04 July, 2025 12:21 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
સ્વાસ્થ્ય પ્રત્યેની વધતી જતી સજાગતા વચ્ચે હેલ્ધી રહેવા માટે લોકો જાતજાતની ડાયટ ફૉલો કરતા હોય છે. એવામાં આજકાલ DNA-બેઝ્ડ ડાયટનો ટ્રેન્ડ વધી રહ્યો છે જેમાં વ્યક્તિની ડીઑક્સિરિબોન્યુક્લેસિક ઍસિડ એટલે કે DNA ટેસ્ટ કરીને એના આધારે નક્કી કરવામાં આવે છે કે તેના માટે કઈ ડાયટ સારી છે. આ ટેસ્ટના માધ્યમથી એવો ડાયટ-પ્લાન ક્રીએટ કરવામાં મદદ મળે જેનાથી આપણે હેલ્ધી રહી શકીએ, અસરકારક રીતે વેઇટ-મૅનેજમેન્ટ કરી શકીએ અને ભવિષ્યમાં થનારી કેટલીક બીમારીઓના રિસ્કને પણ ઓછું કરી શકીએ.
આપણા શરીરમાં જીન્સનું ખૂબ મહત્ત્વ હોય છે જે નક્કી કરે છે કે તમારું શરીર કેવું બનશે, કેવી રીતે કામ કરશે અને કેવી રીતે રીઍક્ટ કરશે. આપણા જીન્સનો મેટાબોલિઝમ એટલે કે ખોરાકને ઊર્જામાં રૂપાંતર કરવાની પ્રોસેસ સાથે પણ ઊંડો સંબંધ છે. શરીરનું મેટાબોલિઝમ આપણા જીન્સની સંરચના પર ઘણા અંશે નિર્ભર છે. એટલે જ આજકાલ DNA-બેઝ્ડ ડાયટ ફૉલો કરવાનો ટ્રેન્ડ લોકોમાં વધી રહ્યો છે. આ DNA-બેઝ્ડ ડાયટ શું છે, એ કઈ રીતે કામ કરે છે એના વિશે સ્પોર્ટ્સ સાયન્ટિસ્ટ અને ન્યુટ્રિશનિસ્ટ કૃષ્મી છેડા પાસેથી તેમના જ શબ્દોમાં જાણીએ.
DNA ડાયટ એટલે શું?
આ એક એવો ડાયટ-પ્લાન છે જે તમારા જીન્સ એટલે કે DNAના આધાર પર બનાવવામાં આવે છે. આમાં સમજવામાં આવે છે કે વ્યક્તિનું શરીર ખોરાક, પોષક તત્ત્વો અને વ્યાયામ પર કેવી રીતે પ્રક્રિયા કરે છે અને એ અનુસાર જ ડાયટ અને જીવનશૈલી અપનાવવામાં આવે છે. દરેક વ્યક્તિની જિનેટિક સંરચના અલગ હોવાથી બધાના શરીરની ખોરાક પચાવવાની રીત, પોષણનો ઉપયોગ કરવાની ક્ષમતા અને વજન વધવા-ઘટવાની ટેન્ડન્સી પણ અલગ હોય છે. આ ડાયટમાં DNAની તપાસ કરીને એ સમજવામાં આવે છે કે કઈ ડાયટ અને લાઇફસ્ટાઇલ તમારા માટે યોગ્ય છે. આ પ્રકારની ટેસ્ટને ન્યુટ્રિજીનૉમિક્સ ટેસ્ટ કહેવામાં આવે છે. એ માટે સામાન્ય રીતે બ્લડને બદલે મોઢામાંથી લાળ લઈને ટેસ્ટ કરવામાં આવે છે.
DNA ટેસ્ટથી શું જાણી શકાય?
આ ટેસ્ટથી એ સમજવામાં મદદ મળે કે કઈ રીતે તમારું શરીર અમુક વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય ન્યુટ્રિઅન્ટ્સને પ્રોસેસ કરે છે. એટલે કે તમારું શરીર વિશિષ્ટ પોષક તત્ત્વોને કેવી રીતે ઍબ્સૉર્બ કરે છે અને શું તમને કોઈ વિશેષ પોષક તત્ત્વની કમીનું જોખમ છે? ઘણી વાર અમુક ન્યુટ્રિઅન્ટ્સ જેમ કે ફોલેટ, વિટામિન D, વિટામિન B12ના ઍબ્સૉર્પ્શનની પ્રક્રિયામાં સામેલ જીનમાં કોઈ સમસ્યા હોય તો પણ શરીરમાં આ પોષક તત્ત્વોની કમી આવી શકે. શરીરમાં જો આવશ્યક એવા એક પણ ન્યુટ્રિઅન્ટની કમી સર્જાઈ જાય તો એની અસર તરત શરીર પર દેખાવા લાગતી હોય છે. જેમ કે શરીરમાં વિટામિન Dની કમી હોય તો થાક લાગે, માંસપેશી-હાડકાંઓમાં દુખાવો રહે, મૂડ-સ્વિંગ્સ થાય, ઇમ્યુનિટી નબળી થઈ જાય જેવી અનેક સમસ્યા થઈ જાય. આવા કેસમાં શરીરને એ પોષક તત્ત્વો મળી રહે એ હિસાબે ડાયટમાં એવાં ફૂડ ઍડ કરીને અને સપ્ટિમેન્ટ્સ લઈને એની કમી પૂરી કરી શકાય.
આ ટેસ્ટથી તમને કયા ખોરાકની ઇન્સેન્સિટિવિટી કે ઇન્ટૉલરન્સ છે એ પણ ખબર પડે. કેટલાક લોકોના જીન્સને કારણે તેમનું શરીર લૅક્ટોસ, ગ્લુટન કે કૅફીન પ્રત્યે અલગ રીતે રીઍક્ટ કરે છે. જેમ કે કોઈને લૅક્ટોસ ઇન્ટૉલરન્સ હોય તો એ લોકો પનીર, દૂધ, દહીં જેવું ખાય એટલે તેમને પેટમાં દુખે, ગૅસ થઈ જાય, લૂઝ મોશન જેવી સમસ્યા થાય. એટલે તેમની ડાયટમાંથી ડેરી-પ્રોડક્ટ હટાવવી પડે અને એની જગ્યાએ કૅલ્શિયમ માટે રાગી, તલ, ચિયા સીડ્સ, સોયાબીન, બદામ વગેરે ઍડ કરવાં પડે. જેમને ગ્લુટનની ઍલર્જી હોય તેમની ડાયટમાંથી ઘઉં, જવ જેવાં અનાજ હટાવીને ચોખા, બાજરો, રાગી વગેરેનો સમાવેશ કરવામાં આવે. એવી જ રીતે જીન્સને કારણે કૅફીન સેન્સિટિવિટી હોય તો તેમનામાં કૅફીન સ્લો મેટાબોલાઇઝ થાય. એને કારણે એની નેગેટિવ અસર જેમ કે ઊંઘવામાં સમસ્યા, ઍન્ગ્ઝાયટી, ઍસિડ રિફ્લક્સ જેવી સમસ્યા થઈ શકે. જનરલી વર્કઆઉટ પહેલાં એનર્જી બૂસ્ટ કરવા માટે ઘણા લોકો કૅફીન લેતા હોય છે, પણ જેમને કૅફીન સેન્સિટિવિટી હોય તેમના માટે આ સારું નથી.
DNA ટેસ્ટથી એ ખબર પડે કે તમારું શરીર ફૅટ એટલે કે ચરબી, કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીનને કેવી રીતે મેટાબોલાઇઝ કરે છે. આ ટેસ્ટ તમારા જીન્સનું ઍનૅલિસિસ કરીને જણાવે છે કે તમારું શરીર માઇક્રોન્યુટ્રિઅન્ટ્સને કેટલી સારી રીતે કે નબળાઈપૂર્વક ડાઇજેસ્ટ અને યુઝ કરી શકે છે. જેમ કે કોઈ વ્યક્તિનું ફૅટ મેટાબોલિઝમ સંબંધિત જીન એવું છે જે ફૅટને ઝડપથી સ્ટોર કરે છે તો તેમને લો ફૅટવાળી ડાયટ ખાવાની સલાહ આપવામાં આવે છે. એવી જ રીતે કાર્બોહાઇડ્રેટ મેટાબોલિઝમ સંબંધિત કેટલાક જીન્સથી એ સમજવામાં મદદ મળે છે કે આપણું શરીર કાર્બોહાઇડ્રેટ્સને કેટલી અસરકારક રીતે પચાવે છે, ઊર્જામાં રૂપાંતર કરે છે કે એ ચરબીના રૂપે સંગ્રહ કરે છે. જો કોઈ વ્યક્તિ વધારે કાર્બ્સ લેતી હોય પણ તેના જીન્સ શુગર-લેવલને સરખી રીતે રેગ્યુલેટ ન કરી શકતા હોય તો પણ ડાયાબિટીઝનું જોખમ વધી શકે છે. એટલે આ ટેસ્ટની મદદથી ડાયટમાં ફેરફાર કરીને ડાયાબિટીઝ, સ્થૂળતાનું જોખમ ઓછું કરી શકાય. સાથે જ પ્રોટીન મેટાબોલિઝમને લઈને ખબર પડે કે તમારા શરીરને પ્રોટીનની કેટલી જરૂર છે, શરીર પ્રોટીનને સરખી રીતે પચાવી શકે છે કે નહીં, શરીરમાં પ્રોટીનનો એનર્જી, મસલ-બિલ્ડિંગ કે રિકવરી માટે કેટલી સારી રીતે ઉપયોગ થઈ રહ્યો છે એ બધું જાણવા મળે. એટલે એ હિસાબે ડાયટમાં કેટલું અને કઈ રીતનું પ્રોટીન ઍડ કરવું એ જાણી શકાય.
આ ટેસ્ટથી હંગર એટલે કે ભૂખ અને ઍપેટાઇટ એટલે કે ખાવાની ઇચ્છાને રેગ્યુલેટ કરતા જીન્સ કઈ રીતે કામ કરે છે એ જાણી શકાય. અમુક જીન્સ ભૂખ વધુ લગાડે છે, કેટલાક જીન્સ પેટ ભરાવાનો સંકેત મોડેથી આપે છે, અમુક જીન્સ ઇમોશનલ ઈટિંગ સાથે જોડાયેલા હોય છે. કેટલીક વખત ગળ્યું કે ચટપટું ખાવાના ક્રેવિંગ માટે પણ જીન્સ જવાબદાર હોય છે. એની મદદથી એ પ્રશ્નોનો જવાબ મેળવી શકાય છે કે વારંવાર ભૂખ કેમ લાગે છે, ખાધા પછી પણ પેટ કેમ નથી ભરાતું, સ્ટ્રેસમાં વધારે કેમ ખાઈ લેવાય છે? આ બધી વસ્તુઓ ડાયટ-પ્લાન બનાવવામાં મદદ કરે છે જેનાથી વેઇટ-મૅનેજમેન્ટ વધુ અસરકારક રીતે કરી શકાય. DNA ટેસ્ટથી એ પણ જાણી શકાય કે તમારા ફિઝિકલ પર્ફોર્મન્સ, મસલ-સ્ટ્રેન્ગ્થ, એન્ડ્યૉરન્સ અને વેઇટલૉસ કરવાની સ્પીડ પર તમારા જીન્સની શું અસર છે. એનાથી એ સમજી શકાય કે તમારા શરીરને કેવા પ્રકારની એક્સરસાઇઝ જેમ કે કાર્ડિયો, સ્ટ્રેન્ગ્થ-ટ્રેઇનિંગ વગેરે ફાયદો પહોંચાડશે.
DNA ટેસ્ટથી એ પણ જાણી શકાય કે તમારા જીન્સ શરીરમાં હાજર હાનિકારક ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં અને શરીરના કોષોને નુકસાન પહોંચાડતા ઑક્સિડેટિવ સ્ટ્રેસ સામે લડવામાં કેટલી કુદરતી ક્ષમતા ધરાવે છે. એના આધારે પછી ડાયટમાં ડીટૉક્સ ડ્રિન્ક કે ઍન્ટિ-ઑક્સિડન્ટ્સથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવામાં આવે છે. આ ટેસ્ટથી શરીરમાં ઇન્ફ્લમેશન અને કયા ક્રૉનિક ડિસીઝ જેમ કે ટાઇપ-ટૂ ડાયાબિટીઝ, હૃદય સંબંધિત બીમારી, સ્થૂળતા, કૅન્સર, ઑલ્ઝાઇમર્સ વગેરેનો ખતરો વધી શકે એ જાણી શકાય છે. કેટલાક જીન્સ એવા હોય છે જે ઇન્ફ્લમેશન પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે અને એને કારણે ક્રૉનિક ડિસીઝનું જોખમ વધી જતું હોય છે. એવા કેસમાં ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ડાયટ પર જોર આપવામાં આવતું હોય છે.
કોણ કરાવી શકે?
આ ન્યુટ્રિજીનોમિક્સ ટેસ્ટ ખાસ એ લોકો માટે છે જેમને વારંવાર વિટામિન્સ, મિનરલ્સની ડેફિશિયન્સી થતી હોય. જેમને કૉન્સ્ટન્ટ ફૂડ-ઇન્ટૉલરન્સ અને ડાઇજેશનની સમસ્યા રહેતી હોય. જેમને ક્રૉનિક ફટીગ એટલે કે સતત થાક-નબળાઈ રહેતાં હોય, ક્રૉનિક પેઇન હોય, ક્રૉનિક ઇન્ફ્લમેશન હોય. જેમની ફૅમિલીમાં હાર્ટ ડિસીઝ, સ્થૂળતા, ડાયાબિટીઝ જેવા લાઇફસ્ટાઇલ ડિસીઝ કૉમન હોય અને તમે એને પ્રિવેન્ટ કરવા ઇચ્છતા હો. તમે ઍથ્લીટ હો અને પર્ફોર્મન્સ અને રિકવરી બેટર કરવા ઇચ્છતા હો તો આ બધા કેસમાં તમે ટેસ્ટ કરાવી શકો. આ ટેસ્ટ કર્યા પછી જે રિપોર્ટ આવે એના આધાર પર ડાયટિશ્યન ડાયટ અને એક્સરસાઇઝ પ્લાન બનાવે છે. અહીં એ પણ જાણવા જેવું છે કે DNA-બેઝ્ડ ડાયટ-પ્લાન્સ ૧૦૦ ટકા સચોટ નથી. આને લઈને હજી સાયન્ટિફિક સ્ટડીઝ થઈ રહ્યા છે. આપણી ઓવરઑલ હેલ્થ આપણાં ડાયટ, એક્સરસાઇઝ, સ્ટ્રેસ, ઊંઘ તેમ જ બીજી લાઇફસ્ટાઇલ ચૉઇસિસ પર પણ નિર્ભર હોય છે. એટલે DNA-બેઝ્ડ ડાયટ તમારા વેઇટલૉસ માટે કે પછી કોઈ ડિસીઝ પ્રિવેન્શન માટે ૧૦૦ ટકા કામ કરશે જ એવું માનવું નહીં.