03 December, 2025 11:18 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉદ્ઘાટન પ્રસંગે મંચ પર હાજર મહાનુભાવો અને અતિથીવિશેષ
આર ઈસ્ટ વૉર્ડ (Mumbai)ની જાણીતી ઠાકુર રામનારાયણ પબ્લિક સ્કૂલમાં વર્ષ ૨૦૨૫-૨૬નું ભવ્ય `વિજ્ઞાન પ્રદર્શન` યોજવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન જોગેશ્વરી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શક તરીકે શિક્ષણ નિરીક્ષક સંજય જવીરે સેવા પૂરી પાડી. મુખ્ય સંયોજક તરીકે સંજય પાટીલ અને સહ-સંયોજકોની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. મૂળ તો વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે, તેમના સર્જનાત્મક વિચારોને પ્લેટફોર્મ મળી રહે તે હેતુ સાથે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું.
આ વિજ્ઞાન પ્રદર્શન (Mumbai)માં વિદ્યાર્થીઓએ પોતાની ઉત્સુકતા, વિચારશક્તિ અને વૈજ્ઞાનિક જ્ઞાનના આધારે ઉત્તમ પ્રોજેક્ટ્સ પ્રેઝન્ટ કર્યા હતા. વિજ્ઞાન પ્રદર્શનમાં કેટલાંક નવાં મોડેલ પણ ધ્યાનાકર્ષક રહ્યાં જેમ કે, પર્યાવરણ સંરક્ષણ, નવાં ઊર્જાસ્રોતો, રોબોટિક્સ અને ઓટોમેશન, વેસ્ટ મેનેજમેન્ટ, હાઈડ્રોલિક સિસ્ટમ્સ, ડિજિટલ ઈનોવેશન, હેલ્થકેઅર સાયન્સ, ટકાઉ ખેતી, કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકનાં વિકલ્પો, ગ્રીન એનર્જી, મનોરંજક ગાણિતિક મોડેલિંગ, આરોગ્ય અને સ્વચ્છતા, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન જેવા વિષયોને આવરી લેતાં મોડેલ પણ જોવાં મળ્યાં હતાં. આ દરેક પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો સારી પેઠે ઉપયોગ કર્યો હતો.
Mumbai: આ અતિ ભવ્ય એવા `વિજ્ઞાન પ્રદર્શન`માં વિદ્યાર્થીઓએ જે જે પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા. તે દરેકમાં તેઓનો આત્મવિશ્વાસ, જ્ઞાન અને સંશોધનાત્મક મહેનત દેખાઈ આવતી હતી. ઘણા વિદ્યાર્થીઓએ પર્યાવરણ અને ટેક્નોલોજી સંબંધિત સમસ્યાઓના ઉકેલો દર્શાવતા મોડેલ પણ તૈયાર કર્યા હતા. જેને હાજર શિક્ષકો, વાલીઓ અને મહેમાનોએ બિરદાવ્યા હતા. શાળાના સંચાલનમંડળ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. મેનેજમેન્ટે ઉત્તમ સેવા પૂરી પાડીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શિક્ષણ નિરીક્ષક સંજય જવીરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે આવાં પ્રદર્શનોને કારણે વિદ્યાર્થીઓમાં નવી દિશામાં કશુંક વિચારતાં થવાની ક્ષમતા વિકસે છે તેમજ મુખ્ય સંયોજક સંજય પાટીલ તથા સહ-સંયોજકોએ પણ માર્ગદર્શન પૂરું પાડીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ વર્ષના વિજ્ઞાન પ્રદર્શનની થીમ હતી STEM ફોર આત્મનિર્ભર ભારત. આ વર્ષના પ્રદર્શનની જે મુખ્ય થીમ હતી તે `વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM` રાખવામાં આવી હતી. ટૂંકમાં, આર ઈસ્ટ વૉર્ડની જાણીતી ઠાકુર રામનારાયણ પબ્લિક સ્કૂલ (Mumbai)માં વિદ્યાર્થીઓની કુશળતા, કલ્પનાશક્તિ અને વૈજ્ઞાનિક જ્ઞાનને મંચ મળી રહ્યું, ઠાકુર રામનારાયણ પબ્લિક સ્કૂલનું આ આયોજન આગામી પેઢીને વિજ્ઞાન તથા ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધવા અવશ્ય દિશા અને માર્ગદર્શન પૂરું પાડશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આર ઇસ્ટ વૉર્ડના શિક્ષણ વિભાગે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૫૩મા રાજ્ય કક્ષાના બાલ વૈજ્ઞાનિક વિજ્ઞાન પ્રદર્શનના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી હતી તેના જ ભાગરૂપે આ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું.