તમારા ACના સર્વિસિંગવાળો છેતરી ન જાય એ માટે શું ધ્યાન રાખશો?

10 June, 2025 01:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘણા લોકો ફિલ્ટર સાફ ન કરી શકે તો મેકૅનિકને બોલાવે છે. તે AC તપાસે છે અને કહે છે કે તમારા ACનો ગૅસ ખતમ થઈ ગયો છે

પ્રતીકાત્મક તસવીર

હાલમાં ઍર-કન્ડિશન્ડ (AC) ગૅસ લીક ​​કૌભાંડની ઘણી વાતો થઈ રહી છે ત્યારે આ કૌભાંડ કેવી રીતે થાય છે અને એમાંથી કેવી રીતે બચવું એ જાણવું જરૂરી છે. AC ધરાવતા મોટા ભાગના લોકોને ખબર જ હોતી નથી કે ACમાં ગૅસ-પ્રેશર કેટલું હોવું જોઈએ. ઘરે ACની સર્વિસ કરવા આવનારો ટેક્નિશ્યન જ્યારે એમ કહે કે ‘સાહેબ, ‘AC કા ગૅસ લીક ​​હૈ, રીફિલ કરના પડેગા’ ત્યારે આ જાણકારી રાખવી જરૂરી છે.

સામાન્ય રીતે જ્યારે પણ AC ચાલુ કર્યા બાદ રૂમમાં ઠંડક થતી નથી ત્યારે લોકો જાતે જ AC ફિલ્ટર સાફ કરે છે. ઘણા લોકો ફિલ્ટર સાફ ન કરી શકે તો મેકૅનિકને બોલાવે છે. તે AC તપાસે છે અને કહે છે કે તમારા ACનો ગૅસ ખતમ થઈ ગયો છે. આવી સ્થિતિમાં આપણે મેકૅનિક જે કહે છે એ માનીએ છીએ.

મેકૅનિકનું કહ્યું માનો

અહીં ધ્યાન રાખવાની જરૂર છે. મેકૅનિક કહે કે ACનો ગૅસ ખતમ થઈ ગયો છે તો એ માની લેવાની જરૂર નથી. એવું પણ બની શકે છે કે તે મૂર્ખ બનાવી રહ્યો હોય અને ગૅસ ખતમ થવાના નામે છેતરપિંડી કરી રહ્યો હોય. આથી જાતે ACમાં ગૅસ તપાસવા માટે આટલું કરી શકાય છે.

જાતે આટલું તપાસો

 જ્યારે AC ચાલુ કરો અને ઠંડક ન લાગે તો સમજો કે ગૅસ ખતમ થઈ ગયો છે

 જો કૉમ્પ્રેસર ચાલુ થઈ ગયા બાદ પણ ઠંડી હવા ન આવતી હોય તો પણ ACમાં ગૅસ ખતમ થયો છે એવું માની શકાય.

 જો ACમાંથી નીકળતા પાણીની પાઇપ પર બરફ હોય તો એ પણ એક સંકેત છે કે ACમાં ગૅસ ખતમ થઈ ગયો છે.

કેવી રીતે ચાલે છે કૌભાંડ?

તમે ACની સર્વિસ માટે મેકૅનિકને બોલાવો છો ત્યારે તે આવીને AC ફિલ્ટર ખોલીને સાફ કરે છે, પછી તે પ્રેશર-પમ્પથી પાણી મારે છે અને અધવચ્ચે જ કહે છે કે ACનો ગૅસ લીક છે. તમે તેને પૂછો છો કે ગૅસ રીફિલ કરાવવાનો ખર્ચ કેટલો આવશે એટલે તે એક ચોક્કસ રકમ કહે છે જે આશરે ૨૫૦૦થી ૩૦૦૦ રૂપિયા જેટલી હોઈ શકે છે. આ માટે થોડું બાર્ગેનિંગ કરીને થોડા રૂપિયા ઓછા કરવામાં આવે છે અને પછી મેકૅનિક ગૅસ રીફિલ કરીને જતો રહે છે.

ગૅસ-પ્રેશરની જાણકારી રાખો

તમને એ ખબર નથી કે તમારા ACમાં કેટલો ગૅસ હતો અને એનું કેટલું પ્રેશર હતું. આ જાણવું જરૂરી છે કે ACને યોગ્ય રીતે કાર્ય કરવા અને શ્રેષ્ઠ ઠંડક પ્રદાન કરવા માટે કેટલું ગૅસ-પ્રેશર જરૂરી છે.

ACમાં સામાન્ય રીતે બે પ્રકારના ગૅસ હોય છે - R32 અને R410, ક્યારેક R22 ગૅસ પણ વાપરવામાં આવે છે. હાલમાં મોટા ભાગના ACમાં R32 ગૅસ આવે છે, કારણ કે એ ઓઝોન-ફ્રેન્ડ્લી છે. જો એ લીક થાય છે તો પણ પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી. આ જ કારણ છે કે હવે મોટા ભાગના ACમાં આ ગૅસ આવે છે. મેકૅનિક કહે કે ACમાં ગૅસ લીક ​​થયો છે તો તમે પ્રેશર ગેજ દ્વારા પણ એની તપાસ કરાવી શકો છો.

ACમાં R32 ગૅસ હોય તો ગૅસ-પ્રેશર રનિંગ સ્ટેટસમાં 140-130 PSIC (પાઉન્ડ્સ પર સ્ક્વેર ઇંચ) અને ક્લોઝ પ્રેશર 240-280 PSI હોય છે. R410માં પણ આટલું જ પ્રેશર રહે છે. જોકે R22 ગૅસ હોય તો રનિંગ પ્રેશર 65-60 PSI હોય છે અને ક્લોઝ પ્રેશર 150 PSI હોય છે. જો તમારા ACમાં પણ એ જ પ્રેશર મળી રહ્યું છે તો તમારે ગૅસ રીફિલ કરાવવાની જરૂર નથી.

સુરક્ષિત કેવી રીતે રહેવું?

મેકૅનિક ACનું સર્વિસિંગ શરૂ કરે એ પહેલાં AC બંધ હોય ત્યારે મેકૅનિકને ગૅસ-પ્રેશરનું રીડિંગ લેવાનું કહો, પછી જ AC ચાલુ કરો અને મેકૅનિકને ફરીથી ગૅસ-પ્રેશરનું રીડિંગ લેવાનું કહો. જો પ્રેશર ઉપરોક્ત મૂલ્યની આસપાસ હોય તો તમારે ગૅસ રીફિલ કરવાની જરૂર નથી. તમે આમ કરશો તો સર્વિસ કરવા આવેલા મેકૅનિકને ખબર પડશે કે તમે યોગ્ય AC ગૅસ-પ્રેશરથી વાકેફ છો અને તે તમને છેતરવાનો પ્રયાસ નહીં કરે.

columnists gujarati mid-day mumbai technology news life and style