બ્રેક-અપ પછી બૉયફ્રેન્ડ મરવાની ધમકી આપે છે

01 October, 2021 03:53 PM IST  |  Mumbai | Sejal Patel

બની શકે કે તે માત્ર બ્લૅકમેઇલ કરવા માટે જ આવું બોલતો હોય અને કદાચ ખરેખર એટલો ઇમોશનલ પણ હોય

પ્રતીકાત્મક તસવીર

કૉલેજમાં મારો એક બૉયફ્રેન્ડ હતો. લગભગ સવા બે વર્ષની રિલેશનશિપ પછી અમારું બ્રેક-અપ થઈ ગયું. રાધર, તેની ખરાબ આદતોથી વાજ આવીને મેં બ્રેક-અપ કરેલું. એક સમય હતો કે અમે આખી રાત ચૅટિંગ કરતાં. કૉલેજ બંક કરીને સાથે ફરતાં. જોકે ભણવાનું પૂરું થયા પછી જેવી નોકરી અને કામની વાત આવી એટલે અમારી વચ્ચે તકલીફોનો જન્મ થઈ ગયો. તેની સ્મોકિંગની આદત તો મને ખબર હતી પણ જેવું તેણે કમાવાનું ચાલુ કર્યું કે ડ્રિન્ક્સ પણ શરૂ થઈ ગયા. તેણે પીને છાકટા થઈને જે તાયફા કર્યા એને કારણે બે નોકરી છૂટી ગઈ. મને પ્રોમિસ આપે કે હવે તેણે બન્ને બૂરી આદતો છોડી દીધી છે, પણ છાનેછપને બધું જ ચાલુ હતું. તેનું ખોટું બોલવું અને વ્યસન ન છોડવું  ખૂબ ઇરિટેટિંગ હતું. હવે મેં બ્રેક-અપ કરી દીધું છે તો તે મરી જવાની ધમકી આપે છે. ધમકીભર્યા મેસેજ કરે છે. ક્યારેક ડર લાગે છે કે તે આડુંઅવળું પગલું ભરી લેશે તો?

 

કોઈ આપઘાતની ધમકી આપતું હોય ત્યારે વાતને હળવાશથી ન લેવી જોઈએ. બની શકે કે તે માત્ર બ્લૅકમેઇલ કરવા માટે જ આવું બોલતો હોય અને કદાચ ખરેખર એટલો ઇમોશનલ પણ હોય. હતાશાની સાથે જ્યારે આવેશ ભળે છે ત્યારે વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. અલબત્ત, આ પ્રકારના બ્લેકમેઇલિંગને સરેન્ડર પણ ન થવું જોઈએ અને એને સાવ જ અવગણવું પણ ન જોઈએ.

તમારા સંબંધને સવા બે વર્ષ થયાં છે, પણ સંબંધોમાં જોઈએ એવો ભરોસો, વિશ્વાસ, સમર્પણભાવ નથી આવ્યા. સ્મોકિંગ અને ડ્રિન્કિંગ બાબતે તે જ્યાં સુધી તમારી સાથે જૂઠ્ઠું બોલે છે ત્યાં સુધી તે સંબંધમાં પણ પ્રામાણિક રહેશે એવી કોઈ સંભાવના નથી. એક વાત સમજી લેજો કે પ્રેમ કદી ચાકૂની ધાર પણ ધમકીથી મેળવી શકાતો નથી. ધમકીના પ્રેશર વિના વિચારો અને નક્કી કરો કે તમારે આ સંબંધને એક મોકો આપવો છે કે નહીં. જો આપવો હોય તો તમારે ઘણુંબધું કૉમ્પ્રોમાઇઝ કરવાની તૈયારી રાખવી પડશે. બાકી જો તમે બ્રેક-અપ બાબતે દૃઢ હો તો તમારે છૂટા પડવા બાબતે તેના કોઈ નજીકના મિત્ર કે પરિવારજનને વાત કરીને તેને સાઇકોલૉજિકલ હેલ્પ મળી રહે એવું કંઈક કરવું જોઈએ.

columnists sejal patel sex and relationships