12 November, 2024 04:56 PM IST | Mumbai | Mukesh Pandya
પ્રતીકાત્મક તસવીર
આજે દેશમાં ઠેર-ઠેર તુલસીવિવાહ ઊજવાશે ત્યારે જેની તુલના જ ન થઈ શકે એવી શુદ્ધ, પવિત્ર અને અનેક રોગ મટાડનારી તુલસી વિશે જાણવું અને અમલમાં મૂકવું જરૂરી છે.
આયુર્વેદશાસ્ત્રોમાં ૪૦૦૦થી વધુ વર્ષ પૂર્વે કહેવાઈ ચૂક્યું છે કે તુલસીમાં ભલભલા રોગોને નાથવાની શક્તિ છે. આજની મૉડર્ન મેડિસિન શાખાએ પણ પ્રયોગો અને પુરાવાઓ સાથે એ વાતને સ્વીકારી લીધી છે ત્યારે ફરીથી પહેલાંની જેમ ઘરે-ઘરે તુલસીક્યારા હોવા જોઈએ એ વાત આપણને સમજાઈ જવી જોઈએ. તુલસી કેટલી ગુણકારી છે એ જાણશો તો મુંબઈનાં નાનાં ઘરોનું બહાનું ભુલાઈ જશે અને બાલ્કનીમાં એક નાનો તુલસીક્યારો જરૂર રાખવાનું મન થશે. અલબત્ત, આયુર્વેદમાં ઔષધ પ્રયોગોમાં તુલસીનો ઉપયોગ કરવાની વાત આવે ત્યારે મોટા ભાગે કાળી તુલસી એટલે કે શ્યામ તુલસીના લાભની વાત થાય છે. હળવા લીલા રંગનાં પાન ધરાવતી રામ તુલસી કરતાં ઘેરો લીલો રંગ અને કાળી ઝાંય ધરાવતી તુલસીનાં પાન વધુ ગુણકારી હોય છે.
કફ-વાયુના રોગનાશક
તુલસીને આયુર્વેદમાં કફ વાયુનાશક કહી છે. કફ-વાયુના રોગો ચોમાસા અને શિયાળામાં જ વધુ દેખા દેતા હોવાથી આ સમયમાં તુલસી પાસે જવાનો અને તેમની મહેરબાની મેળવવાનો પ્રસંગ એટલે તુલસીવિવાહ. આ વિવાહની કથા પ્રમાણે જલંધર નામના રાક્ષસના મૃત્યુ માટે વિષ્ણુ ભગવાને તેમની પત્ની વૃંદાનું સેવન કર્યું હતું. આ જ વૃંદાએ પછી તુલસીનું રૂપ ધારણ કર્યું અને તેના શ્રાપને કારણે વિષ્ણુએ શાલીગ્રામનું રૂપ ધારણ કર્યું ત્યારથી દર વર્ષના પ્રારંભે અગિયારશથી પૂનમ સુધી બન્નેનાં લગ્ન ભક્તો ધામધૂમથી ઊજવાય છે. આપણે પણ તુલસીનો ઉપયોગ જલંધર જેવા જળને કારણે પેદા થયેલા રોગોનો નાશ કરી શકીએ છીએ.
શરદી સળેખમ અને અસ્થમા
જળપ્રધાન રોગો એટલે શરદી સળેખમ, ખાંસી, ક્ષય તેમ જ જળ ( ભેજ)ને કારણે ઉદ્ભવતા ડેન્ગી મલેરિયા કે ચિકનગુનિયા ફેલાવતા મચ્છરોનો તુલસીના પ્રયોગ દ્વારા નાશ કરી શકાય છે.
તુલસીમાં ફેનોલ નામનું દ્રવ્ય હોય છે જે ક્ષયનાશક છે. તુલસીમાં એસ્કાર્બિક ઍસિડ છે જે શરીરમાં રહેલા જળપ્રધાન કફને શોષી આપણને શરદી-ખાંસીથી દૂર રાખે છે. વધારે પડતી ઠંડીની કુઅસરથી બચાવે છે. તુલસીમાં યુજેનોલ, કેમ્પીન અને સિનેઓલ છે. જ્યારે મધ અને આદુંનો રસ મિક્સ કરવામાં આવે છે ત્યારે આ તત્ત્વો ઉધરસ અને શરદી તેમ જ અસ્થમા અને બ્રૉન્કાઇટિસ સામે લડવામાં મદદ કરે છે. આયુર્વેદિક કફ સિરપની તમામ બનાવટોમાં પણ તુલસી એક મુખ્ય ઔષધ હોય છે. તુલસીથી બ્રૉન્કિયલ અસ્થમામાં રાહત થાય છે. શરદી-કફ થયો હોય ત્યારે તુલસીનાં પાન ચાવવાં અને ધીમે-ધીમે રસ ગળામાં ઉતારવો. ગળામાં ખીચ-ખીચ હોય તો તુલસીનાં પાન નાખીને ઉકાળેલું પાણી ઘૂંટડે-ઘૂંટડે પીતા રહેવું.
રોગપ્રતિકારક ક્ષમતા
તુલસી ડાયાબિટીઝના દરદીઓ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.
તુલસીમાં ઝિન્ક અને વિટામિન-સી આવેલાં છે જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. યાદ છેને કોરોનાની મહામારી દરમ્યાન ડૉક્ટરો આપણને ઝિન્કની અને વિટામિન-સીની ગોળીઓ લેવાનું કહેતા હતા. શિયાળામાં રોજ ૬થી ૭ પાન તુલસીનાં ચાવી જવાથી રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે છે.
તુલસીમાં રહેલાં સુગંધિત દ્રવ્યોથી મચ્છર દૂર ભાગે છે. મચ્છરો સ્થિર પાણી અને ભેજમાં ઊછરે છે પણ તુલસી વાતાવરણનો ભેજ શોષી લઈને મચ્છરો માટે પ્રતિકૂળ સંજોગો પેદા કરે છે.
તુલસી વિષનાશક છે. શરીરનાં વિષ દ્રવ્યોનો સારી રીતે નિકાલ કરી શકે છે.
તુલસીનો છોડ ઘણાં જરૂરી પોષક તત્ત્વો ધરાવે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પાંદડાં વિટામિન એ, સી અને કે તેમ જ આયર્ન, કૅલ્શિયમ, ફૉસ્ફરસ, મૅગ્નેશિયમ તથા પોટૅશિયમ જેવાં ખનિજોના સારા સ્રોત છે. આ ઉપરાંત એ ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે. વાનગીઓમાં તુલસી ઉમેરવાથી સ્વાદ અને પોષણ વધે છે.
હૃદય અને કિડની માટે
જો તમે કિડનીની પથરીથી પીડિત છો તો તુલસી હળવા મૂત્રવર્ધક પદાર્થ તરીકે કામ કરે છે અને તમારા લોહીમાં યુરિક ઍસિડનું સ્તર ઘટાડવામાં મદદ કરી શકે છે. વધુમાં ઍસિટિક ઍસિડ પથ્થરોને તોડવામાં મદદ કરે છે એથી એ શરીરમાંથી બહાર કાઢવામાં સરળ છે. તુલસી ફક્ત છોડ નહીં, વરદાન છે. તુલસીને મોઢા અને દાંતના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે હર્બલ ટૂથપેસ્ટના ઘટકોની સૂચિને ધ્યાનથી જોશો તો તમને તુલસીનો ઉલ્લેખ જોવા મળશે. તુલસી દાંતની સાથે પેઢાને પણ મજબૂત બનાવે છે. એ મોઢામાંના અલ્સરને શાંત કરવામાં પણ મદદ કરે છે.
તુલસીમા રહેલું વિટામિન-સી હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. હૃદય માટે તુલસીના ફાયદાનું શ્રેય છોડમાં રહેલા યુજેનોલ જેવાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સને પણ આપી શકાય છે. આ ઍન્ટિઑક્સિડન્ટ્સ મુક્ત રેડિકલ સામે લડે છે અને ખરાબ કૉલેસ્ટરોલનું જોખમ ઘટાડે છે.