15 February, 2025 07:33 AM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
મિલેનિયલ્સ માટે વૅલેન્ટાઇન્સ ડેનું મહત્ત્વ અલગ જ હતું. હાર્ટ શેપનાં બલૂન, ચૉકલેટ, લાલ રંગથી છવાઈ ગયેલાં કૉલેજ કે યુનિવર્સિટી કૅમ્પસ જોવા મળતાં, પણ જેન ઝીમાં ૧૪ ફેબ્રુઆરીનો આવો કોઈ ઉમળકો જોવા મળી નથી રહ્યો. કેટલાંક સર્વેક્ષણો કહે છે કે જે ટ્રેન્ડને અંકલો અપનાવવા માંડે છે એમાંથી જેન ઝીનો રસ ઘટતો જાય છે. અમે જ્યારે જેન ઝીને પૂછ્યું કે તમારા માટે આ દિવસનું મહત્ત્વ શું છે તો તેમનો અંતરંગ ભાવ હતો કે છોડો યાર, બહુ થયા વૅલેન્ટાઇન્સના ચોચલા
હાલમાં એક ચૉકલેટ બ્રૅન્ડે એની ઍડ બહાર પાડી જેમાં અમુક સર્વે વિશે વાત હતી. તેમણે ઍનૅલિસિસ કર્યું હતું કે જે ટ્રેન્ડને અંકલ એટલે કે મિડલ-એજ મૅન અપનાવે છે એને તરત જ આજની જનરેશન છોડી દે છે. જેમ કે સ્કિની જીન્સ કે પછી ફેસબુક જેવું સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ. મિલેનિયલ્સ જે કરતા હતા એ આમ પણ જેન ઝીને માફક ન આવે એ માનવસહજ છે. પરંતુ આ જાહેરાત મુજબ અંકલ્સ જો વૅલેન્ટાઇન્સ ડે ઊજવવાનું શરૂ કરે તો આજની જનરેશન એ છોડી દેશે. હકીકતે આજની જનરેશન વૅલેન્ટાઇન્સ ડે ઊજવે છે તો ખરી પણ શું એનો ઉમળકો પહેલાં જેવો રહ્યો છે ખરો? કૉલેજોનો માહોલ જોઈને તો લાગતું નથી. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર વૅલેન્ટાઇન્સ ડે ઊજવનારા કરતાં ન ઊજવનારાઓની રીલ્સ વધુ છવાઈ રહી છે. સિંગલ લોકો વધુ કૂલ સાબિત થઈ રહ્યા છે અને કપલ્સ હોવા છતાં વૅલેન્ટાઇન્સ ડેને ફક્ત દેખાડો કહેનારાઓ વધુ અપીલિંગ લાગી રહ્યા છે ત્યારે ચાલો આજની જનરેશનને જ પૂછીએ કે આ દિવસ તમારા માટે કેટલો મહત્ત્વનો રહ્યો છે. શું ખરેખર તમારા માટે આ દિવસનું મહત્ત્વ ઘટ્યું છે, તો એનું કારણ શું છે? સર્વે મુજબ જૂની જનરેશન એ ઊજવે એટલે તમે એને છોડી દીધો છે કે એની પાછળ કેટલાંક બીજાં કારણો પણ જવાબદાર છે? આવો જાણીએ આજની જનરેશન પાસેથી તેમનો મત.
અમારી જનરેશન લવ તો સેલિબ્રેટ કરે છે, પણ એ હોય છે સેલ્ફ-લવ : હિતાર્થ દેસાઈ, ૧૯ વર્ષ, ITM ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોટેલ મૅનેજમેન્ટ, બૅચલર ઇન કલિનરી આર્ટ
ચૉકલેટની આ ઍડ મને ગમી પણ મને લાગે છે કે એક જ જનરેશનમાં ભિન્ન-ભિન્ન પ્રકારના લોકો મળે છે. અમારી જનરેશનમાં પણ વૅલેન્ટાઇન્સ ડે ખૂબ સારી રીતે ઊજવતા લોકો મળશે અને એવા લોકો પણ જે બિલકુલ જ નહીં ઊજવતા હોય. પણ અમુક બાબતો છે જે થોડીક કૉમન હોય અને એના વિશે વાત કરી શકાય. જેમ કે અમારી જનરેશન પ્રેમ નથી કરતી એવું તો નથી પણ અમે સેલ્ફ-લવમાં વધુ માનીએ છીએ. ખુદને ખુશ રાખવા એ અમારા માટે અતિ મહત્ત્વની વાત છે. એટલે ઘણા લોકો સિંગલ છે. આજે જોશો તો ઇન્સ્ટાગ્રામ ભરેલું છે જેમાં લોકો વૅલેન્ટાઇન્સ ડેના દિવસે સેલ્ફ-લવ ઊજવી રહ્યા છે. રિલેશનશિપ અમને ઘણી કૉમ્પ્લીકેટેડ લાગે છે. જેટલી સરળતાથી લોકો સંબંધોમાં પડે છે એટલી જ સરળતાથી અલગ પણ થઈ જતા હોય છે. એટલે પ્રેમનો એક દિવસ ઊજવવા માટેનું એક્સાઇટમેન્ટ એટલું હોતું નથી. એક જનરેશન માટે આ દિવસ મહત્ત્વનો હતો કારણ કે તેઓ જેને પ્રેમ કરતા હતા તેને કહી શકતા નહોતા. વૅલેન્ટાઇન્સ ડે એક પુશ હતું એટલે એ દિવસે તેઓ હિંમત કરતા અને વ્યક્તિને પ્રપોઝ કરી દેતા. હવે એવું રહ્યું નથી. જે લાગણીઓ છે એ કહી દેવામાં ભાગ્યે જ કોઈને પ્રૉબ્લેમ હોય છે. બધા આ વસ્તુ એક્સપ્રેસ કરી જાણે છે એટલે તેમને કોઈ પુશની જરૂર નથી. મને લાગે છે એટલે અમારી જનરેશનમાં આ દિવસનું મહત્ત્વ ખાસ નથી.
એક સમયે જે લોકો સિંગલ હતા એ લોકો આ દિવસે દુખી થઈ જતા. અમારી જનરેશનમાં જે સિંગલ છે એ લોકો આજના દિવસે દુખી થતા નથી. કેટલાક તો ખુશ પણ થાય છે કે તેઓ બચી ગયા. એક દિવસ પાછળ રોવા બેસે એવી જનરેશન નથી અમારી.
વૅલેન્ટાઇન્સ ડે ઊજવવો એ એકદમ ક્રિન્જી છે, નૉટ સો કૂલ... : ખુશી ભાનુશાલી, ઉષા પ્રવીણ ગાંધી કૉલેજ, બૅચલર્સ ઇન માસ મીડિયા
મને આ સર્વેમાં તથ્ય તો લાગે છે. ટ્રેન્ડ્સ આ જ રીતે બદલતા રહેતા હોય છે. અમારી જનરેશન માટે વૅલેન્ટાઇન્સ ડેનું મહત્ત્વ ઘણું જ ઓછું થતું જાય છે. એનાં ઘણાંબધાં કારણોમાંનું એક કારણ એ હોઈ શકે કે આજકાલ ૪૦ કે ૫૦ વર્ષના લોકો પણ આ દિવસ સારી રીતે ઊજવતા હોય છે. ઘણા લોકોની તો ઍનિવર્સરી જ એ દિવસે હોય છે. એટલે આપોઆપ અમારી જનરેશન ત્યાંથી દૂર ખસી જાય સહજ રીતે કારણ કે અમને કંઈ બીજું કરવું હોય. મુખ્ય વાત એ છે કે અમને પ્રેમ માટે કોઈ અલગથી દિવસ હોવાની જરૂર નથી. મારી જનરેશન માટે એ ઘણું ક્રિન્જી છે. નૉટ સો કૂલ...એટલે કે જોઈને લાગે કે આ શું ચાંપલાવેળા છે! એ દિવસે લાલ કપડાં પહેરીએ અને લાલ બલૂન ખરીદીએ અને ક્યુટ પ્રકારની ગિફ્ટ્સ આપીએ એ બધું હવે સારું ન લાગે. સાવ પાસે કહીશ હું તો એને. એક જમાનામાં થતું હતું, હવે કરવાની જરૂર જ નથી. હું માનું છું કે અમારાથી પહેલાંની જનરેશન એવી હતી કે જેમના માટે કોઈ પણ પ્રકારના સંબંધમાં જોડાવું એક ટબુ હતો. લોકો ઝટ દઈને માની ન જતા કે એક છોકરો અને છોકરી પ્રેમમાં હોઈ શકે છે. પ્રેમમાં તો ત્યારે પણ બધા પડતા, પણ સમાજ સ્વીકારશે નહીં એમ વિચારીને ફીલિંગ્સ મનમાં રાખતા. અત્યારનો સમય ઘણો જુદો છે. હકીકતે તો અત્યારે રિલેશનશિપમાં હોવું એ એકદમ નૉર્મલ બાબત છે. લવ મૅરેજિસનું પ્રમાણ પણ ઘણું વધ્યું છે. માતા-પિતા માટે પણ એ મોટી કે ખોટી બાબત નથી. આમ રિલેશનશિપનો ટબુ જતો રહ્યો છે જેને કારણે બધું સહજ લાગે છે. બે વ્યક્તિ એકબીજાને મળે, બન્ને એકબીજાને પસંદ કરે, ડેટ પર જાય, રિલેશનશિપ ચાલુ થાય આ બધું અત્યારે ઘણું જ સહજ બની ગયું છે. એટલે કોઈ એક દિવસની આ જનરેશનને જરૂર નથી. કોઈ કપલ હોય અને તેમનું ઊજવવાનું મન હોય તો ઊજવે પણ ખરાં. આમ એવું નથી કે કંઈ જ મહત્ત્વ નથી, પરંતુ આ દિવસ ઊજવ્યો કે ન ઊજવ્યો બધું ઠીક છે. નૉટ અ બિગ ડીલ એમ પણ કહી શકાય.
ઘણા યુવાનો વૅલેન્ટાઇન્સ ડેને બદલે પુલવામા-અટૅકને યાદ કરી બ્લૅક ડે ઊજવે છે : વિધિ પરમાર, ૨૦, મણિબેન નાણાવટી કૉલેજ, BA સોશ્યોલૉજી
દરેક જનરેશન એની પહેલાંની જનરેશન કરતાં કંઈક અલગ કરવા માગતી હોય છે જે નૅચરલ છે. દરેક જનરેશનને એવું હોય છે કે એ એની પહેલાંની જનરેશન કરતાં વધુ કૂલ છે. એટલે એ કરે છે એના કરતાં કંઈક અલગ કરવાનું મન હોય એ વાત સાચી પણ વૅલેન્ટાઇન્સ ડે માટે ખાલી આ કારણ પૂરતું નથી. એવું હોઈ શકે છે કે તેઓ ઊજવે છે એટલે ઘણાને એ ઊજવવાનું મન ન પણ થાય, પરંતુ મારું અંગત રીતે એ માનવું છે કે કોઈ પણ સંબંધને ઊજવવા માટે કોઈ એક દિવસ મહત્ત્વનો નથી હોતો. તમને કોઈની સાથે પ્રેમ છે તો એ પ્રેમની એક દિવસની ઉજવણી કરીને આપણને શું મળવાનું છે? એ તો જીવનભરની વાત છે. આવું જ મને લાગે છે જ્યારે આપણે વિમેન્સ ડે કે મધર્સ ડે ઊજવતા હોઈએ છીએ. સંબંધો કે લાગણીઓ એક દિવસ પૂરતાં સીમિત રહી જાય એવું મને ગમતું નથી. મારી જનરેશનની વાત કરું તો મને નથી લાગતું કે અમારી જનરેશન આ તહેવાર ઊજવતી નથી. જે કપલ્સ છે એ ચોક્કસ ઊજવે છે. પણ એ ઉજવણી તેમના પૂરતી સીમિત હોય છે. એ પણ હું ગણ્યાંગાંઠ્યાં કપલ્સની જ વાત કરું છું. તેમના માટે પણ આ દિવસ એક ઇન્સ્ટા પોસ્ટથી વધારે મહત્ત્વનો હોય એવું મને લાગતું નથી.
અમારી જનરેશનને લોકો બેજવાબદાર ગણે છે અને માને છે કે દેશ માટે અમને કોઈ લાગણી નથી. પરંતુ મારી જ જનરેશનના કેટલા બધા લોકો એવા છે જે ૧૪ ફેબ્રુઆરીએ પ્રેમ દિવસ નહીં, બ્લૅક ડે પાળતા હોય છે કારણ કે પ્રેમ તેમને એક વ્યક્તિ માટે નહીં, દેશ માટે અને દેશના જવાનો માટે પણ છે. પુલવામા અટૅક વિશે જે લોકો જાણે છે એમાંના ઘણા યુવાનો એવા પણ છે જે એ શહીદોને યાદ કરીને આ દિવસની ઉજવણી નથી જ કરતા. ઊલટું તેમને શ્રદ્ધાંજલિ આપે છે, જે દર્શાવે છે કે અમારી જનરેશનમાં ઘણા એવા છે જેમને દેશ પ્રત્યે અપાર પ્રેમ છે.
આ દિવસની ઉજવણી એક માર્કેટિંગ ગિમિક હતું જે અમારી જનરેશન પર કામ નથી કરી રહ્યું : વત્સલ દોશી, ૨૫, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સ્ટુડન્ટ
મને નથી લાગતું કે કોઈ બીજી જનરેશન કંઈ કરે છે એટલે અમારે એ નથી કરવું. એવું જરાય નથી. પરંતુ એ જનરેશન માટે જે વસ્તુઓ રોમૅન્ટિક હતી જેમ કે ગિફ્ટ, કાર્ડ, ચૉકલેટ્સ આ બધું અમારા માટે હવે સામાન્ય બનતું જાય છે. એકબીજાને આવું કંઈ આપવું એમાં અમે સ્પેશ્યલ ફીલ કરતા નથી. જે અમે આખું વર્ષ કરતા હોઈએ એ જ વસ્તુ એક દિવસ માટે કરવાની હોય તો એમાં અમને શું મજા આવે? મારી તો કૉલેજ પતી ગઈ. હું એન. એમ. કૉલેજમાં હતો. અમે જ્યારે કૉલેજમાં હતા ત્યારે રોઝ ડે ખૂબ ઊજવાતા. મને યાદ છે કે અમારી કૉલેજની બહાર જ ફૂલવાળાઓ બેસતા. પરંતુ વૅલેન્ટાઇન્સ ડેમાં ખાસ ચાર્મ રહેતો નહીં. લોકો પર્સનલ રીતે ઊજવતા હોય તો અલગ પણ કૉલેજમાં ખાસ ચહલપહલ જોવા મળે નહીં. લોકો માનતા નથી પરંતુ આજે પણ અમારી જનરેશનમાં એવા ૫૦ ટકા લોકો છે જેમને પોતાની રિલેશનશિપ દુનિયાથી છૂપી રાખવી હોય. એટલે એ લોકો ખાસ સોશ્યલ મીડિયા પર પણ નાખતા નથી અને બહાર પણ ઊજવતા નથી, કારણ કે કોઈને પણ ખબર પડી જાય.
૫૦ ટકા લોકો જ એવા હોય જેમને ફરક ન પડતો હોય, કારણ કે ઘરે ખબર હોય. આ ૫૦ ટકા લોકો બિચારા આખી દુનિયા ઊજવી રહી છે એના ફોમો એટલે કે ફિયર ઑફ મિસિંગ આઉટના ચક્કરમાં ખુદ વૅલેન્ટાઈન્સ ઊજવવાનો દેખાડો કરતા જણાય છે. બીજું એ કે જે લોકો કપલ્સ હોય એમાં પણ વૅલેન્ટાઇન્સ ડે પર ગિફ્ટનું તો બજેટ જ ન હોય અમારી પાસે કે આવા ફાલતુ ખર્ચા કરવાનું અમે વિચારીએ. એક રીતે એમ પણ કહી શકાય કે વૅલેન્ટાઇન્સ ડે એક પ્રકારનું માર્કેટિંગ ગિમિક હતું જે ત્યારની જનરેશન પર કામ કરી ગયું પણ આજે અમારા પર ખાસ કામ નથી કરી રહ્યું. એ ચાર્મ અમે ક્યારેય અનુભવ્યો જ નથી જે કદાચ પાછલી જનરેશનમાં હતો. એક સમય હતો કે આ દિવસે લોકો એકબીજાને પ્રપોઝ કરતા પણ હવે એવું કંઈ રહ્યું નથી. એકબીજાને કાર્ડ કે ગિફ્ટ પણ અમે આપતા નથી.