23 June, 2025 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઘણી વાર વિચાર આવે છે કે આ જગત આટલું સ્વાર્થી કેમ થતું જાય છે? એક-બે અનુભવો તો ઘણાને થઈ ચૂક્યા હશે. કોઈ મિત્ર કે સ્નેહીનાં નવ કામ કરી દીધાં હોય પણ દસમું કામ ન થાય કે તે નારાજ થઈ જાય. સંબંધ બાંધે છે પણ કામ પતે એટલે બસ. આટલીબધી સ્વાર્થ લોલુપતા કેમ હશે? માણસો મળવા ખાતર મળતા નથી અને સારપને નબળાઈ સમજી સ્વાર્થ પૂરો થતાં આપણને ભૂલી જાય છે. કૃતજ્ઞતાની ભાવના પ્રગટ કરવાની આદત પણ બહુ ઓછા લોકોમાં જોવા મળે છે, મૂલ્યો ઘસાતાં જાય છે. આવી મનોવૃત્તિ ઉપરાંત માણસોમાં અધીરાઈ, સ્વાર્થ વધતાં જાય છે. આવી મનોદશાના મૂળમાં હોય છે બિનસલામતીની લાગણી. આવા સમયમાં શાંતિપૂર્ણ જીવન જીવવા માટેનો એક રસ્તો કમળ દેખાડે છે પણ એ રસ્તો મુશ્કેલ લાગે તો બીજો રસ્તો છે કોશેટો રચવાનો... આપણી નાનીસી સૃષ્ટિનો કોશેટો રચી એમાં કીડો થઈ પ્રવેશી એ જ કોશેટો કાપી પતંગિયું બની બહાર આવવાની પ્રક્રિયા કરવાની. જીવવું તો છે જ તો સંકોચાઈને જીવવા કરતાં આપણે આપણાં મૂલ્યો વડે જીવવું શું ખોટું? હા, કળિયુગ છે એટલે કદાચ દુષ્ટ તત્ત્વો જલદી ભેગાં મળે પણ સારાં તત્ત્વો જલદી ભેગાં ન પણ કરી શકાય. તેથી સમાન વિચારધારાના લોકોએ ભેગા થઈને જાગૃતિ વર્તુળ (Awareness Circle) રચવાં જોઈએ. તો જ થોડાક કોશેટા રચાતાં થોડાંક પતંગિયાં હશે તો ‘જીવડાંઓ’ વચ્ચે જીવવા જેવી નાનકડી દુનિયા રચાશે. જીવનમાં કાયમ સૌને રાજી રાખવાની જરૂર નથી હોતી. લોકપ્રિય કવિ હેમેન શાહની પંક્તિઓ યાદ આવી રહી છે, મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ... કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ... કંઠમાં શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ... પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ. તમારું મન છે શક્તિનો સ્રોત. અગાધ શક્તિનું ઉદ્ભવ સ્થાન, પણ રોજિંદા જીવનમાં એ શક્તિ વહેતી નથી કારણ કે મનની બૅટરીનો પાવર આપણે રોજની ઘટમાળમાં વાપરી નાખીએ છીએ ને આ બૅટરીને રીચાર્જ કરવાનો આપણને સમય નથી. રીચાર્જ થાય મનને સમથળ કરવાથી, શાંત બેસવાથી, સંગીત સાંભળવાથી, તમને ગમતી પ્રવૃત્તિઓ કરવાથી. તમને દરિયો ગમે, કુદરત ગમે, વૃક્ષો ગમે, પહાડો ગમે, નદી ગમે કારણ કે વર્ષો સુધી તમે એના સાંનિધ્યમાં જીવ્યા. પ્રકૃતિના સાંનિધ્યમાં તમારું રોમ-રોમ પુલકિત થઈ જતું હોય છે. સંગીતમાં સંજીવની શક્તિ રહેલી હોય છે. કેટલાંય ફિલ્મી ગીતોમાં સુખી જીવન જીવવાની ફૉર્મ્યુલા છુપાયેલી હોય છે. પ્રખ્યાત લેખિકા અને પત્રકાર નંદિની ત્રિવેદી મ્યુઝિક થેરપી વિશેના પોતાના પુસ્તક ‘સેહત કે સૂર’માં લખે છે, ‘બહારનો ઘોંઘાટ સાંભળવાનું બંધ કરીએ પછી ભીતરનું સંગીત સંભળાતું હોય છે. ભીતરનું સંગીત સંભળાય તો જાત ઓળખાય કારણ કે સંગીત આપણી જાતની સ્વયંની પ્રતિકૃતિ છે.’
-હેમંત ઠક્કર