✕

સેરિબ્રલ પૉલ્ઝીની સાથે પણ આત્મનિર્ભર જીવન શક્ય છે

06 October, 2026 11:45 AM IST  |  Mumbai | Jigisha Jain

જાણીએ કે તેઓ માતા-પિતાના ભરપૂર સપોર્ટ અને મહેનતથી કેવી રીતે ટ્રેઇન થઈને આજે હિંમતપૂર્વક આત્મનિર્ભર જીવન જીવવા માટે સક્ષમ બન્યા છે

૩૨ વર્ષના આદિત્ય રાજાવત માતા-પિતા સાથે

જન્મ સમયે કોઈ પણ કારણસર મગજને ઑક્સિજનની કમી થાય છે અને બાળકના મગજને કાયમી ડૅમેજ થઈ જાય છે જે તકલીફનું નામ છે સેરિબ્રલ પૉલ્ઝી. આ એક એવી પરિસ્થિતિ છે જેની સાથે તે બાળકે સમગ્ર જીવન જીવવાનું હોય છે. મોટા ભાગે બાળકને આ રોગ થાય ત્યારે માતા-પિતાનું હતાશ થવું સહજ છે, પરંતુ આજે વિશ્વ સેરિબ્રલ પૉલ્ઝી દિવસ નિમિત્તે મળીએ કેટલાક વયસ્ક લોકોને જેમને આ તકલીફ છે. જાણીએ કે તેઓ માતા-પિતાના ભરપૂર સપોર્ટ અને મહેનતથી કેવી રીતે ટ્રેઇન થઈને આજે હિંમતપૂર્વક આત્મનિર્ભર જીવન જીવવા માટે સક્ષમ બન્યા છે.

કમાય છે અને આજે માતા-પિતાના ઘડપણનો સહારો છે: આદિત્ય રાજાવત

ઘાટકોપરમાં રહેતા ૩૨ વર્ષના આદિત્ય રાજાવત પણ સેરિબ્રલ પૉલ્ઝી ધરાવે છે. તે તેમના કાકાને ત્યાં છેલ્લાં ૧૦-૧૨ વર્ષથી અકાઉન્ટ સંભાળવાનું કામ કરે છે. માતા રંજનાબહેન અને પિતા વિનોદભાઈ રાજાવતનો તે એકમાત્ર દીકરો છે. આદિત્યનો એક ભાઈ હતો જેનું નામ યશ હતું. તેને પણ સેરિબ્રલ પૉલ્ઝી હતો, પણ તે આદિત્ય કરતાં થોડો વધુ નબળો હતો અને કોરોના દરમ્યાન તેનું મૃત્યુ થયું.

આ વિશે વાત કરતાં રંજનાબહેન કહે છે, ‘યશનો જન્મ મારા વતનમાં થયો. તે જન્મ્યો અને રડ્યો નહીં ત્યારે તેને તાત્કાલિક ટ્રીટમેન્ટ મળી નહીં એટલે તે નબળો રહી ગયો. આદિત્યનો જન્મ મુંબઈમાં થયો હતો. અહીં તે પણ જ્યારે રડ્યો નહીં ત્યારે તેને તાત્કાલિક સારવાર મળી એટલે તેનું ડૅમેજ યશ જેટલું ન થયું. ભગવાનની કૃપા છે કે આદિત્ય પર ઓછી અસર છે એને લીધે તે આજે અમારા ઘડપણનો સહારો બની બેઠો છે. યશને અમે ગુમાવી દીધો પણ આદિત્ય અમારી પાસે છે અને તે ખુદનું જ નહીં, અમારું પણ ખૂબ ધ્યાન રાખે છે.’

આદિત્યને અંગ્રેજી આવડે છે. મોબાઇલ સંબંધિત બધાં જ કામ તે કરી જાણે છે. બહારથી કશું પણ લાવવું હોય તો તે લઈ આવે છે. આ બાબતે વાત કરતાં રંજનબહેન કહે છે, ‘તે નાનો હતો ત્યારે તેને દરેક પ્રકારની થેરપી કરાવી. બધે હું તેની સાથે જતી. બહાર કલાકો રાહ જોતી. આ પરિશ્રમ ફક્ત એટલે કે તે બાળક આત્મનિર્ભર બની શકે. આજે જ્યારે આદિત્યને જોઉં છું તો લાગે છે કે મહેનત સફળ થઈ, લેખે લાગી. આજે તે ખરેખર જ અમારો સહારો બની બેઠો છે. નાનપણમાં અમે કર્યું તેના માટે, આજે તે અમારા માટે કરી રહ્યો છે.’

આદિત્ય એક વ્યક્તિ તરીકે પણ કેટલો ગુણી છે એ જણાવતાં રંજનબહેન કહે છે, ‘તે અમારી જ સેવા કરે છે એવું નથી. તે દુનિયામાં બધે જ મદદરૂપ થતો હોય છે. અમે બહાર જઈએ તો કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય તો તેમનો સામાન પોતે ઊંચકી લે. કશે પૈસાથી કોઈને મદદ કરવાની હોય તો વિચારે નહીં, તરત જ પૈસા આપી દે. હું માનું છું કે તેને સેરિબ્રલ પૉલ્ઝી છે; પણ તે તેનાં માતા-પિતા માટે જ નહીં, સમાજ માટે પણ અતિ ઉપયોગી વ્યક્તિ સાબિત થઈ રહ્યો છે જેનો મને ખૂબ ગર્વ છે.’

છેલ્લાં બાવીસ વર્ષથી અકાઉન્ટન્ટ તરીકે કાર્યરત છે: ઉત્પલ શાહ

માટુંગામાં રહેતા ઉત્પલ શાહ સેરિબ્રલ પૉલ્ઝી ધરાવે છે. તેઓ ૫૭ વર્ષના છે. તેઓ ૨૩ વર્ષના હતા ત્યારથી અકાઉન્ટન્ટ તરીકે કાર્યરત છે. તેમનાં લગ્ન પણ થયાં છે. તેમની પત્ની કિરણ અને દીકરી પ્રદિતિ બન્ને નૉર્મલ છે. કિરણ હાઉસવાઇફ છે અને પ્રદિતિ કામ કરે છે. ઉત્પલ હાલમાં બાંદરા રેક્લેમેશન પાસે આવેલી સંસ્થા ઍડપ્ટમાં સિનિયર અકાઉન્ટન્ટ તરીકે છેલ્લાં બાવીસ વર્ષથી કામ કરે છે. એ પહેલાં બે અલગ-અલગ જગ્યાએ આ જ કામ તેઓ કરી ચૂક્યા છે. તેમના ઘરમાં બે નાની બહેનો છે. એક મોટી બહેન પરણીને પુણેમાં રહે છે.

પોતાની વાત કરતાં ઉત્પલ કહે છે, ‘મમ્મી-પપ્પાએ મને ખૂબ તકલીફ હોવા છતાં મહેનતથી મોટો કર્યો. મારી પાછળ ખૂબ મહેનત કરી તે બન્ને એ. આજે તેઓ નથી ત્યારે મારી જવાબદારી છે કે હું તેમની જેમ જ ઘરનું અને ઘરના લોકોનું ધ્યાન રાખું. તકલીફો છે પણ ભગવાનની કૃપા છે. અમે ખુશ છીએ.’

કિરણ BA, BEd ભણેલી છે અને ઉત્પલે MCom કર્યું છે. ઉત્પલને ન્યુઝપેપર અને જુદા-જુદા વિષયો પર પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ છે. તેમને ટીવી પર લગભગ બધા જ સ્પોર્ટ્સ જોવા ખૂબ ગમે છે. એશિયન ગેમ્સમાં તેમને ખૂબ રસ પડે છે એટલે તેઓ ક્યારેય ચૂકતા નથી. ચેસ રમવું પણ તેમને ખૂબ ગમતું, પણ આજકાલ સમય મળતો નથી.

તમારાં લગ્નના લેખ તો ખરેખર ભગવાન ઉપરથી લખીને મોકલે છે એમ દૃઢપણે માનતાં ઉત્પલનાં લગ્ન કિરણ સાથે થયાં. તે બન્ને પરસ્પર ખૂબ ખુશ છે. ૧૯૯૭માં તેમનાં લગ્ન થયાં. પત્ની કિરણ પોતાના લગ્નજીવન વિશે વાત કરતાં કહે છે, ‘અમે બન્ને ખૂબ ખુશ છીએ. તેઓ ખૂબ જ સમજદાર છે. મને સરસ સાચવે છે. જે રીતે તેઓ મહેનત કરીને અમારો પરિવાર ચલાવે છે મને તેમના પર ખૂબ જ ગર્વ છે. હું હંમેશાંથી માનતી આવી છું કે ભગવાને મને તેમના માટે જ બનાવી છે.’

પોતાનું ધ્યાન રાખી શકે છે ને કુકિંગ કરી લે છે: ઝરણા શાહ

વરલીમાં રહેતી ઝરણા શાહને સેરિબ્રલ પૉલ્ઝી છે. ચેમ્બુરની એક સમાજસેવી સંસ્થામાં તે ટ્રેઇનિંગ લઈ રહી છે. છેલ્લા ૩-૪ મહિનાથી તે કમ્પ્યુટર શીખી રહી છે. તેની થેરપીઝ હજી પણ ચાલે છે. શરીર વ્યવસ્થિત મૂવમેન્ટ કરી શકે એ માટે તે એક્સરસાઇઝ કરવા પણ જાય છે. સેરિબ્રલ પૉલ્ઝી દરેક વ્યક્તિને જુદી-જુદી રીતે અસર કરતો હોય છે એમાં ઝરણાની સ્પીચ પર અસર ઓછી થઈ છે એટલે તે સારું બોલી શકે છે. થોડું અટકે, પણ જે બોલે એ સ્પષ્ટ બોલી શકે છે. અંગ્રેજી પણ તેને સારું આવડે છે. કશે જવું હોય તો તે એકલી જઈ પણ શકે છે. ચાલવામાં થોડા સપોર્ટની જરૂર પડે, પણ ઘરમાં સપોર્ટ વગર જ ચાલે છે.

તેનાં મમ્મી અચલા શાહને જોડિયા બાળકો હતાં. ડિલિવરી સમયે ૧૦ મિનિટના અંતરે બે દીકરીઓ આવી. મોટી દીકરી ઝીલ જન્મી ત્યારે તે રડી નથી એવું ડૉક્ટર ધ્યાન ન આપી શક્યા કારણ કે બીજી ડિલિવરી બાકી હતી. બાળક આખું બ્લુ થઈ ગયું એ પછી તેને તાત્કાલિક ટ્રીટમેન્ટ અપાઈ એટલે ઝીલ પર સેરિબ્રલ પૉલ્ઝીની અસર ઘણી વધુ છે. તે શારીરિક રીતે નબળું બાળક છે. ઝરણાને એ પ્રમાણે તાત્કાલિક ટ્રીટમેન્ટ મળી એટલે ઝીલ કરતાં તેની પરિસ્થિતિ સારી છે. ઝીલ અત્યારે પથારીવશ છે, પણ ઝરણા પોતાનાં કામો પોતાની જાતે કરી શકે છે. આ બન્નેની એક મોટી બહેન છે જે સાસરે છે.

ઝરણા વિશે વાત કરતાં અચલાબહેન કહે છે, ‘ઝરણાને સોશ્યલ મીડિયા ખૂબ ગમે છે. તે મોબાઇલ વ્યવસ્થિત રીતે ઑપરેટ કરી શકે છે. બોલવાનો અને ગાવાનો તેને ખૂબ શોખ છે. ઘરનું કોઈ પણ કામ કરતાં થોડી વાર લાગે, પણ કરી શકે છે. થોડા સમય પહેલાં મેં તેને રોટલી વણતાં શીખવ્યું હતું. બેઝિક કુકિંગ તે કરી શકે છે. ઝીલની હાલત ખરાબ છે એટલે અમને એ વાતનું સુખ છે કે ઝરણા પર ઝીલ જેટલું ધ્યાન નથી આપવું પડતું. ઘણી વખત એ પણ વરદાન જેવું લાગે છે. જે બાળકોને સેરિબ્રલ પૉલ્ઝી છે તે બાળકો પોતાનું ધ્યાન રાખી શકે એટલું પણ થઈ જાય તો માતા-પિતા માટે એ પણ એક રાહત બની જતી હોય છે. આખરે દરેક માતા-પિતાની જેમ અમે પણ એ જ ઇચ્છીએ છીએ કે અમારાં બાળકો આત્મનિર્ભર હોય.’

વોકેશનલ ટ્રેઇનિંગમાં સારું જ કરશે એવો વિશ્વાસ છે, કારણ કે ઘરનાં કામો ચીવટથી કરે છે: લોકેશ મામણિયા

લાલબાગમાં રહેતા ૨૩ વર્ષના લોકેશ મામણિયાને સેરિબ્રલ પૉલ્ઝી છે. SPJ સાધના સ્કૂલમાં તે ભણે છે. લોકેશ માતા-પિતા ભદ્રેશભાઈ અને ભાવનાબહેનનો સૌથી લાડકવાયો છે. તેનાથી મોટી બે બહેન છે. કપડાંનો બિઝનેસ કરતા લોકેશભાઈ કહે છે, ‘ભાવનાએ લોકેશને ખૂબ જ સરસ રીતે તૈયાર કર્યો છે. તેને ભરપૂર ધીરજ અને ખંતથી મોટો કર્યો છે. સ્કૂલ, થેરપી કે કોઈ પણ પ્રકારની ટ્રેઇનિંગમાં ભાવના તેને લઈ જાય. કશે બહાર સોશ્યલ સર્કલમાં જવાનું હોય તો મારી દીકરી માધુરી તેને લઈ જાય અને કશે પાર્ટીમાં જવાનું હોય કે જલસા કરવાના હોય તો હું લઈ જાઉં. આમ અમારા ડિપાર્ટમેન્ટ વહેંચાયેલા છે. એમ છતાં ૯૦ ટકા ભાર તેની મમ્મીએ ઊંચકેલો છે. ભાવનાની ટ્રેઇનિંગે એટલું સરસ તેના પર કામ કર્યું છે કે આજે સેરિબ્રલ પૉલ્ઝી હોવા છતાં મારું બાળક એવું છે કે તમે તેને ઘરે લઈ જાઓ તો કહેશો કે એક મહિના પહેલાં તો હું તેને નહીં મોકલું પાછો.’

લોકેશ ઘરનાં ઘણાં કામ કરે છે. એ કામોમાં ચીવટ પણ ઘણી છે. નાનપણથી ભાવનાબહેને તેને ઘર સાફ રાખતાં અને વસ્તુઓ જગ્યા પર રાખતાં શીખવ્યું હતું. ધોયેલાં વાસણો ગોઠવવાનું કામ પણ તે કરે છે. ઊલટું કોઈ કરે તો તે ટોકે કે તમે વ્યવસ્થિત વાસણો ગોઠવ્યાં નથી. ઘરમાં ગાદલાં સેટ કરવા અને ઓછળ પાથરવા જેવાં કામ પણ સરળતાથી કરી શકે છે. એ વિશે વાત કરતાં ભાવનાબહેન કહે છે, ‘સવારે નાસ્તાની પ્લેટો લેવાનું, ચા ગાળવાનું, નાસ્તાના ડબ્બા લઈને બધાને નાસ્તો આપવાનું કામ લોકેશ વ્યવસ્થિત કરે છે. મારે તેને કદી પીરસવું ન પડે. વળી આ બધું કામ તે ફક્ત પોતાના માટે જ નહીં, ઘરના બધા લોકો માટે કરે. ક્યારેક તે એકલો જ હોય અને તેને કહું કે તું લઈ લે તો જાતે લઈને ખાઈ લે એટલે મારે ચિંતા નહીં. તેની આ આવડતો જોઈને મને થયું કે હું તેને કોઈ વોકેશનલ ટ્રેઇનિંગમાં મોકલું. તે ઘણું કરી શકે એમ છે. તેને જોઈને મને સમજાય છે કે તે પગભર થઈ શકશે, વાંધો નહીં આવે.’

લોકેશ વિશે ભાવુક થઈને તેના પિતા ભદ્રેશભાઈ કહે છે, ‘લોકેશને કારણે હું આખું નવું વિશ્વ જોઈ શક્યો. અમે ચાલમાં રહીએ છીએ અને લોકેશની દરેક વ્યક્તિ સાથે મિત્રતા છે. તેને મારી જેમ વાતો કરવાનો ખૂબ શોખ છે. અમે ખરેખર ભાગ્યશાળી છીએ કે અમારી પાસે લોકેશ છે.’

સેરિબ્રલ પૉલ્ઝી એટલે શું?

સેરિબ્રલ પૉલ્ઝી એ બાળપણમાં મગજનો યોગ્ય વિકાસ ન થવાથી કે એને પહોંચેલા નુકસાનને કારણે થતી ચેતાતંત્ર સંબંધિત શારીરિક સ્થિતિ છે. આ તકલીફ મુખ્યત્વે બાળકની શારીરિક હિલચાલને, સ્નાયુઓના સંતુલનને અને પૉશ્ચરને અસર કરે છે. આનાં મુખ્ય લક્ષણોમાં સ્નાયુઓમાં જડતા કે અતિશય ઢીલાશ, ચાલતી વખતે સંતુલન ન રહેવું, ગરદન સરખી ન રાખવી, બેસવામાં કે ચાલવામાં વિલંબ થવો તેમ જ બોલવામાં અને ખોરાક ગળવામાં તકલીફ પડવી વગેરેનો સમાવેશ થાય છે. આ સ્થિતિ માટે ગર્ભાશયમાં બાળક સુધી પૂરતો ઑક્સિજન ન પહોંચવો, જન્મ સમયે જટિલતાઓ કે ઑક્સિજનની કમી થવી, સમય કરતાં પહેલાં ડિલિવરી થવી અથવા બાળપણમાં મગજમાં ગંભીર ઇન્ફેક્શન થવું કે માથામાં વાગવું જેવાં કારણો જવાબદાર હોઈ શકે છે. સેરિબ્રલ પૉલ્ઝી સંપૂર્ણપણે મટી શકતો નથી; પરંતુ પ્રારંભિક તબક્કે જ ફિઝિયો થેરપી, ઑક્યુપેશનલ થેરપી, સ્પીચ થેરપી અને યોગ્ય તબીબી સારવાર શરૂ કરવામાં આવે તો બાળકની કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો લાવી શકાય છે અને તેને આત્મનિર્ભર જીવન જીવવામાં મદદ કરી શકાય છે.

health tips healthy living gujaratis of mumbai mumbai life and style lifestyle news columnists Jigisha Jain