03 September, 2025 01:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સમય બપોરનો છે. એક યુવક મળવા આવ્યો છે. આવીને તેણે તેના જીવનના નજીકના ભૂતકાળમાં બની ગયેલી એક ઘટનાની વાત શરૂ કરી. ભાવ તેનો સ્પષ્ટ હતો અને લાગણી પણ એમાં ભારોભાર હતી.
‘સાહેબજી, મારી જ ઑફિસમાં કામ કરતા એક માણસે સાડાપંદર લાખ રૂપિયાની ચોરી કરી.’
‘સાડાપંદર લાખની?’
‘હા.’
‘પછી?’
‘પછી શું, શંકા મને તેના પર જ હતી. આકરી પૂછપરછ શરૂ કરી. જવાબો આપતાં તે ત...ત...પ...પ...કરવા લાગ્યો પણ ખુલ્લી કબૂલાત તેણે ન કરી તે ન જ કરી. એક જ વાત કર્યા કરે કે મને કંઈ ખબર નથી, હું કશું જાણતો નથી.’
‘હંમ... પછી?’
‘મારા એક મિત્રની મેં આ વિશે સલાહ લીધી તો તેણે સીધો જ રસ્તો દેખાડ્યો કે તું બીજું કંઈ જ ન કર, પોલીસને સોંપી દે, પોલીસ તેની પાસે બધું જ ઓકાવીને કબૂલ કરાવી દેશે. વાત મને સાચી પણ લાગી. મારા હાથ કાળા કરવાને બદલે હું શું કામ કાયદાકીય રસ્તો જ ન વાપરું. મિત્રની સલાહ અનુસાર મેં તેને પોલીસને સોંપી તો દીધો પણ મને એવો કોઈ ખ્યાલ નહીં કે ગુનો કબૂલ કરાવવા પોલીસ તેની સાથે એવું કામ કરશે જેની કોઈ કલ્પના સુધ્ધાં ન કરી શકે.’ વાત કરતાં-કરતાં પણ ભાઈની આંખોમાં આંસુ આવી ગયાં હતાં, ‘બે દિવસ પછી બપોરના સમયે હું જમવા બેસતો હતો અને ત્યાં કોઈકે મને સમાચાર આપ્યા કે ગુનો કબૂલ કરાવવા તમારા માણસને પોલીસ બેરહમીથી ઢોરમાર મારી રહી છે...’
સહેજ શ્વાસ લઈને ભાઈએ વાત આગળ વધારી,
‘હું જમવા ન બેસતાં સીધો પોલીસચોકીએ ગયો. મુખ્ય અધિકારીને મળીને કહી દીધું કે મને મારો માણસ પાછો આપી દો. અધિકારીએ તરત જ મને મારા સાડાપંદર લાખ રૂપિયા યાદ કરાવ્યા, પણ મેં ચોખ્ખું કહી દીધું કે હું તેની સાથે સમજી લઈશ. તે વધુ દલીલ કરે એ પહેલાં તેના હાથમાં થોડીક રકમ પકડાવીને મારા માણસ પાસે હું પહોંચી ગયો. માર ખાવાથી તેની જે કફોડી હાલત થયેલી એ જોઈને હું રડી પડ્યો. તેનો હાથ પકડીને તેને બહાર તો લઈ આવ્યો પણ તેને લઈને ગયો સીધો કંદોઈની દુકાને. પેંડા ખરીદીને તેને ખવડાવ્યા. તેના માથે પ્રેમભીનો હાથ ફેરવીને તેને એટલું જ કહ્યું, ‘ભાઈ, ફરી ક્યારે ય ભૂલ ન કરતો.’ તેણે ચોરીની કબૂલાત કરી લીધી. મારી રકમ મને પાછી મળી ગઈ. તેના પ્રત્યેનો મારો પ્રેમ અકબંધ રહી ગયો.
વેરથી વેર વધે ને પ્રેમથી પ્રેમ મળે એ આનું નામ.
- જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.