ્થિતિ જીવી રહી છે. એટલે એગ-ફ્રીઝિંગ તેમના માટે વરદાનરૂપ છે.’
સ્વતંત્રતા ભોગવવા સમજદારી જરૂરી
મલાઇકા અરોરા, એકતા કપૂર, રિયા કપૂર, સુસ્મિતા સેન, ટિસ્કા ચોપડા, આમના શરીફ, ફારાહ ખાન, અંકિતા લોખંડે, મંદિરા બેદી, મોના સિંહ, રિચા ચઢ્ઢા, નેહા ધુપિયા, સાનિયા મિર્ઝા, મિતાલી રાજ આ બધી જ સેલિબ્રિટીએ એગ ફ્રીઝ કરાવ્યાં હતાં. એ પછી તેમાંની ઘણી સ્ત્રીઓ છે જે મોટી ઉંમરે માતૃત્વનું સુખ ભોગવી રહી છે. છેલ્લાં અમુક વર્ષોથી એગ-ફ્રીઝિંગ એક એવો મુદ્દો છે જે સોશ્યલ મીડિયા પર ચર્ચાઈ રહ્યો છે. ઘણી સ્ત્રીઓ માને છે, ‘માય બૉડી, માય રૂલ’ એટલે કે મારું શરીર છે તો એનો નિર્ણય હું જ લઈશ; કોઈ મને કહે નહીં કે મારે લગ્ન ક્યારે કરવાં કે મારે મા ક્યારે બનવું, એનો સંપૂર્ણ નિર્ણય હું જ લઈશ એ દલીલ એકદમ સાચી છે. એ વાત સમજાવતાં સાઇકોલૉજિસ્ટ અને રિલેશનશિપ કાઉન્સેલર નીતા શેટ્ટી કહે છે, ‘પહેલાંની સ્ત્રીઓને લગ્ન અને બાળક માટે જે દબાણ થતું એ ખોટું જ હતું પણ આજની કેટલીક સ્ત્રીઓ જે પ્રકારની આઝાદીને ઝંખે છે એ આઝાદી નથી, સ્વછંદતા છે. સ્વતંત્રતા ભોગવવા માટે સમજદારી હોવી પણ જરૂરી છે. જે સેલિબ્રિટીઝ એગ ફ્રીઝ કરાવે છે તેમના અને એક સામાન્ય વ્યક્તિના જીવનમાં ઘણો ફરક હોય છે. તેમનું આંધળું અનુકરણ ફૅશનમાં કરો ત્યાં સુધી ઠીક છે, પણ આવી બાબતોમાં ન કરી શકાય. કોઈ પણ ટેક્નૉલૉજી આવે એટલે બધા એની પાછળ આંધળૂકિયાં કરે એ આજના માનવનો સ્વભાવ બની ગયો છે. આજનો કોઈ પણ ટ્રેન્ડ ઉપાડીને જુઓ, તમને એ જ પૅટર્ન દેખાશે. પછી એ આઇફોન વાપરવાની વાત હોય કે રીલ્સ બનાવવાની. તકલીફ એ નથી કે સ્ત્રીઓ એગ-ફ્રીઝિંગ કરાવે છે. તકલીફ ત્યારે છે જ્યારે તમે સમજ્યા વગર આ પગલું ભરી રહ્યા છો. તમે જે કરી રહ્યા છો એના બધાં જ ફાયદા અને નુકસાન ચકાસીને આ નિર્ણય લો. આજ વિશે જ નહીં, આવતી કાલ વિશે પણ વિચારો.’
એગ-ફ્રીઝિંગ કરાવતાં પહેલાં
જેમ લગ્ન કરવાં એક મોટો નિર્ણય છે એવી જ રીતે મધરહુડ કે પેરન્ટહુડ એક મોટો નિર્ણય છે. એને વગર વિચાર્યે લેવો ખૂબ ભારે પડી શકે છે. જો તમે કોઈ પણ કારણોસર એગ-ફ્રીઝિંગ કરાવતા હો તો અમુક બાબતોમાં સ્પષ્ટ રહેવું જરૂરી છે. એ વિશે વાત કરતાં ડૉ. મુકેશ અગ્રવાલ કહે છે, ‘એગ-ફ્રીઝિંગ એટલે ફર્ટિલિટી પોટેન્શિયલ રિઝર્વેશન. વધતી ટેક્નૉલૉજી સાથે એના સક્સેસના ચાન્સિસ વધતા જ જાય છે એ વાત સાચી પણ એની ૧૦૦ ટકા ગૅરન્ટી કોઈ લઈ ન શકે. એટલે કે તમે એગ ફ્રીઝ કરાવ્યાં એટલે તમે કોઈ પણ ઉંમરમાં મા બની જ જશો એવું નથી. કઈ ઉંમરમાં તમે બાળક પ્લાન કરો છો એ પણ અહીં એટલું જ મહત્ત્વનું છે. ધારો કે તમે ૪૦-૪૨ વર્ષની ઉંમરે મા બનવા ઇચ્છો છો તો ત્યારે તમારી હેલ્થ કેવી છે, તમને શું તકલીફ છે એ બધા પર તમારી પ્રેગ્નન્સી નિર્ભર કરે છે. જોકે પ્રી-નેટલ અને ઍન્ટિ-નેટલ કૅર દિવસે ને દિવસે વધુ ને વધુ સારી બનતી જાય છે, જેને કારણે રિસ્ક ઓછાં થતાં જાય છે. પણ મોટી ઉંમરે મા બનવામાં બાળક અને મા બન્નેને રિસ્ક તો છે જ એ ન ભૂલવું જોઈએ.’
એવું કેમ છે કે આજના યુવાનો પેરન્ટહુડને પાછળ ધકેલવામાં અચકાતા નથી? એનું કારણ સમજાવતાં ડૉ. મુકેશ અગ્રવાલ કહે છે, ‘૩૦ વર્ષે અમારી પાસે જે કપલ્સ આવે છે અને કહે છે કે હમણાં બાળક નથી જોઈતું તેમને લાગે છે કે તેઓ અત્યારે જેટલાં હેલ્ધી છે એટલાં જ હેલ્ધી ૪૦ વર્ષનાં થશે ત્યારે પણ રહેશે. તેઓ કલ્પના નથી કરી શકતાં કે દસ વર્ષ પછી તેમની શારીરિક અને માનસિક હાલત કેવી હશે. અમે સમજાવીએ તો પણ તેમને આ બાબતની ગંભીરતા હોતી નથી. તેમને તેમની આજ જ દેખાય છે. આજની તારીખે ઘણાં કપલ્સ અમારી પાસે આવે છે જેમને બાળક તો જોઈએ છે, પણ ૩૦ વર્ષે નહીં. આવાં કપલ્સને અમે સલાહ આપીએ છીએ એમ્બ્રિયો ફ્રીઝ કરાવવાની.’
જનરેશન પ્રૉબ્લેમ
આખી જનરેશન જ એ પ્રકારે બદલાઈ રહી છે. એ વિશે વાત કરતાં નીતા શેટ્ટી કહે છે, ‘જે દંપતીએ નિર્ણય લેવાનો છે એ બન્નેનું ફ્રેન્ડ-સર્કલ જોઈએ તો તેમની આસપાસ એવા જ લોકો છે જે પેરન્ટહુડને પાછળ ધકેલી રહ્યા છે. એટલે આ ઉંમરે બાળક આવે તો કઈ રીતે મૅનેજ કરીશું એનું સૉલ્યુશન કાઢવાને બદલે તેઓ એગ-ફ્રીઝિંગ અને IVF જેવાં સૉલ્યુશન કાઢવા લાગ્યાં છે. જો વિચારશે તો કરીઅર, ફાઇનૅન્સ, બાળક બધું એકસાથે કઈ રીતે મૅનેજ કરી શકાય એના ઉપાયો તેમને દેખાશે, પણ આજુબાજુનો પ્રભાવ એવો હોય છે કે તેઓ મૅનેજમેન્ટ બીજી દિશામાં વિચારી રહ્યાં છે. પહેલાંના લોકો ઘરના વડીલો સાથે આ બાબતમાં વાતચીત કરતા તો તેમનો અનુભવ તેમને કામ લાગતો, પરંતુ હવે એ રીત મોટા ભાગનાં ઘરોમાં જોવા મળતી નથી. તો પછી એના ઉપાયરૂપે જેમ લગ્ન માટે કાઉન્સેલિંગ લેતા થયા છે એમ બાળકના પ્લાનિંગ માટે પણ કાઉન્સેલિંગ જરૂરી છે જેનાથી કોઈ પણ નિર્ણય લો; તમે એની બધી બાજુ વિચારીને, સમજીને કે ચકાસીને જોઈ શકો.’
મોટી ઉંમરે બાળક
આજે એવી ઘણી છોકરીઓ છે જે ત્રીસે લગ્ન કરે છે, ૩૫ની ઉંમરે વિચારે છે કે બાળક કરવું કે નહીં અને બાળક આવતાં-આવતાં ૪૦ સુધી પહોંચી જાય છે. એગ-ફ્રીઝિંગ અને સારી મેડિકલ કૅરથી બાળકનો જન્મ તો થઈ જાય છે, પણ પછી શું? એ વાતનો જવાબ આપતાં નીતા શેટ્ટી કહે છે, ‘મોટી ઉંમરે તમે મા બનો એ પછી લાલનપાલન સરળ નથી હોતું. એક ઉંમર પછી ઍડ્જસ્ટમેન્ટ કરવું સરળ નથી હોતું. આજકાલ જે છોકરીઓ ફરિયાદ કરે છે કે મા બનવા માટે મેન્ટલી રેડી નથી એની પાછળ આ જ કારણ છે. માનસિક રીતે તમે આ બદલાવ માટે તૈયાર થતા નથી. બાળક, જે તમારી આખી દુનિયા બદલાવી નાખતું હોય છે, એ બદલાવને જીરવવો ૪૦ વર્ષની ઉંમરે સ્ત્રીઓ માટે અઘરો પડે છે. તેની પાછળ ભાગવાની, દોડવાની ત્રેવડ એ ઉંમરે હોય નહીં. વળી બાળક અને માતા-પિતા વચ્ચેનો જનરેશન ગૅપ ખૂબ વધી જાય છે, જેને કારણે જે પ્રકારનું બૉન્ડિંગ તમને જોઈતું હોય એવું ન સાધી શકાય એમ પણ બનતું હોય છે. મારો પૉઇન્ટ એ છે કે તમે આ બધું વિચારી લીધું છે? જો ન વિચાર્યું હોય તો વિચારો. પડશે એવા દેવાશે એ ભાવ ૨૦ વર્ષે ઠીક છે, ૪૦ વર્ષે નહીં એ સમજ સાથે નિર્ણય લો. પછી તમે એગ ફ્રીઝ કરાવો કે ન કરાવો, બાળક જલદી કરો કે પેરન્ટહુડને પછાળ ઠેલવો, બધું જ ઠીક છે.’
લૉજિક
જોકે આ બાબતે લૉજિકલ દલીલ કરતાં ડૉ. સુલભા અરોરા કહે છે, ‘એક ઉંમર પછી મળતું માતૃત્વ અને એને લીધે આવતા પ્રૉબ્લેમ્સ એટલા મોટા નથી. એની સામે માતૃત્વ સાવ મળે જ નહીં એ ઘણો મોટો પ્રૉબ્લેમ છે. કોઈ પણ કારણસર જ્યારે સ્ત્રી મા નથી બની શકતી એ દુઃખ ખૂબ મોટું હોય છે. એની સરખામણીમાં મોટી ઉંમરે આવતું
માતૃત્વ અને એના પ્રૉબ્લેમ્સ ઘણા નાના ગણાય. એટલે જો તમને લાગતું હોય કે તમારી પાસે કોઈ કારણ છે જેનાથી માતૃત્વ પાછું ઠેલવાનું તમે ટાળી શકવાનાં નથી તો વગર રાહ જોયે તમે એગ-ફ્રીઝિંગનો ઑપ્શન અપનાવી શકો છો. આ રીતે તમે ભવિષ્યમાં આશાની એક બારી ખૂલી રાખી રહ્યા છો એમ કહી શકાય.’
ઉપાય
આદર્શ રીતે કોઈ પણ દંપતીએ કોશિશ કરવી જોઈએ કે ૨૦-૩૫ વર્ષની અંદર નૅચરલ પ્રેગ્નન્સી તેઓ પ્લાન કરે. આ એક યુનિવર્સલ નિયમ છે. આ ઉંમરમાં બાળકને જન્મ આપશો તો હેલ્ધી પ્રેગ્નન્સી રહેશે. પરંતુ જો એવું ન થાય એમ તમને લાગે તો પહેલાં એ કારણ પર કામ કરો. એવું શું કામ નથી થઈ શકે એમ? મેડિકલી એને મૅનેજ કરવાને બદલે માનસિક રીતે એને મૅનેજ કરવાની કોશિશ કરો એ વધુ સરળ અને યોગ્ય ઉપાય ગણાશે. છતાં તમને લાગે કે એ શક્ય જ નથી તો છેલ્લે એગ-ફ્રીઝિંગ ઠીક ઑપ્શન છે. આમ સમજાવતાં ડૉ. મુકેશ અગ્રવાલ કહે છે, ‘ફર્ટિલિટી માટે અઢળક ઑપ્શન અને બેસ્ટ ટેક્નિકો આવતી જાય છે જેનાં રિઝલ્ટ ખૂબ સારાં મળે જ છે એની ના નહીં, પણ આજેય અમારી પાસે આવતાં કપલ્સને અમે સલાહ આપીએ છીએ કે નૅચરલી જો બાળક સમયસર આવી જતું હોય તો એનાથી બેસ્ટ કંઈ નથી. તમારે શું કામ તમારા શરીર સાથે ચેડાં કરવાં છે? આમ છેલ્લે સલાહ તો એ જ છે કે જો પગ ચાલતા હોય તો દાદર ચડી જવો, લિફ્ટનો ઉપયોગ કરવાની જરૂર નથી.’
એગ-ફ્રીઝિંગ વિશે જાણવા જેવું
એગ-ફ્રીઝિંગ આદર્શ રીતે ૩૦ વર્ષથી ઓછી ઉંમરે કરવામાં આવે તો સારું ગણાય પણ મોટા ભાગે આ નિર્ણય ૩૦થી નાની ઉંમરમાં આવતો નથી એટલે ૩૫થી નીચેના લોકો એગ ફ્રીઝ કરાવે છે. આ પ્રોસીજર છે જેમાં ઓવરીમાંથી અમુક એગ્સને બહાર કાઢી લેવામાં આવે છે અને ભવિષ્યમાં એનો ઉપયોગ કરવા માટે એને લિક્વિડ નાઇટ્રોજનમાં રાખવામાં આવે છે જેમાં હૉર્મોન્સને સ્ટિમ્યુલેટ કરવા માટે ઇન્જેક્શન્સ લેવાં પડે છે, જેને કારણે દર મહિને પાકતા એક એગને બદલે વધુ માત્રામાં એગ મૅચ્યોર થાય અને જેવાં એ મૅચ્યોર થાય એને બહાર કાઢી લેવામાં આવે. પછી જ્યારે મા બનવું હોય ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ કરવાનું એકમાત્ર કારણ એ છે કે યુવાન વયે સ્ત્રીનાં એગની ક્વૉલિટી અને ક્વૉન્ટિટી બન્ને સારાં હોય છે તો હેલ્ધી પ્રેગ્નન્સી રહેવાની શક્યતા ઘણી વધી જતી હોય છે, જે વધતી ઉંમરે ઘટતી જાય છે.