17 June, 2025 06:51 AM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
સીધો જ જવાબ છે કે ના, જો તમે સંબંધોને લાઇવ રાખવાની કોશિશ કરતા રહો અને સતત પાર્ટનરને હૂંફ દર્શાવ્યા કરો. લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપની આ બહુ અગત્યની જરૂરિયાત છે. દરેક તબક્કે એકબીજાને જોડી રાખવાનું કામ ઇન્ટિમેટ રિલેશનશિપ જ કરે એ જરૂરી નથી, પણ ઇન્ટિમેટ રિલેશનશિપની ગરજ સારે એ પ્રકારની લાગણી અને પ્રેમ તો સંબંધોમાં હોવાં જ જોઈએ. હમણાં જ એક અનમૅરિડ કપલ સાથે આ બાબતમાં વાત થઈ અને એમાંથી આજનો આ મુદ્દો જન્મ્યો.
એ કપલ એકબીજાને અનહદ પ્રેમ કરે, પણ બન્ને વચ્ચે ઑલમોસ્ટ ૧૨૦૦ કિલોમીટરનું ડિસ્ટન્સ હશે. મેલ પાર્ટનર દિલ્હીમાં રહે અને છોકરી સુરતની. બન્ને પ્રયાસ કરે કે દોઢ-બે મહિને એકબીજાને મળે. ઘણી વાર એ સમયગાળો લંબાઈ પણ જાય. ધીમે-ધીમે બન્ને વચ્ચે મતભેદ વધવા માંડ્યા અને એવો સમય આવી ગયો કે બન્ને પક્ષેથી મનભેદ વધી ગયો. થોડા સમય પહેલાં બન્ને પાર્ટનર મ્યુચ્યુઅલ અન્ડરસ્ટૅન્ડિંગ સાથે રૂબરૂ મળવા આવ્યાં. બન્નેની વાતો સાંભળી, જરૂરી લાગી એટલે બન્નેની ચૅટ પણ વાંચી અને તારણ પર આવી શકાયું કે રિલેશનશિપમાં બન્ને પક્ષેથી હૂંફ કે લાગણી આપવાનું, એકબીજા સુધી પહોંચાડવાનું બંધ થઈ ગયું છું. મૉનોટોની કહીએ એવો વાર્તાલાપ બન્ને વચ્ચે શરૂ થઈ ગયો હતો. સંબંધોમાં મૉનોટોની ખરાબ નથી. તમે કોઈને પ્રેમ કર્યો હોય એ સમયે શરૂઆતની જે ઉષ્મા હોય કે ઉન્માદ હોય એ પ્રેમ મૅચ્યોર્ડ થાય ત્યારે ન પણ હોય અને એમાં કશું ખરાબ કે ખોટું નથી. એનો અર્થ એવો નથી નીકળતો કે હવે પ્રેમ રહ્યો નથી, પણ જો એ મૅચ્યોરિટીમાં લાગણીને સ્થાન ન મળતું હોય તો માની શકાય કે પ્રેમ રહ્યો નથી અને કાં તો પ્રેમ દર્શાવવામાં હવે બન્ને પક્ષે કંજૂસી શરૂ કરી છે.
એ અનમૅરિડ કપલની તમે પહેલાંની ચૅટ વાંચો તો તમને એવું લાગે કે જાણે શાબ્દિક પ્રણય કવિતા ચાલી રહી છે. ખોટા દેખાડા નહીં પણ પ્રત્યેક શબ્દમાં એકબીજા માટેનો પ્રેમ દેખાતો હતો, પણ એ પછી માત્ર ઇન્ફર્મેશનની આપ-લે શરૂ થઈ ગઈ હતી અને ઇન્ફર્મેશન જો પ્રેમ હોય તો ઇન્ક્વાયરી વિન્ડો પર બેસતા કે ઇન્ક્વાયરી માટે જતા લોકોને પ્રેમ થઈ જતો હોત. દામ્પત્યજીવનમાં આત્મીયતા દર્શાવવા માટે ઇન્ટિમેટ રિલેશનની આવશ્યકતા જેટલી અનિવાર્ય છે એટલી જ અનિવાર્યતા પ્રેમભર્યા સંવાદની અનમૅરિડ લાઇફ વચ્ચે એટલે કોર્ટશિપમાં છે. સંબંધોમાં જો એક પાત્ર એવું ધાર્યા કરે કે સંબંધો સાચવવાની જવાબદારી તેની એકની જ છે તો એ રિલેશનશિપ ક્યારેય લાગણીની ચરમસીમા પામે નહીં.