24 June, 2025 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવું જનરેશન ઇન્ટેલિજન્ટ છે, ટેક્નોસૅવી છે, કામ કરવા તૈયાર છે; પણ જ્યારે ટાર્ગેટ પૂરો કરવાનું સખત દબાણ હોય, ટાઇટ ડેડલાઇન સાચવવાની હોય, લાંબો સમય લૅપટૉપ પર કામ કરવું પડતું હોય, સતત સ્પર્ધાત્મક વાતાવરણ હોય ત્યારે આજનો Gen Z યુવાવર્ગ કામમાંથી બ્રેક લેવા માગે છે. તેઓ સારા પૈસા કમાય છે; પણ એ પૈસા શોખ માટે વાપરવાનો સમય નથી, કુટુંબ માટે ક્વૉલિટી ટાઇમ આપી શકાતો નથી. તેથી કરીઅર-બ્રેક અને માઇક્રો-રિટાયરમેન્ટનો નવો ટ્રેન્ડ કૉર્પોરેટ ફીલ્ડમાં જોવા મળી રહ્યો છે.
ડેલોઇટ ગ્લોબલ 2024ના સર્વે મુજબ Gen Zના ૪૦ ટકા અને મિલેનિયલના ૩૫ ટકા યુવાનો કામના સ્ટ્રેસથી કંટાળી ગયા છે. હજી તો ઉંમરના ત્રીસીના દાયકામાં છે ત્યાં તો કામમાંથી બ્રેક લેવા માંડ્યા છે. કેટલાક દૂર ફરવા જતા રહે છે તો કેટલાક ઘરે બેસીને પોતાના શોખને સમય આપે છે કે નવું કંઈ શીખે છે. તેઓ જિંદગી માણવા ઇચ્છે છે. મલ્ટિનૅશનલ અને બીજી મોટી કંપનીઓનાં પગારધોરણ ઊંચાં હોય છે, પણ કામમાં નિચોવી નાખે છે. વળી વર્ક ફ્રૉમ હોમના કલ્ચરને કારણે તથા ઇન્ટરનૅશનલ ઑનલાઇન મીટિંગ્સ મોડી સાંજે કે રાતે પણ હોવાથી કામના સમયની કોઈ નિયમિતતા જળવાતી નથી. એવામાં આ યુવાવર્ગે નવો રસ્તો કાઢ્યો છે : માઇક્રો-રિટાયરમેન્ટનો.
તેમના મતે જિંદગી અને કામ વચ્ચે સંતુલન જરૂરી છે. જૉબની વચ્ચે-વચ્ચે પોતાના શોખને થોડો સમય આપવા માટે કે મોટી ઉંમરે જ્યાં જવું મુશ્કેલ થશે ત્યાં હમણાં જ ફરી આવવા માટે કે માનસિક શાંતિ માટે, ઇન શૉર્ટ, જિંદગી માણી લેવા માટે માઇક્રો-રિટાયરમેન્ટનો કન્સેપ્ટ સમજવા જેવો છે. તેમના મતે આ સ્ટૉપ નથી પણ પૉઝ છે. કેટલાક પોતાનું આગલા એક-બે મહિનાનું કામ ઍડ્વાન્સમાં જ કરી તેમના ઉપરી/ચૅરમૅનને બતાવી પોતાની જવાબદારીઓ પછીથી પણ કેવી રીતે પૂરી કરી શકશે એ સમજાવે છે. બ્રેકના સમયગાળાનું બજેટ પણ બનાવી કૅલ્ક્યુલેટેડ રિસ્ક લે છે. તેમના માટે આ બ્રેક રીચાર્જ માટે છે. તેમના પ્રમોશન અને રિટાયરમેન્ટ ફન્ડને અસર થાય તો પણ જાણે છે કે ટેક્નૉલૉજીને કારણે નવી-નવી વિશાળ ક્ષિતિજો ખૂલી રહી છે એટલે ખાતરી છે કે આગળ રસ્તો અંધારો તો નથી જ.
પોતાના પૅશન પ્રોજેક્ટની સફળતાથી તાત્કાલિક નહીં પણ થોડા સમય પછી નોકરી કરતાં ઘણું વધારે કમાતા હોય એવા દાખલા વાંચવા/જોવા મળે જ છે. પોતાને ગમતું કામ કરવાનો આનંદ કંઈ ઑર જ હોય છે.
-યોગેશ શાહ