19 May, 2025 06:52 AM IST | Mumbai | Aashutosh Desai
૭૨ અલગ બૉક્સમાં પૅક થયેલો ટેન્ટ ઇમર્જન્સીમાં ૧૨ મિનિટમાં અને સામાન્ય રીતે ૧ કલાકમાં જ હૉસ્પિટલમાં તબદીલ થઈ જાય છે.
૭૨ જેટલા ડીટેચેબલ મિની ક્યુબ્સમાં વિભાજિત આ હૉસ્પિટલ જિગ્સો પઝલની રમત જેવી છે. એમાં વેન્ટિલેટર, એક્સ-રે મશીન અને ઑપરેશન થિયેટર સુધ્ધાં તૈયાર થઈ જાય છે. અસ્થાયી પરંતુ સ્થાયી હૉસ્પિટલ જેવું જ ઇન્ટેન્સિવ કૅર યુનિટ ક્રીએટ કરી આપતી ભીષ્મ ક્યુબ્સ તરીકે જાણીતી આ વ્યવસ્થા કુદરતી આપત્તિઓથી લઈને યુદ્ધના સમયે કેટલું મદદગાર છે એ જાણીએ
ભારતે જાતે બનાવેલી સફર કરતી, ઊડતી, અસ્થાયી છતાં સ્થાયી એવી હૉસ્પિટલ અને ઇન્ટેન્સિવ કૅર યુનિટ એટલે ભીષ્મ ક્યુબ્સ અને ભીષ્મ ક્યુબ્સ એટલે આરોગ્ય મૈત્રીની અનન્ય સિદ્ધિ! ઑપરેશન સિંદૂર દરમ્યાન ભારતે ત્રણ જ દિવસમાં પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું એ દરમ્યાન સૈન્ય-સજ્જતાની સાથે-સાથે આપણી સેનાની મેડિકલ ક્ષેત્રની કાર્યદક્ષતા પણ ઉદાહરણરૂપ બની છે. આપણે વાત કરી રહ્યા છીએ આરોગ્ય મૈત્રીની. હા, એ જ આરોગ્ય મૈત્રીની જે ભીષ્મ ક્યુબની જન્મદાત્રી છે. એ જ આરોગ્ય મૈત્રી જેણે યુક્રેનમાં પણ પોતાની સેવા દ્વારા પરોપકારની સદ્ભાવના દેખાડી હતી. એ જ ભીષ્મ ક્યુબ્સ જેને આજે લોકો પોર્ટેબલ હૉસ્પિટલ તરીકે પણ ઓળખે છે અને એ જ પોર્ટેબલ હૉસ્પિટલ જે પળવારમાં ઑપરેશન થિયેટરથી લઈને ઇન્ટેન્સિવ કૅર યુનિટ સુધીની પૂર્ણ વિકસિત હૉસ્પિટલનું સ્વરૂપ ધારણ કરી શકે છે. એ જ આરોગ્ય મૈત્રીનું ભીષ્મ ક્યુબ જે ઊડી શકે છે અને જમીન પર પ્રવાસ કરીને એકથી બીજા સ્થળે પણ જઈ શકે છે. તો વાત પહેલાં નજીકના ભૂતકાળની કરી લઈએ. ત્યાર બાદ આગળની વિગતો જાણીએ.
ભારતે સીમાવર્તી ક્ષેત્રોમાં પોર્ટેબલ હૉસ્પિટલ પહોંચાડી
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તનાવભર્યા વાતાવરણનો એ માહોલ એવો હતો કે લગભગ ૯૫ ટકા જેટલા ભારતીયોને લાગતું હતું કે આ વખતે લડાઈ આરપારની થશે અને લાંબી ચાલશે. સ્વાભાવિક છે કે જ્યારે યુદ્ધ થાય ત્યારે માતૃભારતી માટે સામી છાતીએ લડતા આપણા બાહોશ વીરો ઘાયલ પણ થાય અને તેમને ત્વરિત મેડિકલ-રાહત કે સારવારની પણ જરૂર પડે જ. દેશે એ માટે તૈયાર રહેવું જ પડે. એવા સંજોગોમાં ભારતના આરોગ્ય ખાતાએ યુદ્ધના ધોરણે દરેક સીમાંત વિસ્તારોમાં પોતાની ભીષ્મ ક્યુબ્સ મોકલી આપી હતી.
હિન્દુસ્તાન લૅટેક્સ લિમિટેડ (HLL) લાઇફકૅર લિમિટેડના વિશેષજ્ઞોની ટીમને ઉત્તર ભારતના જમ્મુથી લઈને હૃષીકેશ, ભટિંડા, કલકત્તા અને શિલૉન્ગ જેવા વિસ્તારો સહિત દેશનાં અનેક સીમાવર્તી ક્ષેત્રોમાં મોકલવામાં આવી હતી. આ ટીમ એવા મેડિકલ સ્વયંસેવકોને ટ્રેઇનિંગ આપી રહી હતી જેઓ જરૂર પડ્યે તમામ પ્રકારની મેડિકલ હેલ્પ સેનાને આપી શકે. જેમ કે ભારતીય સીમાની સૌથી નજીક એવું એક યુનિટ સ્થિત થયું હતું શેર-એ-કશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં. આ બધાં જ યુનિટ એ રીતે તૈયાર કરવામાં આવ્યાં હતાં જેઓ જરૂર પડ્યે ફ્રન્ટ પર એટલે કે સીમાની સાવ લગોલગ જઈને પણ સેવા આપી શકે.
આ દરેક પોર્ટેબલ હૉસ્પિટલમાં દવાઓ, લોહીનો જથ્થો, ઑક્સિજન, ટ્રૉમા કૅર કિટ વગેરે બધું સુનિશ્ચિત માત્રામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું. ત્યાર બાદ એઇમ્સ જેવી મેડિકલ સંસ્થાઓથી લઈને દેશભરનાં બીજાં અનેક સ્વાસ્થ્ય કેન્દ્રો અને હૉસ્પિટલોના ડૉક્ટરો અને નર્સોને સેવામાં લેવામાં આવ્યાં. સ્વાસ્થ્ય કેન્દ્રોમાં આ માટે મૉક ડ્રિલ્સ પણ થઈ અને આ રીતે સ્વયંસેવકોની એક એવી મહામૂલી જણસ ઊભી કરવામાં આવી જે ૨૪ બાય ૭ નિયંત્રણ કેન્દ્રોથી લઈને કમાન્ડ સેન્ટર્સ સુધીનાં તમામ યુનિટ્સ સાથે સમન્વય સાધીને કામ કરી શકે.
ભીષ્મ ક્યુબ્સ - આરોગ્ય મૈત્રી શું છે?
ભીષ્મ ક્યુબ એ ભારતના આરોગ્ય મૈત્રી પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવેલા એવા ક્યુબ્સ એટલે કે ટેન્ટ છે જે ગણતરીની પળોમાં એક સંપૂર્ણ ફુલફ્લેજ્ડ હૉસ્પિટલમાં પરિવર્તિત થઈ શકે છે. દેશના ધોરી માર્ગે થઈને એક-એક સ્થળે પહોંચેલાં આ યુનિટ્સમાં ૨૦૦૦ કરતાંય વધુ સ્વાસ્થ્ય ઉપચાર સેવા સ્વયંસેવકો હતા. પ્લેન દ્વારા, દરિયાઈ માર્ગે કે ટ્રક્સ, ટેમ્પો કે બીજા કોઈ પણ વાહન દ્વારા ટ્રાવેલ કરી શકે એવી સુસજ્જ આખેઆખી હૉસ્પિટલ એટલે ભીષ્મ ક્યુબ. વાત કંઈક એવી છે કે કેન્દ્ર સરકારે સંપૂર્ણપણે ઇન્ડિજિનીયસ એવો એક પ્રોજેક્ટ હાથ ધર્યો હતો ‘આરોગ્ય મૈત્રી!’ આ પ્રોજેક્ટ અંતર્ગત એક હંગામી ટેન્ટ ડેવલપ કરવામાં આવ્યો જેની ડિઝાઇન, પ્રોડક્શન અને ડેવલપમેન્ટ બધું કહેતાં બધું જ સંપૂર્ણપણે ભારતમાં થયું.
પોર્ટેબલ હૉસ્પિટલ તરીકે ઓળખાતા આ બેનમૂન ક્યુબ એ એક સંપૂર્ણ હૉસ્પિટલની ગરજ સારે એવી છે. અહીં કોઈકને ગોળી વાગી હોય ત્યાંથી લઈને ફ્રૅક્ચર, ગંભીર રક્તસ્રાવ કે બીજી કોઈ પણ નાની-મોટી ઇજાનો ઇલાજ ત્વરિત થઈ શકે છે. આવી પોર્ટેબલ હૉસ્પિટલમાં ઑપરેશન થિયેટર્સથી લઈને ઑક્સિજન સિલિન્ડર્સ સહિતની બધી જ મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય છે. સંપૂર્ણ સ્વદેશી એવી આ બેનમૂન બનાવટની ડિઝાઇન જ એ રીતે બનાવવામાં આવી છે કે એ ગમે એટલી વિકટ પરિસ્થિતિ અને ગમે એટલાં વિકટ સ્થળોએ પણ પળવારમાં પહોંચી શકે. સમજી લોને કે આ એક ઊડતો, ટ્રાવેલ કરતો ટેન્ટ છે જે મજાના એક નાના બૉક્સમાં ગડી થઈને પડ્યો હોય. પ્લેન, સ્ટીમર કે વાહન દ્વારા એ નિર્ધારિત સ્થળે પહોંચે અને ત્યાં જઈને ગડી ખોલો એટલે અકલ્પનીય હૉસ્પિટલમાં પરિવર્તિત થઈ જાય. એવો ટેન્ટ જે માત્ર ઘાયલોને હૉસ્પિટલમાં લઈ જવા પહેલાં પ્રાથમિક સારવાર જ આપે એવું નહીં, પરંતુ સંપૂર્ણ ઇલાજ કરી શકે એવો ટેન્ટ. મૂળતઃ આ સેટઅપમાં બે મોટા ક્યુબ્સ હોય છે જે નાના મૉડ્યુલર ક્યુબથી બન્યા હોય છે. ઑપરેશન થિયેટર સિવાય આવા ક્યુબમાં સ્થાનિક લોકો પાસે રક્તદાન મેળવી જરૂરિયાતમંદ દરદીને રક્ત ચડાવવાથી લઈને એ બ્લડ-બૅગ્સ સાચવવા માટેનો ડિપોઝિટ વૉલ્ટ પણ હોય જ છે. અને હા, આ લોહી એમ જ ચડાવી દેવાતું નથી. એમાં એચઆઇવી, હેપેટાઇટિસ જેવાં રક્તજનિત સંક્રમણોની તપાસ કરવા માટેની કિટ સુધ્ધાં હોય છે.
સંપૂર્ણ સ્વદેશી એવા આ ક્યુબ્સ પહેલી વાર ભારતમાં G20 પ્રેસિડન્સી સમયે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. હાલ આ હંગામી છતાં સ્થાયી એવી પોર્ટેબલ હૉસ્પિટલમાં લગભગ ૨૦૦ જેટલી અલગ-અલગ બીમારીઓનું પરીક્ષણ અને ઇલાજ થઈ શકે એવી ક્ષમતા છે.
કારકિર્દીના ચાર ચાંદ
તબીબી ક્ષેત્રે ભારતે વિકસાવેલું આ એક એવું બ્રહ્માસ્ત્ર છે જે કોઈ પણ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં કોઈ પણ ક્ષેત્રે પોતાની સેવા આપી શકે છે - પછી એ ભૂકંપ હોય અથવા પૂર, સુનામી કે ફૉરેસ્ટ ફાયરની પરિસ્થિતિ હોય કે યુદ્ધની. એને નામ આપવામાં આવ્યું ‘પ્રોજેક્ટ ભીષ્મ’! જરૂરિયાતના કોઈ પણ સ્થળે પહોંચ્યા પછી માત્ર એક કલાકમાં ઍસેમ્બલ કરી શકાય એવી આ ભીષ્મ હૉસ્પિટલ તૈયાર કરવા માટે અનેક ડૉક્ટરો અને મેડિકલ એક્સપર્ટ્સની સલાહ અને ઇનપુટ્સ લેવામાં આવ્યાં. એની સાથે જ આઇટી અને સૉફ્ટવેર જિનીયસની મદદથી એમાં અનેક સિસ્ટમ્સ, મૉનિટર્સ અને બીજાં ઇક્વિપમેન્ટ્સ પણ આમેજ કરવામાં આવ્યાં. એક એવું ફ્લેક્સિબલ સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યું જેને જરૂરિયાત અનુસાર ઢાળી શકાય, એમાં સુધારા-વધારા કરી શકાય અને એકસાથે ૨૦૦ જેટલા પીડિતોની સારવાર અને સેવા કરી શકાય.
માનવામાં નહીં આવે એવી આ ભીષ્મ ક્યુબ સુવિધા અણીના સમયે માત્ર ને માત્ર ૧૨ મિનિટમાં જ ડિપ્લોય કરી શકાય એવી એફિશ્યન્ટ બનાવવામાં આવી છે. આમ જોવા જઈએ તો લગભગ ૭૨ જેટલા ડીટેચેબલ મિની ક્યુબ્સમાં વિભાજિત આ હૉસ્પિટલ જાણે કોઈ પઝલની રમત જેવી છે. આ ૭૨ ક્યુબ્સને ટ્રાવેલ કરાવી જરૂરિયાતના સ્થળે લઈ જાઓ અને ત્યાં એને ભેગા કરીને પરિવર્તિત કરી નાખો એક ફુલફ્લેજ્ડ હૉસ્પિટલમાં.
ભારતનો વિશ્વને સૌહાર્દ કૉલ
ભારતમાં જન્મેલી, બનેલી અને ડેવલપ થયેલી આ સંપૂર્ણ ઇન્ડિજિનીયસ પોર્ટેબલ હૉસ્પિટલનો ઉપયોગ ભારત માત્ર પોતાના માટે જ કરશે એવું નથી. હ્યુમૅનિટેરિયન જેસ્ચર તરીકે ભારતે વિશ્વઆખાને સૌહાર્દ સાથે જણાવ્યું કે વિશ્વના કોઈ પણ ખૂણે ક્યારેય કોઈ દેશને જરૂર હશે ત્યારે ભારત એની આ બેનમૂન બનાવટ પહોંચાડશે.
અને એ જ થયું. લાંબા સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં ગયા વર્ષે જ ભારતે મિત્રતામાં કરેલી સેવા તરીકે સહાનુભૂતિ અને સેવાભાવનું પ્રદર્શન કરતાં પોતાના ભીષ્મ ક્યુબ્સનો એક મોટો જથ્થો યુક્રેન મોકલ્યો હતો. ૨૦૦ ટન વજનનું એ કન્સાઇનમેન્ટ ૧૦ જેનસેટ્સ સાથે ભારતની ભીષ્મ પોર્ટેબલ હૉસ્પિટલ્સ યુક્રેન પહોંચી હતી.
એ જ રીતે દેશમાં કોઈ મોટી ઇવેન્ટ સમયે પણ કામમાં આવી શકે એવી આ સેવાનું પદાર્પણ અયોધ્યામાં જ્યારે રામ મંદિરનો ઉદ્ઘાટન-લોકાર્પણ ઉત્સવ હતો ત્યારે પણ થયું હતું. ત્યાર બાદ બાવીસમી એપ્રિલ પછીના સમયે કોઈ બાહોશ સૈનિકની માફક ભારતના સીમાંત વિસ્તારોમાં પણ ભીષ્મ ક્યુબ તહેનાત કરી દેવામાં આવ્યા હતા. હા, નાપાક પાકિસ્તાનીઓના એ ટેરરિસ્ટ આકાઓને કહેજો કે તમે મરવા પડો ત્યારે અમારા ભીષ્મ ક્યુબ્સ કોઈ કાળે કામમાં નથી આવવાના. તેમણે તો આજ સુધી ભીખ જ માગી છે અને ભીખ જ માગવી પડશે. તો પણ હવે આ નવું ભારત એમ કંઈ પીગળે એમ નથી. આથી ભીષ્મ ક્યુબ તમારા માટે તો વર્ષોનાં વર્ષો સપનું જ રહેવાનું છે. જોકે ભારત હવે એ નવું ભારત છે જે રોગનું નિદાન કરવું પણ જાણે છે, એનો ઇલાજ કરવો પણ જાણે છે અને એની સામે લડવું પણ જાણે છે! ૩ દિવસમાં એ જવાબ તો બરાબર મળી જ ગયો હશે, બરાબરને?
નેક્સ્ટ ગોલ છે ગામડાંઓમાં દરદી સુધી હૉસ્પિટલ પહોંચાડવી
સરકાર અને આરોગ્ય ખાતું વિચારી રહ્યાં છે કે આ ભીષ્મ ક્યુબને વિકસાવીને હવે એનો ઉપયોગ દેશના ખૂણે-ખૂણે પ્રાથમિક સ્વાસ્થ્ય સેવા કેન્દ્ર તરીકે પણ કરવો જોઈએ. એટલું જ નહીં, ક્યાંક રોડ-અકસ્માત થયો કે બિલ્ડિંગ, બ્રિજ કે રેલવે ખોટકાઈ પડવાને કારણે સર્જાતા અકસ્માત વખતે દરદીને હૉસ્પિટલ સુધી નહીં પરંતુ હૉસ્પિટલ દરદી સુધી પહોંચી શકે એવી સગવડ ઊભી કરવામાં આવે.