26 June, 2025 01:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચોમાસામાં અમુક રોગોનો વ્યાપ વધે છે – જેમ કે ડેન્ગી અને ચિકનગુનિયા. આ બન્ને રોગો બીજા વાઇરલ ઇન્ફેક્શન કરતાં અલગ એટલે ઠરે છે કે આ બન્ને રોગોની અસર સાંધા પર થાય છે. ડેન્ગી અને ચિકનગુનિયા જેવા રોગમાં ઇમ્યુનિટી અલગ રીતે રીઍક્ટ કરે છે જેને લીધે સાંધાનો દુખાવો થાય છે. ડેન્ગી કે ચિકનગુનિયા મટી જરૂર જાય છે, પરંતુ એ મટી ગયા પછી પણ એને કારણે થતો દુખાવો તો રહે જ છે. દરદીની ક્ષમતા મુજબ એ ૬ મહિનાથી એક વર્ષ સુધી ટકી શકે છે. જોકે એક વખત આ દુખાવો જતો રહ્યો પછી પાછો નથી આવતો. આ દુખાવો થાય ત્યારે એવી કોઈ દવા નથી જેને કારણે કાયમી રીતે એને દૂર કરી શકાય, પરંતુ અમુક હદ સુધીની રાહત મળી શકે. દરદીને આ દુખાવાથી મુક્તિ અમુક સમય પછી એની જાતે જ મળે છે.
ચોમાસામાં વાઇરલ કે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ જવું સાવ નૉર્મલ છે. અત્યારે વરસાદ થોડો રોકાયો છે ત્યારે લોકો વધુ માંદા દેખાઈ રહ્યા છે કારણ કે વરસાદ અટક્યો અને ગરમી ચાલુ થઈ. વાતાવરણમાં અચાનક આવતાં પરિવર્તનો આ પ્રકારના ઇન્ફેક્શનને તાણી લાવે છે. ચોમાસામાં ઘણા કેસ ફ્લુના જોવા મળે છે. જરૂરી નથી કે દરેક કેસ મલેરિયા, ડેન્ગી, ચિકનગુનિયા કે લેપ્ટોસ્પાઇરોસિસનો જ હોય. નૉર્મલ વાઇરલ ઇન્ફેક્શન પણ ઘણા લોકોને થાય છે. આ વાઇરલ ઇન્ફેકશનમાં જે વ્યક્તિને તાવ આવે છે તેને કળતર થવાની તકલીફ થતી હોય છે. જોકે સામાન્ય રીતે લોકોને તાવ સાથે જે સાંધા દુખતા હોય એ તાવ ઊતરતાંની સાથે ઠીક પણ થઈ જતા હોય છે. અમુક લોકો એવા છે જેમનો તાવ તો ઊતરી જાય છે, પરંતુ સાંધાનો દુખાવો મટતો નથી.
આજકાલ એવું ખૂબ બને છે કે રિપોર્ટ કરાવીએ તો એમાં પણ ડેન્ગી કે મલેરિયાનું સાચું નિદાન થઈ શકાતું નથી. એવા લોકો જેમને આ રોગ છે જ પરંતુ નિદાન નથી થતું તેમને તો સાંધાનો દુખાવો થાય એ સમજ્યા, પરંતુ એવા પણ લોકો છે જેમને સામાન્ય વાઇરલ ઇન્ફેક્શન જ થયું હોય છે છતાં સાંધાનો દુખાવો જતો જ નથી, કારણ કે તેમનાં હાડકાં ખૂબ નબળાં હોય છે. જો તમારાં હાડકાં નબળાં હોય અને તમને તાવ આવ્યો હોય તો એ હાડકાંને અસર કરે જ છે. આ સમયે જરૂરી બને છે કે અમે દરદીને કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને વિટામિન Dનાં સપ્લિમેન્ટ્સ આપીએ છીએ. તેમનાં હાડકાં ફરી પ્રબળ બને તો તેમનો દુખાવો ધીમે-ધીમે જતો રહે છે. આમ હાડકા સશક્ત હોવાં જરૂરી છે, નહીંતર તકલીફ થાય જ છે.
-ડૉ અમિત મહેતા