લવમૅરેજ પછી પતિ મને તરછોડી બીજી સાથે જતો રહ્યો

17 December, 2021 04:41 PM IST  |  Mumbai | Sejal Patel

પોતાના પરિવારને છોડીને જેની પર આંખ મીચીને ભરોસો મૂકીએ અને એ ચૂરેચૂરા થાય ત્યારે કેટલી પીડા થાય એ સમજી શકું છું

પ્રતીકાત્મક તસવીર

 કદાચ મારી સ્થિતિ માટે હું જ જવાબદાર છું, પણ અત્યારે એવી ફસાઈ ગઈ છું કે એમાંથી નીકળી નથી શકતી. ૨૧ વર્ષની હતી ત્યારે ભાગીને પ્રેમલગ્ન કર્યાં અને મુંબઈ આવી ગઈ. લવમૅરેજ હોવાથી હું સંપૂર્ણપણે પતિમાં જ ઓતપ્રોત હતી, પણ પતિનું અહીં ઑફિસમાં બીજી કોઈ છોકરી સાથે લફરું શરૂ થયું અને તેણે મને છૂટાછેડા આપી દીધા. મહિને દસ હજાર રૂપિયાના ભરણપોષણ પર તેણે મને છોડી દીધેલી.  છ મહિના પૈસા આપ્યા અને હવે એ મદદ પણ બંધ છે. છૂટા પડ્યા પછી હું પાર્લરનું કામ શીખી અને મારું પૂરું કરી લઉં છું. ભાગીને આવી હોવાથી પિયરનો રસ્તો બંધ છે. છૂટાછેડાને ત્રણ વર્ષ થઈ ગયા છે અને તેણે બીજાં લગ્ન પણ કરી લીધાં છે અને ખૂબ સુખી છે. તેને સુખી જોઈને હું ઊકળી ઊઠું છું. જિંદગીમાં આગળ કોઈ રસ્તો દેખાતો નથી.

પોતાના પરિવારને છોડીને જેની પર આંખ મીચીને ભરોસો મૂકીએ અને એ ચૂરેચૂરા થાય ત્યારે કેટલી પીડા થાય એ સમજી શકું છું. બદલો લેવાનું મન થાય એ પણ સ્વાભાવિક છે, પરંતુ બદલો એ એવી બેધારી તલવાર છે કે જે બીજાને હર્ટ કરવા ઉપરાંત તમને પોતાને પણ ચીરે તો છે જ. તમે તેને માફ નહીં કરો તો તેને કોઈ ફરક નહીં પડે, પણ તમારી જિંદગીમાં તો કડવાશ અને જૂનું ઝેર સતત રહેશે જ. તેણે તમને છોડી દીધા છે, પણ તમે તેની નકારાત્મક યાદોને હજીયે દિલમાં સંઘરીને વગરભાડાની જગ્યા આપી રહ્યા છો. તમે પગભર થઈ ચૂક્યા છો એ બહુ જ સારું છે. હા, તમે ભરણપોષણ માટે લડી જ શકો છો. એ તમારો હક પણ છે. જોકે એમાં પણ બદલાની ભાવનાને સેન્ટરમાં ન રાખો. તેની ભૂલને માફ કરીને તમે તમારા જીવનને આગળ વધવાનું ગ્રીન સિગ્નલ આપી શકશો. જ્યાં સુધી એ ભૂલને માફ નહીં કરો ત્યાં સુધી અહીં જ ફસાયેલા રહેશો. જીવનમાં કપરો સમય આવે ત્યારે વિચારવું કે જે કંઈ થાય છે એ સારા માટે જ હશે. માફ કરવું ઍટલે શું? ઍક્સ-હસબન્ડને ભૂલી જવું? ના, એમ કંઈ કોઈને ભૂલી જવાનું આસાન નથી. ભૂતકાળની યાદોની પકડ થોડીક ઢીલી કરો. ભવિષ્ય તરફ નજર માંડો. જેવો તમે ભવિષ્યની હકારાત્મક કલ્પનાઓને મનમાં આકાર લેવાનો અવકાશ આપશો કે આપમેળે ભૂતકાળની યાદો રિપ્લેસ થતી રહેશે.

columnists sejal patel sex and relationships