વારંવાર બ્રેકઅપની વાત કરતો ફ્રેન્ડ હવે પૅચઅપ ઇચ્છે છે....

04 June, 2021 02:33 PM IST  |  Mumbai | Sejal Patel

પ્રેમમાં કમિટમેન્ટ જેમ મહત્ત્વનું છે એમ જ એકબીજાને સમજવાનું, એકબીજા માટે ત્યાગ કરવાનો, એકમેકને ગ્રો થવામાં મદદ કરવાનું પણ હોય છે

પ્રતીકાત્મક તસવીર

હું મુંબઈની એક મૉડર્ન ગણાતી કૉલેજમાં સેકન્ડ યરમાં ભણું છું. મારી સાથે ભણતી કોઈ છોકરી સિંગલ નથી. બધા જ કોઈકને કોઈની સાથે કમિટમેન્ટમાં છે. જોકે મારો બૉયફ્રેન્ડ રિલેશનશિપ બાબતે સિરિયસ નથી. અમારાં ઘરો નજીક હોવાથી અત્યારે પણ અવારનવાર મળવાનું થાય છે, પણ મીટિંગ્સમાં પહેલાં જેવો ચાર્મ નથી રહ્યો. તેને એવું લાગે છે કે હું બહુ પઝેસિવ છું અને તેને સ્પેસ નથી આપતી, જ્યારે મને એવું લાગે છે કે તે મને ઇગ્નોર કરે છે. મારી બીજી ફ્રેન્ડ્સની રિલેશનશિપ બહુ જ સ્મૂધ અને હૅપનિંગ જઈ રહી છે ત્યારે મારો બૉયફ્રેન્ડ બ્રેકઅપ કરવા માગે છે. બે વીક પહેલાં તેણે બ્રેકઅપ કર્યું અને હવે પૅચઅપ કરવા માગે છે.

કૉલેજમાં બધા જ કમિટેડ રિલેશનશિપમાં છે એટલે તમારે પણ રહેવું જ એવું તો તમે નથી માનતાને? દેખાદેખીમાં આવીને સંબંધો બાંધવા કે તોડવા ઠીક નથી. બીજાના સંબંધો સ્મૂધ હોય કે સમસ્યાવાળા, એને જોઈને આપણે ન તો સંબંધ બાંધવા જોઈએ, ન તોડવા જોઈએ કે ન તોડેલા ફરી જોડવા જોઈએ.

તમે કહો છો કે કમિટેડ રિલેશનશિપમાં તમે છો, પરંતુ જે રીતે તમારી વચ્ચે છાશવારે બ્રેકઅપની વાતો થાય છે એ બતાવે છે કે કંઈક એવું છે જે હેલ્ધી નથી. પ્રેમમાં કમિટમેન્ટ જેમ મહત્ત્વનું છે એમ જ એકબીજાને સમજવાનું, એકબીજા માટે ત્યાગ કરવાનો, એકમેકને ગ્રો થવામાં મદદ કરવાનું પણ હોય છે. બન્ને વ્યક્તિ સાથે હોવા છતાં એકબીજાને ગૂંગળામણ ન થાય એટલી સ્પેસ આપવી જ પડે. ઇન શૉર્ટ, તમારા બન્નેના વર્તન પરથી મને એવું લાગે છે કે તમારે બન્નેએ પ્રેમની, કમિટમેન્ટની પરિભાષા હજી સમજવાની પરિપક્વતા કેળવવી જરૂરી છે.

‘કમિટેડ રિલેશન’નું પ્રેશર ફીલ ન કરો. માત્ર દોસ્તી રાખો. એવી દોસ્તી જેમાં પરસ્પરને કમ્ફર્ટ મહેસૂસ થાય, એવી દોસ્તી જેમાં તમે બન્ને પોતાનું વ્યક્તિત્વ અકબંધ રાખી શકો. એવી દોસ્તી કે જેમાં તમે બન્ને પોતાના ભણવામાં ધ્યાન આપી શકો એટલું ડિસ્ટન્સ હોય. થોડોક સમય રિલેશનશિપમાં ડિસ્ટન્સ આવશે એટલે આપમેળે આ સંબંધોને આગળ લઈ જઈ શકાય એમ છે કે નહીં એની ગટ ફીલિંગ થઈ જશે. 

columnists sejal patel