માખણ અને મિસરી જેવો વ્યવહાર હશે તો રોજ જન્માષ્ટમી

12 August, 2025 02:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરિઘ તમારી ઉંમર, વ્યવસાય અને વ્યવહાર પ્રમાણે વિસ્તરે છે અને સંકોચાય છે. યુવાનીમાં નવા મિત્રો ઉમેરાય, લગ્નથી નવા સંબંધો બંધાય, વ્યવસાયથી વર્તુળ વિસ્તરે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

વિચાર (તેથી ભાષા) અને વાણી પછી વ્યક્તિત્વમાં નિખાર લાવે છે વર્તન. જગત સાથેના તમારા વ્યવહાર, વર્તનથી તમારી એક Tમેજ ઊભી થાય છે. એને અનુરૂપ જ પછી તમારા સર્કલના નાના-મોટા પરિઘો રચાતા જાય છે. ઇનર સર્કલમાં માતા-પિતા, દંપતી, સંતાનો અને સાચા મિત્રો હોય છે. આ પરિઘ નાનો હોય છે, પણ એક વાર દોરાઈ ગયા પછી ભૂંસાતો નથી. નાના પરિઘની અંદર એવી વ્યક્તિઓ હોય છે જેણે તમને જેવા છો તેવા સ્વીકારી લીધા છે. આ સિવાયના બીજા દુન્યવી સંબંધો આઉટર-સર્કલમાં હોય છે. એનો પરિઘ તમારી ઉંમર, વ્યવસાય અને વ્યવહાર પ્રમાણે વિસ્તરે છે અને સંકોચાય છે. યુવાનીમાં નવા મિત્રો ઉમેરાય, લગ્નથી નવા સંબંધો બંધાય, વ્યવસાયથી વર્તુળ વિસ્તરે.

આમ એક-એક મોગરાના ફૂલથી માળા રચાતી જાય. જીવન સુગંધિત થતું જાય. જીવન જીવવાનો આનંદ આવે. મોગરાની મહેકને તો માણવાની જ હોય. મહેકનું પૃથક્કરણ કરવાનું ન હોય. કોઈ તમારી સાથે આટલો મીઠો કે કડવો વ્યવહાર કેમ કરે છે એ ન વિચારો, મહેકને મોગરાથી પૃથક્ કરીશું તો પછી માણવાનું નહીં રહે, ગણવાનું જ રહેશે. અને જ્યાં ગણતરી હોય ત્યાં સરવાળા-બાદબાકી થવાનાં જ. મારા-તમારાના ભેદથી અંતરો વચ્ચે અંતર વધશે.

મનથી પ્રામાણિક ન રહીએ તો આપણી અને ઈશ્વર વચ્ચે પણ અદીઠો અંતરપટ પડી જશે. પછી એનો ટેરો આવવામાં કદાચ જન્મારો નીકળી જાય. જીવનની શરૂઆત મંગળાનાં દર્શન જેવી હોય પણ અવિશ્વાસના પડદા જ જો આંખે પડી ગયા હોય તો શયન સુધી દર્શન માટે ટળવળીશું.  લાલોય રિસાઈ શકે છે. એટલે માખણ-મિસરી જેવો વ્યવહાર હશે તો રોજ જન્માષ્ટમી!

આપણને ક્યારેક ન ધારેલી વ્યક્તિ પાસેથી ન ધારેલી મદદ મળી જાય છે. ને અંધારો ઓરડો અચાનક ઝળહળી ઊઠે છે. એનું કારણ ભૂતકાળમાં વાવી રાખેલું કોઈ બીજ હોઈ શકે જે આજે પાકીને મધુરો રસ ચખાડી ગયું. બી વાવતાં રહો, શી ખબર પેલા યક્ષની જેમ તમારો સંદેશો પહોંચાડવા મેઘ પણ દૂત બની આવી જાય!

તમારાં વિચાર, વાણી અને વર્તનથી રચાયેલા વર્તુળમાં તમે તમને જ ગમવા લાગો ને ત્યારે સાચી સ્વતંત્રતા.

-યોગેશ શાહ

columnists gujarati mid day mumbai Sociology relationships friends life and style