16 April, 2025 01:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
લોકો આજકાલ એક ટ્રેન્ડ ફૉલો કરતા જોવા મળી રહ્યા છે જે છે થોડા-થોડા સમયે એક્સરસાઇઝ ચેન્જ કરવાનો ટ્રેન્ડ. એક એવો વર્ગ ઊભો થઈ રહ્યો છે જે લોકો એક મહિનો એક્સરસાઈઝ માટે સાઇક્લિંગ ક્લબ જૉઇન કરે તો બીજા મહિને જિમમાં વેઇટ ટ્રેઇનિંગ કરતા હોય. એના પછીના મહિનાઓમાં પસંદગી ઝુમ્બા અને યોગ પર ઉતારી હોય. એક્સરસાઇઝના ઘણા જુદા-જુદા પ્રકારો છે જે અલગ-અલગ પ્રકારે વ્યક્તિને ફિટ રહેવામાં વ્યક્તિની હેલ્પ કરતા હોય છે. આ રીતે જુદી-જુદી પ્રકારની એક્સરસાઇઝ કરતા રહેવાથી શરીરને ઘણો ફાયદો થાય છે. વૉકિંગ, જૉગિંગ, રનિંગ, સ્વિમિંગ, જુદી-જુદી સ્પોર્ટ્સ, ઍરોબિક્સ, ઝુમ્બા, પિલાટીઝ, વેઇટ ટ્રેઇનિંગ, ક્લાસિકલ યોગ, પાવર-યોગ જેવા યોગના અઢળક પ્રકારો, તાઇ ચી, ડાન્સ જેવા એક્સરસાઇઝના ઘણા પ્રકારો છે જે લોકો અપનાવતા હોય છે.
ઘણા લોકો એવા છે જે વર્ષોથી ૪૫ મિનિટની વૉક લે છે. આ વૉકની તેમને આદત પડી ગઈ હોય છે અને જો તે વૉક પર ન જાય તો તેમને બેચેની લાગે છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જે વૉક પર જવાનું શરૂ કરે ત્યારે તેમને મજા આવે છે પણ એ ૨-૩ મહિનામાં કંટાળી જાય છે. જો એવા લોકો ૪૫ મિનિટની વૉકને બદલે સાઇક્લિંગ શરૂ કરે તો તેમને મજા આવે છે. સાઇક્લિંગના બે મહિના થઈ જાય એ પછી ફરી એ વૉક શરૂ કરે તો તેમને પાછી મજા આવવા માંડે. કોઈ પણ એક એક્સરસાઇઝ મૉનોટોનસ થઈ જાય ત્યારે બીજા પ્રકારની એક્સરસાઇઝ કરવાથી ઉત્સાહ ટકી રહે છે. નવી ચૅલેન્જિસ મળે છે જેથી શરીર અને મગજ બન્ને ખુશ રહે છે.
અમુક પ્રકારની એક્સરસાઇઝ કરવાથી અમુક રિઝલ્ટ મળે છે પરંતુ થોડા સમય પછી રિઝલ્ટ મળવાનું બંધ થઈ જાય છે. જેમ કે અમુક પ્રકારના સ્ટ્રેચ કરવાથી એક વ્યક્તિની કમર ૧ મહિનામાં ૪ ઇંચ ઓછી થઈ. હવે એ જ એક્સરસાઇઝ તે કર્યા કરે તો પણ તેની કમરનું ઘટવું એક સમયે અટકી જાય છે. પછી તેને નવી એક્સરસાઇઝની જરૂર પડે છે જે તેને તેનું ચહીતું રિઝલ્ટ અપાવી શકે. વેઇટલૉસ વખતે એક પ્રકારની એક્સરસાઇઝથી શરીર ટેવાઈ જાય છે અને એટલે રિઝલ્ટ મળતું નથી. એટલે જે વ્યક્તિ વેઇટલૉસ માટે પ્રયત્નશીલ હોય છે એ વ્યક્તિએ એક્સરસાઇઝનો પ્રકાર અથવા તો એક જ પ્રકારમાં પણ જુદી-જુદી એક્સરસાઇઝ બદલતા રહેવી જરૂરી છે. તો તેને ઇચ્છિત રિઝલ્ટ મળે છે.
-ડૉ. વિભૂતિ કાણકિયા