03 June, 2025 06:56 AM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
ત્રીસેક વર્ષના એ ભાઈનાં મૅરેજને એકાદ વર્ષ થયું હતું. તેમની પર્સનલ લાઇફ બધી રીતે નૉર્મલ, એમાં કોઈ મૂંઝવણ નહીં પણ તેમને મૂંઝવણ પર્સનલ લાઇફના અનુભવની હતી. તેમનું કહેવું હતું કે અમે જ્યારે ઇન્ટિમેટ હોઈએ છીએ ત્યારે વાઇફ વાતો કરે છે અને એ વાતો દરમ્યાન તે મનમાં આવતી ફીલિંગ્સ વિશે વાતો કરે છે.
મને તો એમાં કશું અજુગતું લાગ્યું નહીં એટલે વાત જરા લંબાવી તો જાણવા મળ્યું કે તેમને પ્રૉબ્લેમ એ હતો કે વાઇફ આટલી એક્સપ્રેસિવ અને ક્યુરિયસ કેમ છે. હકીકતમાં આ કોઈ પ્રૉબ્લેમ છે જ નહીં, પણ સેક્સ જેવા વિષયમાં સ્ત્રી એક્સપ્રેસિવ ન હોય એવી જૂની માનસિકતાને લીધે એ ભાઈને આ આખી વાત પ્રૉબ્લેમ લાગતી હતી અને તેમણે ધીમે-ધીમે વાઇફ સાથે ઇન્ટિમેટ થવાનું ઓછું કરી નાખ્યું હતું.
આ પરિણામ છે ઑર્થોડોક્સ માનસિકતાનું અને આવી માનસિકતા મોટા ભાગે પુરુષોમાં જોવા મળતી હોય છે. ખાસ કરીને ગુજરાતી પુરુષોમાં. તેમના માટે પર્સનલ લાઇફ આજે પણ બંધ લાઇટ સાથે માણવામાં આવતી ક્ષણો છે અને એટલે તે એક્સપ્રેસિવ વાઇફની ક્યુરિયોસિટીને સ્વીકારી નથી શકતા. આવો જ બીજો પણ એક કેસ થોડા સમય પહેલાં મારી પાસે આવ્યો હતો. એમાં પણ હસબન્ડની ફરિયાદ હતી કે પર્સનલ રિલેશનશિપ દરમ્યાન મારી વાઇફ મને અમુક સ્પેસિફિક રીતે વર્તવાનું કહે છે.
પ્રશ્ન એ છે કે એમાં ખોટું શું છે? સેક્સોલૉજી જ નહીં, સાઇકોલૉજી પણ કહે છે કે ઇન્ટિમેટ રિલેશનશિપ દરમ્યાન જે ફીમેલ એક્સપ્રેસિવ બની શકતી હોય તેમની સાથેની મૅરિડ લાઇફને સફળ માનવી જોઈએ. પહેલાંના સમયમાં મહિલાઓના મનમાં ક્યુરિયોસિટી જાગતી તો પણ તે મોટા ભાગે એ ક્યુરિયોસિટી મનમાં દબાવી રાખતી. હાર્ડ્લી એકથી બે પર્સન્ટ મહિલા પોતાની ફ્રેન્ડ સાથે એ બાબતમાં વાત કરતી, પણ બનતું એવું કે મનમાં જન્મેલી જિજ્ઞાસા સાચી વાત સાથે શમતી નહોતી. પણ હવે એવું નથી રહ્યું. હવે છોકરીઓ એક્સપ્રેસિવ બની છે અને તે પોતાની ક્યુરિયોસિટી સહજ રીતે બહાર લાવી શકે છે. બહુ સારી વાત છે કે ફીમેલ પોતાના મનની વાત, પોતાની ક્યુરિયોસિટી બહાર લાવે છે અને જિજ્ઞાસાને જુગુપ્સા બનતાં અટકાવે છે. વાઇફ કે ગર્લફ્રેન્ડ દ્વારા સહજ રીતે પૂછવામાં આવતા સવાલ કે ઇન્ટિમેટ રિલેશનમાં દરમ્યાન આવેલાં સજેશન્સને બીજી કોઈ રીતે લેવા કે જોવાને બદલે એ વાતને પ્રામાણિક સંબંધોની ચરમસીમા ગણવામાં આવે તો માત્ર ફિઝિકલ નીડ જ નહીં, એકબીજાની મેન્ટલ નીડ પણ પૂરી થતી હોય છે.