વજન ઘટાડવા માટે પુરુષો કરતાં સ્ત્રીઓએ વધુ મહેનત કરવી પડે છે

03 April, 2025 06:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડાયટ અને એક્સરસાઇઝના માધ્યમથી વેઇટલૉસ કરવા ઇચ્છતી સ્ત્રીઓને પુરુષો જેટલું ઝડપી રિઝલ્ટ મળતું નથી. વળી તેમને સમયની સાથે-સાથે મહેનત પણ વધુ લાગે છે

પ્રતીકાત્મક તસવીર

પુરુષો કરતાં સ્ત્રીઓને વજન ઉતારવામાં વધુ તકલીફ પડે છે. પુરુષો અને સ્ત્રીઓનું મેટાબોલિઝમ જુદું હોય છે, શારીરિક રચના અને ઓબેસિટી થવા પાછળનાં કારણો પણ ભિન્ન હોય છે. એટલે જ જ્યારે ડાયટ અને એક્સરસાઇઝના માધ્યમથી વેઇટલૉસ કરવા ઇચ્છતી સ્ત્રીઓને પુરુષો જેટલું ઝડપી રિઝલ્ટ મળતું નથી. વળી તેમને સમયની સાથે-સાથે મહેનત પણ વધુ લાગે છે.

વ્યક્તિનું મેટાબોલિઝમ જેટલું સ્ટ્રૉન્ગ હોય એટલું જ વજન ઉતારવું તેના માટે સરળ બની જાય છે. સરખામણી કરીએ તો પુરુષોના મેટાબોલિઝમ કરતાં સ્ત્રીઓનું નબળું હોવાથી  સ્ત્રીને વજન ઉતારવામાં તકલીફ પડે છે.  સ્ત્રી અને પુરુષનાં શરીર ભિન્ન છે. એ બન્ને શરીર પર બાહ્ય અને આંતરિક પરિબળોની અસર જુદી-જુદી રહે છે. સ્ત્રી અને પુરુષના ઓબીસ થવાના કારણો પણ જુદા-જુદા હોય છે. સ્ત્રીઓ અને પુરુષો બન્નેની જો લાઇફસ્ટાઇલ ખોટી હોય તો બન્ને પર ઓબેસિટીનો ખતરો રહે જ છે, પરંતુ જો માની લઈએ કે એક સ્ત્રીની લાઇફસ્ટાઇલ એકદમ પર્ફેક્ટ છે, તેની ડાયટ બરાબર છે, તે નિયમિત એક્સરસાઇઝ કરે છે, તે ઊંઘ પણ વ્યવસ્થિત લે છે તો પણ જો કોઈ કારણોસર તેના શરીરમાં હૉર્મોન્સને લગતા કોઈ પણ પ્રૉબ્લેમ આવ્યા તો ચોક્કસ તેના વજનમાં ફરક દેખાય છે. માસિકચક્રમાં જો કોઈ પણ તકલીફ આવે, અનિયમિતતા આવે તો પણ તેના શરીર પર એ દેખાવા લાગે છે. આમ સ્ત્રીઓનું ઓબેસિટીથી બચવું સંપૂર્ણપણે તેના પોતાના હાથમાં નથી. જ્યારે પુરુષોની વાત કરીએ તો કોઈ પણ પુરુષ ઓબીસ ત્યારે જ બને છે જ્યારે તેની લાઇફસ્ટાઇલ ખોટી હોય. ડ્રિન્કિંગ, બેઠાડુ અને સ્ટ્રેસફુલ જીવન અને સ્ત્રીઓ કરતાં વધુ લાગતી ભૂખ તેમની ઓબેસિટી પાછળ જવાબદાર હોઈ શકે છે. ઘણા લોકો વંશાનુગત જાડા હોય છે, પણ એવા ઘણા ઓછા છે.

સ્ત્રી અને પુરુષોની ઓબેસિટીમાં બીજો પણ એક ફરક છે. ખાસ કરીને જો આપણે આદર્શ વજન કરતાં ૧૦-૨૦ કિલો વધુ વજનની વાત કરતા હોઈએ તો સ્ત્રીઓમાં આ વજન આખા શરીર પર ફેલાયેલું હોય છે. જેમ કે સ્ત્રી જાડી થાય તો તેના હાથ, હિપ્સ, સાથળ, કમર, પેટ બધે જ ચરબી જમા થવાનું શરૂ થાય છે. પુરુષોમાં ચરબી મોટા ભાગે પેટ પર જ જમા થતી હોય છે. આમ ઉદાહરણ તરીકે સાડાપાંચ ફુટનાં સ્ત્રી-પુરુષ બન્ને ૭૮ કિલોનાં હોય તો સ્ત્રી જ્યારે પાતળી થવાની કોશિશ કરે છે ત્યારે તેણે ઘણા જુદા-જુદા ભાગોની સ્પેશ્યલ કસરતો કરવી પડે છે, જ્યારે પુરુષોને મોટા ભાગની ચરબી પેટ પર જ હોય છે જે એક ભાગ પર જ તેણે ધ્યાન આપવાનું હોય છે. આમ સ્ત્રીઓની મહેનત વધી જાય છે. આમ જો તમે સ્ત્રી હો તો વજનનું વધુ ધ્યાન રાખવું પડશે, એ તકલીફ કુદરતી છે. 

-ડૉ. વિભૂતિ કાણકિયા અનુભવી ફિઝિયોથેરપિસ્ટ છે.

health tips life and style overweight columnists gujarati mid-day mumbai