24 June, 2025 07:01 AM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
આ સવાલ હજી હમણાં ગયા અઠવાડિયે જ એક ભાઈએ પૂછ્યો. તેમને અનિદ્રાથી માંડીને અનેક તકલીફ હતી. ઉંમર નાની, હાર્ડ્લી પાંત્રીસેક વર્ષની; પણ જોતાં એવું જ લાગે કે ભાઈ પચાસ વર્ષના હશે. વર્કલોડ અને એને લીધે સ્ટ્રેસ એ સ્તર પર તેના પર હાવી હતું કે તેને કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ રહ્યો નહોતો. ત્યાં સુધી કે તેની પર્સનલ લાઇફ પણ ઝીરો થઈ ગઈ હતી. વાઇફને સતત એવું લાગતું હતું કે હસબન્ડને તેનામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી રહ્યો એટલે તે પણ તેનાથી ડિસ્ટન્સ બનાવીને રહેવા માંડી હતી. અન્ય કોઈ કારણસર તે ભાઈ રૂબરૂ મળવા આવ્યા અને પછી ટૉપિક ચેન્જ કરીને તેણે પોતાની વાત શરૂ કરી.
તેની ઑફિસમાં યોગનું એક સેશન રાખવામાં આવ્યું હતું. એ કર્યા પછી તેને પ્રમાણમાં થોડી રાહત લાગતી હતી, જેને લીધે તેના મનમાં પ્રશ્ન આવ્યો કે શું યોગ કરવાથી ઇન્ટિમેટ રિલેશનશિપમાં પૉઝિટિવિટી આવતી હોય છે? આ વિચાર જો તમને કોઈને આવે તો તમને પણ જવાબ આપવાનો કે હા. યોગથી ઇન્ટિમેટ રિલેશનશિપમાં પણ સકારાત્મક અસર જોવા મળે છે અને એનો ઉલ્લેખ કામસૂત્રમાં પણ કરવામાં આવ્યો છે. કામસૂત્રમાં જે આસનો દર્શાવવામાં આવ્યાં છે એ આસનોમાંનાં અડધોઅડધ આસન ક્યાંક ને ક્યાંક યોગની પ્રતિકૃતિ જેવાં દેખાય પણ છે.
યોગ જીવનમાં જરૂરી છે. યોગ કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે અને સકારાત્મકતાની સીધી અસર મન પર થાય છે. સેક્સને શારીરિક સંબંધ તરીકે જોડવામાં આવે છે, પણ આ શારીરિક સંબંધો ત્યારે જ અસરકારક પરિણામ આપી શકે જ્યારે એમાં મન પણ જોડાયું હોય. આજની ફાસ્ટ લાઇફમાં દસમાંથી પાંચથી છ કપલને નૉર્મલ રીતે પ્રેગ્નન્સી નથી રહેતી અને તેમણે IVFનો સહારો લેવો પડે છે. ડિલિવરીમાં પણ નૉર્મલને બદલે સિઝેરિયનનું પ્રમાણ વધ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે પણ યોગની નિયમિત પ્રૅક્ટિસ કરનારાઓમાં નૉર્મલ ડિલિવરી સામાન્ય છે. વાત હતી એ ઇન્ટિમેટ રિલેશનશિપની હતી.
યોગથી ઇન્ટિમેટ રિલેશનશિપમાં પૉઝિટિવ અસર તો જોવા મળે જ છે, પણ સાથોસાથ યોગને લીધે સ્પર્મ-કાઉન્ટમાં પણ વધારો થયો હોવાનું જોવા મળ્યું છે. આ પ્રક્રિયા ધીમી હોઈ શકે, પણ એ છે એટલું કન્ફર્મ છે. કપલમાંથી કોઈ એક યોગ કરે એના કરતાં જો બન્ને સાથે યોગની દિશામાં આગળ વધે તો પૉઝિટિવિટીનું પ્રમાણ બન્ને પક્ષે વધશે અને બન્ને પક્ષે જો સાથે આગળ આવવામાં આવે તો એ ચોક્કસપણે જીવનના તમામ પ્રકારના સંબંધોમાં ઉપયોગી બને.