બૉયફ્રેન્ડ મળતાં પહેલાં કૉલ-હિસ્ટરી ડિલીટ કરી નાખે છે

10 December, 2021 02:17 PM IST  |  Mumbai | Sejal Patel

એકાદવાર મેં તેનો ફોન હાથમાં લઈને જોવાની કોશિશ કરેલી તો તેણે રિસન્ટ કૉલ હિસ્ટરી ક્લિયર કરી નાખેલી. આવું કેમ કરવું પડે?

પ્રતીકાત્મક તસવીર

 બે વર્ષથી હું રિલેશનશિપમાં છું. પહેલાં નવ મહિના તો અમે ગળાડૂબ પ્રેમમાં હતા, પણ હવે મને ધીમે-ધીમે તેની કેટલીક હકીકતો નજર આવતી હોવાથી હું તેને સવાલ કરું છું એ તેને ગમતું નથી. જ્યારે તેને ફોન કરો ત્યારે સેકન્ડ લાઇન જ જાય. તે મને વીકમાં બે વાર મળતો હોય અને એ વખતે પણ તેને અમુક વ્યક્તિઓના ફોન આવે તો તે ધરાર કાપી જ નાખે. આ બન્ને બિહેવિયર વિચિત્ર લાગે છે. મને લાગે છે કે તે કંઈક ખોટું બોલે છે મારાથી. શું એ ખબર નથી. એકાદવાર મેં તેનો ફોન હાથમાં લઈને જોવાની કોશિશ કરેલી તો તેણે રિસન્ટ કૉલ હિસ્ટરી ક્લિયર કરી નાખેલી. આવું કેમ કરવું પડે? તેને પૂછ્યું તો કહે કે વાઇરસ ઘૂસી ગયો હોવાથી જસ્ટ હમણાં જ ફોન ફૉર્મેટ કર્યો છે. તે મને ચીટ કરી રહ્યો હોય એવી કેટલી સંભાવના?  

જવાબઃ સ્માર્ટફોન આવ્યા છે ત્યારથી એને કારણે સંબંધો પણ બહુ ઝડપથી આગળ વધી જાય છે અને એને જ કારણે સંબંધોમાં ભંગાણ પણ બહુ પડે છે. મોબાઇલથી પ્રેમીઓ વચ્ચેનું કમ્યુનિકેશન પહેલાં કરતાં સરળ બન્યું છે. તમે ચાહો ત્યારે વાત કરી શકો અને ક્યાં છે અને શું કરે છે એ જાણી શકો છો. પણ આ જ સ્માર્ટફોન પ્રેમીઓ અને પતિ-પત્નીઓમાં શંકાનું પ્રમાણ વધારી રહ્યું છે. 
મને એવું લાગે છે કે પ્રેમ કરવો અને સાથે શંકા પણ રાખવી એ બે કામ સાથે થઈ શકે એવાં નથી. જો કોઈ સંબંધમાં ભરોસો ન પડતો હોય તો ડિસ્ટન્સ મેઇન્ટેઇન કરવું બહેતર છે. બાકી, ડિજિટલ ડિટેક્ટિવ બનીને તમને કંઈ હાથ નહીં લાગે. જ્યારે સંબંધમાં શંકા હોય, તે મને છોડીને બીજા સાથે જતો રહેશેે એવી સતત ભીતિ રહ્યા કરે તો એ સંબંધને બનેએટલો વહેલો પોતાનાથી દૂર કરવામાં જ શાણપણ છે. 
ખલીજ જિબ્રાને એ અત્યંત કઠિન પણ ઉત્તમ જ્ઞાનોક્તિ કહી છે, ‘જો તમે કોઈક વ્યક્તિને પ્રેમ કરતાં હો તો તેને મુક્ત કરીને જ્યાં જવું હોય ત્યાં જવા દો. જો તે પાછી આવે તો એ તમારી છે અને જો તે ન આવે તો કદી તમારી હતી જ નહીં.’ જ્યારે તમે કોઈ વ્યક્તિ કે વસ્તુને પરાણે પોતાની કરવા મથો છો ત્યારે તમે પોતે પણ કન્ફ્યુઝ થાઓ છો અને સામેવાળી વ્યક્તિ પણ ગૂંગળાય છે. એના બદલે મુક્તતાના વાતાવરણમાં લેવાયેલા નિર્ણયો બન્ને પક્ષે બહુ જ સ્વસ્થ અને શાતા આપનારા હોય છે.

columnists sex and relationships sejal patel