દીકરી સાથે દોસ્તી રાખેલી, પર હવે તે કહ્યામાં નથી રહેતી

08 October, 2021 11:10 AM IST  |  Mumbai | Sejal Patel

સંતાનોના મિત્ર બનવું જોઈએ એ વાત જેટલી સાચી છે એટલું જ એ પણ ન ભૂલવું જોઈએ કે સંતાનોને માતાપિતાની પણ જરૂર છે જ

પ્રતીકાત્મક તસવીર

મારી દીકરી ૧૭ વર્ષની છે. દીકરી સાથે દોસ્તી રાખીને મેં તેને ઉછેરી છે. લોકો એમ જ માને કે અમે બહેનપણીઓ જ હોઈશું. જોકે હમણાંથી મને એવું લાગે છે કે તેને આપેલી છૂટને કારણે તેના મગજમાં મૉડર્નાઇઝેશનનું ભૂત સવાર થયું છે. તેને એમ કહીએ કે ભલે તમે પહેરવા-ઓઢવામાં મૉડર્ન હો, પણ જ્યારે ઘર સંભાળવાની વાત આવે છે ત્યારે તમારે પરંપરાગત બાબતોને છોડવી ન જોઈએ. હવે મારી વાતોને સાંભળી-ન સાંભળી કરીને ઇગ્નોર કરવા લાગી છે. પોતાને જે જોઈએ એ જોઈએ જ એવી જીદ, ઘરનું કામ તો મને ન ફાવે એવી ફિશિયારીઓ તેનામાં ઘર કરી રહી છે. મેં તેના માટે નિયમ બનાવ્યો છે કે રાતે દસ વાગ્યા પછી દોસ્તો સાથે ફરવાની વાત નહીં કરવાની, પણ તેને એ કઠે છે. તે કહે છે કે જો તને નોકરીમાં અવારનવાર મોડું થઈ જાય છે તો મનેય મોડું થાય એમાં શું વાંધો?

સંતાનોના મિત્ર બનવું જોઈએ એ વાત જેટલી સાચી છે એટલું જ એ પણ ન ભૂલવું જોઈએ કે સંતાનોને માતાપિતાની પણ જરૂર છે જ. ભલે તમે બાહ્ય રીતે બહેનપણીઓ કે બહેનો જેવાં દેખાતાં હો, તમારી અને સંતાન વચ્ચે જે એજ-ડિફરન્સ છે એ કદી ભુલાવું ન જોઈએ. કાચી માટીને ઘડાનું સ્વરૂપ આપવા માટે જરૂર પડ્યે ટપારવાનું કામ પણ માતાપિતા બનીને કરવાનું છે.  

આપણે કાં તો સંતાન જેવડા બનીને રહી શકીએ છીએ, કાં તેને ટોકી-ટોકીને ટૉર્ચર પેરન્ટ્સ બની જઈએ છીએ. બે વચ્ચેનું સંતુલન મહત્ત્વનું છે. દીકરી હોય કે દીકરો, બન્નેને તેમની જવાબદારીઓનું ભાન કરાવવું બહુ જરૂરી છે. રાતે મોડા આવવા બાબતે મા સાથે સરખામણી કરવી હોય તો મમ્મી ઘરની જેટલી જવાબદારીઓ ઉઠાવે છે એમાં પણ હેલ્પ કરતાં શીખવું જરૂરી છે. મમ્મી આમ કરી શકે તો હું કેમ નહીં? એવી દલીલ કરવી હોય તો પહેલાં મમ્મી જે જવાબદારીઓ ઉઠાવે છે, કમાણી કરે છે અને ઘરના તમામ લોકોને સંભાળે છે એ બધું જ સમજવું પડશે. સ્વતંત્રતા આપવાની સાથે જો તમે સંતાનોને જવાબદાર ન બનાવો તો આવી તકલીફો થવાની જ. મિત્ર બનેલું ત્યારે જ સાર્થક થાય જ્યારે તમે પેરન્ટ્સ તરીકે તેમના માટે શું કરો છો અને કેમ કરો છો એની અહેમિયત પણ સમજાવી શકો.

sejal patel sex and relationships