✕

નોરતાં પૂરાં થવામાં છે ત્યારે એનર્જી અને સ્ટૅમિના જાળવી રાખવા માટે ખાવા-પીવામાં આટલું ધ્યાન રાખજો

16 October, 2026 04:43 PM IST  |  Mumbai | Jigisha Jain

ગરબા રમવામાં ઘણી એનર્જી વપરાય છે. નવરાત્રિની શરૂઆતમાં તો ઉત્સાહ જ એટલો હોય કે વાંધો નથી આવતો, પણ પાંચ-છ દિવસ પછી શરીર જવાબ દેવા લાગે છે અને ખરી કસોટી થાય છે.

ગરબા રમવા જતાં પહેલાં જમીને જવું.

ગરબા રમવામાં ઘણી એનર્જી વપરાય છે. નવરાત્રિની શરૂઆતમાં તો ઉત્સાહ જ એટલો હોય કે વાંધો નથી આવતો, પણ પાંચ-છ દિવસ પછી શરીર જવાબ દેવા લાગે છે અને ખરી કસોટી થાય છે. આજે જાણી લો ગરબા રમવા જવાના બે કલાક પહેલાં અને પતે પછી શું ખાવું જોઈએ જેનાથી આ એનર્જી ભરપૂર રહે અને થાક ઓછો લાગે

નવરાત્રિના ૯ દિવસ દરમ્યાન માતાજીની આરાધના કરવા સાથે ગરબા રમવાનો ઉત્સાહ દરેક વ્યક્તિમાં જોવા મળે છે. કલાકો સુધી ગરબા રમવા માટે શરીરમાં તાકાત હોવી ખૂબ જ જરૂરી છે. આમ તો પહેલા જ દિવસથી ખાવા-પીવાની કાળજી રાખી હોય તો ઓવરઑલ સરસ હેલ્થ રહે; પણ ખેર, હજીયે કંઈ મોડું નથી થયું. હજી વીક-એન્ડમાં તો રાતના ૧૨ વાગ્યા સુધી ગરબા રમવા મળશે. એવામાં ગરબા રમતી વખતે સ્ટૅમિના જળવાઈ રહે અને થાક ન લાગે એ માટે ખાણી-પીણીની ખાસ કાળજી જરૂરી છે. 

પહેલાં શું ખાવું? 
ગરબા રમવાના ઓછામાં ઓછા દોઢથી બે કલાક પહેલાં હળવો અને એનર્જી આપતો ખોરાક લેવો જોઈએ, જેથી પેટ ભરેલું ન લાગે અને ચક્કર ન આવે. તમે જો ગરબા રમવા જતાં પહેલાં જ કશું ભારે ખાઈ લીધું તો ગરબા રમી નહીં શકો, પેટમાં બધું ઊછળતું હોય એવું લાગશે અને જો કંઈ જ ન ખાધું તો પણ તકલીફ થશે, કારણ કે ગરબા રમતી વખતે સતત થાક લાગશે અથવા નબળાઈ લાગવા માંડશે. એટલે ખાવું જરૂરી છે અને એ પણ સમયસર. 

ગરબા રમવા જાઓ એ પહેલાં વ્યવસ્થિત જમવું જોઈએ. જો તમે ગરબા રમવા ૭ વાગ્યાથી જવાના હો તો લગભગ પાંચ વાગ્યે કે મોડા જવાના હો તો ૬ વાગ્યે થોડું હેવી ખાવું જોઈએ. જોકે ખાવું શું એ પ્રશ્નનો જવાબ આપતાં હોમિયોપૅથ અને ન્યુટ્રિશનિસ્ટ ડૉ. કોમલ ગાંધી કહે છે, ‘તમે જે પણ ખાઓ એ કૉમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ હોવું જોઈએ. એનો અર્થ એ થાય કે એમાં ધાન્ય અને પ્રોટીન બન્ને વસ્તુનો સમાવેશ થવો જોઈએ. એટલે કે સાદો વઘારેલો ભાત ન ખાવો, એની જગ્યાએ ખીચડી ખાવી. પરાઠા, શાક, ખીચડી-કઢી, રોલ્સ, પનીર પરાઠા, ઓટ્સ અને બેસનના ચિલ્લા, દાળઢોકળી, ઢેબરાં અને દહીં કે રાઈતું અને પુલાવ લઈ શકાય. તમે સામાન્ય રીતે જે ડિનર કરતા હો એ બધું જ ખાઈ શકાય. ઊલટું, ગરબામાં જતાં પહેલાં વહેલું ખાઈ જ લેવું. જો તમે નવરાત્રિના ઉપવાસ કર્યા હોય તો બાફેલા બટાટા કે શક્કરિયાં નાખેલી સાબુદાણાની ખીચડી કે રાજગરાનાં થેપલાં ખાઈ શકાય. આ ખોરાક ધીમે-ધીમે પચે છે અને લાંબો સમય સુધી ઊર્જા પૂરી પાડે છે. નવરાત્રિ દરમ્યાન એવો ઉપવાસ હોય જેમાં તમે ફરાળ ન લેતા હો તો આખો દિવસ ભૂખ્યા રહીને સીધા ગરબા રમવા જવું નહીં. ફળ કે સૂકો મેવો ખાધા પછી જ મેદાનમાં જવું. તમારી પસંદ અનુસાર તમે ડિનર કરવા બેસો ત્યારે વધુ પડતું પેટમાં ઠાંસવું નહીં. થોડી જગ્યા ખાલી રાખીને જમવું, જેથી હળવાશ જળવાઈ રહે. મતલબ કે દરરોજ ૩ થેપલાં ખાતાં હો તો એની જગ્યાએ બે થેપલાં ખાઈ શકાય. મોટો વાટકો ભરીને ખીચડીમાંથી એક ચમચો ખીચડી ઓછી ખાવી. આ થોડુંક ઓછું ખાવાનું ખૂબ લાંબા ગાળા સુધી મદદરૂપ થશે.’
ગરબા રમવા જાઓ એના એક કલાક પહેલાં પ્રવાહી લેવું જરૂરી છે. આ પ્રવાહીમાં ભરપૂર ઇલેક્ટ્રોલાઇટ્સ હોય એનું ખાસ ધ્યાન રાખવું. નારિયેળપાણી, લીંબુશરબત અથવા લીંબુપાણી પીવું જોઈએ. મહત્ત્વનું એ છે કે હાઇડ્રેશન જળવાવું ખૂબ જરૂરી છે.

ગરબા રમ્યા પછી શું ખાવું? 
ગરબા રમ્યા પછી શરીરનું ઘણું પાણી અને ઊર્જા વપરાઈ ગયાં હોય છે એટલે સ્નાયુઓનું રિપેરિંગ અને એનર્જી પાછી મેળવવા માટે યોગ્ય ખોરાક જરૂરી છે. આમ તો ખૂબ મોડી રાત થઈ ગઈ હોય છે એટલે આ સમયે કશું પણ હેવી ખાશો તો એ શરીરને નુકસાન જ કરશે એ યાદ રાખો અને આટલી મહેનત કર્યા પછી કશું જ ખાધા વગર પણ ન રહી શકાય, કારણ કે ભૂખ તો લાગે જ છે. તો કરવું શું? જો ખાવું જ પડે તો શું ખાવું? આ પ્રશ્નોનો જવાબ આપતાં ડૉ. કોમલ ગાંધી કહે છે, ‘પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સનું મિશ્રણ લઈ શકાય. જેમ કે પનીરની આઇટમ, પૌંઆ, મખાના, અથવા શેકેલાં મગફળી-ચણા ખાઈ શકાય. જોકે એ ખાતાં પહેલાં મહત્ત્વનું એ છે કે તમારે હાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટ્સનું ધ્યાન રાખવું. આટલું રમ્યા પછી જેની તાત્કાલિક જરૂર પડે એ છે હાઇડ્રેશન. છાશ, લીંબુપાણી, મિલ્કશેક અથવા ફ્રેશ ફ્રૂટ-જૂસ. આમાંથી કોઈ પણ ઑપ્શન લઈ શકો. આનાથી શરીરમાં ઘટેલું પાણી અને સૉલ્ટનું પ્રમાણ સંતુલિત થાય છે. જો તમને આ ડ્રિન્ક્સમાં શુગર ન લેવી હોય તો સાદું પાણી પણ ચાલશે, પણ ગરબા પત્યા પછી તરત પહેલાં ખૂબબધું પાણી પી લેવું. જો તમને ભૂખ ન લાગી હોય તો સારું. જો લાગી જ ગઈ હોય તો થોડું ખાઈને ઝાઝાનો સંતોષ માનો. ખોરાક પર તૂટી ન પડો. ગરબાના ગ્રાઉન્ડથી ઘરે જઈને હૂંફાળું દૂધ પીઓ. જો મોડેથી ઘરે આવ્યા હો તો હળદરવાળું હૂંફાળું દૂધ પીવાથી શરીરના સ્નાયુઓનો થાક ઊતરે છે અને સારી ઊંઘ આવે છે. 

બેસ્ટ ટિપ
આ દિવસોમાં પોષણનું ધ્યાન રાખવા માટે એક ટિપ આપતાં ડૉ. કોમલ ગાંધી કહે છે, ‘તમે જ્યારે રેગ્યુલર ગરબા રમો છો ત્યારે દિવસના સમયે કે સવારે એક બાઉલ ભરીને ડ્રાયફ્રૂટ્સ અને ફળો મિક્સ કરીને ખાવાં જેમાં મુઠ્ઠીભર બદામ, અખરોટ, ખજૂર હોય. ફળો તરીકે કેળું કે સફરજન હોય તો આ કૉમ્બિનેશનમાં ખવાય. બે-ત્રણ ફ્રૂટ અને ૩-૪ પ્રકારનાં ડ્રાયફ્રૂટ્સ પણ ભેગાં કરી શકાય. આવું કંઈ ન કરી શકો તો દિવસનાં એક કે બે કેળાં ખાઈ જ લેવાં અથવા તો એક મુઠ્ઠી કાજુ ખાઈ લેવા. કાજુ અને કેળાં બન્ને રમતી વખતે સ્નાયુઓમાં ખેંચાણ જેને આપણે ક્રેમ્પ કહીએ છીએ એ થતાં અટકાવે છે. સૂકું કોપરું ચાવવાની આદત રાખો. એનાથી પણ ખૂબ સારી એનર્જી જળવાશે. યોગ્ય આહાર અને પૂરતા પાણીના સેવનથી તમે આખી નવરાત્રિ ઊર્જાવાન રહીને માણી શકશો.’

શું ન ખાવું?
 વધુ પડતો ભારે, તળેલો કે મસાલેદાર ખોરાક - જેમ કે પૂરી, ભજિયાં કે ફરસાણ ખાવાનું ટાળો; કારણ કે એનાથી આફરો ચડી શકે, ઍસિડિટી થઈ શકે કે પેટમાં ભારે લાગે અને ગરબા રમતી વખતે શ્વાસ પણ ચડી શકે છે. 
 બહારનું જન્ક-ફૂડ કે કોલા કે સોડા ડ્રિન્ક પીવાથી તાત્કાલિક એનર્જી તો મળે છે પણ પછી એકદમ જ નબળાઈ આવી જાય છે એટલે એવું કશું લેવાનું ટાળવું. 
 મોડી રાત્રે ગળપણવાળી મીઠાઈઓ ખાવાનું ટાળો, કારણ કે એ પચવામાં ભારે પડે છે અને વજન તેમ જ બ્લડ-શુગર વધારી શકે છે.
 ચા કે કૉફીનું વધુપડતું સેવન રાત્રે ન કરવું, કારણ કે એનાથી ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે.
 ગરબા રમતી વખતે વચ્ચેના વિરામમાં થોડું-થોડું પાણી કે ગ્લુકોઝનું પાણી પીતા રહેવું, જેથી ડીહાઇડ્રેશન ન થાય.

health tips navratri lifestyle news life and style food and drink food news street food Gujarati food mumbai food indian food Jigisha Jain