16 November, 2025 03:51 PM IST | Mumbai | Aashutosh Desai
બ્લુ ઝોન
માત્ર ભારતના જ નહીં, દુનિયાભરના હેલ્થ-એક્સપર્ટ્સ આવી સલાહ આપી રહ્યા છે ત્યારે જાણીએ કે આ ‘બ્લુ ઝોન લાઇફસ્ટાઇલ’ છે શું? એવું તે શું ખાસ છે દુનિયાના એ પાંચ પ્રદેશોની રહેણીકરણીમાં કે જેને કારણે અહીં માંદગીની ઍવરેજ વિશ્વમાં સૌથી નીચા સ્તરે છે અને મૃત્યુની ઉંમરની ઍવરેજ સૌથી ઊંચા દરે છે. જીવનશૈલીની તાકાત એટલી જબરદસ્ત છે કે અહીં આનુવાંશિક પ્રભાવને કારણે થતી બીમારીઓની સંભાવના પણ ઘટી જાય છે
થોડીઘણી બેકાળજી કે અવગણનાને લીધે જે રીતે ક્યારેક આતંકવાદીઓ દેશમાં ઘૂસી આવતા હોય છે એ જ રીતે જો આપણે ધ્યાન ન રાખીએ તો રોજિંદા જીવનમાં પણ કેટલાંક દૂષણો ઘૂસી જતાં હોય છે. આવાં દૂષણો વિશે સમયે-સમયે આપણું શરીર અને પ્રકૃતિ બન્ને આપણને ચેતવતાં તો હોય જ છે; પણ વ્યસ્તતા અથવા બેદરકારીનું એક દૂષણ આપણે પહેલેથી જ એટલા વહાલપૂર્વક અપનાવી લીધું હોય છે કે પ્રકૃતિની તો છોડો, શરીરની ચેતવણી સુધ્ધાં આપણે નથી સાંભળતા અને આપણી જ બેદરકારી કે અવગણના આખરે એ દૂષણને એટલું મોટું સ્વરૂપ ધારણ કરવાની છૂટ આપી દેતું હોય છે કે સમય વીતતાં એ જીવન માટે પણ ઘાતક નીવડે છે.
વાત કંઈક એવી છે કે દિવાળી પૂરી થઈ અને આ મહિનાના પહેલા સપ્તાહમાં દિલ્હીના કેટલાક મેડિકલ એક્સપર્ટ્સ દ્વારા એ ગંભીર પરિસ્થિતિ સામે લાલ બત્તી ધરવામાં આવી છે. તમે નહીં માનો પણ વર્તમાનમાં ભારતમાં દરરોજ હાર્ટ-અટૅકથી જેટલા લોકો મૃત્યુ પામે છે એમાં ૫૦ ટકા જેટલા લોકોની ઉંમર ૫૦ વર્ષ કરતાં ઓછી હોય છે! જો આટલું વાંચીને જ તમને આંચકો લાગ્યો હોય તો થોડી હિંમત રાખજો, કારણ કે હવે પછીની હકીકત આથીયે વધુ ચોંકાવનારી છે. દિલ્હીના સિનિયર મેડિકલ એક્સપર્ટ્સ કહે છે કે કિશોરોમાં દિવસે-દિવસે હાઇપરટેન્શન, હાઈ-લો બ્લડ-પ્રેશર અને ફ્રસ્ટ્રેશન જેવી પરિસ્થિતિ એટલી વધતી જાય છે કે એ ૨૫ વર્ષથી નીચેની વયના કિશોરોને હાર્ટ-અટૅક તરફ ઝડપથી ઢસડી જાય છે. હજી હૃદય થોડું વધુ મજબૂત કરો અને એ પણ જાણી લો કે દિલ્હીની સ્કૂલ્સના કુલ વિદ્યાર્થીઓમાંથી ૬૦ ટકા જેટલા વિદ્યાર્થીઓ ઓબેસિટી (મેદસ્વિતા)થી પીડાય છે. તેમનું કહેવું એ છે કે વિદ્યાર્થીઓમાં વધતી ઓબેસિટી ટાઇમબૉમ્બ પર ટિક-ટિક થઈ રહેલી ઘડિયાળ જેટલી જોખમી પરિસ્થિતિ છે; કારણ કે આ મેદસ્વિતા ધીરે-ધીરે હાઇપરટેન્શન, શુગર, બ્લડ-પ્રેશર જેવી બીમારીઓને નોતરે છે અને પરિણામસ્વરૂપ ૪૦ની ઉંમર સુધી પહોંચતાંમાં આંતરિક ખાનાખરાબી એટલી મોટી થઈ ચૂકી હોય છે કે એ મલ્ટિપલ ઑર્ગન-ફેલ્યર સુધી ઢસડી જાય છે. આથી હવે ૨૫ વર્ષના યુવાનોનું પણ પ્રિવેન્ટિવ ચેક-અપ્સ થવા માંડ્યું છે. પણ જ્યાં મુશ્કેલી છે ત્યાં આશાનું કિરણ પણ હોય જ છે. આથી જ ડૉક્ટર્સ કહી રહ્યા છે કે ‘મહેરબાની કરીને ચેતી જાઓ અને પ્લીઝ બ્લુ ઝોન લાઇફસ્ટટાઇલ તરફ વળો!’ હવે આપણને સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થશે કે બ્લુ ઝોન એટલે શું અને એની કોઈ અલગ લાઇફસ્ટાઇલ પણ હોય?
મોસ્ટ હેલ્ધી ઝોન ઑન અર્થ
તો વાત કંઈક એવી છે કે ‘બ્લુ ઝોન’ એ એક ભૌગોલિક ક્ષેત્રને આપવામાં આવેલું નામ છે. એમાં શોધકર્તાઓએ આખા વિશ્વમાં પાંચ ક્ષેત્રો એવાં જોયાં જ્યાં રહેતા લોકોમાં માંદગીની સરેરાશ વિશ્વમાં સૌથી નીચા સ્તરે છે અને મૃત્યુની ઉંમરની સરેરાશ સૌથી ઊંચા દરે છે. અર્થાત્, આ પાંચ ક્ષેત્રોના લોકો વિશ્વના બીજા લોકોની સરખામણીએ સૌથી લાંબું જીવે છે અને જીવન દરમ્યાન સૌથી ઓછા બીમાર પડે છે. મૃત્યુને હરાવનાર આ લોકોમાં કેટલાય ૧૦૦ વર્ષની આયુને પણ પાર કરી જતા હોય છે.
બ્લુ ઝોન નામ જાણીતા લેખક ડૈન બ્લુટનરે એને પહેલી વાર આપ્યું હતું. વાસ્તવમાં ડૈન બ્લુટનર એ સમયે વિશ્વના એ વિસ્તારોનું અધ્યયન કરી રહ્યા હતા જ્યાં લોકો સરેરાશ કરતાં અસાધારણ સીમા સુધી લાંબું જીવે છે. ડૈન બ્લુટનરે એનું નામ બ્લુ ઝોન એટલા માટે પાડ્યું કારણ કે તેઓ જ્યારે આ અધ્યયન કરી રહ્યા હતા ત્યારે તેમણે તેમના સાથીઓ સાથે આવા વિસ્તારોની શોધખોળ શરૂ કરી. નકશામાં આ તમામ વિસ્તારોની આજુબાજુની જગ્યા સમુદ્ર હોવાને કારણે ગહેરા ભૂરા રંગે દર્શાવવામાં આવી હતી. આથી તેમણે પોતાના પુસ્તક ‘ધ બ્લુ ઝોન્સ’માં એને બ્લુ ઝોન તરીકે ઉલ્લેખી.
હા, તો આ પાંચ ક્ષેત્રો એટલે ઇટલીનું સાર્ડિનિયા, ગ્રીસનું ઇકરિયા, જપાનનું ઓકિનાવા, કોસ્ટા રિકાનું નિકોયા પેનિન્સુલા અને અમેરિકાના કૅલિફૉર્નિયાનું લોમા લિન્ડા. આ દરેક શહેરની તમે મુલાકાત લેશો તો ૧૦૦ વર્ષથી વધુ આયુના અનેક તંદુરસ્ત અને મસ્તમૌલા લોકો તમને જોવા મળશે એટલું જ નહીં, નાની કે આધેડ ઉંમરના લોકો પણ સંપૂર્ણ સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવતા જોવા મળે છે. આપણા દેશના ડૉક્ટર્સ અને મેડિકલ એક્સપર્ટ્સ જે ‘બ્લુ ઝોન લાઇફસ્ટાઇલ’ની વાત કરી રહ્યા છે એ આ જ લોકોની લાઇફસ્ટાઇલ અંગે છે. એક ધારણા મૂકી શકો કે આ લોકોના સ્વસ્થ અને લાંબા જીવનની પાછળનું રહસ્ય શું હશે? આહાર, ઉપવાસ, વ્યાયામ અને સામાજિક જુડાવ! થોડી વિગતે વાત કરીએ, ખરું ?
બ્લુ ઝોન લાઇફસ્ટાઇલ
એમાં કોઈ શક નથી કે આનુવંશિક એટલે કે જિનેટિકલ પ્રભાવ આપણા જીવનકાળ દરમ્યાન ચોક્કસ જ બીમારીઓ અને શારીરિક પ્રકૃતિને અસર પહોંચાડે છે, પરંતુ એથીયે વધુ અસર આપણા જીવનમાં કોઈ વસ્તુ પહોંચાડતી હોય તો એ છે જીવનશૈલી. એની તાકાત એટલી જબરદસ્ત છે કે એ આનુવાંશિક અર્થાત્ જિનેટિક બીમારીની સંભાવના કે સંવેદનશીલતા પણ ઘટાડી શકે છે. બ્લુ ઝોન ક્ષેત્રોમાં જીવતા લોકોએ પોતાની રોજિંદી જીવનશૈલી જ કંઈક એવી અપનાવી છે કે તેઓ જૂની બીમારીઓથી લઈને આધુનિક બીમારીઓને હરાવવામાં પણ સક્ષમ બન્યા છે અને સ્વસ્થ લાંબું જીવન જીવી રહ્યા છે. વાત મુદ્દાસર જાણીશું તો વધુ મજા આવશે. તો સૌથી પહેલાં વાત કરીએ આહારની.
બ્લુ ઝોન અને એનો આહાર
આપણે જે પાંચ ક્ષેત્રોની વાત કરીએ છીએ એ બધાં ક્ષેત્રો એકબીજાથી દૂર અને અલગ છે. એમ છતાં આ બધાં ક્ષેત્રોમાં કેટલીક બાબતો એકસરખી જોવા મળે છે. જેમ કે આ પાંચેય ક્ષેત્રના લોકો તેમના આહારમાં ૯૫ ટકા ખોરાક પ્લાન્ટબેઝ અર્થાત્ ઝાડ-છોડ આધારિત ખાતા હોય છે. હા, એ વાત સાચી કે દરેક સ્થળે રહેતી દરેક વ્યક્તિ સંપૂર્ણ શાકાહારી નથી, પરંતુ તેઓ માંસનો ઉપયોગ કરે પણ છે તો સરેરાશ મહિનાના પાંચ જ દિવસ કરતા હોય છે. એટલું જ નહીં, બ્લુ ઝોન વિસ્તારોમાં થયેલા અનેક અભ્યાસમાં જણાયું કે તેઓ લાલ માંસ અને પ્રોસેસ્ડ માંસનો ઉપયોગ નથી કરતા, કારણ કે એ બન્ને ખોરાક હૃદયરોગ, કૅન્સર અને એવા અનેક રોગોનું જોખમ વધારનારા છે. એની સામે બ્લુ ઝોનના લોકો બીજા પ્રકારનો ખોરાક ખાવો વધુ પસંદ કરે છે. એમાં શાકભાજી - ફાઇબર અને બીજાં અનેક વિટામિન્સ અને ખનિજોનો એક મોટો સ્રોત એટલે શાકભાજી. દિવસમાં પાંચ વાર ફળો અને શાકભાજી ખાવાને કારણે તેમનામાં હૃદયરોગ, કૅન્સર અને મૃત્યુનું જોખમ નોતરનારી અનેક બીમારીઓની શક્યતા ઘટી જતી જોવા મળી છે.
કઠોળ : કઠોળમાં બ્લુ ઝોનના લોકો બીન્સ, વટાણા, મસૂર અને ચણા જેવાં અનેક કઠોળનો ઉપયોગ કરે છે જે ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે. કેટલાક શોધકર્તાઓએ બ્લુ ઝોન સિવાયના વિસ્તારોમાં પણ આ વિશે ગહન અધ્યયન કર્યું અને પરિણામસ્વરૂપ તેમને જાણવા મળ્યું કે ખોરાકમાં કઠોળનો બહોળો ઉપયોગ મૃત્યુદર ઘટાડે છે. યાદ છે? આપણા બધાના ઘરમાં પહેલાંના સમયમાં એ રોજિંદો ક્રમ હતો કે એક સમય લીલોતરી શાક બને અને એક સમય કઠોળ બને.
સાબૂત અનાજ : જેને આપણે આજકાલ હોલ ગ્રેન્સ તરીકે ઓળખીએ છીએ એ સાબૂત અનાજમાં ભરપૂર ફાઇબર હોય છે અને અધ્યયન એવું કહે છે કે હોલ ગ્રેન્સના વધુ ઉપયોગથી રક્તચાપ એટલે કે બ્લડ-પ્રેશર ઘટાડી શકાય છે અને કૉલેસ્ટરોલ, કૅન્સર અને હૃદયરોગ જેવી બીમારીઓને પણ જાકારો આપી શકાય છે. એ સમય યાદ કરો જ્યારે આપણાં દાદા કે દાદી રાત્રિભોજનમાં દૂધ સાથે માત્ર જુવારનો રોટલો કે બાજરીનો રોટલો ખાવાનું પસંદ કરતાં હતાં.
સૂકો મેવો : બ્લુ ઝોન વાળા નહીં કહે તો પણ આપણે બધા જ જાણીએ છીએ કે સૂકો મેવો ફાઇબર, પ્રોટીન અને પૉલિઅનસૅચુરેટેડ અને મોનોઅનસૅચુરેટેડ ચરબીનો સૌથી શ્રેષ્ઠ સ્રોત છે. એ યાદ કરાવવાની તો હવે જરૂર જ નથી કે આપણી મમ્મી આપણે સ્કૂલમાં જતા ત્યારે કાયમ ગજવામાં થોડોઘણો સૂકો મેવો ભરી આપતી અને પાછી સલાહ પણ આપતી ખૂબ ચાવી-ચાવીને ખાજે! બ્લુ ઝોનના લોકો પર થયેલા અધ્યયનમાં જોવા મળ્યું કે સૂકો મેવો તેમના મેટાબૉલિક સિન્ડ્રૉમને ઠીક રાખવામાં જબરદસ્ત મદદ કરે છે અને એને કારણે મૃત્યુદર નીચો રહેવામાં પણ ખૂબ મદદ મળે છે.
દરેક વિસ્તારની આગવી ખાસિયતો
આ તો થઈ બ્લુ ઝોનનાં તમામ પાંચેય ક્ષેત્રોમાં સામાન્યતઃ જોવા મળતી આહારની આદતો, પરંતુ આહાર બાબતે જ આ દરેક ક્ષેત્રની પોતાની કેટલીક અલગ-અલગ ઓળખ પણ છે. જેમ કે...
ઇકારિયા (ગ્રીસ) : ઇકારિયા એ ગ્રીસનો એક દ્વીપ છે. અહીં લોકો ઑલિવ ઑઇલ, રેડ વાઇન, ઘરે જ ઉગાડેલી શાકભાજીનો ભરપૂર ઉપયોગ કરે છે અને સાથે ભૂમધ્ય સમુદ્રમાં મળતી માછલીઓ પણ આહારમાં લેતા હોય છે. શોધકર્તાઓએ આ આદતની પાછળનાં વૈજ્ઞાનિક કારણો શોધવાનો પ્રયત્ન કર્યો તો તેમને જણાયું કે ઑમેગા-3થી ભરપૂર આહારની આ પ્રૅક્ટિસ હૃદય અને મસ્તિષ્કના સ્વાસ્થ્ય માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે. માછલી ખાવાથી મસ્તિષ્કનો ક્ષય ધીમો થઈ જતો હોય છે અને એ હૃદયરોગનું જોખમ પણ ઘટાડનારું સાબિત થયું છે.
સાર્ડિનિયા (ઇટલી) : વિશ્વનો એક સૌથી અનોખો વિસ્તાર. કહેવાય છે કે ઇટલીનું ઓગલિયાસ્ત્રા સૌથી વધુ ઘરડા પુરુષોનું આખા વિશ્વમાં સૌથી મોટું ઘર છે. આ વિસ્તારમાં વાસ્તવમાં ઇટલીનો એક પહાડી વિસ્તાર છે. અહીંના લોકો ખેતરોમાં રોજિંદું કામ કરીને ખાવા પહેલાં અને ખાવા સાથે રેડ વાઇન પીવાની આદત ધરાવનારા છે. સાથે જ આહારમાં માછલીનો પણ ઉપયોગ કરતા હોય છે.
ઓકિવાના (જપાન) : આખા વિશ્વના સૌથી વધુ ઘરડા પુરુષોનું ઘર જો ઓગલિયાસ્ત્રા હોય તો જપાનનું ઓકિવાના વિશ્વનું સૌથી મોટું ઘર છે સૌથી વૃદ્ધ મહિલાઓનું! અહીંના લોકો (ખાસ કરીને મહિલાઓ) પોતાના આહારમાં સોયાબીનથી બનેલાં વ્યંજનોનો ખૂબ ઉપયોગ કરે છે અને એ સાથે તેમણે રોજિંદી આદત તરીકે ‘તાઇ ચી’ નામથી ઓળખાતા આધ્યાત્મિક વ્યાયામ અભ્યાસને અપનાવ્યો છે.
નિકોયા દ્વીપ (કોસ્ટા રિકા) : નિકોયાના લોકો બીન્સ અને કૉર્ન (મકાઈ) આધારિત ખોરાક ખૂબ પસંદ કરે છે. અહીં રહેતા લોકો જૈફ વયે પહોંચી ચૂક્યા હોવા છતાં રોજિંદો શારીરિક શ્રમ કરતા હોય છે. એટલું જ નહીં, વયોવૃદ્ધ વ્યક્તિને પણ આપણે મળીએ તો તેમણે પોતાના જીવનને કોઈ ને કોઈ એક લક્ષ્ય-ઉદ્દેશ આપ્યો હોય છે જે તેમને વધુ જીવવા અને સ્વસ્થ રહેવા માટે આડકતરી રીતે પ્રેરિત કરતો રહેતો હોય છે. નિકોયાના લોકો એને ‘પ્લાન ડે વિડા’ કહેતા હોય છે.
લોમા લિન્ડા, કૅલિફૉર્નિયા (અમેરિકા) : અહીં રહેતા મોટા ભાગના લોકો ‘સેવન્થ-ડે ઍડ્વેન્ટિસ્ટ’ તરીકે ઓળખાય છે. આ સેવન્થ-ડે ઍડ્વેન્ટિસ્ટ એ વાસ્તવમાં અહીંના લોકોનો એક ધાર્મિક સમૂહ છે એમ કહીએ તો ચાલે. અર્થાત્ એક ધાર્મિક ઉદ્દેશ સાથે એ લોકો એક સમૂહ તરીકે જોડાયેલા રહીને જીવન વ્યતીત કરે છે. અમેરિકા અને સંપૂર્ણ શાકાહાર? શક્ય જ નથી, ખરુંને? પણ હા, શક્ય છે અને એ લોમા લિન્ડામાં શક્ય છે. અહીં રહેતા લોકો સંપૂર્ણ શાકાહારી આહાર સાથેનું જીવન જીવે છે.
આટલી વાત જાણીને બ્લુ ઝોન અને ત્યાંની લાઇફસ્ટાઇલમાં રસ પડ્યો હોય તો એક મજાની વાત જણાવીએ? આ પાંચેય ક્ષેત્રના લોકોએ વિજ્ઞાન સામે એ સાબિત કરી દેખાડ્યું છે કે વાસ્તવમાં આનુવંશિક એટલે કે જિનેટિકલી મળતો વારસો તમારી બીમારી કે તમારા આયુષ્યને માત્ર ૨૦થી ૩૦ ટકા જ અસર કરે છે. બાકીના ૭૦થી ૮૦ ટકા અસર કરે છે જીવનશૈલી અને પર્યાવરણીય
પ્રભાવ.
લૌટ કે બુદ્ધુ ઘર કો આયા
મોટા-મોટા મેડિકલ એક્સપર્ટ્સ ભારતના યુવાનોની હાલની પરિસ્થિતિ જોઈને ચિંતા વ્યક્ત કરતા કહી રહ્યા છે કે આપણા યુવા જનરેશનને બ્લુ ઝોન લાઇફસ્ટાઇલ તરફ વાળો, નહીં તો પરિણામ ગંભીર આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હમણાં થોડા સમય પહેલાં જ યુવાઓ સાથેના એક કાર્યક્રમમાં આડકતરો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે બહુ દુઃખનો અને મોટી ચિંતાનો વિષય છે કે ભારતનો યુવાન આજે દરરોજ સરેરાશ પોતાના છ કલાક સ્ક્રીન (મોબાઇલ) સામે વિતાવે છે, જે તદ્દન નૉન-પ્રોડક્ટિવ અને માનસિક-શારીરિક દૃષ્ટિએ બીમાર કરનારા છ કલાક હોય છે.
કંઈક આવી જ ચિંતા સાથે ડૉક્ટર્સ અને બીજા મેડિકલ એક્સપર્ટ્સ પણ કહી રહ્યા છે કે મેદસ્વિતા, હાર્ટ-અટૅક, બ્લડ-પ્રેશર, શુગર, હાઇપરટેન્શન, ઍન્ગ્ઝાયટી જેવી બીમારીઓ ૨૫-૨૫ વર્ષના યુવાનોમાં જોવા મળી રહી છે અને એ અત્યંત ચિંતાનો વિષય છે એટલે બ્લુ ઝોન લાઇફસ્ટાઇલ તરફ વળો.
લાંબા સમય સુધી ભોગવેલી ગુલામીને કારણે એક નઠારી માનસિકતા આપણા ભારતીયોમાં વર્ષોથી ઘર કરી ગઈ છે. દેશી એટલું નકામું અને વિદેશી એટલું સારું. આપણા ઘરની બાજુમાં જ કોઈક ગૃહ કે નાના ઉદ્યોગમાં બનતું બહેતરીન ક્વૉલિટીનું શર્ટ આપણને નહીં ગમે, પણ જો એ જ શર્ટ એક્સપોર્ટમાં જાય અને અમેરિકાનો સિક્કો લાગીને પાછું આવે તો આપણને જબરદસ્ત ગમશે, સ્ટેટસ સિમ્બૉલ જણાશે. કહો જોઈએ, બ્લુ ઝોન ક્ષેત્રોમાં રહેતા લોકો તેમના રોજિંદા જીવનમાં એવું શું નવું કરી રહ્યા છે કે જે આપણાં શાસ્ત્રોમાં અને વડીલોની જીવનશૈલીમાં નહોતું? બધું કહેતાં બધું જ આપણી સંસ્કૃતિમાં, શાસ્ત્રોમાં અને વડીલોની સલાહોમાં પણ હતું જ; પરંતુ કિચન પ્લૅટફૉર્મ્સ પર ઘરની લક્ષ્મી નહીં, રાંધવાવાળા બહેન આવી ગયાં, ઝાડુ કે પોતાની જગ્યા વૅક્યુમ ક્લીનર અને ડસ્ટરે લઈ લીધી અને સૌથી મોટું નુકસાન સોશ્યલ ગૅધરિંગ કે સગાંવહાલાં, ભાઈબંધોને મળવાનો સમય અને ક્ષમતા આપણો મોબાઇલ ખાઈ જાય છે. મનથી કે મજબૂરીથી પણ હવે આપણા વડવાઓની લાઇફસ્ટાઇલ ફરીથી અપનાવવાનો સમય આવી ગયો છે. જાગજો રે વાલીડા, જાગવાનો કાળ છે!
આહાર ઉપરાંતની બીજી આદતો
૧. ઉપવાસ -કૅલરી પ્રતિબંધ
આપણે અનેક વાર કહેવાતા બુદ્ધિજીવીઓ કે પોતાને મોસ્ટ લિટરેટ ગણાવતા અણઘડ ડાબેરીઓ, વામપંથીઓ કે નાસ્તિકોના મોઢે સાંભળ્યું છે કે ઑર્થોડૉક્સ ઍન્ડ આઉટડેટેડ એવા હિન્દુ સનાતન ધર્મમાં ઉપવાસ જેવી વાહિયાત વિભાવના લોકો ગાંડપણની જેમ અનુસરે છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે બ્લુ ઝોન તરીકે ઓળખાતા વિશ્વના સૌથી સ્વસ્થ અને સૌથી દીર્ઘાયુ જીવનના એ પ્રદેશમાં લોકો ઓછી કૅલરીના સેવન અને ઉપવાસને જબરદસ્ત મહત્ત્વ આપે છે. તેમના રોજિંદા જીવને વિજ્ઞાનને એક અનોખી શોધ કરવા પ્રેર્યું (આપણે યુગોથી કહીએ છીએ એ વિજ્ઞાનના ગળે ન ઊતર્યું) કે લાંબા સમય સુધી વધુ પડતી કૅલરીના સેવન પર પ્રતિબંધ અને ઉપવાસ સ્વસ્થ દીર્ઘાયુમાં ખૂબ મોટી મદદ કરે છે.
જે વાત આપણાં વેદ અને પુરાણો વર્ષો પહેલાં કહી ગયાં છે એ જ હકીકત બ્લુ ઝોનના લોકોની રોજિંદી પ્રૅક્ટિસમાં મળી આવવાને કારણે વૈજ્ઞાનીઓએ એક સ્ટડી હાથ ધર્યો. વાંદરાઓ પર કરવામાં આવેલા એ અભ્યાસમાં ૨૫ જેટલાં લાંબાં વર્ષો સુધી કરવામાં આવેલા એ સ્ટડીમાં તેમને જાણવા મળ્યું કે જો આહારમાં સામાન્ય કરતાં ૩૦ ટકા ઓછી કૅલરી લેવામાં આવે તો જીવન ઘણું લાંબું થઈ શકે છે.
એમાં વાસ્તવમાં બન્યું કંઈક એવું કે અછત અજાણતાં જ મોટી તકમાં પરિવર્તિત થઈ ગઈ. જપાનનું ઓકિનાવા ૧૯૬૦ના દશક પહેલાંના સમય દરમ્યાન કૅલરીની જબરદસ્ત અછત સામે લડી રહ્યું હતું. અર્થાત્ તેમને એવા ખોરાકની મોટી અછત હતી જેમાંથી વધુ કૅલરી મળી શકે. હવે બન્યું એવું કે વર્ષો સુધી ઓછી કૅલરીવાળું ખાવાનું ખાવાને કારણે તેમનું આયુષ્ય લંબાવા માંડ્યું અને મૃત્યુદર ઘટવા માંડ્યો.
એટલું જ નહીં, ઓકિનાવાના મહત્તમ લોકો ૮૦ ટકા રૂલને ફૉલો કરે છે. અર્થાત્, અહીંના લોકોમાં એવો વણલખ્યો નિયમ છે કે ૧૦૦ ટકા ભૂખની સામે તેઓ માત્ર ૮૦ ટકા ખોરાક ખાશે અને ૨૦ ટકા પેટ ખાલી રાખશે જેને તે લોકો ‘હારા હાચી બુ’ કહે છે. ભારતના સાચા ધર્મને જાણવાવાળો માણસ તરત કહેશે કે આ તો અમારાં પુરાણોમાં સદીઓ પહેલાં કહેવાઈ ચૂક્યું છે. બીજી એક મહત્ત્વની આદત બ્લુ ઝોનમાં એ પણ જોવા મળી છે કે તે લોકો ધીરે-ધીરે ખાય છે. અભ્યાસ એવું કહે છે કે ફટાફટ ખાવાની આદત કરતાં ધીરે-ધીરે આહાર ખાવામાં આવે તો ભૂખ ઓછી થઈ જાય છે અને પેટ ભરેલું હોવાનો અહેસાસ થવા માંડે છે. હવે તો એ બધા જ જાણે છે કે મેડિકલ સાયન્સમાં પણ આ સાબિત થઈ ચૂક્યું છે. બ્લુ ઝોનની આહાર-ઉપવાસની બીજી શ્રેષ્ઠ આદત એટલે ભોજન નાના હિસ્સામાં અને દિવસના વહેલા સમયે ખાઈ લઈને બાકીનો સમય નિરાહાર રહેવું.
૨. મૉડરેટ શરાબપાન
આપણામાંના અનેક લોકોને તમે પ્રખ્યાત લેખક ખુશવંત સિંહને ટાંકી એવી દલીલ કરતા સાંભળ્યા હશે કે ખુશવંત સિંહ રોજ દારૂ પીતા છતાં જુઓ તેઓ કેટલું લાંબું જીવ્યા! હવે એમાં વાત કંઈક એવી છે કે તેમની આ દલીલ સાચી પણ અધૂરી ચોક્કસ ખરી. ખુશવંત સિંહ રોજ શરાબ પીતા, પણ એ (૯૦ ML) એક નિર્ધારિત માત્રામાં. એ જ રીતે બ્લુ ઝોનના લોકો પણ પોતાના રોજિંદા જીવનમાં મૉડરેટ માત્રામાં આલ્કોહૉલનું સેવન કરે છે. એમાં મહદંશે રેડ વાઇન હોય છે. વિશ્વમાં થયેલા અનેક અભ્યાસ અને એના નિષ્કર્ષ અનુસાર પ્રતિદિન એક યા બે ગ્લાસ માદક પીણું પીવાથી હૃદયરોગથી થનારા મૃત્યુનો દર ઘટાડી શકાય છે.
જોકે આ નિષ્કર્ષ લિકરના પ્રકાર પર મોટો આધાર રાખે છે. જેમ કે રેડ વાઇનમાં પ્રાપ્ય દ્રાક્ષમાંથી મળતાં અનેક પ્રકારનાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ શરીર પર ઉંમરની અસરને ઘટાડે છે અને હૃદય તથા મસ્તિષ્કની આયુ પણ વધારવામાં મદદ કરે છે. બ્લુ ઝોનના સંદર્ભમાં વાત કરીએ તો ઇકેરિયન અને સાર્ડિનિયન બ્લુ ઝોનમાં રેડ વાઇનનો ઉપયોગ સામાન્ય હોવાનું નોંધાયું છે. તેમનું કહેવું છે કે ગ્રેનાચે દ્રાક્ષથી બનતા રેડ વાઇનથી મળતાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ ઉંમર વધવાને કારણે DNAને થનારા નુકસાનને રોકવામાં મોટી મદદ કરે છે.
૩. રોજિંદી જીવનશૈલીમાં વ્યાયામ
એક આપણે છીએ કે સ્પેશ્યલ જિમ માટે સ્પેશ્યલ ટી-શર્ટ, ટ્રેક અને શૂઝની ખરીદી કરી ટ્રેડમિલ પર દોડવાને એક્સરસાઇઝનું નામ આપીએ છીએ, એને કોઈ સ્ટેટસ સિમ્બૉલની જેમ ગણાવીએ છીએ. બીજી તરફ બ્લુ ઝોનના લોકો છે જેઓ ક્યારેય જિમ જઈને સ્પેશ્યલ વ્યાયામ કરવામાં નથી માનતા. તેમણે પોતાના રોજિંદા જીવનમાં વ્યાયામને એ રીતે વણી લીધો છે કે વ્યાયામ કરતા રહેવા છતાં ખબર ન પડે કે કેટલો બધો વ્યાયામ થઈ રહ્યો છે.
બાગકામ કરવું, લટાર મારવી, ઝાડુ-પોતાં કરવાં, સાફસફાઈ કરવી, ખાવાનું બનાવવું, ખેતી કરવી જેવાં અનેક રોજિંદાં કામોમાં તેમનો વ્યાયામ આપોઆપ થઈ જતો હોય છે. જેમ કે સાર્ડિનિયન પુરુષો પર થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે તેમના લાંબા આયુષ્યનું એક સૌથી મોટું કારણ છે ખેતી, પશુપાલન. (પશુઓને ચરાવવા માટે લઈ જવાં, એમનું ખાવાનું કાપવા-લાવવા માટે શ્રમ કરવો.) વળી પહાડોમાં રહેવાને કારણે રોજિંદી લાંબી પૈદલયાત્રા પણ ખરી જ.
આ બ્લુ ઝોનમાં એક અભ્યાસ તો એવો પણ નોંધાયો છે કે જૈફ વયે પહોંચેલા પુરુષો તેમની એ ઉંમરે કેટલાં પગથિયાં ચડી શક્યા એ પ્રમાણે તેઓ કેટલું જીવશે એનો અંદાજ લગાવવામાં આવ્યો. એટલું જ નહીં, આ બધી રોજિંદી શારીરિક પ્રવૃત્તિ તેમનામાં કૅન્સર, હૃદયરોગ અને બીજી સામાન્ય બીમારીઓનું પ્રમાણ ઘટાડવા માટે પણ નિર્ણાયક સાબિત થઈ રહી હોવાનું માલૂમ પડ્યું.
૪. પર્યાપ્ત ઊંઘ
બ્લુ ઝોન તરીકે ઓળખાતાં આ પાંચેય ક્ષેત્રોમાં આહારની સામાન્યતા સાથે બીજી પણ એક આદતમાં સર્વસામાન્યતા જોવા મળી અને એ હતી ઊંઘની આદત. મોટા ભાગના લોકો દિવસના કેટલાક ભાગમાં થોડી વારની ઊંઘ લેતા હોવાનું અને એ સિવાય સરેરાશ ૭ કલાકની ઊંઘનો રેશિયો જોવા મળ્યો. અધ્યયનકર્તાઓ કહે છે કે બ્લુ ઝોનના લોકો નિર્ધારિત સમયે સૂએ કે નિર્ધારિત સમયે જ જાગી જાય એવું નથી. તેઓ બસ માત્ર એટલું જ સૂએ છે જેટલી ઊંઘ લેવા માટે તેમનું શરીર તેમને કહે છે. અર્થાત્, આળસના માર્યા પડી રહેવું કે પૂરતી ઊંઘ ન લઈને ૫-૬ કલાકની ઊંઘમાં જ જાગી જવું એવો નિયમ અહીં નથી.
૫. સામાજિક જીવનશૈલી
આહાર, ઉપવાસ અને વ્યાયામ સિવાય બ્લુ ઝોનના સ્વસ્થ અને દીર્ઘાયુ જીવનનું સૌથી મહત્ત્વનું રહસ્ય છે તેમનું સામાજિક જીવન! અહીંના લોકો સમૂહમાં રહેવાનું પસંદ કરે છે. ધાર્મિક, સામાજિક કે બીજા કોઈ પણ ઉદ્દેશ સાથે આ લોકો સતત સંકળાયેલા અને એકબીજાને મળતા અને ભેગા થતા રહેતા હોય છે એવું નોંધાયું છે.
અહીંના લોકો ધાર્મિક હોવાનું પણ એક આગવું મહત્ત્વ છે. સાઇકિયાટ્રીમાં થયેલા એક અભ્યાસનું પરિણામ એવું નોંધે છે કે વ્યક્તિના ધાર્મિક હોવાને કારણે તેના જીવનને ઉદ્દેશ મળે છે અને ધર્મના કે ધાર્મિક કામોના મેળાવડાને કારણે લોકસમૂહમાં ભેગા થતા રહેવાને કારણે મૃત્યુદરમાં નોંધનીય ઘટાડો જોવા મળે છે. ઓકિનાવામાં ‘ઇકીગાઈ’ તરીકે અથવા નિકોયામાં ‘પ્લાન ડે વિડા’ તરીકે ઓળખાતા સામાજિક જીવનના ઉદ્દેશો અહીંની વ્યક્તિઓને એક સામાજિક લગાવથી બાંધી રાખે છે જેને કારણે એકબીજાની લાગણીઓનું પ્રદર્શન અને સુખ-દુઃખની વાતો એકબીજા સાથે રોજિંદી વહેંચાતી રહેતી હોય છે. આ એક ખૂબ મોટું પરિબળ છે જે વ્યક્તિને નિરાશાથી, ડિપ્રેશનથી કે બ્લડ-પ્રેશર કે શુગર જેવી અનેક માનસિક અને શારીરિક બીમારીઓથી દૂર રાખીને સ્વસ્થ જીવન બક્ષે છે. વિડંબના એ છે કે આજકાલ આ કામ ફેસબુક જેવાં માધ્યમો પાસે કરાવવું પડે છે!