ડેરી પ્રોડક્ટ્સની સાઇડ ઇફેક્ટ્સને પણ સમજો

21 May, 2025 09:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વીગન બનવું એ જીવદયાની દૃષ્ટિએ ગાય માટે નહીં પણ તમે તમારી અંદર રહેલા જીવની પણ દયા કરવા માગતા હો તો છોડવા જેવું છે.

પ્રતીકાત્મક તસવીર

આજે સ્કિન પ્રૉબ્લેમ, હૉર્મોનલ પ્રૉબ્લેમ, પાચનને લગતી સમસ્યાઓ વધી છે. દરેક વખતે આપણે લાઇફસ્ટાઇલને દોષ આપીએ છીએ પરંતુ લાઇફસ્ટાઇલમાં પણ સ્પેસિફિક શું એની ચર્ચા વિસ્તારપૂર્વક થવી જોઈએ. જન્ક ફૂડ, એક્સરસાઇઝનો અભાવ જેવી બાબતો બધાને સમજાય છે પરંતુ ઘણી વાર આપણે જેને હેલ્ધી ગણીને ખાતા હોઈએ એ સૌથી વધારે અનહેલ્ધી અને આપણી હેલ્થને ખરાબ કરનારી હોઈ શકે છે. થોડાક સમય પહેલાં નકલી પનીરની ચર્ચા થઈ પરંતુ હું તો કહીશ કે અત્યારે ડેરી ઇન્ડસ્ટ્રીમાં પશુઓને મશીનની જેમ વાપરીને મળી રહેલું દૂધ અને એમાંથી બનતી તમામ પ્રોડક્ટ હેલ્થ માટે જોખમી છે. વીગન બનવું એ જીવદયાની દૃષ્ટિએ ગાય માટે નહીં પણ તમે તમારી અંદર રહેલા જીવની પણ દયા કરવા માગતા હો તો છોડવા જેવું છે.

આપણે ત્યાં દૂધને સંપૂર્ણ આહાર મનાયો છે પરંતુ આજે જે દૂધ આવે છે એ જોતાં કહી શકાય કે દૂધ જેવો હાનિકારક કેમિકલયુક્ત આહાર એકેય નથી. યસ, એ સમય હતો જ્યારે ઘરમાં ગાય હોય. એ વાછરડાને જન્મ આપ્યા પછી દૂધ આપે. વાછરડાની જરૂરિયાત કરતાં વધુ દૂધ ગાયના આંચળમાંથી ઊભરાય અને માનવ એ દૂધ પીતા જે અમુક અંશે પોષણયુક્ત હતું. પરંતુ આજે ગાયને પરાણે પ્રેગ્નન્ટ બનાવાય. હૉર્મોન્સ, ઍન્ટિબાયોટિક્સનાં ઇન્જેક્શન્સ આપવામાં આવે. વારંવાર બળજબરી સાથે પ્રેગ્નન્ટ થતી ગાયના શરીરમાં જતાં ઇન્જેક્શન પછી એ કેવું દૂધ આપતી હોઈ શકે એ સમજવાની જરૂર છે.

તમે નાના બાળકને બળજબરીપૂર્વક દૂધ પીવડાવો છો કારણ કે તમને લાગે છે કે દૂધમાં પ્રોટીન છે, કૅલ્શિયમ છે. કોણે કહ્યું કે આ બધું દૂધમાં જ છે? ઇન ફૅક્ટ આજકાલ મળતા દૂધમાં તો એવું ઘણું છે જે હેલ્થને ફાયદો નહીં, નુકસાન કરી શકે. તલમાંથી કૅલ્શિયમ મળી શકે. B12 પણ ઘણી વસ્તુમાંથી મળે છે. આજનું દૂધ અને એની પ્રોડક્ટ્સ પેટની તકલીફ, સ્કિનની સમસ્યા, મહિલાઓમાં હૉર્મોન્સને લગતી સમસ્યા, થાઇરૉઇડ, ડાયાબિટીઝ, કૅન્સર જેવું પણ કરી શકે છે. દૂધ અને દૂધજન્ય પદાર્થો છોડ્યા પછી સ્કિન અને હૉર્મોન્સને લગતી સમસ્યામાં ઘણા લોકોમાં મેં પૉઝિટિવ રિઝલ્ટ જોયું છે.

બીજી એક વાત ખાસ કહીશ. ડેરીમાંથી મળતું દૂધ બંધ કરવાનું છે તો એના બદલે સોય મિલ્ક, બદામનું મિલ્ક વગેરે ચાલુ કરવાની જરૂર જ નથી. એની હેલ્થને આવશ્યકતા નથી. ઇન ફૅક્ટ આટલા મોટા પ્રમાણમાં એ બધા ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રમોટ થતા દૂધથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. સિમ્પલ દાળ, ભાત, શાક, રોટલી, સૅલડ, કઠોળ વગેરેને આહારમાં સ્થાન આપો એ પૂરતું છે તમારી હેલ્થ માટે.

health tips food news food and drink life and style columnists gujarati mid-day mumbai skin care