સફેદ નહીં, લાલ કે કાળું માટલું જ વાપરજો

18 May, 2022 12:24 PM IST  |  Mumbai | Sejal Patel

કેમ કે માટી નૅચરલી રેડ કે બ્લૅક જ હોય છે, વાઇટ નહીં. ઉનાળામાં ફ્રિજના પાણી કરતાં માટીના ઘડામાં ભરીને રાખેલું પાણી ઝટપટ તરસ તો છીપાવશે જ પણ સાથે ગળાની અનેક તકલીફોથી પણ દૂર રાખશે

સફેદ નહીં, લાલ કે કાળું માટલું જ વાપરજો

ગરમીની તકલીફોથી બચવા માટે પૂરતું પાણી પીવું જોઈએ એવું આપણે સાંભળતા આવ્યા છીએ, પણ એ પાણી કેવું હોવું જોઈએ? ફ્રિજનું, બરફનું કે બરફથી ઠંડું કરેલું પાણી તો નહીં જ. કેમ કે એ જ પાણી આ સીઝનમાં ગળાના રોગોનું કારક છે. ટ્રેડિશનલી જોઈએ તો આપણે ત્યાં દરેકનાં ઘરોમાં વર્ષોથી પાણિયારે માટીનું માટલું જ મુકાતું આવ્યું છે, પણ ફ્રિજ અને પ્યુરિફાયરના જમાનામાં માટલાનો ઉપયોગ ઘટી ગયો છે. એને કારણે આ સીઝનમાં શરદી, ખાંસી, ઉધરસ, ગળું પકડાવું, અવાજ બેસી જવો જેવી તકલીફો થાય છે. આ પાછળનું કારણ સમજાવતાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. સંજય છાજેડ કહે છે, ‘બહારનું તાપમાન ૪૦ ડિગ્રી જેટલું હોય અને તમે ઘરે જઈને તરત જ ફ્રિજમાંથી કાઢેલી બૉટલ મોંએ માંડો. એમાં પાણીનું ટેમ્પરેચર ૩થી ૪ ડિગ્રી જેટલું હોય. અચાનક જ આટલોમોટો ટેમ્પરેચર ડિફરન્સ થવાથી એની સૌથી પહેલી આડઅસર ગળા પર પડે. ગળામાં કફનું સ્થાન છે. ગરમી-ઠંડી મિક્સ થવાથી ગળામાં ખૂંચવું, કફ ભરાવો, ખાંસી કે ઉધરસ થવી, શરદી અને તાવ જેવી સમસ્યાઓ આવે. આ સમસ્યા પાણી પીવાની આપણી આદતમાં થોડોક સુધાર કરવાથી સૂલઝી શકે એમ છે.’
પાણી ઠંડું કેવી રીતે થાય? | ઉનાળામાં માટલાનું પાણી કુદરતી રીતે પણ ઠંડું જ રહે છે. આ ઠંડક અનેક રીતે ઉપયોગી બની રહે છે. મિનરલ્સને કારણે માટલાના પાણીનું પીએચ લેવલ ક્ષારીય રહે છે જે મેટાબોલિઝમ સુધારે છે, લોહી શુદ્ધ કરે છે, વાત-પિત્તને સંતુલિત રાખે છે અને શરીરને કુદરતી રીતે ઠંડક આપે છે. ડૉ. સંજય કહે છે, ‘માટલું પોરસ હોય છે એટલે એમાં હવાની અવરજવર બહુ સરસ રીતે થઈ શકે છે. માટલાની અંદરની ગરમ હવા ઇવૅપરેટ થઈને બહાર નીકળી જતી હોવાથી અંદરના પાણીનું ટેમ્પરેચર બહાર કરતાં ઓછું હોય છે. જેટલું ઇવૅપરેશન વધુ એટલી પાણીની ઠંડક વધુ. હા, મુંબઈ જેવા શહેરમાં આ બાષ્પીકરણ ઓછું હોય છે કેમ કે અહીંનું વાતાવરણ વધુ ભેજવાળું હોય છે. એમ છતાં માટલામાં કુદરતી રીતે પાણી ઠંડું રહે છે. આયુર્વેદમાં તો તરસ છિપાવવા માટે માટીનો પ્રયોગ આપવામાં આવ્યો છે. જેમને ખૂબ તરસ લાગતી હોય તેમના માટે આ છે. કાળી માટીને અથવા તો આપણા તૂટેલા માટલાની ખાપરને ખૂબ ગરમ કરવામાં આવે અને પછી સાદા પાણીમાં છમકારી દેવાનું. ખાપર નીચે બેસી જાય એ પછી આ પાણી ગાળીને પીવાથી ભલભલી તરસ છીપી જાય છે. જેમને વૉમિટિંગ થતું હોય તેમને પણ આ પાણી આપવાથી ફાયદો થાય છે.’
કેવું માટલું વાપરવું? | આજકાલ ફૅન્સી માટલા બહુ મળે છે જેના પર કેમિકલનું કોટિંગ કરેલું હોય છે. ડૉ. સંજય છાજેડ કહે છે, ‘માટલું હંમેશાં કાળું અથવા તો લાલ રંગનું જ હોવું જોઈએ. એ પણ નૅચરલ રંગવાળું. એના પર કેમિકલ કોટિંગ કરેલું ચમકતું ન હોવું જોઈએ. કોટિંગ કરવાથી એના પોર્સ પુરાઈ જાય છે અને માટલું પાણી ઠંડું નથી કરી શકતું. સફેદ માટલાની ઉપર રંગબેરંગી ડિઝાઇનો કરેલી હોય છે એ પણ કેમિકલ અને કલર્સ જ હોય છે.’
માટલાનું પાણી ઠંડું કરવા શું કરવું? |  ખસના વાળાનો પ્રયોગ : માટલામાં ખસના વાળાની સુતરાઉ કપડામાં પોટલી બનાવીને નાખી દેવી. રોજ એ પોટલી બદલવી અને વાળા તેમ જ સુતરાઉ કાપડને બરાબર તડકે તપાવીને કોરાં કરી લેવાં. એક જ વાળાનો જથ્થો લગભગ એક મહિના સુધી તમે વાપરી શકો છો. 
ભીનું કંતાન : જો માટલું પ્લૅટફૉર્મ પર ગરમી આવતી હોય એવી જગ્યાએ મૂકેલું હોય તો એની ફરતે ભીનું કંતાન વીંટાળી દેવું. 
માટીમાં માટલું: માટલું મૂકવાના કાંઠાની પર માટીની તાવડી મૂકવી અને એમાં થોડીક માટી મૂકવી. આ માટીને પાણી છાંટીને ભીની કરતા રહેવી. એના પર પાણી પીવાનું માટલું મૂકવાથી પાણી કુદરતી રીતે ઠંડું થતું રહેશે.

health tips sejal patel