સાસુ-સસરા સાથેના મતભેદને કારણે દીકરો ગાંઠતો નથી

20 August, 2021 05:22 PM IST  |  Mumbai | Sejal Patel

હું દીકરાને ડિસિપ્લિનમાં રાખું એટલે તરત સાસુ-સસરા કહે કે એ તારા મિડલ-ક્લાસ ઘરમાં થાય, અહીં તો મારા દીકરાને જે જોઈએ એ મળશે.

મિડ-ડે લોગો

લગ્નને છ વર્ષ થયાં છે અને ચાર વર્ષનો દીકરો છે. હું આજની જનરેશનની મૉમ છું. હું દીકરાને ડિસિપ્લિનમાં રાખું એટલે તરત સાસુ-સસરા કહે કે એ તારા મિડલ-ક્લાસ ઘરમાં થાય, અહીં તો મારા દીકરાને જે જોઈએ એ મળશે. જે માંગ્યું એ આપીને દીકરાની આદતો બગડે છે એ તેમને દેખાતું નથી. પહેલાં વાંધો નહોતો આવતો પણ હવે તો દીકરાની સામે જ અમારી વચ્ચે આ બાબતે મચમચ થઈ જાય છે. જ્યારે સાસુ-સસરા ન હોય ત્યારે હું દીકરાને સમજાવું છું તો મેં કહેલું તે દાદા-દાદીને કહી દે છે. એને કારણે તેમને લાગે છે કે હું દીકરાને તેમની વિરુદ્ધ ચડાવું છું. તેમને લાગે છે કે હું તેમનાથી દૂર લઈ જાઉં છું. જ્યારે હકીકત એ છે કે દીકરો મારાથી દૂર થઈ રહ્યો છે.

દાદા-દાદીને લાગે છે જે પ્રેમ અને લાડ પોતાના સંતાનોને ન કરી શક્યાં એ બધું જ પૌત્ર-પૌત્રીને આપીએ. જ્યારે નવી જનરેશનના પેરન્ટ્સને લાગે છે કે અમુક ડિસિપ્લિન જરૂરી છે. જોકે આપણે જે મોટી ભૂલ કરીએ છીએ એ છે બે પેઢી વચ્ચેના મતભેદો ભૂલકાં સામે ખુલ્લા પાડી દેવાની. તમે દાદા-દાદીથી છાનું રહીને કંઈક શીખવો છો, ભલે આ સાચું હશે તો પણ એ છાનુંછપનું થતું હોવાથી તેની ઇમ્પેક્ટ ખોટી પડે છે. 
મને એવું લાગે છે કે તમારા મતભેદોને કારણે બાળક પીસાઈ રહ્યું છે. તમે કંઈક કહો છો અને દાદા-દાદી કંઈક બીજું કહી રહ્યા છે. એને કારણે બાળકના મગજમાં તમારા તેમ જ દાદા-દાદી બન્ને માટે ડિસ્ટન્સ ક્રીએટ થાય છે. જો બાળક સાચું શીખે અને કોઈ માનસિક તાણ વિના શીખે એવું કરવું હોય તો બે પેઢીઓ વચ્ચે એક મત સાધવો જરૂરી છે. નહીં તો બન્ને પક્ષે એવું જ ફીલ થશે કે દીકરો તમારા બન્નેથી દૂર જઈ રહ્યો છે. અને અધૂરામાં પૂરું દીકરો પણ નિખાલસ નહીં બની શકે. 
મારી વાત માનો. તમારા સાસુ-સસરા સાથે બેસીને વાત કરો. દીકરાને કેટલા લાડ લડાવવાં અને કેટલી ડિસિપ્લિનમાં રાખવો એનું બૅલૅન્સ બધા મળીને સહમતિથી નક્કી કરો. સાસુ-સસરાને સાથે લેવા હોય તો તમે મારો દીકરો કે તમારો દીકરો એમ કહીને નહીં, આપણા દીકરાના સંસ્કાર માટે શું કરવું છે એ વાત સમજાશે તો તેઓ પણ તમારી વિરુદ્ધ નહીં, તમારી સાથે રહીને બાળકને ઉછેરવામાં મદદ કરશે.

columnists sejal patel sex and relationships