03 September, 2025 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નિયા શર્મા
છેલ્લા કેટલાક સમયથી ઇન્સ્ટાગ્રામમાં ટીથ-વાઇટનિંગનો નુસખો વાઇરલ થઈ રહ્યો છે. બેકિંગ સોડા, મીઠું, નારિયેળનું તેલ અને ટૂથપેસ્ટના મિશ્રણથી દાંત સાફ કરવાથી દાંત સફેદ થાય છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે ટીવી-અભિનેત્રી નિયા શર્માએ પણ આ ઘરગથ્થુ નુસખાને અપનાવીને વિડિયો શૅર કર્યો હતો. આ નુસખો તાત્કાલિક ચમક તો આપે છે પણ લાંબા ગાળે ઓરલ હેલ્થ માટે નુકસાનકારક સાબિત થાય છે. ડેન્ટલ નિષ્ણાતો બેકિંગ સોડાનો ઉપયોગ કરવાની મનાઈ કરે છે, કારણ કે એ દાંતની બહાર આવેલી પ્રોટેક્ટિવ લેયર અને ડેન્ટલ સેન્સિટિવિટીને બચાવતો થર એટલે કે ઇનૅમલને નુકસાન કરે છે જે દાંતની હેલ્થને ભવિષ્યમાં નબળી બનાવે છે. એ જ રીતે મીઠું પેઢાં માટે સારું નથી. એનાથી બ્લીડિંગ કે સોજાની સમસ્યા થઈ શકે છે. આ નુસખાનો નિયમિત ઉપયોગ દાંતની સેન્સિટિવિટીને વધારી શકે છે. ઇનૅમલ દાંતનો સૌથી સફેદ ભાગ છે અને એની નીચે ડેન્ટિન નામનું સ્તર હોય છે જે પીળાશ ધરાવતું હોય છે. જ્યારે ઇનૅમલ ઘસાઈને પાતળું થાય ત્યારે ડેન્ટિન દેખાવા લાગે છે, જેને લીધે દાંત હંમેશાં પીળા દેખાવા લાગે છે.
ટૂંકમાં આ નુસખો ઘરે ટ્રાય કરવા જેવો નથી. હાઇડ્રોજન પૅરોક્સાઇડ ટ્રીટમેન્ટ અસરકારક ટ્રીટમેન્ટ છે પણ એમાં જીભ અને ચામડીને નુકસાન ન થાય એનું ખાસ ધ્યાન ડૉક્ટરને રાખવું પડે છે. નરમ ટૂથ-વાઇટનિંગ જેલ્સ અથવા સ્ટ્રિપ્સ મળે છે એ અપનાવો તો પણ ચાલે. ટીથ-વાઇટનિંગ કરાવવું જ હોય તો ડેન્ટિસ્ટ પાસેથી પ્રૉપર ટ્રીટમેન્ટ કરાવો અને આ સાથે ચા, કૉફી, તમાકુ, વાઇન અને દાંત પીળા કરનારા પદાર્થોનો ઉપયોગ ઓછો કરવો. બ્રશ કર્યા પછી સારી રીતે ફ્લૉસિંગ કરવું. યોગ્ય ટૂથબ્રશ અને સૉફ્ટ બ્રશનો ઉપયોગ કરવો હિતાવહ છે. જો ઘરગથ્થુ નુસખા કરવા હોય તો કોકોનટ ઑઇલની મદદથી ઑઇલ-પુલિંગ કરી શકાય.