તમે કેટલી મિનિટ સુધી બ્રશ કરો છો?

03 June, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દાંતોની સફાઈમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા ટૂથબ્રશને વધુપડતું ઘસવાથી પેઢાં સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે અને ઓછું ઘસવાથી દાંતમાં સડો થાય છે

પ્રતીકાત્મક તસવીર

ઓરલ હેલ્થ અને દાંતની સફાઈ માટે ટૂથબ્રશથી દાંત ઘસવાનો સમયગાળો મહત્ત્વપૂર્ણ હોય છે. ઘણા લોકો એવું માને છે કે જેટલો વધારે સમય ઘસીશું એટલા દાંત સાફ અને સફેદ રહેશે, પણ હકીકતમાં એવું નથી હોતું એટલું જ નહીં, કેટલાક લોકોને દાંત પર જોર-જોરથી બ્રશ ઘસવાની આદત હોય છે તો કેટલાક લોકો ઘાઈ-ઘાઈમાં બ્રશ કરીને નીકળી જાય છે. આ બન્ને આદતો ભવિષ્યમાં નુકસાન પહોંચાડે છે. દાંત પર બે મિનિટ કરતાં વધુ સમય સુધી ટૂથબ્રશ ઘસવાથી પેઢાંમાં સોજો આવી શકે છે, એમાંથી લોહી નીકળી શકે છે, ચાંદાં પડી શકે છે અને દાંત મજબૂત થવાને બદલે નબળા પડી શકે છે અને જો એક મિનિટ કરતાં ઓછા સમય માટે બ્રશ કર્યું તો દાંતમાં સડો જમા થાય છે અને દાંત પીળા થવા લાગે છે.

અમેરિકન ડેન્ટલ અસોસિએશનનું કહેવું છે કે દાંત અને પેઢાંને સ્વસ્થ રાખવા માટે ફ્લોરાઇડયુક્ત ટૂથપેસ્ટથી દિવસમાં બે વાર બે મિનિટ સુધી બ્રશ કરવું જોઈએ. બે મિનિટ સુધી બ્રશ કરવાથી દાંત પર જમા થયેલી પીળી પરત એટલે કે પ્લાક નીકળી જાય છે અને દાંતમાં બૅક્ટેરિયા જમા થતા નથી. દિવસમાં બે વાર બે મિનિટ સુધી બ્રશ કરવાનો ટાઇમ આઇડિયલ માનવામાં આવે છે. આટલા સમયમાં મોંમાં આજુબાજુ અને ઉપર-નીચે દાંત સાફ કરી શકાય છે. જોકે એક રિસર્ચ અનુસાર ૯૦ ટકા લોકો બ્રશ કરવા માટે એક મિનિટ કરતાં પણ ઓછો સમય લે છે, જેને લીધે દાંતમાં પ્લાક જમા થાય છે અને પછી કૅવિટી અથવા પેઢાંમાં સોજો થાય છે. બ્રશને દાંત પર ભાર લગાવીને ઘસવાથી એની ઉપરના લેયર એટલે કે ઇનૅમેલને નુકસાન થાય છે અને પછી સેન્સિટિવિટીની સમસ્યા થાય છે.

આટલું ધ્યાન રાખજો

 
ટૂથબ્રશ ખરીદતી વખતે ડિઝાઇન અને કલર જોવા કરતાં સૉફ્ટ બ્રિસલ્સવાળા ટૂથબ્રશની પસંદગી કરવી જોઈએ.

બ્રશને દાંત પર આગળ-પાછળ કે ઉપર-નીચે ઘસવા કરતાં સર્ક્યુલર મોશનમાં ઘસવું.

દરેક ભાગ પર ૩૦ સેકન્ડ સુધી ઘસવું જેથી બધા દાંત અને દાઢની સરખી સફાઈ થાય.

 
શક્ય હોય તો ફ્લોસિંગ કરવું અને મોઢું ધોયા પછી માઉથવૉશનો ઉપયોગ કરો.

 
દર બે મહિનામાં બ્રશ બદલી નાખવું, નહીં તો પેઢાંમાંથી લોહી નીકળવાની સમસ્યા થઈ શકે છે.


શક્ય હોય તો અઠવાડિયામાં એક વાર ઑઇલ-પુલિંગ કરવું, એનાથી દાંતનો દુખાવો અને સોજામાં રાહત મળે છે.

health tips life and style columnists gujarati mid-day mumbai