ટેક્નૉલૉજી મદદનીશ છે, માસ્ટર નહીં

29 August, 2025 12:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દસ-બાર વર્ષના છોકરાઓ પણ પોતાના કુમળા માનસને મૂંઝવતા પ્રશ્નો AI સમક્ષ રજૂ કરતાં-કરતાં તેમને પોતાને પણ ખ્યાલ આવે એ પહેલાં એના ફૅન બની જાય છે!

પ્રતીકાત્મક તસવીર

ટેક્નૉલૉજીએ આજના સમયને કેટલી હદે બદલાવી નાખ્યો છે! એમાંય AI (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ)ની અકલ્પ્ય શક્તિઓ અને તીવ્ર ગતિએ વ્યાપક બની રહેલી પહોંચે તો દુનિયાને દંગ કરી દીધી છે. શિક્ષણ, મનોરંજન, તબીબી ક્ષેત્ર અરે, વ્યવસાય કે રોજિંદીની જિંદગીનું એક પણ ક્ષેત્ર એવું નથી જ્યાં મનુષ્યને અવાક્ બનાવી દેતો AIનો કરિશ્મા જોવા ન મળ્યો હોય. આપણી આંગળીઓના ટેરવેથી કે હોઠેથી સરતી ભલભલી પૂછપરછના જવાબ પલકવારમાં હાજર કરી દેતી આ અદ્‍ભુત  ટેક્નૉલૉજીએ લાખો કારકિર્દીઓ સમક્ષ પડકાર ઊભો કરી દીધો છે. માત્ર વ્યાવસાયિક સ્તરે જ નહીં, વ્યક્તિગત જિંદગીમાં પણ આ કૃત્રિમ બુદ્ધિએ પ્રશ્નો  સર્જવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ ન્યુ યૉર્કના એક વૃદ્ધ ચૅટ-બૉટને સાચકલી સ્ત્રી માનીને એના પ્રેમમાં પડી ગયો અને એને મળવા જવાની લાયમાં જીવ ગુમાવ્યો એ સમાચાર વાંચ્યા હશે. દસ-બાર વર્ષના છોકરાઓ પણ પોતાના કુમળા માનસને મૂંઝવતા પ્રશ્નો AI સમક્ષ રજૂ કરતાં-કરતાં તેમને પોતાને પણ ખ્યાલ આવે એ પહેલાં એના ફૅન બની જાય છે!

આજના માનવીના જીવનને સરળ અને વધુ સુવિધાપૂર્ણ બનાવવા માટે AI અનેક સગવડ-સાધનો લાવ્યું છે પરંતુ સાથે-સાથે એટલા જ પ્રશ્નો અને પડકારો પણ તેણે ખડા કર્યા છે. AIની મદદથી પલકવારમાં જાહેરખબરની કૉપી તૈયાર કરનાર કૉપી-રાઇટર, વિશ્લેષણાત્મક લેખ લખનાર પત્રકાર, પ્રોજેક્ટના નકશા તૈયાર કરનાર આર્કિટેક્ટ કે સ્કૂલનાં અસાઇનમેન્ટ ફટાફટ પૂરાં કરી દેનાર વિદ્યાર્થી કદાચ એ વિચાર નથી કરતા કે એક વાર AI નામની કાંખઘોડીના ઉપયોગની આદત થઈ ગઈ તો અગાઉ પોતાની આગવી બુદ્ધિ કે મહેનતથી જે કામ થતાં હતાં એ કરવાની ક્ષમતા ગુમાવી બેસવાનો વારો આવી શકે છે. એક નાનકડું પણ હાથવગું ઉદાહરણ, મોબાઇલ ફોને આપણી ફોન-નંબરો યાદ રાખવાની ક્ષમતા પર કેવી અને કરેલી અસર કરી છે!

AIની અકલ્પ્ય ક્ષમતાનો સ્વીકાર કર્યા બાદ પણ એક હકીકત એ છે કે એ માનવ મગજનું સર્જન છે અને એ એટલું જ કહી કે કરી શકશે જેટલું એને ફીડ કરવામાં આવ્યું છે. કંઈ પણ અણધાર્યું કે અજાણ્યું ઉકેલવાનું આવે ત્યારે માનવ મગજ પાસે જ જવું પડે. ગમે એટલી જીવંત જણાય છતાં ટેક્નૉલૉજી આખરે ટેક્નૉલૉજી છે. એક કાબેલ મદદનીશ તરીકે એનો ઉપયોગ કરીએ ત્યાં સુધી લાભમાં રહીએ, એને માસ્ટર બનવા ન દેવાય. શમ્મી કપૂરની એક જૂની ફિલ્મનું ગીત હતું : ‘તારીફ કરું ક્યા ઉસકી જિસને તુમ્હે બનાયા’, AI કે કોઈ પણ ટેક્નૉલૉજી સંદર્ભે માનવીએ એ ગીત હોઠવગું રાખવા જેવું છે.

-તરુ મેઘાણી કજારિયા

ai artificial intelligence technology news tech news health tips mental health life and style columnists gujarati mid day mumbai Sociology