ભર ભાદરવે લગ્ન થયાં હોય ને તોય મારા બેટા ઈ ટકી જાય

25 August, 2025 06:59 AM IST  |  Mumbai | Sairam Dave

આપણે મુરતની લપમાં પડીએ છીએ એ ખોટું નથી, પણ NRI એકેય લપમાં પડ્યા વિના લગન ટકાવી જાય એ તો માળું બેટું નવીન કે’વાય

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

આ મારા ગટીડા NRIઓ આપણે ત્યાં આવીને ભાદરવામાં પણ પરણી જાય. NRI મિત્રોને લગ્ન રીઝનેબલ ભાવે પરવડે. એ લગ્ન ડ્યુરેબલ (ટકાઉ) હોય કે ન હોય, એનાથી કદાચ તેમને કશો ફરક નથી પડતો. કમુરતાંમાં વાડી, પાર્ટીપ્લૉટ, મંડપવાળા, કેટરિંગવાળા, ગાવાવાળા, ડેકોરેશનવાળા આ તમામ ‘વાળા’ઓ કન્સેશન રેટમાં મળે એટલે NRI ભાયુંને જલસા પડી જાય. મારું માનવું છે કે NRI લોકો કદાચ કમુરતાંમાં ઓછા ખર્ચે લગન થાય એટલે જ ઇન્ડિયા આવે છે. મનમાં તેના હોતું હશે કે આવતા વર્ષે બીજી વાર પરણવા પાછા આવવું પડે તોય પોસાય!

કાઠિયાવાડનો મારો ભાઈબંધ પંદરેક વર્ષ પહેલાં વાયા સુરત થઈ લંડન સેટ થઈ ગયો. ગઈ ફેબ્રુઆરીમાં તેનાં લગ્ન લેવાણાં. લંડનના પાણીએ ઘૂઘરિયા વાળમાંથી અમારા ભાઈબંધને ટાલિયો બનાવી દીધો, પણ જેની પાસે લંડન કે અમેરિકાનું ગ્રીન કાર્ડ હોય એ કન્યા મુરતિયાને નહીં પણ મારી ગટીડી ગ્રીન કાર્ડને પરણતી હોય છે. ફેરા ફરતી વખતે મંડપમાં ગોરમહારાજે વરરાજાને કહ્યું કે તમારાં બૂટ અને મોજાં કાઢી અડધા ફેરા પછી આ ‘ક્ષેત્રપાળ’ને પગ અડાડો. વરરાજાએ ઘસીને ના પાડી કે બૂટ નીકળશે, પણ મોજું તો નહીં જ નીકળે.

હું લગનમાં હાજર એટલે મેં ધીમેકથી તેના કાનમાં પૂછ્યું તો એ વરરાજાએ બંદૂક ફોડતો હોય એમ કીધું.

‘સાંઈ, સુરત કારખાનામાં મશીનની શાફ્ટિંગ અંગૂઠા માથે પડી’તી તે દી’નો અંગૂઠો કપાઈ ગ્યો છે. ગોરબાપાને સમજાવ યાર, ઈ મારા પગનાં મોજાં ભેગી મારી આબરૂ પણ કાઢશે!’

બચાડાનું ધરમસંકટ જોઈ ગોરબાપાને સમજાવ્યા ને આમ બૂટ સહિત અમે ઈ NRI મુરતિયાનો સંઘ દ્વારકા પહોંચાડ્યો.

આપણાં લગ્નગીતો આમ તો વેદમંત્રો સમાં છે, પણ ક્યારેક-ક્યારેક તો વર-કન્યાને બેયને જરાય લાગુ નથી પડતાં. એક-બે ઉદાહરણ જુઓ.

લાખોપતિ રે સાજન બેઠું માંડવે,

નાણાવટી રે સાજન બેઠું માંડવે!

જૂનાગઢમાં મારા એક કલાપ્રેમી મિત્ર હેમંતભાઈ નાણાવટી રહે. મારા અકલમઠ્ઠા ભાઈબંધ ચકાને હજી એવો જ વહેમ છે કે આ લગ્નગીત સાંઈરામના મિત્ર હેમંત નાણાવટીએ તેનાં લગ્ન માટે ‘પેસિયલ’ (સ્પેશ્યલનું કાઠિયાવાડી) બનાવડાવ્યું હશે!

એક લગ્નગીત બહુ જૂનું છે. શબ્દો માણો...

વનરા તે વનમાં મીંઢોળ ઝાઝાં,

મીંઢોળ પરણે ને ઝાડ બાળકુંવારા!

બાયું ભોળાભાવે આ ગીત ગાતી હોય ત્યારે આપણને થાય કે વરરાજાનો ચાલીસ વર્ષે માંડ-માંડ મેળ પડ્યો છે. આ વર નામનો વડલો ગલઢો થાવા આવ્યો. હવે એમાં ક્યાંથી એને બાળકુંવારા કહેવાય? વળી એ ગીતમાં બીજી લીટી આવે છે...

હું તમને પૂછું મારા વીર રે ફલાણા ભાઈ,

આવડાં તે લાડ તમને કોણે રે લડાવ્યાં?

હવે બેન, આ વરરાજો આખા કુટુંબનો સૂપડાધારે માર ખાઈને મોટો થ્યો છે, એને શેનાં લાડ? કન્યા કંસાર ખવરાવવા હાથ લંબાવે ત્યારે ઢાંગરા જેવા વરના આડાઅવળા દાંત ખીપાની જેમ એવા દોઢે ચડેલા છે કે કંસાર વખતે પણ તે કન્યાનો અંગૂઠો કરડી જાય છે. તમે ‘કેસરિયો’ ને ‘ડોલરિયો’ કહી વરની ઝાઝી મજાક ન કરો તો સારું!

લગ્નગીતના કલાકારોના માથે પણ ક્યારેક તો જુલમ થાય છે. ફુગાઈ ગયેલાં ખમણ જેવી કન્યા માંડવે પધારે તોયે ઈ બિચારાંને તો એમ જ ગાવું પડે છે...

ઓઢી નવરંગ ચૂંદડી પાયે ઝાંઝરનો ઝમકાર,

માંડવામાં આવે મલપતાં મલપતાં!

એલા બેન, આ કન્યાની એન્ટ્રી થાતાં નાનકડો ૨.૩નો ધરતીકંપનો આંચકો આવ્યો હોય એવો થડકારો સૌએ અનુભવ્યો છે. મદનિયું જાણે માનવ સ્વરૂપ લઈને લાલ ચૂંદડી ઓઢીને મંડપમાં બેઠું હોય એવું લાગે છે ને કન્યા ‘મલપે’ કે ‘ન મલપે’ પણ એને જોઈને આખી જાન મૂછમાં મલકી રહી છે. ઝપો હવે! આવી ભયંકર કન્યા હોય તોય ‘પે’લે મંગળ ગાયુંનાં દાન દેવાય રે’ આવું જ ગાવું પડે. જાડી કન્યા હોય તો કાંય બકરી કે ઘેટીનાં દાન ન ચાલે! વળી તોય માંડવાની બાયું જોરજોરથી લગ્નગીત લલકારે...

તને સાચવે (હવે) તારો

પતિ, અખંડ સૌભાગ્યવતી...

કારણ?

આખું કુટુંબ જાણતું હોય છે કે અમારાથી તો ન સચવાણી, હવે તારાં ભાઈગ બીજું શું? અમારા હિમાદાદા તો હંમેશાં ક્યે કે આ જમાયુંને બધાયના સસરા ને સાળા એટલે જ સાચવતા હોય છે, કારણ કે મનથી જાણે છે કે આ આપણા ‘વાવાઝોડા’ને સંભાળીને બેઠો છેઃ અખંડ સૌભાગ્યવતીના શબ્દોમાં ફેર કરો...

તારા પેલાં પતી જાય તારો પતિ,

અખંડ સૌભાગ્યવતી...

તું એનું લોહી પીવામાં રાખજે મંદગતિ,

અખંડ સૌભાગ્યવતી...

આવી ભયંકર કન્યાની વિદાય ટાણે પણ ગાવું જ પડે બેના રે, દીકરી તો પારકી થાપણ કહેવાય!

કન્યા પ્રમાણે ગીત ફેરવવાનું આવે તો
ગાવું પડે...

બેના રે...

સાસરિયે જાતાં જોજે ગોથું ખવાય,

ઊંચી એડીનાં સૅન્ડલ પહેરાય...!

હિમાદાદાએ ઘરજમાઈ બનેલા પતિદેવોને ગણગણવા માટે એક ગીતની પૅરોડી મોકલી છે. સ્વીકારજો. રાગ છે, પૉપ્યુલર હિન્દી ગીત તેરા સાથ હૈ તો...

તેરા બાપ હૈ તો મુઝે ક્યા કમી હૈ,

અંધેરોં મેં ભી રોશની રોશની હૈ!

relationships sex and relationships columnists life and style gujarati mid day mumbai culture news