સાબુદાણાની ખીચડી સ્ત્રીઓ માટે વધુ ફાયદાકારક કઈ રીતે?

03 April, 2025 06:52 AM IST  |  Mumbai | Heena Patel

ઉપવાસમાં આરોગાતી સાબુદાણાની ખીચડીને સ્ત્રીઓ તેમની રેગ્યુલર ડાયટમાં પણ સામેલ કરે તો તેમને વધુપડતા રક્તસ્રાવની સમસ્યામાંથી રાહત મળે છે

સાબુદાણાની ખીચડી

એક તો ખાવામાં સ્વાદિષ્ટ હોય અને એને ઉપવાસમાં ફરાળમાં ખાઈ લીધી હોય તો પેટ ભરાઈ જાય અને એનર્જી પણ મળે. ઉપવાસમાં આરોગાતી સાબુદાણાની ખીચડીને સ્ત્રીઓ તેમની રેગ્યુલર ડાયટમાં પણ સામેલ કરે તો તેમને વધુપડતા રક્તસ્રાવની સમસ્યામાંથી રાહત મળે છે તેમ જ એ ફર્ટિલિટી ઇમ્પ્રૂવ કરવામાં મદદરૂપ બને છે

ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે ત્યારે અનેક લોકોએ માતાજીના ઉપવાસ રાખ્યા હશે. ઘણા લોકો ફળાહાર તો ઘણા લોકો ફરાળી વાનગી ખાઈને ઉપવાસ રાખતા હોય છે. ફરાળી વાનગીમાં પણ સાબુદાણાની ખીચડી એવી છે જે લગભગ બધાના જ ઘરે ઉપવાસમાં બનતી હોય છે. જોકે સાબુદાણાનું સેવન ફક્ત ઉપવાસ પૂરતું સીમિત ન રાખતાં રેગ્યુલર ડાયટમાં પણ એનો સમાવેશ કરવો જોઈએ. સાબુદાણાનું સેવન કરવાથી મહિલાઓને વિશેષ લાભ મળે છે. જાણીતાં સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકર તો સાબુદાણાને મહિલાઓ માટે સુપરફૂડ ગણાવી ચૂક્યાં છે. તેમનું કહેવું છે કે સાબુદાણાના સેવનથી મેન્સ્ટ્રુએશન, પ્રેગ્નન્સી અને મેનોપૉઝ દરમિયાન ફાયદો થાય છે. હૉર્મોનલ અસંતુલનની સમસ્યામાં એ ઉપયોગી થાય છે. એવામાં ચાલો આજે સાબુદાણાની ખીચડી ​ખાવાથી સ્ત્રીઓને કઈ-કઈ સમસ્યામાંથી રાહત મળે છે એ વિશે છેલ્લાં ૧૫ વર્ષનો અનુભવ ધરાવતાં સ્પોર્ટ્‍સ સાયન્ટિસ્ટ અને ન્યુટ્રિશનિસ્ટ કૃષ્મી છેડા પાસેથી વિસ્તારપૂર્વક જાણી લઈએ...

કઈ રીતે ફાયદો પહોંચાડે?

પિરિયડ્સ દરમિયાન હેવી બ્લીડિંગ એટલે કે માસિકધર્મ દરમિયાન વધુપડતા રક્તસ્રાવની સમસ્યા ઘણી સ્ત્રીઓને થતી હોય છે. એને કારણે શરીરમાં લોહીની ઊણપ સર્જાય છે, જે એનીમિયા તરફ દોરી જાય છે અને એને કારણે થાક, નબળાઈ આવે છે. એટલે જે સ્ત્રીઓને પિરિયડ્સ દરમિયાન હેવી બ્લીડિંગ થતું હોય એ લોકોને સાબુદાણાની ખીચડી ખાવાથી ફાયદો થાય છે. એવી જ રીતે પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ (PMS) એટલે કે પિરિયડ્સ આવવાના હોય એના એક અઠવાડિયા પહેલાં શરીરમાં કેટલાક શારીરિક અને ભાવનાત્મક બદલાવ આવતા હોય છે. એમાં બ્લોટિંગ, માથામાં દુખાવો, થાક-કમજોરી, મૂડ-સ્વિંગ્સ, ચીડિયાપણું વગેરે જેવાં લક્ષણો જોવા મળે છે. એવા સમયે સાબુદાણાની ખીચડી સાથે દહીં ખાવાથી ફાયદો થાય છે. દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે. પ્રોબાયોટિક્સ આપણી ગટ-હેલ્થને સારી રાખવામાં અને હૉર્મોનલ બૅલૅન્સમાં મદદરૂપ બને છે, પરિણામે PMSમાં જે લક્ષણો અનુભવાય છે એમાંથી થોડાઘણા અંશે રાહત આપવાનું કામ કરે છે.

મેનોપૉઝની સમસ્યા હોય અને ભારે રક્તસ્રાવ થતો હોય તો એ મહિલાઓને પણ સાબુદાણા ખાવાથી ફાયદો થઈ શકે. સામાન્ય રીતે પિસ્તાલીસથી પંચાવન વર્ષની ઉંમરમાં મહિલાઓ મેનોપૉઝનો અનુભવ કરે છે. મેનોપૉઝ એટલે કે પિરિયડ્સ આવતા બંધ થઈ જવા. મેનોપૉઝ શરૂ થાય એ પહેલાં એક ટ્રાન્ઝિશન ફેઝ (પેરીમેનોપૉઝ) આવે છે જેમાં પિરિયડ્સ અનિયમિત થઈ જાય છે. એમાં ઘણી સ્ત્રીને સાવ ઓછો તો ઘણી સ્ત્રીને વધુપડતો રક્તસ્રાવ થાય છે. એન્ડોમેટ્રિઓસિસની સમસ્યાને કારણે પણ ભારે રક્તસ્રાવ થતો હોય તો સાબુદાણા ખાવાથી રાહત મળે છે. ગર્ભાશયની અંદર એક પડ હોય છે, જેને એન્ડોમેટ્રિઅમ કહેવાય છે. સ્પર્મ અને એગનું મિલન થાય ત્યારે ગર્ભધારણ થાય. જો ગર્ભધારણ ન થાય તો એન્ડ્રોમેટ્રિઅમ તૂટી જાય છે અને પિરિયડ્સ આવે છે. એન્ડોમેટ્રિઓસિસમાં ગર્ભાશયની અંદર વધતા એન્ડોમેટ્રિઅમ ટિશ્યુ ગર્ભાશયની બહારની દીવાલ પર લોહીનો ભરાવો થાય છે. એને કારણે પેટમાં દુખાવો, ભારે રક્તસ્રાવ અને ગર્ભધારણમાં સમસ્યા આવે છે. એવી જ રીતે ઓવ્યુલેશન સ્પૉટિંગ એટલે કે મિડસાઇકલ બ્લીડિંગ થતું હોય તેમને પણ સાબુદાણા ખાવાથી ફાયદો મળે છે. મિડ-સાઇકલ બ્લીડિંગ ઓવ્યુલેશનના સમયગાળા દરમિયાન થાય છે. દર મહિને મહિલાઓના અંડાશયમાંથી એક ઈંડું છૂટું પડે છે, જેને ઓવ્યુલેશન કહેવાય છે.  માસિકના ૧૨થી ૧૫મા દિવસ દરમ્યાન આ ઓવ્યુલેશન પિરિયડ આવે છે.

સાબુદાણામાં શું છે ખાસ?

આપણે જે પણ સ્ત્રીઓ સંબંધિત સમસ્યાની વાત કરી એ શરીરમાં હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ સર્જાય ત્યારે થાય છે. શરીરમાં હૉર્મોન્સનું સંતુલન હોવું ખૂબ જરૂરી છે. હૉર્મોન એક પ્રકારનું રસાયણ છે જે શરીરને ઘણી રીતે નિયંત્રિત કરે છે અને રોગો થતા અટકાવે છે. સાબુદાણા ગ્લુટન-ફ્રી અને ડેરી-ફ્રી છે, જે હૉર્મોન્સને સંતુલિત કરવામાં મદદ કરે છે. ગ્લુટન એક જાતનું પ્રોટીન હોય છે જે સામાન્ય રીતે ઘઉં, જવ જેવા અનાજમાં જોવા મળે છે. દરેકનું શરીર એને પચાવી શકતું નથી. ગ્લુટન-ફ્રી ડાયટ શરીરમાં ઇન્ફ્લમેશન ઓછું કરે છે, એને કારણે આપોઆપ હૉર્મોનલ બૅલૅન્સ થાય છે. એ‍વી જ રીતે દૂધનું ઉત્પાદન વધારવા માટે ગાય-ભેંસોને હૉર્મોન્સનાં ઇન્જેક્શન આપવામાં આવે છે, જે ડેરી-પ્રોડક્ટ્સમાં પણ હાજર હોય છે. આપણે એનું સેવન કરીએ ત્યારે બહારનાં હૉર્મોન્સ આપણા શરીરની અંદરનાં હૉર્મોન્સને અસંતુલિત કરી શકે છે, શરીરમાં ઇન્ફ્લમેશન લાવી શકે છે. એને કારણે શરીરમાં હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ થઈ
શકે છે.

સાવચેતી જરૂરી

સાબુદાણાના હેલ્થ બેનિફિટ્સ છે, પણ એનું પ્રમાણસર સેવન કરવું ખૂબ જ જરૂરી છે. સાબુદાણામાં સ્ટાર્ચ વધુ હોય છે જે એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ્સ છે, જ્યારે પ્રોટીન અને ફાઇબર ઓછાં હોય છે. એટલે એને અવારનવાર ખાવાની સલાહ અમે નથી આપતા. સાબુદાણાનું સેવન અઠવાડિયામાં એકથી બે વાર જ કરવું જોઈએ. એ પણ એક બાઉલથી વધારે ન ખાવા જોઈએ. બીજું એ કે સાબુદાણાને તેલમાં તળીને વડાં બનાવીને ખાવા કરતાં એની ખીચડી બનાવીને જ ખાવી જોઈએ. સાબુદાણામાં પ્રોટીન ઓછું હોય છે એટલે ખીચડી બનાવતી વખતે એમાં શિંગદાણા નાખીને એને વધુ હેલ્ધી બનાવી શકાય. ત્રીજું એ કે સાબુદાણાને દિવસમાં જ ખાવા જોઈએ, કારણ કે હાઈ કાર્બોહાઇડ્રેટ્સવાળું ફૂડ ખાધા પછી શરીરનું હલનચલન થવું ખૂબ જરૂરી છે નહીંતર બ્લડ-શુગર વધી શકે, પાચનની સમસ્યા થઈ શકે. સામાન્ય રીતે ડાયાબિટીઝના દરદીઓએ સાબુદાણા ન ખાવા અથવા ખૂબ જ ઓછા પ્રમાણમાં ખાવા જોઈએ. એનો ગ્લાઇસીમિક ઇન્ડેક્સ (GI) વધારે હોય છે એટલે સાબુદાણાનું સેવન કર્યા પછી ઝડપથી બ્લડ-શુગર લેવલ વધી શકે છે. ઉપવાસમાં ફરાળના બીજા પણ વિકલ્પ છે જેમ કે રાજગરો, સામો જેમાં સાબુદાણાની સરખામણીમાં ઓછા કાર્બોહાઇડ્રેટ્સ છે અને ફાઇબર અને પ્રોટીન વધુ છે. ફક્ત સાબુદાણા જ નહીં, તમે કોઈ પણ ગ્લુટન-ફ્રી અને ડેરી-ફૂડ ખાઓ તો એનાથી શરીરમાં હૉર્મોનલ બૅલૅન્સ થવાનું જ છે. એ માટે તમે તમારી ડાયટમાં જુવાર, બાજરી, નાચણી વગેરે જેવા ગ્લુટન-ફ્રી અને ડેરી-ફ્રી ફૂડનો સમાવેશ કરી શકો.’

health tips indian food mumbai food life and style columnists gujarati mid-day mumbai festivals navratri