બે વર્ષ પહેલાં બંધ થવાની હતી એ સરકારી સ્કૂલ આજે વિશ્વની ટૉપ ૧૦ સ્કૂલોની યાદીમાં સ્થાન પામી

22 June, 2025 03:46 PM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

ગભગ બે દાયકાથી વધુ સમયથી સરકારી સ્કૂલો સાથે કામ કરતા દત્તાત્રેય વારેએ થોડાં વર્ષો પહેલાં જ પુણે જિલ્લાની વાબલેવાડીની સરકારી સ્કૂલને ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડની બનાવી હતી.

બે વર્ષ પહેલાં બે ઓરડાની સ્કૂલનું જૂનું ખોરડું (ડાબે) અને આજે બાળકોના વિઝન મુજબનું કાચની દિવાલોવાળી નવી સ્કૂલની ઇમારત.

પુણેના ખોબા જેવડા જાલિંદરનગર જિલ્લા પરિષદની મરાઠી મીડિયમની સ્કૂલનું આ ચમત્કારિક ટ્રાન્સફૉર્મેશન કરાવી આપ્યું છે દત્તાત્રેય વારે નામના પ્રિન્સિપાલે. લગભગ બે દાયકાથી વધુ સમયથી સરકારી સ્કૂલો સાથે કામ કરતા દત્તાત્રેય વારેએ થોડાં વર્ષો પહેલાં જ પુણે જિલ્લાની વાબલેવાડીની સરકારી સ્કૂલને ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડની બનાવી હતી. વારે ગુરુજીના હુલામણા નામે જાણીતા આ શિક્ષકનું મિશન છે સ્કૂલોને સ્કિલ બેઝ્ડ કમ્યુ‌નિટી ભાગીદારીનું મૉડલ બનાવવાનું અને સરકારી શાળા કનિષ્ઠ છે એ માન્યતાને ચૂરચૂર કરવાનું 

સરકારી નિયમ છે કે સ્કૂલમાં ૧૦થી ઓછાં બાળકોની સંખ્યા હોય તો એ સ્કૂલ ચલાવવાનો કોઈ મતલબ નથી. એ સ્કૂલને નજીકના ગામની બીજી કોઈ સ્કૂલ સાથે મર્જ કરી દેવામાં આવે. ૨૦૦૬માં શરૂ થયેલી પુણેના ખેડ તાલુકામાં આવેલી જાલિંદરનગર જિલ્લા પરિષદની મરાઠી માધ્યમની સ્કૂલ મરવાના વાંકે ચાલી રહી હતી. માત્ર ૩ જ સ્ટુડન્ટ બચ્યા હતા અને એ સ્કૂલને બંધ કરવાનો આદેશ એક વાર તો અપાઈ પણ ચૂક્યો હતો. જોકે ફિલ્મોમાં થાય છે અદ્દલ એવું જ કંઈક આ સ્કૂલમાં થાય છે. એક સફળ શિક્ષકની અહીં ટ્રાન્સફર કરવામાં આવે છે. જાણે ચૅલેન્જ અપાતી હોય કે જો તમારામાં તાકાત હોય તો આ પહાડી જંગલ જેવા સૂકાભઠ વિસ્તારમાં આવેલી સ્કૂલને ટ્રાન્સફૉર્મ કરી બતાવો.

આ શિક્ષક એટલે દત્તાત્રેય વારે. આ એ શિક્ષક છે જેમણે ૨૦૧૨થી પુણેની વાબલેવાડી જિલ્લા પરિષદ સરકારી સ્કૂલને એક ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડની સ્કૂલ બનાવવામાં સિંહફાળો આપ્યો હતો. ભારતની પહેલી ઝીરો એનર્જી સ્કૂલનો ખિતાબ મેળવનારી એ સરકારી સ્કૂલને ગામલોકો, પેરન્ટ્સ, શિક્ષકો અને સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી એવું કમ્યુનિટી લર્નિંગ મૉડ્યુલ બનાવ્યું કે ભારતભરની સ્કૂલોના પ્રતિનિધિઓ એ જોવા આવતા. એક દાયકામાં તો વાબલેવાડીની પ્રસિદ્ધિ એટલી વધી કે નજીકમાં જ આવેલી બીજી મૉડર્ન ઇન્ટરનૅશનલ સ્કૂલ છોડીને વિદ્યાર્થીઓ વાબલેવાડીની સરકારી સ્કૂલમાં દાખલો લેવા લાગ્યા. શિક્ષક દત્તાત્રેય વારે હવે વિદ્યાર્થીઓ અને ગામવાસીઓ માટે લાડીલા વારે ગુરુજી બની ગયા. આ ભલે એજ્યુકેશન સિસ્ટમ માટે સારું હોય, પરંતુ એજ્યુકેશનને બિઝનેસ માનતા લોકો માટે તો સારું ન જ હોય. ખૂબ હંગામા અને રાજકારણના દાવપેચ પછી એવું નક્કી થયું કે શિક્ષક દત્તાત્રેય વારેને ટ્રાન્સફર કરી દેવા, એ પણ એવી સ્કૂલમાં જે ઑલમોસ્ટ ગમે એ ક્ષણે બંધ થવાની છે.

પ્રયોગ કરીને જાતે શીખી રહેલાં બાળકો.

જે સ્કૂલને પોતાના ઇનોવેટિવ આઇડિયાઝ અને મહેનતથી સીંચીને ફૂલના બગીચાની જેમ ખીલવી એ સ્કૂલને અચાનક છોડવાનો આઘાત ન લાગ્યો? એ સવાલના જવાબમાં દત્તાત્રેય વારે કહે છે, ‘શરૂઆતમાં ચોક્કસ ફીલ થયું કે આ શું થઈ ગયું? છતાં મેં નક્કી કરેલું કે મારે એવું નથી વિચારવું કે મારી સાથે અન્યાય થયો છે. મારે એને તકની જેમ ઝડપીને મારી જાતને પ્રૂવ કરવી છે. વાબલેવાડી પછી જો હું બીજી સ્કૂલ માટે કંઈ જ ન કરી શકું તો લોકો એને એક અકસ્માતે મળેલી સફળતા કહેત. જો હું બીજી સ્કૂલને પણ મદદ કરી શકું તો મારી કાબેલિયત ખરી કહેવાય.’

જોકે મનોમન આવું વિચારતા દત્તાત્રેય વારેને એ ખબર નહોતી તેમણે જે સ્કૂલ માટે કામ કરવાનું છે એની કન્ડિશન શું છે. પહેલી વાર સ્કૂલ શોધતાં-શોધતાં તેઓ આવ્યા ત્યારના અનુભવ વિશે દત્તાત્રેય વારે કહે છે, ‘હું આ સ્કૂલનો ચાર્જ લેવા નીકળ્યો ત્યારે મનમાં ઘણુંબધું ચાલી રહ્યું હતું. અમારી ગાડી પાકા રોડ પરથી કાચા રોડ પર આવી અને એક તબક્કે તો કાચો રોડ પણ ખતમ થઈ ગયો. પહાડની પાસે જ્યાં રસ્તો નહોતો એ ચડીને ત્યાં જવાનું હતું. એ વખતે મને થઈ ગયું કે ભગવાન મારાથી એવું કયું પાપ થઈ ગયું કે મારે આ રસ્તે જવું પડે છે? થોડુંક ચાલ્યા પછી તૂટેલીફૂટેલી બે રૂમ જેવું દેખાયું. એ જ સ્કૂલ હતી; પણ હા, ત્યાંની બસ્તીના કેટલાક લોકો હતા. તેમણે મારું સ્વાગત કર્યું. તેમણે મારી વાબલેવાડી સ્કૂલની વાત સાંભળેલી એટલે કહ્યું કે ગુરુજી, ભગવાનની દયા છે કે તમે અહીં આવ્યા. પહેલો વાર્તાલાપ સારો રહ્યો. તેમણે કહ્યું કે શું તમે અહીં વાબલેવાડી જેવી સ્કૂલ બનાવી શકો? ત્યારે મેં કહ્યું કે એ સ્કૂલ મેં નહોતી બનાવી, એ તો ત્યાંના લોકોએ મળીને બનાવી છે, હું તો માત્ર તેમની સાથે હતો; જો તમે ઇચ્છતા હો તો એ કામ તમારે જ કરવું પડશે, હું અહીં પણ તમારી સાથે છું. કદાચ ગામલોકોને આ વાત ગળે ઊતરી ગઈ. તેમની ભાગીદારી વિના કશું જ શક્ય નથી એ વાત તેમને સમજાઈ ગઈ છે.’

બાળકો સાથે સ્કૂલ વિશેની ઇન્ફૉર્મલ ચર્ચા કરતા દત્તાત્રેય વારે.

ચાલો, અહીં પણ કરી દેખાડીએ

૨૦૨૨ના ફેબ્રુઆરી મહિનામાં દત્તાત્રેય વારેએ જાલિંદરનગર જિલ્લા પરિષદ સ્કૂલની કમાન સંભાળી. બે ખંડેર રૂમ અને ત્રણ વિદ્યાર્થીઓવાળી આ કહેવાતી સ્કૂલને ખરા અર્થમાં સ્કૂલ બનાવવાનું કામ શરૂ થયું. વાબલેવાડીમાં કરેલા કામનો કમ્યુનિટીની ભાગીદારીનો અનુભવ તેમને બહુ કામ લાગ્યો એની વાત કરતાં દત્તાત્રેયભાઈ કહે છે, ‘મહારાષ્ટ્રમાં હજારો સરકારી સ્કૂલ છે. હું માનું છું કે સ્કૂલ કેવી હોવી જોઈએ એ નક્કી કરવાનું કામ કે ચિંતા સરકારની ન હોવી જોઈએ. આપણાં બાળકો અહીં ભણે છે એ વાલીઓએ મળીને સ્કૂલની ચિંતા કરવી જોઈએ. જેમનાં બાળકો અહીં ભણે છે એ વાલીઓ અને ગામજનો પણ જો એમાં સંકળાય, પોતાનું યોગદાન આપે તો જ એ સ્કૂલ ખરા અર્થમાં બાળક માટે કામની છે. બીજું, મેં જોયું છે કે સરકારી સ્કૂલોમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી. કમી હોય છે શિક્ષણ માટે પૅશનેટ લોકોની; કમી હોય છે રોલમૉડલ બનીને એથિક્સ અને કલ્ચરનું બાળકોમાં રોપણ કરે એવા વાલીઓ, શિક્ષકો અને ગામજનોની. પૉલિટિક્સ ન થાય, સ્કૂલને મંદિર સમજીને સારું એથિકલ કલ્ચર ઊભું થાય તો કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR) થકી આર્થિક સહાય તો જોઈએ એટલી મળી રહે છે. સ્કૂલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને એમાં કેવી રીતે ભણાવવું એ તમામ નિર્ણયોમાં હું મારા વિદ્યાર્થીઓને મારી સાથે રાખું છું. કઈ રીતે એ જણાવું. જે સ્કૂલમાં બાળકોએ ભણવાનું છે તેમને કેવો માહોલ ગમે છે એ જાણવું. મેં વાબલેવાડીમાં પણ એ જ કર્યું હતું અને જાલિંદરનગરની આ સ્કૂલમાં પણ એ જ કર્યું. સ્ટુડન્ટ્સે જ કહેલું કે તેમને બંધ રૂમ જેવા ક્લાસરૂમ ગમતા નથી, સ્કૂલમાં બેસીને પણ બહારનું જોઈ શકાવું જોઈએ. એટલે સ્કૂલની દીવાલો કાચની અને પારદર્શક છે. બાળકોને સ્કૂલમાં બંધાઈ ગયાં છે એવું લાગે જ નહીં. જેને જ્યાં બેસીને ભણવું હોય ત્યાં બેસવાની છૂટ. બે ક્લાસની વચ્ચે દીવાલો પણ નથી. એક મોટા હૉલ જેવું છે જ્યાં દરેક સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ સાથે બેસીને ભણી શકે એવો માહોલ છે. આખી સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભલે મેં ડિઝાઇન કર્યું છે, પણ એમાં શું હોવું જોઈએ એ સ્થાનિક બાળકોની ઇચ્છા અને જરૂરિયાત મુજબનું છે. મોટા ભાગે લોકો બીજી સ્કૂલોને જોઈને આપણે ત્યાં ફલાણું-ઢીંકણું હોવું જોઈએ એવું માને છે, પણ હું માનું છું કે દરેક ચીજ જરૂરિયાત શું છે એને ધ્યાનમાં રાખીને થવી જોઈએ. અમારાં બાળકોને ઇમ્પોર્ટેડ બેન્ચ પર બેસાડીને ભણવાની જરૂર જ નથી લાગતી. તેઓ કુદરતી રીતે કઈ રીતે શીખે એ મહત્ત્વનું છે. આ આખી સ્કૂલ મેં, મારા વિદ્યાર્થીઓ અને વાલીઓએ સાથે મળીને બનાવી છે. આવું જ્યારે થાય છે ત્યારે દરેકનું કમિટમેન્ટ લેવલ બદલાઈ જાય છે.’

પ્રિન્સિપાલ દત્તાત્રેય વારે  સાથે શિક્ષક અને બાળકોની ટીમ. 

ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ તો ૭ મહિનામાં પતી ગયું, પણ સ્ટુડન્ટ્સ ક્યાંથી આવ્યા? એના જવાબમાં પણ દત્તાત્રેય ગુરુજી કહે છે - લોકભાગીદારીથી. જાલિંદરનગર ગામમાં માત્ર વીસથી પચીસ ઘરો છે. ખાલી આ ગામનાં જ બાળકો સ્કૂલમાં આવે એવું તો બનવાનું નથી એટલે સ્કૂલનું બાંધકામ ચાલી રહ્યું હતું અને લોકોને એકઠા કરવાનું શરૂ થયું ત્યારે જ આસપાસનાં ગામોમાંથી પણ વિદ્યાર્થીઓ જોડાવા લાગ્યા. એ પછી ઍકૅડેમિક રિફૉર્મેશન કઈ રીતે શરૂ થયું એ વિશે દત્તાત્રેય વારે કહે છે, ‘આ સ્કૂલમાં વિષયવાર પિરિયડ્સ નથી હોતા. અલગ-અલગ ધોરણના વિદ્યાર્થીઓ એકસાથે જ બધું શીખે છે. તેમને શીખવવા માટે અમે ગેમ્સ અને પ્રૅક્ટિકલનો સહારો લઈએ છીએ. પરીક્ષા આવશે ત્યારે યાદ રહેવું જોઈએ એ ભાવથી નહીં, પણ જીવનમાં જરૂર પડ્યે કરતાં આવડવું જોઈએ એ વિચારથી દરેક સ્કિલ શીખવવામાં આવે છે. મારી સ્કૂલમાં બાળકોને અમે મલ્ટિ-લૅન્ગ્વેજ માધ્યમથી ભણાવીએ છીએ. ઍકૅડેમિક અભ્યાસક્રમ તો શરૂઆતના બે-ત્રણ મહિનામાં જ કમ્પ્લીટ થઈ જાય છે. બાકીના વર્ષમાં તો બાળકો તેમને ગમતી હોય એ સ્કિલ્સ શીખે છે.’

કમ્યુનિટીની ભાગીદારી માટે ગ્રામજનો સાથે પ્રિન્સિપાલ દત્તાત્રેય વારે.

ભણાવવાનું મૉડલ પણ અનોખું

જાલિંદરનગર જિલ્લા પરિષદની સ્કૂલમાં અત્યારે સાતમા ધોરણ સુધીનાં બાળકો ભણે છે. દત્તાત્રેય વારે કહે છે, ‘મારા દરેક વિદ્યાર્થીને શું આવડે છે, શું નથી આવડતું, તેનો રસ શું છે એ બધું જ ખબર છે; પણ તે કયા ધોરણમાં ભણે છે એની મને ખબર નથી. અહીં પરીક્ષા માટે ભણાવાતું જ નથી. પરીક્ષા તો બાળકો હસતાં-રમતાં આપી દે છે. જ્યારે પણ ઍકૅડેમિક એક્ઝામ હોય ત્યારે અમે અઠવાડિયા પહેલાં તેમને શેડ્યુલ આપીને કહી દઈએ કે પરીક્ષા છે, તમને જે આવડે છે એ પૂરા દિલથી લખજો. મોટા ભાગે સાતમાના વિદ્યાર્થીઓને નવમા-દસમા ધોરણના ફન્ડા આવતા હોય અને પાંચમા ધોરણમાં ભણતા વિદ્યાથીઓને સાતમા ધોરણના, કેમ કે અહીં વિદ્યાર્થીઓ એકબીજા પાસેથી પણ શીખે છે. જ્યારે પરીક્ષાલક્ષી શિક્ષણ નથી હોતું ત્યારે બાળકોનું ધ્યાન નવું શીખવા પર કેન્દ્રિત કરી શકાય છે અને અત્યાર સુધી આ બાળકોનો પરીક્ષાનો પર્ફોર્મન્સ પણ ખૂબ સારો રહ્યો છે.’

ગામના જ નિષ્ણાતો બાળકોને વિવિધ કળા શીખવવા આવે છે. 

બે શિક્ષકો, કમ્યુનિટી અને ૧૨૦ વિદ્યાર્થીઓ

જાલિંદરનગરની સરકારી સ્કૂલ રિવાઇવ તો થઈ ગઈ અને અહીં સ્ટુડન્ટ્સની સંખ્યા ત્રણમાંથી ૧૨૦ થઈ ગઈ છે. જોકે શિક્ષકો હજીયે બે જ છે. એમ છતાં અમને કદી શિક્ષકોની કમી સાલી જ નથી એમ જણાવતાં વારે ગુરુજી કહે છે, ‘અમારું ભણાવવાનું મૉડ્યુલ જ અલગ છે. આગળ કહ્યું એમ પાઠ્યપુસ્તકને વળગી રહેવાની તો વાત જ નથી. બાળકોએ ચાર લેવલમાં શીખવાનું રહે. સૌથી પહેલાં તો સેલ્ફ-લર્નિંગ. જાતે વાંચીને સમજવાનું અને શીખવાનું. બીજા લેવલમાં ગ્રુપ-લર્નિંગ આવે. તમને જો ન સમજાય તો દોસ્તો સાથે ચર્ચા કરીને અને ગ્રુપમાં ચર્ચા દરમ્યાન શીખવાનું. ત્રીજું લેવલ છે ટેક્નૉલૉજીથી શીખવાનું. ગૂગલ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ચૅટજીપીટી થકી શીખવાનું. છેક છેલ્લે તેઓ શિક્ષક પાસે આવે. આ લેવલ પર અમે અંગત રીતે બાળકો સમજ્યાં કે શીખ્યાં છે કે નહીં એ જોઈએ. અમારી સ્કૂલની સૌથી મોટી ખાસિયત જો કોઈ હોય તો એ છે કમ્યુનિટી લર્નિંગ, લોકભાગીદારીથી શીખવું. ઉદાહરણ તરીકે કહું તો ઇલેક્ટ્રૉનિક્સ ‌વિશે બાળકો પુસ્તકમાંથી શીખે એના કરતાં તેઓ પ્રૅક્ટિકલ દ્વારા ઇલેક્ટ્રૉનિક્સના એક્સપર્ટ પાસેથી જ શીખે. નજીકના ગામમાં એક ભાઈ વીસ-પચીસ વર્ષથી ઇલેક્ટ્રૉનિક્સની દુકાન ચલાવે છે. તેઓ બાળકોને દરેક ઇલેક્ટ્રૉનિક આઇટમોના પ્રૅક્ટિકલ દ્વારા શીખવે છે. એક બહેન છે જે મોટી કંપનીમાં કોડિંગનું કામ કરે છે. તેઓ અમારાં બાળકોને ચાર અલગ-અલગ લૅન્ગ્વેજમાં કોડિંગ કરતાં શીખવે છે. એવી જ રીતે બાગકામ, આર્ટ ઍન્ડ ક્રાફ્ટ અને જીવનજરૂરિયાત માટેની તમામ સ્કિલ્સ અહીં લોકભાગીદારી દ્વારા શીખવવામાં આવે છે.’

સ્કૂલનો ટાઇમ પણ અનોખો

સામાન્ય રીતે સરકારી સ્કૂલનો ટાઇમ સાડાદસ વાગ્યાથી પોણાપાંચ વાગ્યા સુધીનો હોય, પણ જાલિંદરનગરની સ્કૂલ એમાંય અલગ છે. દત્તાત્રેયસર કહે છે, ‘અમારી સ્કૂલમાં બાળકો સવારે નવ વાગ્યે આવી જાય છે અને ઍક્ટિવિટીઝ પૂરી થતાં લગભગ છથી સાડાછ થઈ જાય છે. જો તમારે એક્સપરિમેન્ટ્સ કરીને ફ્રી વાતાવરણમાં ભણાવવું હોય તો આટલો સમય તો જોઈએ જ. હું કહેતો હોઉં છું કે આ સ્કૂલ બોર્ડિંગ નહીં પણ સેમી-બોર્ડિંગ સ્કૂલ જેવી છે. બધું જ સ્કૂલમાં કરી લેવાનું. આજકાલ બાળકો ઘરે આવીને પણ હોમવર્ક કરવામાં ઊંધાં પડી જાય છે, જ્યારે અહીં સ્કૂલનું બધું જ કામ સ્કૂલમાં પૂરું કરવાનું. હા, સોશ્યલ એક્સપરિમેન્ટને લગતું કોઈ અસાઇનમેન્ટ હોય જેમાં ગામના લોકોને મળીને પૂછવાનું, વાતો કરવાની અને સોશ્યલ એથિક્સને લગતું હોમવર્ક હોય તો એ ક્યારેક કરવાનું હોય. જોકે એ પણ બાળકો માટે બર્ડન ન હોય. સ્કૂલના કલાકો લાંબા છે અને રિમોટ વિસ્તારમાં સ્કૂલ છે એટલે આસપાસનાં ગામોમાંથી બાળકોને લાવવા-લઈ જવાની વ્યવસ્થા સ્કૂલ તરફથી જ કરવામાં આવી છે.’

વર્લ્ડ બેસ્ટ સ્કૂલની યાદીમાં છલાંગ

કમ્યુનિટી લર્નિંગ એ ભારતીય શિક્ષણપ્રથા માટે બહુ જ મહત્ત્વનો આયામ છે એવું દૃઢપણે માનતા દત્તાત્રેય વારેએ આ બીજી સ્કૂલમાં જે કંઈ પણ થયું એનું ડૉક્યુમેન્ટેશન પણ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ કહે છે, ‘વાબલેવાડીની સ્કૂલમાં પણ અમે કમ્યુનિટી લર્નિંગનો જ પ્રયોગ કરેલો, પણ એ બધું એટલું ઑર્ગેનિકલી થયું કે એનું દસ્તાવેજીકરણ કરવાનો સમય જ ન મળ્યો. આ બીજી સ્કૂલ હતી એટલે અમારી પાસે પહેલી સ્કૂલનો અનુભવ ક્લિયર હતો એટલે કામની સાથે-સાથે ડૉક્યુમેન્ટેશન પણ ચાલુ કર્યું. હવે મને વિશ્વાસ છે કે અમે એવું ફૉર્મેટ તૈયાર કર્યું છે જેને ફૉલો કરીને ક્યાંય પણ આ પ્રકારની લોકભાગીદારીવાળી સરકારી સ્કૂલ બનાવી શકાય. આ વિશ્વાસ કેટલો સાચો છે એની ખરાઈ કરવા અમે ગયા સપ્ટેમ્બર મહિનામાં પુણે જિલ્લાની સરકારી શાળાઓ વચ્ચે એક સ્પર્ધા થાય છે એમાં ભાગ લીધો અને જિલ્લાની ૪૦૦૦ સ્કૂલોમાંથી બેસ્ટ સ્કૂલની ટ્રોફી મેળવી. એ પછી મારી નજર મહારાષ્ટ્રની સરકારી સ્કૂલોની કૉમ્પિટિશન તરફ ગઈ અને અમે એમાં પણ અવ્વલ આવ્યા. એ પછી કોઈકના થકી મને આર્જેન્ટિના દ્વારા થતી ઇન્ટરનૅશનલ સ્કૂલ કૉમ્પિટિશન વિશે જાણવા મળ્યું. એમાં ઘણીબધી કૅટેગરી હતી. જો મેં ઍડવર્સિટીમાંથી ઊભરી આવેલી સ્કૂલની કૅટેગરીમાં ભાગ લીધો હોત તો એ શ્યૉર શૉટ વિન કહેવાય એવી સિચુએશન હતી. કોઈને પણ લાગી શકે કે અઢી-ત્રણ વર્ષમાં સ્કૂલનું પર્ફોર્મન્સ છે એ સારું જ છે. જોકે મને રસ લોકભાગીદારીમાં છે. એટલે મેં કમ્યુનિટી લર્નિંગ મૉડ્યુલની કૅટેગરીમાં આપણી સ્કૂલનું નામ નોંધાવ્યું. એ પાછળ મારો આશય જીતવા કરતાં પણ કંઈક શીખવા મળે એનો હતો. ઇન્ટરનૅશનલ લેવલની બીજી સ્કૂલોના કમ્યુનિટી લર્નિંગના પ્રયોગમાંથી કંઈક શીખવા જેવું હોય તો એનું એક્સપોઝર મળી શકે. અમે જે કરીએ છીએ એ બહુ નાના લેવલનું છે. એને જો વિશાળ લેવલ પર મલ્ટિપ્લાય કરવું હોય તો બીજાં મૉડ્યુલ્સ વિશે પણ શીખવું જરૂરી છે. અમે ફૉર્મ ભર્યા પછી લગભગ સાતેક તબક્કાઓમાંથી પસાર થવાનું આવ્યું. અમે જીતવાની કોઈ જ આશા વિના માત્ર જે કરીએ છીએ એના પર જ ફોકસ કરીને મારા સ્ટુડન્ટ્સ સાથે મળીને અમારી વાત રજૂ કરી. છેલ્લો રાઉન્ડ ઑનલાઇન ડેમોન્સ્ટ્રેશનનો હતો. એ વખતે સ્કૂલના સ્ટુડન્ટ્સ અને કમ્યુનિટી ટીચર્સની સાથે મળીને અમે પ્રેઝન્ટેશન કર્યું. હજી ગયા અઠવાડિયે ૧૮ જૂને જાહેર થયું કે જાલિંદરનગર સ્કૂલને ટૉપ ૧૦ સ્કૂલની યાદીમાં સ્થાન મળ્યું છે.’

સરકારી સ્કૂલ કનિષ્ઠ નથી

આ સફળતા મળ્યા પછી કેવું લાગે છે? એનો જવાબ આપતાં દત્તાત્રેય વારે કહે છે, ‘મારે સરકારી સ્કૂલ વિશેનું લોકોનું વલણ બદલવું છે. લોકો એને સૌથી ખરાબ અથવા તો કનિષ્ઠ માને છે. સરકારી સ્કૂલમાં તો શું ભણાવાતું હશે? એવું વિચારે છે. મારે એ જ પડકાર ઝીલવો છે. જો કમ્યુનિટી ભાગીદારી હોય તો સરકારી સ્કૂલો કંઈ પણ કરી શકે છે. ’

હવે સ્કૂલને વિશ્વની ટૉપ વન બનાવવા માટે તમે વોટ આપી શકો છો

જાલિંદરનગર જિલ્લા પરિષદ સ્કૂલ એ માત્ર મહારાષ્ટ્રને જ નહીં, ભારતને ગૌરવ અપાવનારી સરકારી સ્કૂલ બની છે અને વિશ્વની ટૉપ ૧૦ સ્કૂલમાં પહોંચી છે. હવે પ્રતિયોગિતા અંતિમ ચરણમાં આવી છે ત્યારે સાર્વજનિક મતદાન દ્વારા વિજેતાનું ચયન થવાનું છે. જે સ્કૂલ ટૉપ કરશે એને એક કરોડ રૂપિયાનો પુરસ્કાર મળશે. આ સ્કૂલ વિશે જાણીને જો તમને પણ થયું હોય કે આ કામગીરી વૈશ્વિક સ્તરે સરાહના પામવાલાયક છે તો તમે પણ આ સ્કૂલને વોટ આપી શકો છો. આ માટે સાથે એક લિન્ક શૅર કરી છે. એ લિન્ક પર વોટ નાઓ બટન પર ક્લિક કરીને તમારે ઈ-મેઇલ ઍડ્રેસ અને નામ સહિત પ્રાથમિક માહિતી ભરવાની રહેશે. આ વોટ ડમી કે ફ્રૉડ નથી એ કન્ફર્મ કરવા માટે તમારા ઈ-મેઇલ ઍડ્રેસ પર લિન્ક મળશે. એના પર વોટ નાઓ બટન પર સબમિટ કરતાં તમારો વોટ જાલિંદરનગર સ્કૂલને મળી જશે. ૮મી જુલાઈ સુધો વોટિંગ લાઇન ખુલ્લી રહેશે.

આ લિન્ક છેઃ https://vote.worldsbestschool.org/publicvote25/entry/2649v

Education pune pune news technology news life and style columnists gujarati mid-day mumbai