30 June, 2025 12:53 PM IST | Mumbai | Ruchita Shah
સોશ્યલ મીડિયા
એક-બે નહીં પણ અઢળક દાખલા મળશે જેમના જીવનમાં સોશ્યલ મીડિયાને કારણે જાણે કે સોનાનો સૂરજ ઊગ્યો. આજે વર્લ્ડ સોશ્યલ મીડિયા ડે છે ત્યારે બે એવા ઇન્ફ્લુઅન્સર સાથે ગુફ્તેગો કરીએ જેમની સોશ્યલ મીડિયામાં જોડાયા પહેલાંની અને પછીની જિંદગીમાં જમીન-આસમાનનો ફરક આવ્યો છે
આજનો દિવસ ખાસ છે, કારણ કે સોશ્યલ મીડિયાનું સ્થાન આપણા જીવનમાં ખાસ બનતું હોય છે. રોટી, કપડાં, મકાન સાથે હવે સોશ્યલ મીડિયાને જોડવું જ પડે એવા દિવસો છે. દુનિયાને એક તાંતણાથી જોડવાનું અભૂતપૂર્વ કામ કરનારાં વિવિધ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મની પૉઝિટિવ સાઇડને સેલિબ્રેટ કરવા અને સાથે જ જવાબદારીપૂર્વક એનો ઉપયોગ થાય એ માટે જાગૃતિ લાવવાના આશયથી ૨૦૧૦માં વર્લ્ડ સોશ્યલ મીડિયા ડેની ઉજવણી શરૂ થઈ હતી. સોશ્યલ મીડિયાને કારણે સમયની બરબાદી થઈ રહી હોવાની બુમરાણ અને એના ગેરફાયદાની ચર્ચાઓ ઘણી વાર થતી આવી છે, પરંતુ સોશ્યલ મીડિયાએ કેટલાયની જિંદગી પણ બનાવી છે. અનેકના જીવનમાં અજવાળું પાથરવાની અને રાતોરાત કૉમન મૅનમાંથી સેલિબ્રિટી બનાવવાની પ્રક્રિયામાં સોશ્યલ મીડિયા કારગત હથિયાર સાબિત થયું છે. આજે ‘વર્લ્ડ સોશ્યલ મીડિયા ડે’ની પંદરમી વર્ષગાંઠ છે ત્યારે સોશ્યલ મીડિયાને કારણે જુદા સ્તરનું સ્ટારડમ મેળવનારા બે કૉમનમાંથી અનકૉમન ગુજરાતીઓ સાથે ગુફ્તેગો કરીએ અને જાણીએ કે તેમના જીવનમાં કેવો ચમત્કાર સર્જ્યો છે આ પ્લૅટફૉર્મે.
જસ્સી દાદીને કારણે દુનિયામાં જાણીતાં બનેલાં જસ્સી ગઢવીના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પૉઇન્ટ બન્યું સોશ્યલ મીડિયા
દસ ગુજરાતી ફિલ્મો, એક હિન્દી ફિલ્મમાં ઍક્ટિંગ કરી ચૂકેલાં આ જસ્સી દાદી છ ધોરણ સુધી ભણ્યાં છે. ગાય-ભેંસ દોહવાનું કામ કરતી ગામડાની એક મહિલા સોશ્યલ મીડિયા સ્ટાર કેવી રીતે બની ગઈ એ જર્ની રસપ્રદ છે
ખેડા જિલ્લાના એક નાનકડા ગામમાં જન્મેલાં અને નાની ઉંમરથી જ સંઘર્ષમય જીવન જીવેલાં જસ્સીબહેન ગઢવી ક્યારેક ફિલ્મસ્ટારો સાથે ઊઠતાં-બેસતાં હશે અને લોકો તેમના કામની ચર્ચા કરતાં હશે એ વાત કોઈએ સપનામાં પણ નહોતી વિચારી, પરંતુ એ તમામ કલ્પનાઓ આજે હકીકત બની રહી છે. જસ્સીબહેન ઇન્સ્ટાગ્રામ પર જસ્સી દાદી તરીકે પૉપ્યુલર છે. લગભગ પોણાબે લાખ જેટલા ફૉલોઅર્સ ધરાવતાં આ દાદીની ઢગલાબંધ રીલ્સને પંદર-વીસ લાખ વ્યુઝ મળ્યા છે. કૉમેડી દ્વારા લોકોના ચહેરા પર સ્માઇલ લાવતાં અને પોતાની આ જ આવડતને કારણે સોશ્યલ મીડિયા થકી ઘર-ઘરની ઓળખ બની રહેલાં ૫૯ વર્ષનાં જસ્સી ગઢવીએ અંગત જીવનમાં ભરપૂર સંઘર્ષનો સામનો કર્યો છે.
સંઘર્ષ સાથે પનારો
જસ્સીબહેન લગભગ ૧૪ વર્ષનાં હતાં ત્યારે ઘરની ઘણી જવાબદારી તેમના પર હતી. તેઓ કહે છે, ‘૧૪ વર્ષની ઉંમરે રસોડું મારે સંભાળવાનું હતું. લગભગ પચીસ-ત્રીસ જણની રસોઈ એકલી બનાવતી. કામથી ક્યારેય ડરી નથી. મારે ભણવું હતું, પણ સંજોગો એવા હતા કે છ ધોરણથી વધારે ભણી ન શકી. જલદી લગ્ન થઈ ગયાં. એ પછી ઘરમાં ગાયો-ભેંસો હતી. તબેલાનું કામ ખૂબ રહેતું. બાળકો થયાં ત્યારે મનમાં નક્કી કર્યું કે હું મારાં બાળકોને ખૂબ ભણાવીશ. સુરેન્દ્રનગરથી અમદાવાદ બાળકોના અભ્યાસ માટે શિફ્ટ થઈ. જે હું ન કરી શકી એ મારાં બાળકો જરૂર કરે એ માટે પાર વગરનાં કામ કર્યાં. સાડીઓ વેચી, કટલરી વેચી, ખુરશીઓ વેચી, ટિફિન-સર્વિસનો બિઝનેસ કર્યો. એક જ ધ્યેય હતું કે દુનિયાની પરવા કર્યા વિના મારાં બન્ને સંતાનો ભણે. મેહુલ અને જાનવી મારા જીવ હતાં. જોકે એક બીજી દુર્ઘટના ઘટી જેણે મારો જીવવાનો મોહ ખતમ કરી નાખ્યો.’
એ દુર્ઘટના એટલે જસ્સીદાદીના દીકરાનું નિધન. જસ્સીબહેન કહે છે, ‘સોળ વર્ષનો દીકરો ગુમાવ્યો અને જાણે કે મારી દુનિયા ખતમ થઈ ગઈ. પતિ સાથે જુદી થઈને બન્ને બાળકોને લઈને અમદાવાદ રહેવા આવી ગઈ હતી. એમાં દીકરાનું જવું ખરેખર જીવલેણ ડિપ્રેશન જેવું હતું. એ સમયે મારી દીકરી જાનવી દીકરી મટીને જાણે કે મારી મા બની ગઈ હતી. તેણે મારી સંભાળ રાખી. જો મને કંઈ થશે તો તેનું કોણ? મા તરીકે જેટલી ફરજ મારી દીકરા મેહુલ માટેની હતી એટલી જ જાનવી માટેની પણ હતી. મારી દીકરી બહુ જ મોટું પીઠબળ બનીને મારી બાજુમાં ઊભી રહી. તેનું ભણવાનું પૂરું થઈ ગયું હતું. તે સરકારી નોકરી કરતી હતી. જેમ-તેમ કરીને ધીમે-ધીમે અમારો જીવનનિર્વાહ સધ્ધર કરવાના પ્રયાસ ચાલુ હતા. ૨૦૧૬માં આપસી સમજણથી છૂટાછેડા લીધા પછી દીકરી માટે જીવવાના લક્ષ્ય સાથે હું આગળ વધી રહી હતી. એ દરમ્યાન લૉકડાઉન આવ્યું. હવે શું કરવું? કામકાજ બંધ થયું. એ દરમ્યાન મારી અંદરની ક્રીએટિવિટીને બહાર લાવવા જાનવીએ જ મને ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ બનાવીને આપ્યું અને કહ્યું કે મા, હવે આ જ તારું વિશ્વ છે. તું અહીં તારી પોતાની ઓળખ ઊભી કર. લોકો મને તારા નામથી ઓળખવા માંડે એવું કંઈક કરીને દેખાડ અને મારી યાત્રા શરૂ થઈ.’
દીકરા મેહુલ સાથે જસ્સી ગઢવી
જસ્સીબહેન પોતાની ઉંમરથી મોટાં દેખાતાં હતાં એનું કારણ જીવનના સંઘર્ષોને માને છે. જોકે સોશ્યલ મીડિયા પર તેમનો આ જ દેખાવ ક્લિક થઈ ગયો. અત્યારે રૅપર અને લિરિસિસ્ટ તરીકે સક્રિય જસ્સીબહેનની દીકરી જાનવી કહે છે, ‘મમ્મીએ જીવનમાં સંઘર્ષ સિવાય કંઈ જ કર્યું નહોતું. મારો તો એક જ આશય હતો કે લૉકડાઉનમાં મમ્મીનું મન સોશ્યલ મીડિયાને કારણે પરોવાયેલું રહેશે. મેં તો અમસ્તા જ તેને ચૅલેન્જ કરી હતી કે તારા નામે હું ઓળખાઉં એવું કંઈક કરી દેખાડ અને ખરેખર તેણે કરી દેખાડ્યું. તે કન્ટેન્ટ બનાવતાં શીખી, વિડિયો-એડિટિંગ શીખી અને એ સિવાય ટેક્નૉલૉજીની કેટલીયે વસ્તુ તે શીખી છે.’
દીકરી જાનવી સાથે જસ્સી ગઢવી
અત્યારે પ્રૉપર્ટીનો બિઝનેસ કરતાં અને સાથે સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર તરીકે સતત નવી-નવી કન્ટેન્ટ બનાવવામાં વ્યસ્ત જસ્સીબહેન પોતાની કૉમેડી રીલ્સ વિશે કહે છે, ‘મારા પોતાના જીવનમાં મેં ખૂબ દુઃખ જોયું છે. આમેય લોકો ખૂબ હેરાનપરેશાન છે. એવામાં મારા થકી કોઈના ચહેરા પર સ્મિત પથરાય તો એનાથી વધારે સારું શું હોઈ શકે? પડકારોને હસતાં-હસતાં પાર કરવાનો જ મારો સ્વભાવ રહ્યો છે. ફરિયાદ શું હોય એ મને ખબર નથી. બસ, ઉપરવાળો જેમ રાખે એમ રહીએ એ જ ફંડા સાથે આગળ વધી છું અને એની જ સાથે આગળ વધી રહી છું. મારી જાનવી મારી જાન છે અને અત્યારે તો જાણે એ જ મારી મા હોય એમ મને સાચવી રહી છે. દીકરી પાસેથી હું ખૂબ શીખી છું. તે મને ઢીલી પડવા નથી દેતી. સાચું કહું તો તેના જ કારણે ક્યારેય ડૉલર જોયા નથી પણ ડૉલરમાં કમાતી થઈ ગઈ. દર ત્રણ-ચાર મહિને ઇન્સ્ટાગ્રામ પરથી પંદર-વીસ હજાર આવ્યે રાખે છે. મારા વિડિયો એડિટ પણ હું જાતે જ કરું છું. મારી મમરા ભરવાની રેસિપીવાળો સૌથી પહેલો વિડિયો ખૂબ વાઇરલ થયો હતો. એ મજાક પછી મને જે લોકોનો પ્રેમ મળ્યો અને લોકોનો ઉમળકો જોયા પછી થયું કે હવે આ કામમાં પાછું નથી હઠવું. હા, ક્યારેક કેટલીક નેગેટિવ કમેન્ટ પણ મળે, પણ હું એની પરવા નથી કરતી. ઈશ્વરે કોઈક રીતે આ દિશામાં વાળી છે તો હું સાચા હૃદય સાથે કામ કર્યા કરું. ફળ ભગવાનને આપવું હોય તો આપે, નહીં તો કંઈ નહીં. જોકે ઈશ્વરે વિચારી ન શકીએ એટલું આપી દીધું છે.’
અહીં ઉલ્લેખનીય છે કે જસ્સીદાદી તરીકે જાણીતાં બન્યા પછી જ આ દાદીને ફિલ્મોમાં રોલની ઑફર મળવા માંડી. અત્યાર સુધીમાં દસ ગુજરાતી ફિલ્મમાં તેઓ કામ કરી ચૂક્યાં છે. એક હિન્દી ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું છે. સાત મહિલાઓની વાર્તાવાળી ‘ચણિયાચોળી’ નામની ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા તેમણે ભજવી છે જે ફિલ્મનું શૂટિંગ હમણાં જ પૂરું થયું છે. છેલ્લે જસ્સીદાદી કહે છે, ‘બચપનથી લઈને પચપન સુધીના લોકોના ચહેરા પર મને જોઈને સ્માઇલ આવવું જોઈએ. બસ, એ જ કામ કરી રહી છું. જાણે કે નિબંધ લખ્યો હોય એવા મોટા-મોટા ફકરામાં લોકો પોતાનો રાજીપો લખીને મોકલે છે. આપણે કોઈને હર્ટ થાય એવું નહીં બોલવાનું, સંસ્કારોથી વિપરીત કંઈ નહીં કરવાનું. ઘણી સેલિબ્રિટીઝ સાથે એટલે જ બહુ સારા સંબંધો છે. અમદાવાદમાં રેમો ડિસોઝાએ સ્ટુડિયો શરૂ કર્યો તો મને બોલાવેલી. ‘સત્ય પ્રેમ કી કથા’ નામની ફિલ્મમાં કિઆરા અડવાણીની દાદીનો રોલ કરવા મળ્યો હતો. આખું જીવન બદલાઈ ગયું છે હવે તો.’
સમાજસેવા તરફ ઝુકાવી ગઈ સોશ્યલ મીડિયાની નૈયા
૨૨ વર્ષનો યુવાન ઝૂંપડપટ્ટીમાં રહેતાં બાળકોને ભણાવવામાં પોતાને સોશ્યલ મીડિયા થકી થતી આવકમાંથી ખર્ચ કરે છે અને એ માટે લોકજાગૃતિ પણ લાવી રહ્યો છે
સ્લમનાં બાળકોને ભણાવતો જય સંઘવી
સુરતમાં રહેતા ૨૨ વર્ષના જય સંઘવીએ ૨૦૧૬માં જ્યારે યુટ્યુબ થકી પોતાની સોશ્યલ મીડિયા યાત્રા શરૂ કરી ત્યારે તેને પણ કલ્પના નહોતી કે એક દિવસ એવો આવશે જ્યારે પેરન્ટ્સ તેને ફોન કરીને પોતાનાં સંતાનોમાં સારા સંસ્કાર રોપવા બદલ અભિનંદ આપશે અને ભીડમાં જશે ત્યારે લોકો તેની સાથે ફોટો પડાવશે. સુરતમાં ઝૂંપડામાં રહેતાં બાળકોને ભણાવવાની, તેમની જરૂરિયાતોને સમજીને એ વિશે લોકોમાં જાગૃતિ લાવવાની અને લોકોને પણ તેમની સાથે જોડવાની યાત્રામાં આગળ વધી રહેલો હવે જાણીતો બ્લૉગર-યુટ્યુબર તો છે જ પણ સાથે કેટલાય અન્ય લોકોનાં અકાઉન્ટ હૅન્ડલ કરવાની સલાહ આપતી ડિજિટલ કંપની પણ ચલાવે છે. એ સિવાય તેણે સંઘવી ફાઉન્ડેશન નામે એક સંસ્થા પણ ઊભી કરી છે જેમાં યુવાનો તેની સાથે જોડાઈને સમાજ માટે કામ કરી રહ્યા છે. જય કહે છે, ‘મેં જ્યારે શરૂ કર્યું ત્યારે સોશ્યલ મીડિયાનો આજ જેવો ક્રેઝ નહોતો. જોકે મેં તો માત્ર શોખથી ગેમિંગને લગતા વિડિયોઝ શૅર કરવાથી શરૂઆત કરેલી. એ પછી આગળ જતાં મંદિરો અને ટ્રાવેલ-બ્લૉગ્સ શૅર કરવાનું શરૂ કર્યું જેમાં લોકોનો રિસ્પૉન્સ આવવાનું શરૂ થયું. એ પછી ગુજરાતના મોટા-મોટા મેળા, એક્ઝિબિશન, સુરતનાં પ્રાચીન મંદિરો પર વ્લૉગ બનાવવાનું શરૂ કર્યું. એ પછી તો ઇન્સ્ટાગ્રામ પર પણ કન્ટેન્ટ-ક્રીએશન શરૂ કર્યું. વ્યુઝના આધારે યુટ્યુબ પરથી જ્યારે ઇન્કમ આવવાની શરૂ થઈ ત્યારે મનમાં થયું કે હવે કંઈક આનો સારો ઉપયોગ કરવો જોઈએ. એમાં જ સ્લમનાં બાળકોના એજ્યુકેશનનો વિચાર આવ્યો. એ પછી તો એને લગતા વિડિયોઝ અને રીલ્સ પોસ્ટ કરવાનું શરૂ કર્યું અને એમાં ઘણા લોકો ઓળખવા માંડ્યા, જોડાવા માંડ્યા.’
જયને નાનપણથી જ કંઈક અલગ કરવાની ઇચ્છા હતી, પરંતુ શું એ સમજાતું નહોતું. એમાં સોશ્યલ મીડિયા તેના માટે રાહબર બની ગયું. તે કહે છે, ‘છેલ્લાં ત્રણ વર્ષથી સ્લમનાં બાળકોને ભણાવવાનું કામ હાથમાં લીધું છે અને ખરેખર કહું છું કે બહુ જ સારું પરિણામ મળ્યું છે. કદાચ આ જ કારણ છે કે ક્યારેક કોઈક પ્રોગ્રામમાં જાઉં તો લોકો ઓળખી કાઢે છે. લોકો સાથે ફોટો પડાવે છે. રોલ-મૉડલ તરીકે જુએ છે. તમને એક કિસ્સો કહું કે વચ્ચે મેં આ સોશ્યલ વર્કને લગતા વિડિયો પોસ્ટ કરવાનું બંધ કરી દીધું તો એક પેરન્ટનો મને મેસેજ આવ્યો કે તમે શું કામ સ્લમનાં બાળકોને ભણાવતા વિડિયો નથી મૂકતા. મારું જોઈને તેમના સંતાને પાંચ મિત્રો સાથે મળીને આ કામ શરૂ કર્યું હતું. મારા વિડિયો તેમને મોટિવેશન પૂરું પાડી રહ્યા હતા. આ ખૂબ જ ગ્રેટ ફીલિંગ છે જેને તમે શબ્દોમાં વર્ણવી ન શકો.’
જયના યુટ્યુબ પર લગભગ પચાસ હજાર જેટલા સબસ્ક્રાઇબર છે અને ઇન્સ્ટાગ્રામ પર અગિયાર હજાર ફૉલોઅર્સ છે. જોકે તેના ઘણા વિડિયોઝને મિલ્યન્સમાં વ્યુઝ મળ્યા છે. જેમ કે તાજેતરમાં જ થયેલી રથયાત્રાના તેના વિડિયોને ૭૨ હજાર વ્યુઝ એક જ દિવસમાં મળ્યા હતા. સોશ્યલ મીડિયા આ યુવકના જીવનમાં મીનિંગફુલ ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયો છે.