હું મક્કમપણે માનું છું કે આંસુ નબળાઈની નહીં, સંવેદનશીલતાની નિશાની છે

29 March, 2025 07:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્ષો પહેલાં વાંચેલી એક વાર્તા યાદ આવે છે. એક નાનકડા બાળકને પોતાની મમ્મીની આંખમાં વારંવાર આવી જતાં આંસુ જોઈને ખૂબ નવાઈ લાગતી

તસવીર સૌજન્ય : એ.આઈ

એક સુખી-સંપન્ન પરિવારની સ્ત્રીએ કોરોના સમયે કહેલું, ‘આજ સુધી મારા જીવનમાં કોઈ ચીજની ખોટ મેં અનુભવી નથી. પણ મેં સમાજ માટે ક્યારેય કંઈ જ કર્યું નથી, આજે મને લાગે છે કે મારે લોકોને મદદરૂપ થાય એવું કંઈક કામ કરવું છે.’

મધ્યમ વયની એ સ્ત્રીની વાત સાંભળી એક મિત્રે મશ્કરી કરી કે આ બહેન બોલતાં-બોલતાંય રડે છે, એ વળી લોકો માટે શું કરી શકવાનાં?

મિત્રની કમેન્ટે મને વિચારતી કરી દીધી. આપણે ત્યાં રડવું એટલે નબળા હોવું, ઢીલા હોવું એવી માન્યતા છે; પરંતુ હું મક્કમપણે માનું છું કે આંસુ નબળાઈની નહીં, સંવેદનશીલતાની નિશાની  છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આંસુ વિશે જે કંઈ સંશોધનો થયાં છે એ પણ આ વાતને પુષ્ટિ આપે છે. હકીકતમાં મારા અનુભવને આધારે હું માનું છું કે આંસુ સારનાર વ્યક્તિ આંસુ નહીં સારી શકતી વ્યક્તિ કરતાં પ્રમાણમાં વધુ માનસિક મજબૂતી ધરાવતી હોય છે. અલબત્ત, ‘કપાળમાં કૂવો છે’ કે  ‘રોતલબયડી’ જેવાં અપમાનજનક વિશેષણો તેણે સાંભળવાં પડે છે.

વર્ષો પહેલાં વાંચેલી એક વાર્તા યાદ આવે છે. એક નાનકડા બાળકને પોતાની મમ્મીની આંખમાં વારંવાર આવી જતાં આંસુ જોઈને ખૂબ નવાઈ લાગતી. તેણે એ વિશે મમ્મી-પપ્પાને પૂછ્યું પણ બન્નેના જવાબ ‘સ્ત્રીઓ તો રડે’ એવા મતલબના જ મળ્યા. છોકરાએ એક દિવસ ભગવાનને ફોન જોડ્યો અને પૂછ્યું. તો ભગવાને તેને જવાબ આપ્યો કે ‘મેં સ્ત્રીને ઘડી ત્યારે મારે તેને સ્પેશ્યલ બનાવવી હતી એટલે મેં તેના ખભા દુનિયાનો ભાર ઝીલી શકે એવા મજબૂત બનાવ્યા, છતાં બધાને હૂંફ આપી શકે એવી મૃદુ પણ બનાવી. શિશુને જન્મ આપવાની તાકાત આપી અને એ જ બાળકો તરફથી થતી અવગણના સહેવાની પણ શક્તિ આપી. મેં તેને એવી કઠણ બનાવી કે ઘરમાં બીજા બધાય હિમ્મત હારી જાય ત્યારેય તે તો બીમારી કે થાકની પરવા કર્યા વિના અડીખમ રહીને કુટુંબનો ખ્યાલ રાખે. મેં તેને એવી સંવેદનશીલતા આપી કે કોઈ પણ સંજોગોમાં તે પોતાનાં બાળકો પર પ્રેમ વરસાવતી રહે છે, પછી ભલેને બાળકો તેને દૂભવતાં પણ હોય. અને છેલ્લે મેં તેને આંસુ આપ્યાં, જ્યાં-જ્યારે જરૂર લાગે ત્યારે વહાવવા માટે.’

આ કાલ્પનિક જવાબ સ્ત્રીની આંખમાં છલકાઈ જતાં આંસુ અને સ્ત્રીની શક્તિ બાબતે પ્રવર્તતી ગેરસમજણો દૂર કરવામાં મદદરૂપ થાય એવો છે. પરંતુ રડવું કે આંસુ સારવા પર શું માત્ર સ્ત્રીનો જ વિશેષાધિકાર છે? સદ્નસીબે છેલ્લાં વર્ષોમાં કેટલાક રમતવીરો કે કલાકાર પુરુષોએ આ માન્યતા ખોટી પાડી છે.

-તરુ મેઘાણી કજારિયા

health tips mental health life and style columnists gujarati mid-day mumbai Sociology